સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન – હિંદી ફિલ્મોનાં ગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

સચિન દેવ બર્મને રચેલાં પુરુષ ગાયકોના સ્વરમાં ગવાયેલાં સૉલો અને યુગલ ગીતોની આ શ્રેણીમાં આપણે કિશોરકુમાર, મુહમ્મદ રફી, મૂકેશ, તલત મહમૂદ, હેમંતકુમાર, મન્ના ડે અને ‘અન્ય’ ગાયકોએનાં ગીતો સાંભળી ચૂક્યાં છીએ. સચિન દેવ બર્મને રચેલાં પુરુષ સ્વરનાં ગીતોમાં હવે તેમણે પોતે રચેલાં અને ગાયેલાં ગીતો બાકી રહે છે.

સચિન દેવ બર્મનના અવાજમાં એક અનોખો મિજ઼ાજ જોવા મળે છે, જે તેમને બાકી અન્ય બધાજ ગાયકોથી સાવ અલગ તારવી રાખે છે. તેમણે હિંદી ફિલ્મનાં ગીતો તો આંગળીને ટેરવે ગણાય એટલાં જ ગાયાં છે, પણ એ દરેક રચના એક વાર સાંભળ્યા પછી હિંદી ફિલ્મ સંગીતના પ્રેમીઓને એ ગીતની એક ખાસ ચાત બની રહેતી આવી છે.તેમણે ગયેલ ગીતો મહદ અંશે બંગાળ, આસામ અને ત્રિપુરાની લોકધુનો પરથી રચાયાં છે. ગીતની વાદ્યસજ્જામાં પણ એ પ્રદેશનાં વાદ્યોને પ્રાધાન્ય મળતું પણ જોવા મળે છે. કદાચ એ જ કારણ હશે કે જ્યારે પણ તેમને આવી રચના પ્રયોજવાનું નક્કી કર્યું હશે ત્યારે તેને ન્યાય આપવા માટે પોતાના જ કંઠનો પ્રયોગ કરવાનું યોગ્ય માન્યું હોય.

સચિન દેવ બર્મનની સંગીતનાં ક્ષેત્રની કારકીર્દી ૧૯૩૯માં કોલકત્તામાં ગાયક-સંગીતકાર તરીકે થઈ. કેટલાક ઈતિહાસકારો એમ પણ નોંધે છે કે ૧૯૩૩ની ફિલ્મ ‘યહુદીકી લડકી’માં પંકજ મલ્લિકે રચેલાં કેટલાંક ગીતો તેમણે ગાયાં હતાં, પરંતુ એ ગીતો પછીથી પહાડી સાન્યાલના સ્વરમાં ફરીથી રેકોર્ડ કરવામાં આવ્યાં હતાં. ૧૯૪૧માં તેમણે હિંદી ફિલ્મ માટે પહેલું ગીત ગાયું – ફિલ્મ હતી ‘તાજ મહલ’, સંગીતકાર હતા મધુલાલ દામોદર માસ્ટર અને ગીતકાર હતા માસ્ટર અનુજ.

તે પછી તેમણે ૧૯૭૧માં આર ડી બર્મનનાં સંગીત નિદર્શનમાં ‘અમર પ્રેમ’ માટે કોઇ અન્ય સંગીતકાર માટે હિંદી ફિલ્મનું ગીત ગાયું.

એ સિવાય તેમણે જે કોઈ હિંદી ફિલ્મનાં અને ગૈર ફિલ્મી ગીતો ગાયાં તે તેમનાં પોતાની જ રચનાઓ હતી. આજના આ અંકમાં આપણે એસ ડી બર્મને તેમનાં પોતાનાં સંગીતમાં ગાયેલાં હિંદી ફિલ્મોનાં ગીતો સાંભળીશું.

સચિન દેવ બર્મનની હિંદી ફિલ્મોમાં સંગીતકાર તરીકેની કારકીર્દીની શરૂઆત ૧૯૪૬ની ફિલ્મ ‘આઠ દિન’થી થઈ.

ઉમ્મીદ ભરા પંછી થા ખોજ રહા સજની, કહેતા થા યહી પંછી હાયે બીછડ ગઈ સજની – આઠ દિન (૧૯૪૬) – ગીતકાર જી એસ નેપાલી

આ ગીત સાંભળીશું એટલે ખ્યાલ આવશે કે ૧૯૪૧માં તેમણે ગાયેલ ‘તાજ મહલ’નાં ગીતમાં તેમની ગાયન શૈલી અને હવે તેમણે અપનાવેલી શૈલીમાં કેટલું અંતર છે, કેટલી સર્જનાત્મકતા છે.

બીજી જે વાત ખાસ ધ્યાન ખેંચે છે તે એ છે કે તેમનો અવાજ હવે પછીથી ક્યારે પણ બદલાયેલો નહીં લાગે, તેમણે છેક ‘૭૦ના દાયકામાં ગાયેલાં ગીતોમાં પણ આ જ સ્વર સાંભળવા મળે છે.

બાબુ બાબુ રે દિલકો બચાના – એસ એલ પુરીસાથે – આઠ દિન (૧૯૪૬) – ગીતકાર: ક઼મર જલાલાબાદી / જી એસ નેપાલી (?)

ફિલ્મમાં અશોક કુમાર પણ છે, એસ એલ પુરી તો ફિલ્મમાં એક કલાકાર તરીકે પણ છે એટલે એમણે તો પોતાના જ પાત્ર માટે ગીત ગાયું હશે તેમ માની લઈએ પરંતુ પ્રસ્તુત ગીતની ઓડીયો ક્લિપ જ ઉપલબ્ધ છે એટલે એ સિવાય કયા અભિનેતા માટે કયા ગાયકે પાર્શ્વગાયન કર્યું હશે તે ખબર નથી પડતી.

દિલ લગા કે ક઼્દર ગયી પ્યારે – કાલા પાની (૧૯૫૮) – આશા ભોસલે – ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

રેકોર્ડ પર છપાયેલ મહિતી મુજબ આ ગીતમાં એસ ડી બર્મનનો કોઈ અધિકૃત ફાળો નથી. પરંતુ ગીતમાં @ ૧.૦૪ અને ૨.૧૩ પર જે “ધીન તા થા’ના ઉદ્ગારોનું સંમ્મિશ્ર્ણ કરી લેવામાં આવ્યું છે તે એસ ડી બર્મને પોતે ગાયેલ છે એવું જાણકારો નોંધે છે.

સુન મેરે બંધુ રે સુ્ન મેરે મિતવા – સુજાતા (૧૯૫૯) – ગીતકાર – મજરૂહ સુલ્તાનપુરી

બંગાળની લોક ધુનમાં જે ‘માંઝી’નાં ગીતો તરીકે જાણીતાં છે એવાં લોકગીતોની ધુન પર આધારિત ગીતોને હિંદી ફિલ્મોમાં સુરમાં ઢાળવાની એક આગવી પ્રથાને એસ ડી બર્મનની ગાયકીએ એક ખાસ સ્થાન બક્ષવાનું કામ કર્યું.

ઓ રે માંઝી ઓ રે માંઝી – બંદિની (૧૯૬૩) – ગીતકાર શૈલેન્દ્ર

નાયિકાની દ્વિધાને કાવ્યમય રજૂઆત દ્વારા વર્ણવવાની દિગ્દર્શક બિમલ રોયની દૃષ્ટિને સચિન દેવ બર્મને સુર દેહમાં સજાવી આપી છે.

આ પહેલાં જે ગીત આપણે સાંભળ્યું, તે ફિલ્મ ‘સુજાતા’ના પણ દિગ્દર્શક બિમલ રોય જ છે. આમ ફિલ્મની એક ખાસ સીચુએશનને રજૂ કરવા માટે અમુક ચોક્કસ પ્રકારની ધુન અને તેની બહુ જ આગવી રજૂઆત એ વિચાર જરૂર દિગ્દર્શકનો હશે જેને યથાતથ ચરિતાર્થ કરી આપવાની જવાબદારી સચિન દેવ બર્મને એસ ડી બર્મનના સ્વરમાં પુરી કરી છે.

વહાં કૌન હૈ તેરા મુસાફિર તૂ જાયેગા કહાં – ગાઈડ (૧૯૬૫) – ગીતકાર શૈલેન્દ્ર

એસ ડી બર્મનના સ્વરમાં ગવાયેલ ગીત વડે ફિલ્મની વાર્તાની ભૂમિકાને ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સમાં જ બાંધી લેવાનો અનોખો પ્રયોગ ફિલ્મના દિગ્દર્શક વિજય આનંદે ખૂબ સફળતાપૂર્વક કર્યો છે.

અલ્લાહ મેઘ દે પાની દે – ગાઈડ (૧૯૬૫) – ગીતકાર વિજય આનંદ

‘ગાઈડ” ફિલ્મના દિગ્દર્શક વિજય આનંદે એસ ડી બર્મનના સ્વરનો ફિલ્મમાં એક વાર ફરીથી બહુ ખૂબીપૂર્વક પ્રયોગ કર્યો છે. અહીં રજૂ કરેલ ક્લિપમાં એ આખી સીચ્યુએશન ખાસી વિગતમાં જોવા મળૅ છે. વરસાદના આગમનની રાહ જોતાં જોતાં વાતાવરણમાં વધતા જતા તણાવની અસર મુક્ત કરવા જ જાણે કે આખો ગ્રામ સમુહ એક આર્તપ્રાર્થનામાં પોકાર કરી ઊઠે છે.

ઓ માં માં…મેરી દુનિયા હૈ મા તેરે આંચલમેં – તલાશ (૧૯૬૯)- ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

મા માટેની લાગણી હૃદયનાં ઊંડાણમાંથી પ્રજ્વળવાનો ભાવ એસ ડી બર્મન પોતાના સુરમાં રજૂ કરે છે.

કાહે કો રોયે..ચાહે જો હોયે સો હોયે સફલ હોગી તેરી આરાધના – આરાધના (૧૯૬૯) – ગીતકાર

અહીં એસ ડી બર્મનનો સ્વર જમાનાની અવળી ચાલોમાં ફસાઈ ગયેલ એક નારીને સધિયારો આપે છે.

પ્રેમ કે પુજારી હૈ હમ રસ કે ભિખારી – પ્રેમ પુજારી (૧૯૭૦) – ગીતકાર નીરજ

એસ ડી બર્મનના સ્વરમાં, કવિ નીરજના બોલ, ફિલમનાં ટાઈટલ્સમાં ફિલ્મનાં કથાવસ્તુનાં હાર્દને રજૂ કરે છે

ઝિંદગી ઓ ઝિંદગી તેરે હૈ દો રૂપ – ઝિંદગી ઝિંદગી (૧૯૭૨) – ગીતકાર આનંદ બક્ષી.

એસ ડી બર્મનના સ્વરમાં ફરી એક વાર ફિલ્મનાં ટાઈટલ્સ અને કથાવસ્તુનાં હાર્દની સંવેદનશીલ રજૂઆત.

પિયા તૂને ક્યા કિયા – ઝિંદગી ઝિંદગી (૧૯૭૨)- ગીતકાર આનંદ બક્ષી

એસ ડી બર્મન તેમના સ્વરને અલગ અલગ કક્ષાએ રમતા મૂકીને ‘તૂને’માંથી ‘મૈંને”માં ગીતના ભાવને પણ અલગ અલગ ભાવમાં પરિવર્તિત કરતા રહે છે.

છોટે છોટે સપન હમાર – સગીના (૧૯૭૪) – ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

હિંદી ફિલ્મો માટે એસ ડી બર્મનનું આ છેલ્લું ગીત પણ યોગાનુયોગ એક અંતિમ યાત્રાની વાત રજૂ કરવાની સાથે ફિલ્મના અંતમાં પરિણમે છે.

ઇન્ટરનેટ પરના કેટલાક સંદર્ભોમાં ફિલ્મ ‘તેરે મેરે સપને'(૧૯૭૧)માં પણ એસ ડી બર્મનના સ્વરમાં ગવાયેલ ‘ફૂલવા મંગાઓ જરા અંગના સજાઓ રે’નો ઉલ્લેખ જોવા મળે છે. જો કે મને આ ગીતનો કોઈ અન્ય સંદર્ભ નથી મળી શકયો.

આ ઉપરાંત અહીં ૧૯૭૨ની ફિલ્મ ‘યે ગુલિશ્તાં હમારા’નાં એવાં બે ગીત મૂક્યાં છે જેમાં એસ ડી બર્મનનો સ્વર ‘કાલા પાની’નાં ગીતની જેમ બહુ નાના ટુકડાઓમાં, ગીતની પૂરક રચનાના ભાગ સ્વરૂપે, પ્રયોજાયેલ છે.

ક્યા યે ઝિંદગી હૈ – ૦.૪૪ અને ૧.૫૧ પર એસ ડી બર્મન એક વાક્ય ગાઈને ગીતની વ્યથાને ઉજાગર કરે છે.

રૈના સોયી નૈના જાગે જાગે – સ્થાનિક પ્રજાના રાજાના દરબારમાં ત્યાંના લોકગીત પર આધારીત એક ગીતની સીશ્યુએશન પર આ ગીતની રચના કરવામાં આવી છે. ગીતમાં વાદ્ય સજ્જામાં અમુક અમુક જગ્યાએ કોઈ સ્થાનિક પાત્ર પણ નાના સરખા આલાપ લલકારી લે છે તેમ બતાવાયું છે. આવા @૦.૩૧, ૨૦૩૧ જગ્યાએ અમુક ટૂકડા એસ ડી બર્મને આલાપ્યા છે તો @૧.૨૦ જેવા મુક ટુકડાને આર ડી બર્મને સ્વર આપ્યો છે.

સચિન દેવ ગર્મને રચેલાં તેમણે પોતાના સ્વરમાં ગયેલાં ગૈર ફિલ્મી ગીતો આપણે હવે પછીથી યાદ કરીશું.

1 comment for “સચિન દેવ બર્મન અને એસ ડી બર્મન – હિંદી ફિલ્મોનાં ગીતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *