





– ચિરાગ પટેલ
पू.ऐ. ४.२५.१० (३६९) ऋचँ साम यजामहे याभ्यां कर्माणि कॄण्वते । वि ते सदसि राजतो यज्ञं देवेषु वक्षतः ॥
ઋચા અને સામ ગાનની સહાયતાથી યજ્ઞ સંપન્ન કરવામાં આવે છે. યજ્ઞમાં બોલાયેલા મંત્રોની સફળતાથી જ યજ્ઞ દેવો સુધી પહોંચે છે.
આ શ્લોકમાં યજ્ઞની વિધિ માટે ઋગ્વેદની ઋચાઓ અને સામવેદના મંત્રોનો ઉપયોગ થતો હોવાનો નિર્દેશ છે. વળી, અહીં મંત્રોની સફળતાનો ઉલ્લેખ પણ અગત્યનો છે. મંત્ર સફળ ત્યારે જ કહેવાય જયારે એના દરેક અક્ષરના ઉચ્ચાર, આરોહ, અવરોહ સ્પષ્ટ હોય. વળી, સામવેદ તો ગાયનનો વેદ છે. એટલે, એ કાળમાં સામવેદના મંત્રોના ગાયન માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિ હશે અને એ પદ્ધતિ અનુસાર ગાન કરવું પણ અગત્યતા ધરાવતું હશે.
पू.ऐ. ४.२६.२ (३७१) श्रत्ते दधामि प्रथमाय मन्यवेऽहन्यद्दस्युं नर्यं विवेरपः । उभे यत्वा रोदसी धावतामनु भ्यसाते शुष्मात्पॄथिवी चिदद्रिवः ॥
હે ઈન્દ્ર ! દુષ્ટ સંહારક પ્રાણીઓ માટે હિતકારી જળ પ્રવાહિત કરનારા, દ્યુલોક અને પૃથ્વીલોકને ઇચ્છાનુસાર ગતિશીલ કરનારા, આપના એ તીવ્ર મન્યુ (અનીતિ નિવારક ક્રોધ) પર અમે યાજકો શ્રદ્ધાવાન છીએ.
આ શ્લોકમાં ઈન્દ્રને જળ પ્રવાહિત કરનાર તરીકેની ઉપમા મળી છે. બીજા અનેક શ્લોકમાં ઋષિ ઈન્દ્રને મરુદગણો દ્વારા લાવનાર તરીકે ઉલ્લેખવામાં આવે છે. એટલે, આપણે એવું કહી શકીએ કે, ઈન્દ્ર એ ચોક્કસપણે વર્ષા લાવનાર પ્રાકૃતિક બળ છે. ઋષિ એ પ્રાકૃતિક બળને દ્યુલોક અને પૃથ્વીને ગતિ આપનાર પણ ગણે છે. અનેક શ્લોકમાં ઉલ્લેખાયેલ દ્યુલોક એ પૃથ્વીની ફરતે આવેલું વાતાવરણ હોય એવું લાગે છે. વળી, પૃથ્વી પોતે ગતિશીલ છે એ નિર્દેશ પણ અહીં ધ્યાન ખેંચે એવો છે. પૌરાણિક/વૈદિક કાળમાં પૃથ્વી સ્થિર હોય અને અવકાશી પદાર્થો એની ફરતે ગતિ કરે; એને બદલે પૃથ્વી પોતે પણ ગતિશીલ છે એ ખ્યાલ હોવો અનન્ય છે. પશ્ચિમમાં છેક 16મી સદીમાં કોપરનિકસે પૃથ્વી સ્થિર હોવાની માન્યતાનું ખંડન કર્યું હતું.
पू.ऐ. ४.२७.९ (३७८) घॄतवती भुवनानामभिश्रियोर्वी पॄथ्वी मधुदुधे सुपेशसा । द्यावापॄथिवी वरुणस्य धर्मणा विष्कभिते अजरे भूरिरेतसा ॥
દીપ્તિમાન, પ્રાણીઓના આધાર, વિશાળ, સુવિસ્તૃત, મધુર જળ આપનાર, વરુણની શક્તિથી ટકેલા , અવિનાશી, શ્રેષ્ઠ ઉત્પાદકતાવાળા, આ દ્યુલોક અને પૃથ્વી છે.
આ શ્લોકમાં પૃથ્વી અને દ્યુલોક માટે બે વિશેષણો પ્રયોજાયા છે – દીપ્તિમાન અને વરુણની શક્તિથી ટકેલા. પૃથ્વી સિવાયના અવકાશી પદાર્થો પ્રકાશિત હોવાથી પૃથ્વી પણ પ્રકાશિત હોવી અને પૃથ્વી પણ બીજા અવકાશી પદાર્થો સમાન હોવી એવું માનવું તાર્કિક છે. વળી, પૃથ્વી કોઈ શક્તિ, જેને આજે આપણે ગુરુત્વાકર્ષણ કહીએ છીએ, ને લીધે અવકાશમાં ટકેલી છે એવી સમજણ હોવી એ ઘણી જ આશ્ચર્યની વાત છે.
पू.ऐ. ४.२७.११ (३८०) प्र मन्दिने पितुमदर्चता वचो यः कॄष्णगर्भा निरहन्नॄजिश्वना । अवस्यवो वॄषणं वज्रदक्षिणं मरुत्वन्तँ सखाय हुवेमहि ॥
હે ઋત્વિજો! શ્રેષ્ઠ ઇન્દ્રની હવિષ્યાન્ન આપી પૂજા કરો.ઋજિશ્વની સહાયથી કૃષ્ણનો ગર્ભિણી સ્ત્રીઓ સાથે વધ કરનારા, જમણા હાથમાં વજ્ર ધારણ કરનારા, મરુદગણો સાથે હાજર રહેનારા, શક્તિસંપન્ન ઈન્દ્રનું, પોતાની રક્ષા માટે, મિત્રતા માટે, અમે આવાહન કરીએ છીએ.
વેદોમાં ઈન્દ્રની સર્વોચ્ચતા સિદ્ધ કરતો આ વધુ એક શ્લોક છે. વળી, અહીં કૃષ્ણનો વધ ઈન્દ્ર દ્વારા થયો હોવાનો ઉલ્લેખ છે. આ કૃષ્ણ મહાભારતના નાયક કૃષ્ણ કે કોઈ બીજા કૃષ્ણ એ ખ્યાલ નથી આવતો. પૂર્વેના એક શ્લોકમાં યમુના કિનારે રહેતા કૃષ્ણનો ઉલ્લેખ છે, એટલે આ કૃષ્ણ પણ ગીતા કહેનારા કૃષ્ણ હોવાની શક્યતા વધુ છે. મહાભારત અને ભાગવતની કથાઓથી વિરુદ્ધ સામવેદમાં ઈન્દ્રની સર્વોપરિતા છે. સામવેદમાં ઈન્દ્રની કૃષ્ણ સાથેની શત્રુતાને મહત્વ આપવાથી માની શકાય કે કૃષ્ણ ચોક્કસપણે એક શક્તિશાળી પૌરાણિક વ્યક્તિ તો હશે જ!
पू.ऐ. ४.२८.४ (३८४) यत्सोममिन्द्र विष्णवि यद्वा घ त्रित आप्त्ये । यद्वा मरुत्सु मन्दसे समिन्दुभिः ॥
હે ઈન્દ્ર ! યજ્ઞમાં વિષ્ણુ ઉપસ્થિત રહ્યા પછી, આપે જે સોમપાન કર્યું, અથવા આપ્ત્ય-ત્રિતની અથવા મરુદગણોની સાથે અથવા અન્ય યજ્ઞોમાં, સોમરસના સેવનથી આનંદિત થનારા આપ અમારા યજ્ઞમાં સોમપાન કરી આનંદિત થાવ.
સામવેદના ઘણાં એવા શ્લોકમાનો આ એક શ્લોક છે જેમાં વિષ્ણુનો ઉલ્લેખ થયો છે. આપણે પાઠ્યપુસ્તકોમાં એવું ભણીએ છીએ કે, વેદોમાં પ્રકૃતિના તત્વોની પૂજા છે. પણ, આ શ્લોક એવું બતાવે છે કે, યજ્ઞની વિધિમાં વિષ્ણુનું એક આગવું સ્થાન હશે. એટલે, વિષ્ણુ પૂજનીય વૈદિક કાળથી તો હશે જ.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
2 comments for “ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૯”