





– બીરેન કોઠારી
સ્વર્ગસ્થ સાહિત્યકાર ચં.ચી.મહેતાના એક પ્રવાસવર્ણનમાં વાંચ્યું હોવાનું યાદ છે એ મુજબ પૂર્વ જર્મનીના પ્રવાસ દરમિયાન તેઓ પોતાની ગાઈડને ત્યાંની સરકાર વિશે પૂછે છે. બન્ને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં હોય છે. તેમની ગાઈડ તેમને કાનમાં કહીને ચેતવે છે કે સરકાર વિશે જાહેરમાં પૂછવું નહીં. આસપાસમાં ઊભેલામાંથી કોઈ પણ વ્યક્તિ પોલિસ હોઈ શકે.
મેક્સિમ ગોર્કીની વિખ્યાત નવલકથા ‘મા’માં ક્રાંતિનો સમયગાળો આલેખવામાં આવ્યો છે. ઘરમાં રહેલી વ્યક્તિ પણ શાસક વિરુદ્ધ બોલે તો ઘરની બહાર ઊભેલી પોલિસ સાંભળી લે એવી સ્થિતિ તેમાં દર્શાવી છે. સ્મૃતિને આધારે લખેલા આ કિસ્સાઓમાં નાગરિકોના રોજબરોજના વહેવાર પર સરકારની ચાંપતી નજર મુખ્ય બાબત છે. તેનું ઓઠું ગમે તે હોઈ શકે. પણ મોટે ભાગે તે રાષ્ટ્રની સુરક્ષાનું હોય છે. આમાં રાષ્ટ્ર એટલે શાસકો સમજવાનું.
પુસ્તકોમાં આવું બધું વાંચ્યા પછી એમ લાગે કે વિદેશોમાં કેવું કેવું હોય છે! પણ 1975 થી 1977 દરમિયાન, વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટી દ્વારા અનુભવ થયો કે આવું આપણા દેશમાં પણ બની શકે છે. હવે ઘણાને લાગે છે કે વર્તમાન સરકાર આવું જ કામ કટોકટી લાદ્યા વિના કરી રહી છે. લોકશાહી રાજ્યપદ્ધતિમાં ખરેખર તો શાસકને અમર્યાદ બનતો રોકી શકાય છે. એ જવાબદારી વિપક્ષો કરતાં વધુ નાગરિકોની છે. સરકાર પાસે ઘણી સત્તાઓ હોય છે, અને આ સત્તાનો અમર્યાદ ઊપયોગ કરવાની લાલચ ભાગ્યે જ કોઈ ખાળી શકે છે. રાષ્ટ્રના હિતની વાત કરતાં કરતાં ક્યારે પક્ષનું, અને પછી વ્યક્તિગત હિત કેન્દ્રમાં આવી જાય તેનું ભાન ભૂલી જવાય છે, અથવા તો જાણીબૂઝીને ભૂલાવી દેવામાં આવે છે.
થોડા સમય પહેલાં આધાર કાર્ડ કેટલાં સુરક્ષિત એ અંગે વિવાદ ચાલ્યો હતો. તાજેતરમાં ‘ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઈન્ડીયા’ (ટ્રાઈ) ના ચેરમેન અને ‘યુ.આઈ.ડી.એ.આઈ.’ના ભૂતપૂર્વ ડિરેક્ટર રામસેવક શર્માએ પોતાનો આધાર કાર્ડ નંબર જાહેર કરીને ખુલ્લો પડકાર ફેંક્યો કે પોતાની માહિતી કોઈ ચોરી બતાવે. ગણતરીની મિનીટોમાં કેટલાક વીરલાઓએ આ પડકાર ઝીલી લીધો અને શર્માસાહેબના બૅન્કના ખાતાની વિગતો, ઈ-મેલ સહિત બીજી અનેક વિગતો જાહેર કરી દીધી. અલબત્ત, શર્માસાહેબે જણાવ્યું કે ભલે ચોરી થઈ, પણ એનાથી પોતાનું કોઈ નુકસાન થઈ શકે એમ નથી. આનો અર્થ એ કે નાગરિકોએ આવી બધી બાબતોથી ડરવાની જરૂર નથી.
બીજી એક ઘટના આ સંદર્ભે મહત્ત્વની છે અને એ છે વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલી ‘સોશ્યલ મિડીયા કમ્યુનિકેશન્સ હબ’ની રચના કરવાની દરખાસ્તની સર્વોચ્ચ અદાલત દ્વારા નામંજૂરી. ‘સોશ્યલ મિડીયા’ હવે એક મહત્ત્વના માધ્યમ તરીકે ઊભરી રહ્યું છે. તેને અવગણી શકાય નહીં. સરકાર દ્વારા સૂચિત ‘સોશ્યલ મિડીયા કમ્યુનિકેશન્સ હબ’ના શા હેતુ હતા?
વિવિધ કલ્યાણયોજનાઓના સામાજિક માધ્યમ દ્વારા કરવામાં આવતા પ્રચારની અસર તપાસવી તેમજ આ ઝુંબેશમાં જરૂર મુજબ સુધારણા લાવવી. તેમાં બે મુખ્ય ઘટકો હતાં, જેમાં સમૂહ પર જાપ્તો રાખી શકાય એવાં સાધનો થકી માહિતી એકત્ર કરવી અને તેના આધારે લોકોને ઓળખવા તેમજ આ માહિતી થકી વિવિધ મુદ્દે લોકોના વલણની રુખ પારખવી. આનો અર્થ ન સમજવા માટે કાતિલ ભોળપણ જોઈએ.
સરકાર ચાહે કોઈ પણ પક્ષની હોય, તે નાગરિકોની સમગ્ર હિલચાલ પર દેખરેખ રાખવાનો દાવો કરે, ભલે ને એ દાવો રાષ્ટ્રના હિતને આગળ કરીને કેમ ન કરાયો હોય, તો પણ તેને કદી શંકાનો લાભ આપી શકાય નહીં.
વર્તમાન સરકારની આ દરખાસ્તને તૃણમૂલ કૉંગ્રેસની ધારાસભ્ય મહુઆ મોઈત્રાએ અદાલતમાં પડકારી હતી. તૃણમૂલ કૉંગ્રેસનાં મમતા બેનરજીનું પોતાના રાજ્યમાં આ બાબતે વલણ પણ કંઈ ખાસ વખાણવા જેવું નહોતું. આમ છતાં, એક બાબત સ્પષ્ટ થાય છે કે સબળ વિરોધપક્ષ હોવો જરૂરી છે. કોઈ પણ પક્ષ સત્તાસ્થાને આવતાં તે બેફામ બને એવી પૂરેપૂરી સંભાવના હોય છે. તેને યોગ્ય રીતે કાબૂમાં રાખવા માટે વિરોધ પક્ષ જરૂરી છે.
મોઈત્રાના વકીલ અભિષેક મનુ સિંઘવીની દલીલ અનુસાર 20 ઑગષ્ટના રોજ ટેન્ડર ખૂલવાનાં હતાં. ટેન્ડરમાં આ જ મંત્રાલય સાથે સંલગ્ન એકમ ‘બ્રોડકાસ્ટ એન્જિનિયરીંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ’ (બેસિલ) દ્વારા દરખાસ્ત મંગાવવામાં આવી હતી, જેમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના હબ માટે સોફ્ટવેરના સપ્લાય, ઈન્સ્ટૉલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ (એસ.આઈ.ટી.સી.) માટેની રકમ નક્કી કરવાની હતી. મહુઆ મોઈત્રા અનેક સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર સક્રિય છે, તેમણે આ ગતિવિધિના વિરોધની દલીલમાં જણાવ્યું હતું કે તેનો હેતુ લોકો પર ચાંપતી નજર રાખવાનો જ છે.
આ વાત હાલ તુરત તો પડતી મૂકાઈ ગઈ છે, પણ તે થોડા સમય પછી, કોઈ નવા સ્વરૂપે પ્રવેશે તો નવાઈ નહીં લાગે. એક નાગરિક તરીકે આપણા હાથમાં શું છે? મોટા ભાગનાઓનો અનુભવ હશે કે તમે ડીમેટ એકાઉન્ટ માટે યા કોઈક ફોન કંપનીમાં કે વીમા કંપનીમાં તેમની જરૂરિયાત મુજબ તમારો ફોન નંબર આપો એ પછી તમારી પર જાતભાતનાં સ્થળેથી વ્યાવસયિક કૉલ આવવાના શરૂ થઈ જાય છે. બહુ ઊઘાડું છે કે આપણા વિશેની માહિતી રીતસર ફરતી થઈ જાય છે. ભલે ને તેમણે કાગળ પર લખ્યું હોય કે તેઓ માહિતી કોઈને આપતા નથી! માર્કેટિંગનો કૉલ આવે ત્યારે તેમને પૂછીએ કે તેમણે આપણો નંબર ક્યાંથી મેળવ્યો, ત્યારે મોટે ભાગે કોઈ જવાબ જ નહીં મળે. મળશે તો ગોળગોળ હશે. વણઈચ્છ્યા ફોન આવતા રોકવા માટે જોરશોરથી શરૂ કરાયેલી ‘ડી.એન.ડી.’ (ડુ નૉટ ડિસ્ટર્બ) સેવા કાગનો વાઘ બની રહી છે.
આ સંજોગોમાં ઊપભોક્તાના હાથમાં કશું હોતું નથી. તે કશું કરી શકતો નથી. ભલે એ સ્થિતિ હોય, પણ સરકાર આપણી ગતિવિધી પર આપણને જણાવીને નજર રાખવા માંગે એ સ્થિતિ જરાય ઈચ્છનીય નથી. ચાહે કોઈ પણ પક્ષ સત્તા પર હોય, આ હરકત ખતરનાક બની શકે એમ છે.
એક નાગરિક તરીકે આપણે એટલું કરી જ શકીએ કે કોઈ પણ પક્ષને ભાન કરાવીએ કે તેની સત્તા કાયમી નથી.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૯-૦૮-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
સરસ લેખ.
–
-હિમાંશું ત્રિપાઠી , આલ્બની , ન્યુયોર્ક
આભાર, હીમાંશુભાઈ.
તમામ સરકારોની ગતિ એક જ હોય છે, વધુમાં વધુ સત્તા પ્રાપ્ત કરવી ,એનો બીજો અર્થ એ થાય છે કે નાગરોકોની સત્તા ઓછી કરતા જવી. પરંતુ લોકશાહીમાં નાગરોકોની જાગૃતિ જ મહત્વની છે, સરકારોની નાગરિકોની જાગૃતિનો ડર લાગવો જોઈએ.
સાચી વાત છે, કિશોરભાઈ! અત્યારે ઘણે ભાગે એવી સ્થિતિ જોવા મળે છે કે નાગરિકો સરકારના પ્રવક્તા બની રહ્યા હોય.