ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૩ = =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

અને હવે અંતમાં વાત હીરામનની …. નહીં હીરામનોની !

ફણીશ્વરનાથ રેણુએ એમની અમર કૃતિ  ‘ મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ ‘ અને એના નાયક હીરામનની પરિકલ્પના કરી ત્યારે એમના મનમાં નેપાળની સરહદને અડીને આવેલા બિહારના પૂર્ણિયા અને અરેરિયા વિસ્તારના અનેક ભલા-ભોળા હીરામનો હશે. આ જ ઇલાકો એમનું વતન પણ હોઈ એ બધાંને એમણે ખૂબ નજદીકથી જોયા – જાણ્યા પણ હશે.

કાળે-ક્રમે શૈલેન્દ્ર નામક એક અન્ય હીરામનના મનમાં પેલો રેણુવાળો હીરામન એ હદે વસી-ઠસી ગયો કે એમણે તાબડતોબ પોતાના અંતસ્તલમાં એ સ્વપ્ન રોપી દીધું કે આ હીરામન અને એની હીરાબાઈ અને એની તીસરી કસમ વિષે એક ફિલ્મ બનાવવી. એક હીરામન બીજા હીરામનને ઓળખી લે એવો આ કિસ્સો ! એમણે ફિલ્મ બનાવી પણ ખરી અને ધારણા પ્રમાણે પૈસે-ટકે, શરીર અને મનથી ખુવાર પણ થયા, કહો કે ભાંગી જ પડ્યા ! ફિલ્મને રિલીઝ થતી જોવા સુધી જીવ્યા પણ નહીં. હા, એમણે લખેલા અંતિમ ફિલ્મી ગીત ( જ્વેલ થીફ – ૧૯૬૭ – લતા- બર્મન ) માં એમણે જે વાત લખી છે એ ભલે ફિલ્મમાં નાયિકાના દર્દરૂપે ગવાતી હોય, દરઅસલ તો એમને જે  ‘ તીસરી કસમ ‘ નામના સપનાએ રોવડાવી- ખતમ કરી નાંખ્યા એની જ વાત છે :

રુલાકે ગયા સપના મેરા
બૈઠી હું કબ હો સવેરા
વહી હૈ ગમે-દિલ, વહી હૈં ચંદા તારે
વહી હમ બેસહારે
આધી રાત વહી હૈ, ઔર હર બાત વહી હૈ
ફિર ભી ન આયા લુટેરા …

કૈસી યે ઝિંદગી કે સાંસોંસે હમ ઊબે
કે દિલ ડૂબા હમ ડૂબે
એક દૂખિયા બેચારી, ઇસ જીવનસે હારી
ઉસ પર યે ગમકા અંધેરા …

સમગ્ર ગીત આપવાનું પ્રયોજન કેવળ એટલું કે શૈલેન્દ્રનું દર્દ આપણી સમક્ષ સાકાર થાય.

અસલ હીરામન તો રેણુ પોતે. એમણે ‘ તીસરી કસમ ‘ વાળા હીરામનને સર્જ્યા. એમને ત્રીજા હીરામન મળ્યા શૈલેન્દ્ર, જેમણે એ પાત્રને દ્રષ્ય- શ્રાવ્યરૂપે રાજકપૂરના ચહેરા થકી આપણી સમક્ષ લાવી, પોતાના જીવનનો ભોગ આપી આપણને સૌને ધન્ય કર્યા. આવું ન થયું હોત તો દેશના અનેક લોકો, જેમણે રેણુને ક્યારેય વાંચ્યા નથી અને વાંચશે પણ નહીં એમને હીરામનનો સાક્ષાત્કાર કેમ થાત ?

એક ચોથા પણ હીરામન છે. આપણી આ શ્રેણીના અધિનાયક ભગવત રાવત પોતે. એક પ્રાધ્યાપક તરીકે એમણે દાયકાઓ સુધી રેણુની આ લાંબી વાર્તા  ‘ મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ ‘ વિદ્યાર્થીઓને એમના પાઠયક્રમના ભાગ તરીકે ભણાવી. એ પોતે હીરામન – હીરાબાઈથી એટલા જ અભિભૂત હતા જેટલા શૈલેન્દ્ર . એમની બાવીસ જેટલી કવિતાઓ, એમના ગુજરાતી ભાવાનુવાદ અને એ વિષેની આ નાચીઝની ટિપ્પણીઓ આપણે અત્યાર સુધી આ લેખમાળાના માધ્યમથી જોઈ પરંતુ આશ્ચર્ય અને આનંદની વાત એ કે ભગવત રાવતના આઠ કવિતાસંગ્રહોમાંના એકનું નામ જ  ‘ સુનો હીરામન ‘ છે ! આમ તો એ સંગ્રહમાં કુલ બાવીસ કવિતાઓ છે પણ બીજી રીતે જોઈએ તો એ બધી જ કવિતાઓ એક દીર્ઘ કવિતા છે કારણ કે એ બધી સંબોધાયેલી છે હીરામનને ! એ કવિતાઓમાં એક છેડે હીરામન છે તો બીજા છેડે હીરામન જેવું જ મન અને મનોરથ ધરાવતા કવિ પોતે. એમ પણ કહી શકાય કે આ સંગ્રહ બાવીસ અંકનું બે-પાત્રી નાટક છે !

સાંભળ્યું છે કે કવિ પોતે ૧૯૯૦ ના દશકમાં ગંભીર માંદગીમાં પટકાઈ મૃત્યુ સામે ઝઝુમતા હતા એ દરમિયાન હોસ્પીટલના બિછાને એમનો અંતર્સંવાદ હીરામન સાથે નિરંતર ચાલુ હતો અને એ ગુફતેગુના પરિપાકરૂપે એમણે એ દરમિયાન જે વાતોને કાવ્યસ્થ કરી એ જ ‘ સુનો હીરામન ‘ .

જે મિત્રોએ શૈલેન્દ્રના સાવ કોરાણે મુકાયેલા પરંતુ પરમ કવિતામય ગીતોની શ્રેણી ‘હૈં સબસે મધુર વો ગીત ‘ વાંચી છે એમને યાદ હશે કે એ લેખમાળાના અંતિમ બે હપ્તામાં શૈલેન્દ્રની શ્રેષ્ઠતમ કવિતા અર્થાત્ એમણે પોતાની જિંદગીનો ભોગ આપીને સર્જેલી ફિલ્મ  ‘ તીસરી કસમ ‘ અને એ ફિલ્મના બે ગીતોની વાત હતી. ખરેખર તો એ બે હપ્તામાં આખી ફિલ્મનો વાર્તાપ્રવાહ હીરામન અને હીરાબાઈના માધ્યમથી વણી લીધેલો. ( જે બે ગીતોની એ બન્ને હપ્તામાં વાત કરેલી એ હતાં  ‘ સજનવા બૈરી ગએ હમાર ‘ અને  ‘ લાલી લાલી ડોલિયામેં લાલી રે દુલ્હનિયા ‘ ) . સંજોગવશાત્  ( અથવા નિયતિ દ્વારા પૂર્વનિયોજીત પણ હોય ! ) આ શ્રેણીનું સમાપન પણ હીરામનથી જ થઈ રહ્યું છે ત્યારે જેમણે એ ધારાવાહિકના અંતિમ બે હપ્તા વાંચ્યા હોય એમને સમગ્ર વાતનું ઉચિત સંધાન પણ મળી રહેશે એટલું જ નહીં, હીરામનના ચરિત્રમાં વધુ ઊંડા ઉતરવાનો મોકો પણ ઉપલબ્ધ થશે.

આ સંગ્રહની શરૂઆતની કવિતાઓમાં કવિ, હીરામન સાથે સપનામાં થયેલ મુલાકાત, હીરામનના અંગત મિત્રો અને વ્યવહારજગત, હીરામનની બેલગાડી અને લદની, વૃદ્ધત્વે પહોંચેલા હીરામન- હીરાબાઈ, નૌટંકી કંપનીઓ અને એમના રૂપક દ્વારા દરેક યુગમાં ચાલતા  ‘ નાટકો ‘ ની, ખરીદાઈ જતી હીરાબાઈઓની, દિન-પ્રતિદિન લુપ્ત થતા જતા હીરામનોની, એમના થઈ રહેલા વ્યાપારીકરણની, અને સપના સેવવા પણ દુષ્કર બની રહ્યા છે એવા પરિવેશની  વાતો કરે છે અને પછી તુરંત આવે છે આ કવિતા પર :

नहीं हीरामन
देखो ऐसी बात नहीं है

ये जो सारे के सारे लोग एक ही तरफ़
भागे जा रहे हैं अपने-अपने में
ऐसा नहीं कि उनके भीतर
कुछ रह नहीं गया है


सच पूछो तो
ये निकले थे तुम्हें खोजने
लेकिन अब ये
इतनी दूर निकल आए हैं
भूल गए हैं
ये निकले थे तुम्हें खोजने

कभी – कभी जब उन्हें
तुम्हारी एक झलक भी मिल जाती है
खो जाते हैं तुममें
पर विश्वास नहीं कर पाते

यह तक याद नहीं आता
कि असल में तो निकले थे
तुम्हें खोजने

तुम्हारी बात और थी हीरामन

तुमने ते देखा था हीराबाई को

उसकी हँसी भी देखी थी
अपने कंधे पर उसका
हाथ भी महसूस किया था

और फिर तुम्हारे पास गाने को

महुआ घटवारिन का

गीत भी तो था …

                                   – भगवत रावत

               ગુજરાતી ભાવાનુવાદ :

નહીં હીરામન

જો, એવું નથી


આ જે બધા લોકો

એક જ દિશામાં ભાગી રહ્યા છે

પોતાનામાં સમેટાયેલા

એવું નથી કે

એમની અંદર બધું ખાલી છે


ખરું કહું તો

એ બધા

તને જ શોધવા નીકળ્યા હતા

પરંતુ હવે

એટલા બધા દૂર નીકળી ચૂક્યા છે

કે સાવ જ ભૂલી ગયા છે કે

મૂળ તો નીકળ્યા હતા તને શોધવા


ક્યારેક

જ્યારે એમને

તારો અણસારો પણ મળે છે

એ લોકો ખોવાઈ જાય છે

તારા વ્યક્તિત્વમાં

પણ એમને ભરોસો નથી બેસતો


એ પણ યાદ નથી રહેતું

કે નીકળ્યા’તા

તને શોધવા


તારી વાત અલગ છે હીરામન

તેં તો જોઈ હતી હીરાબાઈને

એનું હાસ્ય પણ જોયું હતું

તારા ખભા પર

એના હાથને પણ અનુભવ્યો હતો


અને વળી

તારી કને તો ગાવા માટે

મહુવા ઘટવારિનનું

ગીત પણ હતું ને ….

                     – ભગવત રાવત

આ કવિતા અને હીરામનનું ચરિત્ર ઉજાગર કરવા આપણે સ્મરણ કરીએ ભગવત રાવતની અગાઉની બે કવિતાનું. ‘ઇતની બડી મૃત્યુ ‘ (મણકો – ૧૫, ૨૫ એપ્રિલ ૨૦૧૮) માં એમણે, જગતમાં હાલ પ્રવર્તી રહેલી ભૌતિક સમૃદ્ધિ તરફની આંધળી દોટની વાત કરી છે. ત્યાર બાદ ‘ કરુણા ‘ (મણકો – ૧૭, ૨૩ મે ૨૦૧૮) માં હાલના સમયમાં જગતને કરુણા, અનુકંપાની સહુથી વિશેષ જરુર છે એ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. બસ ! એ બે કવિતાઓની વાત પરસ્પર સાંકળીશું તો તુરંત, એમણે જે વાત હીરામનને સંબોધીને કરી છે એના સૂચિતાર્થો સમજાઈ જશે.

સંપૂર્ણ કરુણાપૂર્વક એ હીરામનને ( અને આમ તો સમગ્ર જગતને ! ) કહે છે કે આ બધા જે ભૌતિકતારૂપી મૃગજળ ભણી ભાગી રહ્યા છે એમને મૂળભૂત રીતે તો બનવું હતું હીરામન અથવા એમને પણ તલાશ તો હતી હીરામનની પરંતુ એ બધા ફંટાઈ ગયા કોઈક જૂદી જ દિશામાં !

उन्हें  रास्ते  में  पता  चला  के  ये  रास्ता  कोई  और  है  ..

અહીં હીરામન હોવું એટલે પોતાની મર્યાદિત સાધનો અને સગવડોવાળી દુનિયામાં મસ્ત હોવું, જેવા અંદર એવા જ બહાર દેખાવું અને  જગતમાત્ર પ્રત્યે આંખોમાં ભારોભાર વિસ્મય અંજાયેલું હોવું ઇત્યાદિ. આ બધા અંધાધૂંધ દોડતા લોકોને જો ભૂલેચુકે રસ્તામાં હીરામન દેખાઈ જાય તો પણ દોટના ઉન્માદ અને ઘાંઘાપણામાં એમને  ન તો એ ખરેખરો હીરામન હોવા વિષે ભરોસો બેસે છે કે ન તો એમની અસલી તલાશનું સ્મરણ થાય છે !

એ લોકો હીરામનને ભાળીને પણ ઊભા રહેતા નથી એનું કારણ આપતાં કવિ હળવેકથી ઉમેરે છે કે એ બિચારાઓ પાસે ન તો સ્મૃતિમાં સચવાયેલું હીરાબાઈનું હાસ્ય કે ખભે એના સ્પર્શનો અહેસાસ છે કે ન તો ગાવા માટે પૂર્વજન્મની યાદ જેવું કોઈ દિવ્ય-ગીત !

અંતિમ બે હપતાઓનો પૂર્વાર્ધ અહીં પૂરો કરી અટકીએ અને પછી અંતિમ અધ્યાય –


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

1 comment for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૩ = =

 1. mahesh joshi
  August 15, 2018 at 6:23 pm

  और फिर तुम्हारे पास गाने को

  महुआ घटवारिन का

  गीत भी तो था …
  In spite of knowing that it’s a wrong path, many a times people do not correct themselves, Either they have moved too much or they trust nobody. A great series moving towards end. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *