વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૭) : ‘હિંદ છોડો’ ચળવળ: કોના માટે?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

આપણા દેશના સ્વાતંત્ર્યસંગ્રામના ઈતિહાસમાં ‘હિંદ છોડો’ ચળવળ કે ‘ઑગષ્ટ ક્રાંતિ’ તરીકે ઓળખાવાયેલી ચળવળ મુંબઈના ગોવાળિયા તળાવ મેદાન પરથી આરંભાઈ. ભારતીય કૉંગ્રેસના સત્રમાં ગાંધીજીએ 8 ઑગષ્ટ, 1942ના રોજ અંગ્રેજોને સીધો જ ‘હિંદ છોડો’નો આદેશ આપ્યો. ‘કરેંગે યા મરેંગે’ આ ચળવળનું મુખ્ય સૂત્ર બની રહ્યું. 9 ઑગષ્ટના રોજ તેમની ધરપકડ કરવામાં આવી.

પાંચ વર્ષ પછી 1947ના ઑગષ્ટ મહિનામાં જ, 15 મી તારીખે દેશને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું. આમ છતાં, ઑગષ્ટ મહિનાને હજી ક્રાંતિના મહિના તરીકે યાદ કરવામાં આવે છે.

આ ચળવળની આટલી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પછી તેને કેન્‍દ્રમાં રાખીને બનાવાયેલાં કાર્ટૂનોની વાત કરીએ. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં વર્ષોમાં દેશના જે હાલ નેતાઓએ કર્યા એ સ્થિતિને મોટા ભાગના કાર્ટૂનિસ્ટોએ વ્યંગ્યનો વિષય બનાવી અને દેશવાસીઓને ‘હિંદ છોડો’ની હાકલ કરી. આ મુખ્ય બાબત ઊપરાંત અન્ય કેવી સ્થિતિઓમાં, કોના દ્વારા, કોના માટે ‘ક્વીટ ઈન્ડીયા’ શબ્દ વપરાયો તે પણ રમૂજપ્રેરક છે. અહીં આવાં કેટલાંક કાર્ટૂનો માણીએ.

*****

આ કાર્ટૂન વિશિષ્ટ કહી શકાય એવું છે. 8 ઑગષ્ટ, 1942 ના રોજ કૉંગ્રેસ સમિતિની બેઠકમાં ‘હિંદ છોડો’ની હાકલ કરી. તેના આગલે દિવસે એટલે કે 7 ઑગષ્ટ, 1942ના રોજ તેમને આ લડતની આગેવાની લેવાની વિનંતી કરવામાં આવી. આ જ દિવસે ગાંધીજીએ ચીનના લોકોને ઉદ્દેશીને કહેલું: ‘ખાતરી રાખજો કે આવતી લડત એકલી અમારી સ્વતંત્રતા માટે જ નહીં, પણ તમારા રક્ષણ માટે પણ છે. અમે સ્વતંત્ર હોઈશું તો જ તમને, રશિયાને, અને ગ્રેટ બ્રિટનને, અને અમેરિકાને પણ મદદ કરી શકીશું.’

આ કાર્ટૂનમાં ભારતીય મોરચે એકલા ગાંધીજી બેઠેલા બતાવાયા છે. સામેથી જાપાનીઓનું વિરાટ આક્રમણ તોળાઈ રહ્યું છે. બાજુમાં લખેલું છે, ‘જાપાનીઓ મહેરબાની કરીને આમાંથી બહાર રહો.’

અંગ્રેજોને હાંકી કાઢવા માટે અમારે તમારી હિંસક મદદની જરૂર નથી, એવો કદાચ નિર્દેશ જણાય છે.

સિડની ‘જ્યોર્જ’ સ્ટ્રબ દ્વારા બનાવાયેલું આ કાર્ટૂન 7 ઑગષ્ટ, 1942ના દિવસે અંગ્રેજી અખબાર ‘ડેઈલી એક્સપ્રેસ’માં પ્રકાશિત થયું હતું.

*****

આ કાર્ટૂન 1942 ના અરસાનું છે. ‘હિંદ છોડો’નો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો તેને પગલે દેશભરમાં અધાંધૂંધી પ્રસરી ગઈ. અંગ્રેજ અધિકારીઓએ કહ્યું કે બળવાખોરોને છોડવામાં નહીં આવે. બ્રિટનનો મજદૂર પક્ષ અત્યાર સુધી ભારત પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ વલણ ધરાવે છે એમ મનાતું હતું. પણ આ આંદોલન માટે તેણે જણાવ્યું કે આવું પગલું ‘રાજકીય બેજવાબદારીનું પ્રમાણ’ છે.

આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ કોણ છે એ ખ્યાલ નથી આવતો, પણ તેમાં બ્રિટીશ લેબર પાર્ટીનો માર્ક્સવાદના નકાબ પાછળનો અસલી વિકરાળ ચહેરો બતાવવામાં આવ્યો છે. માનવાકૃતિનો પડછાયો પણ શિંગડાવાળા શયતાન જેવો દર્શાવવામાં આવ્યો છે. ગાંધીજી તેના આ સ્વરૂપથી આશ્ચર્યચકિત અને સહેજ પાછા પડી રહ્યા હોય એમ જણાય છે.

**** **** ****

કોણ જાણે કેમ, પણ વિવિધ પ્રકારના નારા દેશનેતાઓની ઓળખ બની રહેતા હોય છે. આ નારાઓ થકી શું સિદ્ધ થાય છે એ તો નેતાઓ જ જાણે. વડાપ્રધાન ઈન્‍દીરા ગાંધીએ ‘ગરીબી હટાવો’નો નારો આપેલો. અશોક ડોંગરેના આ કાર્ટૂનમાં આ નારાને ‘ક્વીટ ઈન્‍ડીયા’ સાથે સાંકળી લેવાયો છે અને ઈન્‍દીરા ગાંધી કહી રહ્યાં છે: ‘હું ગરીબીને ‘ભારત છોડો’નો આદેશ આપું છું.’

**** **** ****

સંદીપ અધ્વર્યુના આ કાર્ટૂનનો સંદર્ભ કઈ ઘટનાનો છે એ ખ્યાલ આવતો નથી, પણ કાર્ટૂનનો મતલબ સાફ છે. વડાપ્રધાન મોદીએ 2017 માં ‘હિંદ છોડો’ ચળવળના 75 વર્ષ નિમિત્તે જણાવ્યું કે દેશે ‘હિંદ છોડો’ના સમયના ‘સ્પિરિટ’ (જુસ્સા) ને સજીવન કરવો જોઈએ. અહીં કાર્ટૂનિસ્ટે spirit શબ્દનો શ્લેષ પ્રયોજ્યો છે. મૃત બાળકો ગાંધીજીને જણાવે છે, ‘બાપુ, અમે જ ‘ભારત છોડો’નો ‘સ્પિરિટ’ (આત્મા) છીએ.’

*****

આ ચળવળને 2017 માં 75 વર્ષ પૂરાં થયાં. આટલાં વર્ષ પછી દેશમાં શી સ્થિતિ છે એ સતીશ આચાર્યના આ કાર્ટૂનમાં આબાદ દર્શાવ્યું છે. 1942 માં અંગ્રેજોની સામે દેશ આખો એક હતો. પણ હવે? ખભે કેસરી કેસ નાંખેલા લોકો વાતે વાતે ‘એમ હોય તો પાકિસ્તાન જતા રહો’ (એટલે કે ‘ભારત છોડો’) ના નારા લગાવે છે. અખબારમાં ‘હિંદ છોડો’ ચળવળનાં 75 વર્ષ પૂરાં થયાના સમાચાર જાણીને એક કાર્યકર્તા આશ્ચર્યથી પૂછે છે, ’75 વર્ષ પૂરાં થયાં? પાકિસ્તાનનો જન્મ થયા પહેલાં (આવી ચળવળ થયેલી) ?’ કાર્ટૂનિસ્ટે ચોટદાર વ્યંગ્ય આટલા વાક્યમાં કરી દીધો છે. સાથે એ પણ દર્શાવ્યું છે કે હજી આટલી સમજણ તેમનામાં બચી છે ખરી.

*****

‘હિંદ છોડો’ના 75 વર્ષ નિમિત્તે વધુ એક કાર્ટૂન. મીકા અઝીઝે પણ અહીં ‘ત્યારે અને અત્યારે’ની સ્થિતિ દર્શાવી છે. એ સમયે ગાંધીજી સહિત અન્ય દેશવાસીઓ અંગ્રેજોને ‘ભારત છોડો’ કહેતા હતા. અત્યારે ડાબેરીઓ, કૉંગ્રેસ, સેક્યુલરો વગેરે એટલે કે પોતાના પક્ષ સિવાયના દરેકને ‘ભારત છોડો’ કહેવામાં આવી રહ્યું છે. બીજી તસવીરમાં બતાવાયેલા નેતાઓના તીક્ષ્ણ દાંત ખાસ ધ્યાન ખેંચે છે.

*****

જયચંદ્રનના આ કાર્ટૂનમાં પણ સંદર્ભ ‘હિંદ છોડો’ના 75 વર્ષનો જ છે. 2017 માં નરેન્‍દ્ર મોદીના નેતૃત્વ તળે ભારતીય જનતા પક્ષ રાજ્યસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભર્યો. વિપક્ષી નેતા સોનિયા ગાંધીની સ્થિતિ આમાં દર્શાવી છે અને તેમને ‘ભારત છોડો’ની હાકલ મોદી કરી રહ્યા છે.

****

કુરીલના આ કાર્ટૂનમાં ‘ત્યારે અને અત્યારે’ જેવી બે સ્થિતિઓ દર્શાવાઈ છે. પહેલી સ્થિતિમાં ‘ક્વીટ ઈન્ડીયા મુવમેન્ટ’ (હિંદ છોડો ચળવળ) દરમ્યાન ગાંધીજીની પછવાડે દોરાતી કોંગ્રેસ બતાવાઈ છે. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ ‘ક્લીન ઈન્ડીયા મુવમેન્ટ’ (સ્વચ્છ ભારત અભિયાન)ની ઘોષણા કરી. વિરોધ પક્ષ ‘આપ’ના નેતા અરવિંદ કેજરીવાલે આ અભિયાનને ટેકો જાહેર કર્યો. ‘આપ’નું પોતાનું નિશાન ઝાડુ છે. સ્વચ્છતાના માર્ગે ચાલી રહેલા વડાપ્રધાન મોદીની આગળ ‘ટ્વીટર’નું પક્ષીરૂપી પ્રતીક બતાવાયું છે. કોણ કોને દોરી રહ્યું છે એ અસ્પષ્ટ છે, પણ ઝાડુનો સળીઓવાળો પહોળો ભાગ મોદી પાસે છે, તેથી તેમની પાછળ કેજરીવાલ આવતા જણાય છે. પણ કેજરીવાલના ચહેરાના ભાવ જોતાં જણાય છે કે તેમણે ઝાડુના હાથાને ફક્ત આપવા ખાતર ટેકો આપેલો છે.

*****

કાર્ટૂનિસ્ટ યુસુફ મુન્નાનું આ કાર્ટૂન બે ભિન્ન કાળની વાત કરે છે. પહેલા ચિત્રમાં ગાંધીજી અંગ્રેજોને ‘હિંદ છોડો’ કહી રહ્યા છે. બીજા ચિત્રમાં હિન્‍દુવાદી તત્ત્વો ખુદ ગાંધીજીને ‘હિંદ છોડો’નો આદેશ આપી રહ્યા છે. ગાંધીજી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમના પ્રત્યેના જગજાહેર મનાતા દૃષ્ટિકોણને સૂચવતું આ કાર્ટૂન છે.

*****

આ કાર્ટૂન કન્નડ ભાષાનું છે. કાર્ટૂનિસ્ટના નામનો ખ્યાલ આવતો નથી. અહીં પણ બે વિરોધભાસી સ્થિતિઓ દર્શાવાઈ છે. ગાંધીજી 1942 માં અંગ્રેજોને ‘ભારત છોડો’ કહેતા હતા. હવે વડાપ્રધાન મોદી અંગ્રેજોને ‘ભારતમાં પધારો’ (અને રોકાણ કરો)નું આમંત્રણ આપી રહ્યા છે.

*****

(નોંધ:- તમામ માહિતી અને કાર્ટૂન, ફક્ત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણના હેતુસર ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે. કોઈ જ વ્યવસાયિક હેતુ રાખ્યો નથી. )


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *