સોરઠની સોડમ : ૨૯ – ત્રાઠી હયણી (ભાગ ૨)

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ. દિનેશ વૈષ્ણવ

સાસણ ગીરનું એક દ્રશ્ય

આ વાતનો પે’લો ભાગ વે.ગુ.માં જુલાઈ ૧૭, ૨૦૦૧૮ના પ્રસિદ્ધ થયેલ.:

આ ભાગ પે’લા ભાગના અનુસંધાને છે એટલે જો પે’લો ભાગ ન વાંચ્યો હોય તો ઈ પે’લાં વાંચજો જેથી આ ભાગ સમજી સકાય. બીજું આ લેખમાં કાઠિયાવાડી તળપદી ભાષા ઉપરાંત સાસણ વિસ્તારના ગર્યના માલધારીઓની ભાષાનો સમાવેશ છે એટલે વાંચકોની સરળતા માટે આ લેખમાં મેં વાપરેલ માલધારી બાનીના કેટલા શબ્દો હું નીચે સમજાવું છું:

() વાળુ = રાતનું જમવાનું, () હરીસા = કાઠી કોમમાં બનતી એક જાતની મીઠાઈ, () ઢીચણીયું = જમતી વખતે ગોઠણ તળે મુકાતો લાકડાનો ટેકો, () ડાટો દેવો = ઢાંકવું, () પાણીનું બતક = માટીનો બતક આકારનો કુંજો, () પેડું = માટીનું દોણું, () ફાંફળ = જ્યાં કોઈ ગામ કે વસ્તી હોય, ઉજ્જડ, () ભગદાળા = ખાડાટેકરા, () હાંવ = હાલમાં, (૧૦) પરબોળિયા = વાડ પર ચડતી જાંબલી ફૂલવાળી વેલ થાય એની શીંગેા, (૧૧) બેસણાં = વસવું, રેવું, (૧૨) પરડિયા = બાવળની શીંગો

અમે સૌએ ચાપાણી પુરાં કીધાં એટલે બાલુઆપાએ કીધું: “દાકતર, હાલો “કનકાઈ.” આઈને મળીયાવીયે ની નાનડિયાની (એટલે મને) વરખા પસૅની મારી ગર્ય દેખાડીયેં.” પછી આપાએ એના ઘરેથી નનકુઆઈને કીધું: “આઈ હામ્ભળ્યું, ઉમે વાળુઈ આવી પુગહું ની પરોણા વાળ્યુ કરય્સે ઈટલે લાપસી ની હરીસાના અધારણુ ઓરજો ની ઢીસણીયાં ઢાળઝો.”

આમ તો અમારી માળીયા, દેલવાડા, મેંદરડા ને વિસાવદરની રે’ણાક એટલે મને સાસણ ગર્યની આછીપાતળી જાણકારી પણ ગર્યના જાણતલ અને માણતલ આપા મને ગર્ય દેખાડે ઈ મારુ ઉજળું નસીબ, ને એટલે આપા ને હું અમારી ભાડાની મોટરમાં આગળ ને માં-પપ્પા પાછળ એમ બેઠાં. નનકુઆઈ ઈ ટાણે મારા માંને સુખડીમાં મલમલે ડાટો દીધેલ ગળોત્રીનું પેડું, થોડાંક શેયડીનાં ભડદા છોતરાં ને ઘરના પાણીનું બતક દઈ ગ્યાં. આ ગળોત્રી એટલે શેયડીનો વાડ ફરે ને ચાકીમાં ગોળ ઢાળે ત્યારે માથે બાજેલી તર કે જેમાં ઘી ને સુંઠ નાખી એને માટીનાં નાનાંમોટાં વાસણોમાં વરસદી’ લગી નાસ્તામાં ખાવા રાખે ને એને શેયડીના છોતરે ચડાવી ને ખાય.

હવે, કનકાઈ આમ તો આપાના મેલડી નેસથી બેઅઢી ગાવના ફાંફળ પલ્લે પણ ત્યારે રસ્તા ભાઠાળા, ભગદાળા, ધ્રોખડીયા ને નારનેળ્ય વાળા એટલે અમારી મોટર ગાડાકેડીએ ચીલેચીલે પંખી ફળીમાં ચણ ચણતું હોય એમ આગળ જાય. જેવા અમે નેસડેથી નાડાવા આઘા હતા ત્યારે ઘેઘુર પીપળેથી ટગલીડાળે એકદોઢ ફુટ લાંબો લટકતો માળો જોયો ને કોઠાસુજવાળા આપાએ મને પૂછ્યું “આ માળો કીનો.” મેં માથું ખંજોળયું એટલે આપાએ ઉખાણું નાખ્યું: “નહીં વાંસલા નહીં વીંધણા નહીં કારીગર નહીં સુતાર, ઊંધે માથે મેલ ચણાવ્યા રાજા ભોજ કરે વિચાર” ને પાછું પૂછ્યું “હવે કી નાનડિયા આ કીનો માળો.” મને ન આવડ્યું એટલે આપાએ જવાબ દીધો “સુગ્રીનો.” પછી આગળ હાલતાં આપાએ ગર્ય મલકની ને એનાં જાડપાન ને જીવજીવાતની મને ઓળખ દેતા કીધું:

“આ આખા ગર્યને સાસણનું ગર્ય કી ની સાસણ ગામ હોત સે. જાજું ગર્ય જુનાળા તાલુકે સે ની જીરીક બીજે તાલુકે હોત ખરું. આ ગર્યમાં ઉગમણે દલખાણીયા, બાણેજ, દુધાળા ની તુલસીશ્યામથી ઓવાય. આથમણે તાલાળા, જેપર, અમરાપર, દેવળીયા, માલણકા ની હિરણવેલથી ઓવાય. ઓત્રાદું સરસાઈ, વિસાવદર ની અમરગઢથી ઓવાય ની દખણે જમ્બૂર, બામણસા, ઘોંટવાડ ની આઇમાંના ગઢડાથી ઓવાય. ગગા, આ ગર્ય અમ માલધારીયું હાટુ માના પેટ જીવું ઊંડું, મીઠું ની અમારી ઓથ.” થોડુંક આગળ હાલ્યા એટેલ એક વોંકળે અમારી મોટર આવી એટલે આપાએ કીધું “નાનડિયા, આ ગર્ય માથે આઈ વરૂડીનાં સત્ત સ્યે તી અમારે બારેમાસ અમોઘ મીઠાં પાણી ની નાનીમોટી લીલોતરી. આંઈ કણે હિરણ, શેત્રુંજી, દાતયડી, સીંગોડા, મછુન્દ્રી, ગોદાવરી ને રાવલ જેવી નદીયું ધમાકા દેતી જાય સ ની કેટલાયતો વોંકળા ની નાળાંનેર્ય હોત સે. હિરણ મોટી નદી ની ઇના કાંઠે ઈશરીયા ગામ. યાં પરતાપબાપુનાં જોરૂજમીન ની ખોયડાં, ની એનો ગગો દાદુ અમારી ગર્યનો ગઢવો. હાંવ ઈવડો ઈ લીંબડી ઢુકડો સે.” હકીકતે બાલુઆપાએ ઝવેરચંદ મેઘાણી ને દુલા ભાયા કાગના ગજાના લોકસાહિત્ય લખતા ને લૂંટાવતા દાદુદાન પ્રતાપદાન ગઢવીની – કવિ દાદની – ઈ ઓળખ દીધીતી.

એવામાં અમારી મોટર વોંકળો વળોટી ને સામે કાંઠે આવી ને અમે જેમજેમ પલ્લો કાપી કનકાઈ કોર જાતા થ્યા ને જુદાંજુદાં જાડપાન નજરોનજર દેખાતાં થ્યાં એટલે આપાએ કીધું કે “આ ગર્યમાં મધુમાલતીથી લી ની પરબોળિયા હુઘીની જાતભાતની વેલ્યું થાય ની ઈ ઈવી તો વધે કી ભોંયે ની ભેખડુંમાં જાડાં જાળે આડ઼ભીડ઼ જામે. જાડવાં હોત કેહુંડાથી લી ની વડ, પીપળ, લીંબડી, બીલી, કરણ, આંબા, આંબલી, અયડૂસી, ઉબરો, ખેર, ખાખરો, ખીજડો, કદમ્બ, રા’ણ, સરગવો, ગુંદી, બાવળ ની પરડિયા ઉગે. તો ચારીકોર્ય કંવાર, કેવડો, ધતૂરો, આંકડો, આવળ ની બોયડી હોત અમારી ગર્યની ધીંગી ભોંએ અમારાં છોરુંડા ઘોડ્યે ઉજરે.” આપાની આ વાત આજ યાદ કરું છ ત્યારે મને કવિ “દાદ”ની “હિરણ હલકારી”ની બેએક કડી પણ યાદ આવી જાય છ:

આંકડિયાવાળી વેલ્ય ઘટાળી વેલડિયાળી વૃખવાળી

અવળા આંટાળી જામી જાળી ભેખડિયાળી ભેવાળી

તેને દઈ તાળી જાતાં ભાળી લાખણિયાળી લટકાળી

હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી

આંબા આંબલીયું ઉમ ઉંબરીયું ખેર ખીજડીયું બોરડીયું

કેસુડાં ફળિયું વા ખાખરિયું હેમની કળીયું આવળિયું

પૃથ્વી ઊતરીયું સ્વર્ગીય પરીયું વેલ્યું વળિયું જળ ઢાળી

હિરણ હલકાળી જોબનવાળી નદી રૂપાળી નખરાળી

ખીજડાનાં જાડ જોયાં એટલે આપાએ ભૂતભુતાવળનું કેતાં કીધું કે ખીજડે “મામો, ખેરે “ધુર્ય,” વડલે “ડાકણ,” પીપળે “પ્રેત,” આંબલીએ “ચુડલ,” લીમડે “પલીત,” સરગવે “છ્પરપગી” ની ઉંબરે “મંછી”નાં બેહણાં. પણ આ હન્ધાય અમારાં ભેરુડાં ની અમારો વાળ્યે વાંક્યો ન કરી સક્યે કારણ અમી ગિગાઆપાની જગ્યામાં ભુવો ધુણાવી દાણા પડાવી દીયેં.” પછી આપાએ પછવાડે ફરી ને પપ્પાને કીધું “દાક્તર સાહેબ, તમને ભાળ સી કે આ હંધાય જાડવાંમાં ઔષધ્યું સે?” ને પછી એને કેટલાંક જાડવાંના ગુણ કીધા, જેમ કે કડવા લીંબડાની કાચી લીંબોડી આંખ દુખવા આવે ત્યારે આંખે બંધાય, પાકી લીંબોડી મયડો ને મેલેરિયા મટાડે, લીમડાનું દાતણ કરવાથી દાંતનો સડો મટે ને લીમડાના લીલા પાનની ધુમાડી કરો એટલે મચ્છર ને જીવજન્તુ ન આવે. આંકડાના ફૂલ વીંછીનું ઝેર ચૂસી લે, ખાખરો નાગનું ઝેર ઉતારે, કેવડાનો પોટો મધમાખી ભગાડે ને અયડૂસી તાવ-ઉધરસ મટાડે. ખેરના ભૂકાથી મોઢામાં ચાંદા મટે, આવળ બાંધવાથી સોજો મટે, વડલાનો છીર લગાડવાથી ઘા રૂઝાઈ ને દરબારુ આગળ કસુંબો ઘટે તો ધતૂરાનાં બી અફીણની ગરજ સારે. આજે આ બાલુઆપાની સાસણ ગર્યનાં ભૂતભુતાવળ ને જાડપાનની જાણકારી યાદ કરું છ ત્યારે ધ્રુવ ભટ્ટે “અકૂપાર”માં ચિતરેલ સાસણના ભાલછેલ વિસ્તારની માન્યતાઓ ને એનાં ઓસડ-ઉપચાર કેટલાં ર્દઢ હતાં અને આજે પણ હસે એનો અણસાર આવે છ..


ક્રમશ: ભાગ 3


ડૉ. દિનેશ વૈષ્ણવનો વિજાણુ સંપર્ક કરવા માટેનું સરનામું: sribaba48@gmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *