વિમાસણઃ સલાહ /સૂચન/અભિપ્રાય ……….આપવાં કે નહિ ?

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

દુનિયામાં સૌથી સહેલું શું છે? દુનિયાને સૌથી ગમતી પ્રવૃત્તિ કઈ છે? એવી કઈ વસ્તુ છે કે જે આપવા દરેક લોકો હંમેશા તૈયાર હોય છે, અને તે પણ ગમે ત્યાં અને ગમે તે વખતે …..અને તે પણ મફતમાં ? (ગુજરાતીઓ માટે ‘મફત’ હોવું એ બહુ અગત્યનું છે!) જવાબ બહુ સહેલો છે……..સલાહ કે સૂચન કે અભિપ્રાય.

સૂચન સલાહ કરતાં હળવી કક્ષામાં આવે છે કેમ કે સૂચન માનવું જ તેવું મનાતું નથી. જયારે અભિપ્રાય માટે એવું માનવામાં આવે છે કે તે આપનાર થોડો ઘણો નિષ્ણાત અને જાણકાર છે અને માટે તેનો અભિપ્રાય માનવો જરૂરી છે. જ્યારે સલાહને કોઈ પણ કક્ષામાં મૂકી શકાય છે. માનવી કે ન માનવી તે પોતાના પર નિર્ભર છે. હા, સલાહ આપનાર ઉપરી અધિકારી કે બહુ શક્તિશાળી વ્યક્તિ હોય તો સલાહ હોય કે સૂચન, એને “હુકમ” માનીને અમલ કરવો પડે છે!

વડીલોને સલાહ આપવી ખૂબ ગમે છે પણ સાંભળવી નથી પસંદ. જ્યારે યુવાનોને સલાહ જ પસંદ નથી હોતી. તમારું સંતાન સલાહ સાંભળતું બંધ થાય ત્યારે સમજવું કે તેને યુવાની આવી ગઈ છે!

વિજાણુ માધ્યમો તો હમણાં આવ્યાં. તેના પહેલાં પણ, ગામનો ચોરો, પાન અથવા ચાનો ગલ્લો/કીટલી, ઓફીસનું નાસ્તાગૃહ, ઘરનો ઓટલો વગેરે સલાહ લેતી-દેતીનાં કેન્દ્રો હતાં અને હજી પણ છે. આ કેન્દ્રો પર સલાહ આપનાર મિત્ર, વડીલ કે અનુભવી હોય અથવા ક્યારેક બિલકુલ અજાણ્યા પણ હોય! જો કે સલાહની લેતી-દેતીનો આ આખો વ્યવહાર સમાજ માટે ઘણો ઉપકારક છે, કારણકે આ રીતે વ્યક્તિ પોતાના મનની વાત બહાર કરી શકે છે, તેના પર (ગમતી કે અણગમતી) ટિપ્પણીઓ પણ મેળવી શકે છે, અને અંદર ને અંદર મુંઝાવાનું ટાળી શકે છે.

આમ જોઈએ તો ઉપરની ત્રણેય વસ્તુ – સલાહ, સૂચન અને અભિપ્રાય – લગભગ સરખી અને મળતી આવતી છે. થોડોઘણો ફેર ખરો પણ છેલ્લે જુઓ તો એક જ ચોકઠામાં મૂકી શકાય. અત્યારના જમાનામાં વોટ્સએપ પર આ ત્રણેય વસ્તુઓ બહુ જ સરળતાથી મળી જાય છે અને તે પણ બહુ જ પ્રેમપૂર્વક અને અવિરત! આ માધ્યમમાં જ્ઞાન આપવાનું કામ સતત થતું રહે છે અને તેય મોટે ભાગે માગ્યા વગર! લેવું હોય તો લેવાનું નહિતર કાઢી નાખવાનું અને કોઈની લાગણી પણ દુભાય નહિ કે મારું સાંભળ્યું નહિ, એ આ માધ્યમનો સૌથી મોટો લાભ છે! સામસામે બેસીને આ બધું જ્ઞાન આપવા કે લેવામાં લાગણી દુભાવાનો ભય રહેતો હોય છે. ખાસ કરીને ત્યારે કે જ્યારે સલાહ અનુકુળ આવે તેવી ન હોય કે સ્વીકારી શકાય તેવી ન હોય. અને એના અસ્વીકારથી સબંધમાં ઉતાર- ચડાવની પણ શક્યતા રહે. જો સલાહ આપનાર વડીલ કે ઓફિસના સાહેબ હોય તો તો વધારે ધ્યાન રાખવું પડે.

બીજાં વિજાણુ માધ્યમોમાં પણ અજાણ્યા પાસેથી સલાહ મળી શકે છે. ટી.વી.માં પણ આર્થિક અને તંદુરસ્તી જેવા વિષયની ચેનલો પર આ પ્રવૃત્તિ ખૂબ ચાલે છે પણ વોટ્સએપ આવતાં બીજાં માધ્યમોનાં માનપાન અને વપરાશ ઘટી ગયાં છે, કારણ કે વોટ્સએપનું માધ્યમ ખૂબ વ્યાપક અને સહેલું છે. જો કે આવી સલાહો, શીખ કે અભિપ્રાયોનું મહત્ત્વ કેટલું અને તેમાં વિશ્વાસ મૂકવો જોઈએ કે નહિ અથવા આ સલાહો સાંભળવી જોઈએ કે નહિ તે અલગ વિષય છે. અમુક સલાહ માનવી જ પડે. દા.ત. ડોક્ટરની. પણ વકીલ અને બીજા ઘણા નિષ્ણાતોની મોટા ભાગની સલાહોને ઘોળીને પી જવાતી હોય છે.

પહેલાં તો સવાલ એ થાય કે સલાહ માગવી જોઈએ કે નહિ અને એથી વધારે અગત્યનો સવાલ – સલાહ આપવી જોઈએ કે નહિ? જો માર્ગદર્શનની ખરેખર જરૂર લાગે તો સલાહ માગી જ લેવી, શરમ ન રાખવી. જેમ નવા ગામમાં જનારને રસ્તો પૂછવો પડે તેમ નવા ક્ષેત્રમાં પણ સલાહ લેવી પડે. અલબત્ત તેની પણ એક સીમા તો હોય જ છે.

સલાહ માગવામાં પહેલી મુંઝવણ તો એ કે જયારે સલાહનો વરસાદ વરસે ત્યારે શું કરવું? તો એનો સરળ ઉપાય એ છે કે જલ્દીથી તેને લૂછીને કોરા થઈ જવું! કારણ કે વધારે સંખ્યામાં મળેલી સલાહોથી સલાહ લેનાર ગુંચવાઈ જાય છે અને કોઈ નિર્ણય લઈ શકતો નથી. પણ જો સલાહ ઓછી અને મુદ્દાસર હોય તો એના પર જરૂર વિચારી શકાય. સલાહ આપનારનો હેતુ કે ઇરાદો જોવાની જરૂર નથી, સલાહની ગુણવત્તા જ જોવી જોઈએ. સલાહ કોની પાસે અને ક્યારે લેવી તે નક્કી કરવું ખૂબ અગત્યનું છે. જ્યારે બહુ જ ત્વરિત નિર્ણય લેવાનો હોય ત્યારે તો પોતાના જ જ્ઞાન, અનુભવ અને સ્ફુરણા કામ લાગી શકે.

સલાહ આપનારનું કામ ખૂબ અઘરું અને અપયશ આપનારું થઇ શકે છે. પહેલી વાત તો એ કે મોટા ભાગની સલાહ કોઈ પૂરી રીતે સાંભળતું નથી. અને સાંભળે તો ય અમલ જ અધૂરો થાય અથવા થાય જ નહિ. જયારે કોઈ સલાહ લેનાર તે લેવાની જ ના પડે ત્યારે સલાહ આપનારનું કામ ખૂબ તકલીફભર્યું થઈ જાય છે. સલાહ સ્વીકારવાની ના પાડનાર મોટી તકલીફમાં ફસાઈ જાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોય અને છતાં તે કોઈ વાત સાંભળવા તૈયાર ન હોય. ઘણી વાર યુવાનો –યુવતીઓ આવેશમાં એવા નિર્ણય લે છે જે તેમને માટે આગળ જતાં ખૂબ નરસાં પરિણામ લાવી શકે છે. આવે વખતે કડવા કે અળખામણા થવાના જોખમે પણ તેના હિતેચ્છુએ પોતાની સલાહ આપવી જ પડે છે.

અહીં એ સ્વીકારવું રહ્યું કે સલાહ આપવા કરતાં તે સાંભળવી અઘરી અને કંટાળાજનક છે. સલાહ સાંભળનારને સલાહ આપનાર એક કંટાળાજનક વ્યક્તિ લાગે છે, એ પણ એના કોઈ દેખીતા વાંક વગર!

જે વસ્તુ મફતમાં મળે તેની કિંમત ન રહે. સલાહ પણ મફતમાં મળતી હોઈ, ઘણીવાર સાચી અને અમૂલ્ય સલાહનું પણ મૂલ્ય રહેતું નથી. તેથી સલાહ આપનારે સમજીવિચારીને અને તોળીતોળીને સલાહ આપવા વિષે નિર્ણય લેવો પડે છે. જ્યારે મદદની જરૂર હોય અને સલાહ ન આપો તો ફરજ ચુક્યા ગણાo, પણ મોટી તકલીફ એ છે કે સલાહ કે અભિપ્રાય માગનાર વ્યક્તિ જો પોતાને અનુકૂળ અભિપ્રાય કે સલાહ ન મળે તો ગુસ્સે થઈ જાય છે, કારણ કે ઘણી વાર સલાહ કે અભિપ્રાય માગવાનું મૂળ કારણ ખુદ પોતાના જ મતની પુષ્ટિ મેળવવાનું હોય છે, બીજાનો દૃષ્ટિકોણ કે જાણવાનું કે માર્ગદર્શન મેળવવાનું નહિ !

તો આખરે કરવું શું ?

જાહેર માધ્યમોની સલાહ ‘શેઠના ઝાંપા સુધી’ જ રાખવાની, પણ જેને હૈયે આપણું હિત છે તેમની સલાહ ધ્યાનથી સાંભળવાની. જેમ વધારે સલાહ કે અભિપ્રાય માગશો તેમ તેમ વધારે ગુંચવાશો. છેલ્લે અમલ તો પોતે કરવાનો છે, પરિણામ પોતે જ ભોગવવાનાં છે, એટલે છેવટે નિર્ણય તો પોતાની સૂઝથી જ લેવો. પીડા ક્યાં છે અને કેટલી છે તે પીડા ભોગવનારને જ વધારે ખબર હોય છે!

એક વિદ્વાને કહ્યું છે કે જો તમારે ખરેખર સુખી થવું હોય તો એ સલાહનો અમલ કરો જે તમે બીજાને આપતા ફરતા હો!

આ બાબતમાં તમારી શું સલાહ છે?!!


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com  સરનામે થઈ શકશે

7 comments for “વિમાસણઃ સલાહ /સૂચન/અભિપ્રાય ……….આપવાં કે નહિ ?

 1. August 13, 2018 at 6:08 am


  એ સલાહનો અમલ કરો જે તમે બીજાને આપતા ફરતા હો!

  એક ભાઈને કોઈએ નકલી કરંન્સી નોટ આપી અને લાલ પીળા થઈ શું ને શું કહેવા લાગ્યા. પછી કોઈએ પુછ્યું પછી આપે એ નોટનું શું કર્યું? જવાબ હતો સવારના અંધારામાં દુધવાળાને આપી દીધી..

  સલાહ કે અભિપ્રાય માગવાનું મૂળ કારણ ખુદ પોતાના જ મતની પુષ્ટિ મેળવવાનું હોય છે વાહ વાહ  !!!!

  • Samir
   August 16, 2018 at 1:27 pm

   વોરાભાઇ, ખુબ ખુબ આભાર !

 2. August 13, 2018 at 6:14 am

  આ વેબગુર્જરી મંચ, ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટે વીચાર–મંચ છે અને મુલાકાતીઓ ઘણાં છે. પ્રતીભાવ માટે પોસ્ટ મુકનાર અને મુલાકાત લેનાર ને લખાંણની ફાવટ આવે એ માટે જરુર વીચાર કરવો જોઈએ. 

  પોસ્ટ મુકનારને વાહ વાહ નહીં ગમતી હોય?

  કચ્છમાં દુકાળોનો અનુભવ હોય એમને કુવામાં હોય તો હવાડામાં આવે એ યાદ આવે છે..

 3. Bhagwan thavrani
  August 15, 2018 at 8:43 pm

  મારી સલાહ એ છે કે તમારે સલાહ-વિષયક હોય કે અન્ય કોઇ વિષયક, પરંતુ આ પ્લેટફોર્મ પર લખતા રહેવું જોઈએ..

  • Samir
   August 16, 2018 at 1:28 pm

   ભગવાનભાઈ,આ લાક્ષણિક અને સૂચક સલાહ માટે આભાર !

 4. August 17, 2018 at 8:31 am

  સારું ત્યારે – અહીં અભિપ્રાય નથી આપતો !

  • Samir
   August 17, 2018 at 2:20 pm

   અભિપ્રાય ન આપવા બદલ આભાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *