ડંકો પડે ત્યારે

Facebooktwitterredditpinterestlinkedinmail

– રજનીકુમાર પંડ્યા

મૂળ શું?

આપણો સ્વભાવ સરળ એટલે માણસો આપણને સમજી શકે નહીં. હમણાં એ જ કોઈ વાત આપણે ફેરવી ફેરવીને કરીએ તો સામું માણસ એક તો સમજ્યા વગર હા પાડી દે અને વળી આપણી ગણતરી બુદ્ધિશાળીમાં થાય. પણ મને જિંદગી ધરીને એવું કરતાં આવડ્યું નહીં. એટલે માણસ ક્યારેય મારી કિંમત સમજી શકવાના નહીં. એમના મનમાં તો એમ જ કે મગનભાઈ તો માસ્તર. એમને છોકરાઓને ભણાવવા સિવાય બીજું કાંઈ ન આવડે. પણ એવું નથી. આ હું છું તે કદાચ કોઈ મોટા ગામમાં અને મોટી શાળામાં હોઉં તો ઉપાડ્યો ન ઊપડતો હોઉં, કારણ કે દરેક વસ્તુના ઊંડાણમાં જવાની મને ટેવ. જે વિષય હાથમાં લીધો તેને સાવ તળિયાથી શરૂ કરીને છેક સુધી જાણવો. એટમબોમ્બ શેમાંથી બને છે અને એમાં શું શું પડે છે એની મને જાણ અને બુટપૉલિશમાં ક્યાં ક્યાં તત્તવો હોય છે એમાં પણ મને પૂરો રસ. નાનપણથી જ મને એવી ટેવ. મને ત્યારથી એવી ઇચ્છા ખરી કે હું વૈજ્ઞાનિક બનું. માનતા હો તો માનજો કે તડકામાં હું જ્યારે પિષ્ટ રગડવા (લોટ માગવા જવાને અમે લોકો ‘પિષ્ટ રગડવો’ કહીએ) જતો ત્યારે બપોરના દોઢ વાગ્યા સુધી એ કામ ચાલતું. સવારના સાતથી બપોરના દોઢ સુધીમાં હું ત્રણ ગામની ધૂળ ખૂંદી નાખતો. વગડામાંથી પસાર થતો હોઉં અને ચામડી તડકાથી ચરચરતી હોય ત્યારે એમ વિચાર આવે કે મને આમ આટલી ગરમીથી લોહી દાઝી જાય છે ત્યારે મારા આ ખડિયામાં પડેલા લોટનું શું થતું હશે? ભગવાને કાંઈક એવી રચના કરી હોત તો આ ખડિયામાં પડેલા લોટના રોટલા થઈને સૂરજની ગરમીથી આપોઆપ શેકાઈ જતા હોત તો? ઘરે જઈને દાદીને રાંધીને ખવડાવવાની પિંજણમાંથી તો છૂટત! હવે આ વિચારને તમે ગમે તેવો ગાંડો વિચાર ગણતા હો તો ભલે, પણ મારે મન તો આ સૂર્યકૂકરનો વિચાર જ કહેવાય. પાછળથી બરોડાવાળા ભલે એની શોધનું માન ખાટી ગયા હોય પણ મૂળ વિચારનું અવતરન તો મારા જ મનમાં.

અભિમાન નથી કરતો, પણ ખજૂરી ઉપર પથરા ફેંકી ફેંકીને ખલેલા પાડવાની રમત બચપણમાં હું બહુ રમતો. કારણ કે એ વાતની પાકી ખાતરી કે ખરેલાં ખલેલા નીચે જમીન ઉપર જ પડે. કંઈ ઉપર જાય નહીં. એવી ખાતરી ન હોત તો મારા જેવો ડાહ્યો ગણાતો છોકરો પણ ઝાડને પાણા મારે? હવે કોઈ કહેતું હોય કે ન્યુટને ઝાડ પરથી સફરજનને નીચે પડતાં જોયું તો એની એ વાત ખોટી છે એમ નહીં પણ ન્યુટનનું નામ પણ જાણ્યા વગર, એ પહેલાં પણ મારા મનમાં એમ તો થતું જ કે ખલેલા કંઈ આકાશમાં બેઠેલો ભગવાન હાથ લંબાવીને ઉપર લઈ લેતો નથી. આપણી તરફ જ આવવા દે છે. મૂળ શું? ન્યુટન આપણા કરતાં વહેલો જન્મી ગયેલો એટલે બધો જશ એ લઈ ગયો. ને વળી બીજી વાત. સફરજનનાં ઝાડ આપણે ત્યાં તો થતાં જ નથી. સફરજન હમણાં જોયાં પણ એનું ઝાડ તો હજી સુધી જોયું નથી. ને એમાં આપણે શું કરીએ?

લોટ માગવાનું બંધ કરીને મોટી ઉંમરે ભણવા બેઠો કારણ કે દાદી પછી તો દેવ થઈ ગયાં. મા-બાપ તો હજી પોપડા ઉપડી ગયેલા ફોટામાંય રહી ગયાં, પણ દાદીમા તો એમાંથીય ગયાં. રંભામાએ દલીચંદ શેઠને આપણી વાત કરી. દલીચંદ કાકાએ ગોંડલ આશ્રમવાળાઓને લખ્યું અને આશ્રમવાળાઓએ મને સંભાળી લીધો. આમ ભણવા બેઠો તો ખરો મોટી ઉંમરે પણ જોતજોતામાં શાળાંતને આંબી ગયો. શાળાંતમાંય વિજ્ઞાનમાં તો સોમાંથી એંસી તો શું પૂરા સો જ આવી જાત પણ છેલ્લો સવાલ લખતો હતો ત્યાં ડંકો પડી ગયો. હું એ વખતે વરાળના એન્જિનની શોધ વિષે વિગતવાર લખતો હતો. એમાં મારે એમ લખવું હતું કે ચાની કિટલી ઉપર વરાળથી કૂદાકૂદ કરતું ઢાંકણું જોઈને સ્ટીવન્સનને મનમાં જિજ્ઞાસા પેદા થઈ એ વાત ખોટી નહીં, પણ ખીચડી ખદબદતી અને છીબું ઊંચું નીચું થતું એ જોઈને મારું મન પણ ઊંચું નીચું થતું એ કાંઈ કોઈ વરાળના જોરે? મારી દાદીમા કહેતી કે એ તો ભૂખના જોરે. આમ મારા મનમાંય વરાળને લગતી જિજ્ઞાસા સ્વયંભૂ જ થયેલી. આ લખું છું એટલે મને સ્ટીવન્સન પ્રત્યે કોઈ ઈર્ષા છે એમ ન માનતા. સ્ટીવન્સન અને મગન વચ્ચે વિલાયત અને હિન્દુસ્તાન જેટલો ફેર તો રહે જ ને! મૂળ શું? સવાલ માત્ર સમયનો જ. એ વહેલો જન્મ્યો અને હું લેટ પડ્યો.

શાળાંત પાસ થઈ ગયો અને પી.ટી.સી પાસ થવાની શરતે નોકરીએ લાગી ગયો. ત્યાં આશ્રમવાળાઓએ મને આશ્રમની જ છોકરી સાથે પરણાવી દીધો. આમ એક રીતે સારું થયું કે મારું ઘર બંધાઈ ગયું. પણ દિલથી પૂછતા હો તો કહું તો મારી તો પ્રગતિ જ રૂંધાઈ ગઈ. આમ છતાં મારું ધ્યાન મારા સંસાર કરતાં વિજ્ઞાનમાં વધારે. પત્ની સાથેય મારી વધુ વાત તો વિજ્ઞાનની. એના લાંબા વાળમાં દાંતિયો ઝડપથી ફેરવવાથી દાંતિયામાં વીજળી પેદા થાય છે એની ખાતરી મેં એના દાંતિયા સાથે થોડા તણખલાં વળગાડીને કરાવી આપેલી ત્યારે એની આંખમાં મારા પ્રત્યે જે અહોભાવ છલકાઈ ગયેલો એ આજેય મને એવો ને એવો જ યાદ છે. જો કે મેં તો તરત જ નમ્રતાપૂર્વક કબૂલ કરેલું કે એ શોધ મારી નથી. જેનું નામ જલ્દી મારે મોંએ ચડતું નથી, એવા એક નાનકડા વૈજ્ઞાનિકની છે. પણ તોય એ તો મારી જ શોધ હોય એમ અમારી ચાર વર્ષની બેબીને બતાવીને મારી તરફ જ આંગળી ચીંધ્યા કરતી. જો કે મનેય સ્વતંત્રપણે એવો વિચાર આવી શક્યો હોત એમાં શંકા નથી. એટલે તાત્ત્વિક રીતે એની વાત એની રીતે બરાબર હતી.

પી.ટી.સીમાં પણ વિજ્ઞાનના પ્રશ્નપત્ર વખતે જોગાનુજોગ એવું બન્યું કે શાળાંતની જેમ જ એમાં હું આર્કિમીડીઝના પાણીની ઘનતાના સિદ્ધાંત વિષે લખતો હતો ત્યાં જ ડંકો પડી ગયો. બાથરૂમમાંથી જેમ આર્કિમીડીઝ વગર વસ્ત્રે બહાર નીકળી ગયો હોય તેમ હું વગર લખ્યે પરીક્ષાખંડની બહાર નીકળી ગયો. એ વખતે મને એ ખબર પડી કે નાનપણમાં ભૂખના માર્યા જે ત્રણ કલાક ત્રણ દિવસ જેવા લાગતાં એ જ ત્રણ કલાક પરીક્ષાખંડમાં કેવા ત્રણ મિનિટની જેમ પસાર થઈ જાય છે! આ વાત મેં થાનકી માસ્તરને કરી તો કહે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદનો સિદ્ધાંત તે આ જ! બોલો, હવે કોને કહેવું? કોણ માનશે? આમાંય આપણે તો મોડા જ પડ્યાને? ઘરે જઈને પત્નીને વાત કરી તો એ અહોભાવથી જોઈ રહી! હવે આમાં અહોભાવ અનુભવવા જેવું હતું કે શોકભાવ અનુભવવા જેવું? મૂળ શું? કેળવણીનો અભાવ. બીજું કંઈ નહીં. એણે તરત અમારી બેબીને વાત કરી કે તારા બાપુ તો અંગ્રેજોનેય આંટે એમ છે. તાત્ત્વિક રીતે એની વાત સાચી, પણ એથી કરીને કંઈ બીજાનો જશ આપણે થોડો આંચકી લેવાય છે? બધુંય છાંડવું, પણ ઉદારતા ન છાંડવી. જે જેના હકનું હોય એને લેવા દેવું. ઈર્ષા અનુભવવાનો આપણો હક્ક નહીં. શોક અનુભવવાનો આપણો હક્ક.

અને કેટલીક વાત તો આપણે નિખાલસતાપૂર્વક કબૂલ કરવી જ પડે. ભલે ગમે તેવું સુપર વૈજ્ઞાનિક આપણું ભેજું રહ્યું પણ ચંદ્ર ઉપર હું નથી ગયો તે નથી જ ગયો. એમાં તો આર્મસ્ટ્રોંગ જ ગયો હતો એમ કહેવું પડે. એમાં કોઈ મને ખોટું બોલવાનું કહે તો પણ ન બોલું, અલબત્ત, ચંદ્ર વિષે જાણીએ બધુંય. શાળામાં સિત્તેરની સાલમાં ચંદ્રની ચઢાઈ વિષે પ્રદર્શન ભરાયેલું ત્યારે સાયન્સ ગ્રેજ્યુએટ તોય હેડમાસ્તર આઘાપાછા થઈ ગયેલા, કારણ કે વિદ્યાર્થીઓના સવાલના જવાબ કોણ આપે? મેં એના અંગે એટલું બધું વાંચેલું કે ચંદ્ર ઉપર ખુદ ન ગયાનો અફસોસ જ ન રહે. પૂછનારાય કાન પકડી ગયેલા. ઘરે આવીને આ વાત કહી ત્યારે પત્નીએ અમારા પાડોશમાં એટલી બધી ફેલાવી દીધી ને સવાલ પૂછનાર પાડોશીઓ એટલા બધા વધી ગયા કે એટલી ગરદી તો આર્મસ્ટ્રોંગને ઘરે પણ નહીં થઈ હોય અને એટલી બધી ચા તો એની બૈરીનેય મૂકવી નહીં પડી હોય.

બેબીના કહેવાથી મારે એની છોકરીઓની શાળામાંય ચંદ્ર ઉપર ચઢાઈ વિષે બોલવા જવું પડેલું અને ત્યાં એના આચાર્યે મારો મગનલાલ તરીકે નહીં પણ મગનચંદ્ર તરીકે પરિચયવિધિ કરાવેલો. આ શું બતાવે છે?

છતાંય પણ સમાજમાં હું વૈજ્ઞાનિક તરીકે બહુ બહાર ન પડું, પણ ઘરમાં પત્ની અને બેબીને વૈજ્ઞાનિક શિક્ષણ આપવામાં જરા પણ મન ચોરું નહીં. વઘારમાં મૂકેલી રાઈ તડતડ શાથી બોલે છે અને ઊકળતા પાણીમાં પડેલી ચણાના લોટની સેવ એમાં ઓગળી કેમ જતી નથી એના વિષે વૈજ્ઞાનિક ખુલાસા સાંભળતી વખતે પત્ની અને બેબીની આંખોમાંથી એટલી પ્રશંસા વરસતી કે આ તો નથી, પણ વખત છે ને સરકારે મને પદ્મશ્રીનો ઈલ્કાબ આપ્યો હોય તોય આટલો આત્મસંતોષ ન થાય. એ લોકોને મારે માત્ર એટલું જ કહેવાનું રહેતું કે માત્ર હું મોડો જન્મ્યો અને એય તે ખોટે ઠેકાણે, ખોટા દેશમાં અને અણસમજુ માણસોની….. ….

જો કે આજે હવે પત્ની નથી – એને પોઢી ગયાને વરસો થયાં. બેબી પરણીને સાસરે ગઈ છે. બા-બાપુજીની તસ્વીરની બાકીની પોપડીઓ પણ ઊખડી ગઈ છે અને ભીંત પર એની જગ્યાએ બેબીના બાબાનો ફોટો લટકે છે. રિટાયર્ડ થઈ ગયો છું. રાતે એકાંતમાં ભીંતડાં ખાવા ધાય છે, ત્યારે કેટલીક વાર પાછલા પહોરે ઊંઘ ઊડી જતાં મન બ્રહ્માંડના વિચારે ચડી જાય છે. એમ થાય છે કે દુનિયા ત્રણ જણાની બનેલી હોય કે ત્રણસો અબજની, અને હું મગનલાલ હોઉં કે સ્ટીવન્સન, એથી શો ફેર પડે છે? પદ્મશ્રી હોય કે પત્નીની પ્રશંસા, ફેર શો પડે છે તાત્ત્વિક રીતે? મૂળ શું? મને ખબર છે કે આ સવાલનો જવાબ હું વિચારતો હોઈશ, વિચારી રહ્યો હોઈશ અને હજુ પૂરો વિચારી નહીં રહ્યો હોઉં ત્યાં જ એક પળે સાવ અચાનક જ ડંકો પડી જશે. ને મારે ઊઠીને ચાલતા થઈ જવું પડશે.

* * *

લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા :બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711 / ઇ મેલ- rajnikumarp@gmail.com

1 comment for “ડંકો પડે ત્યારે

  1. August 13, 2018 at 7:12 am

    .. મને જિંદગી ધરીને એવું કરતાં આવડ્યું નહીં. એટલે માણસ ક્યારેય મારી કિંમત સમજી શકવાના નહીં. એમના મનમાં તો એમ જ કે મગનભાઈ તો માસ્તર.

    અને અંત તો જુઓ….   એક પળે સાવ અચાનક જ ડંકો પડી જશે. ને મારે ઊઠીને ચાલતા થઈ જવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *