દેશભક્તિના ફિલ્મીગીતો

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

Indian Independence Day concept background with Ashoka wheel. Vector Illustration. Flag India theme background for Republic day.

૧૫મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિવસ. આઝાદી મેળવવા કરેલી વર્ષોની લડત બાદ આપણે તે પ્રાપ્ત કરી હતી. આમાં ફિલ્મી જગત પણ સામેલ થયું હતું – સ્વતંત્રતા મળ્યા પહેલા અને પછી. કેટલીયે ફિલ્મોમાં દેશભક્તિના ગીતો મુકાયા છે અને તે લોકકંઠે છવાયા છે તેમાંના થોડાકનો રસાસ્વાદ આ લેખ દ્વારા કરાવવા ધાર્યું છે.

સૌ પ્રથમ ૧૯૪૭ની પહેલાની ફિલ્મનો ઉલ્લેખ કરૂ છું.

૧૯૪૩મા આવેલી ફિલ્મ ‘કિસ્મત’ કે જેણે તે જમાનામાં ધૂમ મચાવી હતી અને લાંબા ગાળા સુધી ચાલી હતી તેનું આ ગીત આજે પણ યાદ કરાય છે. કહેવાય છે કે આ ગીત માટે પહેલા તો બ્રિટીશ સરકારે વાંધો લીધો હતો એમ સમજીને કે આ તેમને ઉદ્દેશીને છે પણ પછી એમ સમજાવાયું કે આ જર્મન સરકાર સામે છે એટલે તેની મંજૂરી મળી હતી.

आज हिमालय की चोटी से फिर हम ने ललकारा है
दूर हटो ये दुनियावालो हिंदोस्ता हमारा है

અમીરબાઈ કર્ણાટકી અને અશોકકુમાર પર આ ગીત રચાયું છે. ગીતના શબ્દો પ્રદીપજીના, સંગીત અનિલ બિશ્વાસનું અને ગાનાર કલાકાર અમીરબાઈ અને ખાન મસ્તાના.

૧૯૪૮ની ફિલ્મ ‘શહીદ’માં પણ બહુ જ પ્રચલિત ગીત છે

वतन की राह में वतन के नौजवाँ शहीद हो
पुकारते है ये ज़मीन और आसमाँ शहीद हो

ગીતના શબ્દો છે રાજા મહેંદી અલી ખાનના અને સંગીત છે ગુલામ હૈદરનું. દિલીપકુમાર અને સાથીઓ પરના આ ગીતના ગાનાર કલાકાર છે રફીસાહેબ અને ખાન મસ્તાન

આવું જ જુસ્સાભાર્યું ગીત છે ૧૯૫૦ની ફિલ્મ ‘સમાધી’નું.

कदम कदम बढाये जा खुशी के गीत गाये जा
ये ज़िन्दगी है कोम की तुं कोम पे लुटाये जा

આ ગીતનું મુખડું આ પ્રમાણે છે

तेरे लिए तेरे वतन की ख़ाक बेकरार है
हिमालय की चोटियों को तेरा इन्तेझार है

આ શબ્દો જ એટલા પ્રોત્સાહિત છે કે સાંભળતાં જ માહોલ બદલાઈ જાય છે. આ ગીતમાં કલાકાર અશોકકુમાર છે પણ ગીત પાર્શ્વભૂમિમાં ગવાયું છે જેના શબ્દો છે રાજીન્દર ક્રિશ્નના. સંગીતકાર અને ગાનાર કલાકાર સી. રામચંદ્ર.

બાળકોમાં દેશભક્તિની ભાવના જગાડતા બે ગીતો છે ૧૯૫૪ની ફિલ્મ ‘જાગૃતિ’માં

પહેલા ગીતમાં ભારતદર્શનના શબ્દો છે

आओ बच्चो तुम्हे दीखाये झाँकी हिन्दुस्तान की
इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की

શાળાના વિદ્યાર્થીઓને ભારતની આઝાદી માટે જે જુદા જુદા પ્રદેશોનો ફાળો હતો તે આ ગીતમાં અભિ ભટ્ટાચાર્ય વર્ણવે છે. સંગીત હેમંતકુમારનું છે અને શબ્દો પ્રદીપજીના. ગાનાર કલાકાર પણ પ્રદીપજી.

બીજું ગીત બાળકોને શિખામણ રૂપે છે

पासे सभी उलट गये दुश्मनों की चाल के
अक्षर सभी पलट गए भारत के भाल से

આ પણ અભિ ભટ્ટાચાર્ય પર રચાયું છે જેના ગાનાર કલાકાર છે રફીસાહેબ. શબ્દો પ્રદીપજીના અને સંગીત હેમંતકુમારનું.

૧૯૫૨ની ફિલ્મ ‘આનંદમઠ’ જે બંકિમચંદ્ર ચેટરજીની સુપ્રસિદ્ધ નવલકથા પર બનેલી તેમાં ભારતમાતાના ગુણગાન વર્ણવતું ગીત છે

वंदेमातरम् वंदेमातरम् वंदेमातरम्
सुजलाम सुफलाम् मलयज शितलाम

આ ગીત ફિલ્મમાં બે વાર અપાયું છે. એક ગીત ગીતાબાલી પર રચાયું છે જેને સ્વર આપ્યો છે લતાજીએ. સંગીત હેમંતકુમારનું અને શબ્દો બંકિમચંદ્ર ચેટરજીના.

બીજીવાર આ ગીત પ્રદીપકુમાર પર રચાયું છે જેના શબ્દો ઉપર પ્રમાણે. સ્વર આપ્યો છે હેમંતકુમારે. સંગીત હેમંતકુમારનું અને શબ્દો બંકિમચંદ્ર ચેટરજીના.

૧૯૫૪માં એક રાજકીય વિષયને લઈને ફિલ્મ આવી હતી ‘લીડર’. આ ફિલ્મમાં પણ એક દેશભક્તિનું ગીત જોવા મળે છે.

अपनी आझादी को हम हरगीज़ मिटा शकते नहीँ
सर कटा शकते है लेकिन सर झूका शकते नहीँ

ગીતના કલાકાર છે દિલીપકુમાર જેને સ્વર સાંપડ્યો છે રફીસાહેબનો. શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીત નૌશાદનું.

૧૯૫૭ની સામાજિક ફિલ્મ ‘નયા દૌર’માં પણ એક ગીત છે જે દેશના યુવાનોને બિરદાવે છે

ये देश है वीर जवानो का
अलबेलोका मस्तानो का

દિલીપકુમાર અને અજિત પર આ ગીત રચાયું છે જેના ગાનાર કલાકાર છે રફીસાહેબ અને બલબીર. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત ઓ.પી. નય્યરનું.

૧૯૫૧ની ફિલ્મ ‘હમ હિંદુસ્તાની’માં ગીત છે

छोडो कल की बाते कल की बातें पुरानी
नए दौर में लिखेंगे मिलकर नयी कहानी

ભૂતકાળ ભૂલી જઈ દેશની પ્રગતિ માટે આગાળ વધવાનો આ ગીતમાં સંદેશ છે જે પ્રેમ ધવનના શબ્દોમાં અપાયો છે. સુનીલ દત્ત પર રચાયેલ આ ગીતને કંઠ મળ્યો છે મુકેશનો. સંગીતકાર ઉષા ખન્ના.

૧૯૬૧માં આવેલી ફિલ્મ ‘કાબુલીવાલા’માં પોતાના વતનની યાદ આવતા કોઈ યુવાન ગીત ગાય છે

ऐ मेरे प्यारे वतन
ऐ मेरे बिछड़े चमन
तुज पे दिल कुरबां

આ ગીત સાંભળી બલરાજ સહાનીને પોતાના વતનની યાદ આવે છે પણ આ ગીત તેટલું જ આપણા વતનને અનુરૂપ છે. પ્રેમ ધવનના શબ્દોને સલિલ ચૌધરીએ સ્વરબદ્ધ કર્યા છે જેને સ્વર સાંપડ્યો છે મન્નાડેનો.

પોતાના વતન પર ગર્વ અનુભવતા રાજકપૂર ૧૯૬૧ની અન્ય ફિલ્મ ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’માં કહે છે

होठो पे सच्चाई रहती है
दिल में सफाई रहती है
हम उस देश के वासी है
जिस देश में गंगा बहती है

ગીતને સ્વર આપ્યો છે મુકેશે. શૈલેન્દ્રના શબ્દો છે અને સંગીત શંકર જયકિસનનું.

બાળકોમાં પણ દેશભક્તિનો રંગ લાગે તે દેખાડતું ગીત છે જે ૧૯૬૨ની ફિલ્મ ‘સન ઓફ ઇન્ડિયા’નું છે.

नन्हा मुन्ना राही हूँ
देश का सिपाई हूँ
बोलो मेरे संग
जयहिंद जयहिंद

બાળકલાકાર છે સાજીદખાન. શકીલ બદાયુનીના શબ્દોને નૌશાદે સંગીત આપ્યું છે. ગાનાર કલાકાર શાંતિ માથુર

૧૯૬૨ની ચીન સાથેની લડાઈ પછી તેને કંઇક અંશે પ્રસ્તુત કરવાનો પ્રયાસ ૧૯૬૪ની ફિલ્મ ‘હકીકત’માં કરાયો છે. ફિલ્મ તો હૃદયદ્રાવક હતી પણ આ સાથેનું ગીત અત્યંત કરૂણ અને હચમચાવી દે તેવું છે. લડાઈમાં ઘાયલ સૈનિકો અને મૃત્યુ પામેલાનાં શબોની પાર્શ્વભૂમિમાં રફીસાહેબના દર્દભર્યા અવાજને કારણે સાંભળનારને તે વ્યથિત કરી શકે છે. ગીતના શબ્દો કૈફી આઝમીના, સંગીત મદનમોહનનું.

‘શહીદ’ નામની એક ફિલ્મ ફરી એકવાર ૧૯૬૫મા આવી હતી. સ્વાભાવિક છે કે તેમાં પણ દેશભક્તિનું ગીત હોવાનું. આ ગીતની શરૂઆત અન્ય શબ્દોથી થાય છે પણ ત્યારબાદ કહેવાય છે

सरफरोशी की तमन्ना अब हमारे दिल में है
देखना है ज़ोर कितना बाजू-ऐ-कातिल में है

સત્યાગ્રહના લડવૈયા ભગતસિંહ અને તેના સાથીદારોમાંથી એક જતિનનું જેલમાં કરૂણ મૃત્યુ થાય છે. તેના શોકમાં જ્યારે અન્ય હોય છે ત્યારે મનોજકુમાર આ ગીત ગાય છે જેને પ્રેમ ચોપરા અને અન્યોનો સાથ મળે છે.

રામપ્રસાદ બિસ્મિલ રચિત આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબ, મન્નાડે અને રાજેન્દ્ર મહેતાનો. સંગીત પ્રેમ ધવનનું.

આ જ ફિલ્મમાં એક અન્ય ગીત પણ છે

ऐ वतन ऐ वतन हम को तेरी कसम
तेरी राहो में जाँ तक लुटा जायेंगे

આ ગીત પણ મનોજકુમાર પર રચાયું છે. આ ગીતને સ્વર મળ્યો છે રફીસાહેબનો. શબ્દો અને સંગીત પ્રેમ ધવનના.

૧૯૬૫ની ઐતિહાસિક ફિલ્મ ‘સિકંદર-એ- આઝમ’માં પોરસ લડાઈ માટે પ્રયાણ કરે છે ત્યારે પાર્શ્વભૂમિમાં ભારત દેશ માટે જે વર્ણન અપાયું છે તે અત્યંત યથાર્થ શબ્દોમાં છે તેમ કહી શકાય.

जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा
वो भारत देश है मेरा वो भारत देश है मेरा

રાજીન્દર ક્રિષ્ણના શબ્દો અને હંસરાજ બહલનું સંગીત. સ્વર રફીસહેબનો. ગીતમાં પૃથ્વીરાજ કપૂર, પ્રેમનાથ અને પ્રેમ ચોપરા જેવા કલાકારો દેખાય છે.

આવું જ ભારતદેશની ખૂબીઓ દર્શાવતું ગીત છે ૧૯૬૭ની ફિલ્મ ‘ઉપકાર’નું.

मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती
मेरे देश की धरती मेरे देश की धरती

મનોજકુમાર પર રચાયેલ આ ગીત અત્યંત પ્રચલિત થયું છે જેને સ્વર મળ્યો છે મહેન્દ્ર કપૂરનો. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત કલ્યાણજી આણંદજીનું.

મૂંગા બહેરાને ઉજાગર કરતી ૧૯૭૨ની ફિલ્મ ‘કોશિશ’માં પણ એક દેશભક્તિનું ગીત બાળકો પાસે ગવડાવાયું છે. ભલે બંને વિકલાંગ હોય પણ પોતાના પુત્રની શાળાના વાર્ષિક સમારંભમાં તેને જોવા સંજીવકુમાર અને જયા ભાદુરી જાય છે અને ન સમજવા છતાં પોતાના પુત્રને મંચ ઉપર અભિનય કરતાં જોઈ ખુશ થાય છે.

हम से है वतन हमारा और वतन से है हम

ગુલઝારના શબ્દોને સંગીત આપ્યું છે મદનમોહને જેના ગાનાર કલાકાર છે સુષમા શ્રેષ્ઠા અને જયશ્રી શિવરામ.

૧૯૮૬ની ફિલ્મ ‘કર્મા’માં ગીત છે

मेरा कर्मा तू मेरा धर्मा तू
तेरा सब कुछ मै मेरा सब कुछ तू
हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए

ગીતના કલાકારો છે દિલીપકુમાર અને નૂતન. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. કંઠ છે કવિતા કૃષ્ણમૂર્તિ અને મોહમ્મદ અઝીઝના

દેશપ્રેમને વર્ણવતું અન્ય ગીત છે ૧૯૯૩ની ફિલ્મ ‘રોજા’નું.

भारत हम को जाँ से प्यारा है
सबसे न्यारा गुलिस्ताँ हमारा है

અરવિંદ સ્વામી આ ગીતના કલાકાર છે જેને સ્વર આપ્યો છે હરિહરને. શબ્દો પી.કે.મિશ્રાના અને સંગીત એ. આર. રહેમાનનું.

૧૯૫૦ની ફિલ્મ ‘સમાધિ’માં જે ગીત હતું તે ગીત ૨૦૦૫ની ફિલ્મ ‘બોઝ ધ ફરગોટન હીરો’માં પણ લેવાયું છે કારણ આ ફિલ્મ સુભાષચંદ્ર બોઝ પર છે. જો કે શબ્દોમાં ફેરફાર છે એટલે તે જાવેદ અખ્તરના નામે છે. આ ગીતનું સંગીત આપ્યું છે એ.આર.રહેમાને. સમૂહ ગીતમાં મુખ્ય કલાકાર છે સચિન ખેડેકર અને સ્વર છે વિજય પ્રકાશનો.

દેશભક્તિના ફિલ્મીગીતોના લેખમાં જો એક બિનફિલ્મી ગીતની નોંધ ન લઈએ તો આ લેખ અધુરો રહે કારણ આ એ ગીત છે જે જ્યારે સાંભળો ત્યારે દિલને અને લાગણીઓને હચમચાવી દે છે.

अये मेरे वतन के लोगो
ज़रा आँख में भर लो पानी
जो शहीद हुए है उन की
याद करो कुर्बानी.

ગીતના શબ્દો પ્રદીપજીના. અવિસ્મરણીય સ્વર લતાજીનો અને સંગીત સી. રામચંદ્રનું. આ એ ગીત છે કે જે સાંભળીને સ્વ. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુની આંખો પણ ભરાઈ આવી હતી.

લેખની લંબાઈને કારણે અન્ય ગીતોનો સમાવેશ નથી કર્યો તે સુજ્ઞ વાચક સમજી જશે.


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

2 comments for “દેશભક્તિના ફિલ્મીગીતો

 1. August 13, 2018 at 7:04 am

  લંબાઈને કારણે અન્ય ગીતોનો સમાવેશ નથી કર્યો તે સુજ્ઞ વાચક સમજી જશે.

  ગીત એક લખે એને સ્વરબદ્ધ, સંગીત, નાટક કે ફીલમમાં કલાકાર અને નૃત્ય, વગેરે બીજા જ હોય…

  આમાં કોપી રાઈટ માટે કોણ અરજી કરી શકે?

  પોસ્ટની શરુઆતમાં દેશભક્તી શબ્દ લખેલ છે. ગરીબાઈ, શોષણ, અત્યાચાર અને ભૃષ્ટાચાર તો ચાર ઘણાં વધ્યા છે…

  • Niranjan Mehta
   August 13, 2018 at 1:05 pm

   માફ કરજો પણ આમાં કોપીરાઇટનો પ્રશ્ન ક્યા આવ્યો. જ્યાં તેની જરૂર હોય ત્યાં સંચાલકો તેનો નિર્દેશ કરે છે. વળી આ લેખનાં વિષય સાથે અન્ય વાતો ગરીબાઈ વગેરેનો ઉલ્લેખ પણ અસ્થાને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *