સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૬)…. બેક્ટેરીયા/જીવાણુઓ:

Facebooktwitterredditpinterestlinkedinmail

પીયૂષ મ. પંડ્યા

અગાઉની કડીમાં આપણે બેક્ટેરિયાની કેટલીક વિશિષ્ટ ખાસિયતો જાણી. આજે એ જ દિશામાં આગળ વધીએ. અહીં આપણે બેક્ટેરિયાની બે ખાસિયતો, શ્વસન અને પ્રજનન વિશે વિગતે વાત કરીએ.

પહેલાં કેટલાંક બેક્ટેરિયાના શ્વસન બાબતે થોડું જાણીએ.

પૃથ્વી ઉપર જીવનની શરૂઆત થઈ ત્યારનું વાતાવરણ અત્યારે છે એના કરતાં ખાસ્સું અલગ પ્રકારનું હતું. સ્વાભાવિક રીતે જ એ સમયે અસ્તિત્વમાં આવેલા પ્રારંભિક કક્ષાના સજીવો જે તે સમયના વાતાવરણને અનુરૂપ જૈવરાસાયણિક પ્રણાલી ધરાવતા હતા. લાખો, કરોડો વર્ષો દરમિયાન વાતાવરણમાં થતા રહેલા ફેરફારો સાથે અનુકૂલન સાધ્યું એવા સુક્ષ્મ સજીવો ટકી ગયા અને એમનો વંશવેલો આગળ વધતો રહ્યો. આવા પ્રમુખ ફેરફારોમાંનો એક હતો પૃથ્વીના વાતાવરણમાં ઑક્સીજન વાયુનો પ્રવેશ અને ધીમી તેમ જ મક્કમ ગતિથી એના પ્રમાણમાં થતો રહેલો વધારો. એ અગાઉના સજીવો કાર્બન ડાય ઑક્સાઈડ વાયુ વડે પોતાની શ્વસનક્રિયા ચલાવતા હતા. આ જાતની શ્વસન પધ્ધતિ અજારક શ્વસન/Anaerobic Respiration તરીકે જાણીતી છે. સ્વાભાવિક રીતે જ જેમ જેમ વાતાવરણમાં ઉપર જણાવ્યા મુજબનો પલટો આવતો ગયો તેમ તેમ એની સાથે અનુકૂલન સાધ્યું એવા સુક્ષ્મ જીવોની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ. ઉત્ક્રાંતિના નિયમ મુજબ જે જીવો અનુકૂલન ન સાધી શક્યા એ વિલુપ્ત થતા ચાલ્યા. ઉત્ક્રાંતિના સતત ચાલતા દોરમાં ત્યાર પછી અસ્તિત્વમાં આવેલી દરેક સજીવ પ્રણાલી ઑક્સીજન આધારીત શ્વસનક્રિયા વડે જ જીવન ટકાવવા સમર્થ બની રહી. આવા શ્વસનને જારક શ્વસન/Aerobic Respiration કહેવાય છે.

પણ, કુદરતનું આયોજન હંમેશાં આપણી સમજથી ઘણું પર રહ્યું છે. ઑક્સીજન વડે શ્વસનક્રીયા ચલાવતાં સુક્ષ્મ તેમ જ અન્ય વિકસીત સજીવોને અસ્તિત્વમાં આવ્યાનાં કરોડો વર્ષ પછી હજી યે કેટલાંક બેક્ટેરિયા પોતાના વડવાઓએ અપનાવેલી અજારક શ્વસન પધ્ધ્તિ વડે પોતાનું જીવન ટકાવી રહ્યાં છે. ‘કીડીને કણ અને હાથીને મણ’ આપનારી કુદરત આવાં સુક્ષ્મ સજીવોને એમના ભાગનો કાર્બન ડાય ઑક્સાઈડ મળી રહે એવું આયોજન પણ કર્યે રાખે છે. વાત અહીં પૂરી નથી થતી. આ પ્રકારનાં બેક્ટેરિયા માટે ઑક્સીજન ઘાતક પૂરવાર થાય છે. એટલે એમનું એવા વાતાવરણમાં રહેવું અનિવાર્ય બની રહે છે, જ્યાં જરૂરી માત્રામાં કાર્બન ડાયઑક્સાઈડ મળી રહે અને ઑક્સીજન હોય જ નહીં અથવા નગણ્ય માત્રામાં હોય. આપણી સામાન્ય બુધ્ધિ આપણને એવું માનવા પ્રેરે છે કે અત્યારે પૃથ્વીના પટ ઉપર આવું વાતાવરણ હોઈ જ શકે નહીં. પણ, હકીકત એ છે કે કુદરતે અજારક પ્રકૃત્તિ ધરાવતાં બેક્ટેરિયા માટે પણ ખુબ જ બારીકાઈથી આયોજન કરેલું છે. ત્યાં સુધી કે માનવ શરીરની અંદર પણ એવા પડાવો છે, જ્યાં અજારક પ્રકૃત્તિધારી બેક્ટેરિયા આરામથી અને સગવડથી જીવતાં આવ્યાં છે! છે ને, અજબ જેવી વાત! ઑક્સીજનને આપણે પ્રાણવાયુ કહીએ છીએ કારણકે એ આપણા જીવનનો પોષક છે. એની ગેરહાજરીમાં અને કાર્બન ડાયઑક્સાઈડની હાજરીમાં મનુષ્યો સહિત મોટા ભાગનાં સજીવો થોડી જ ક્ષણોમાં નાશ પામી જાય. આપણા શરીરના એકએક કોષ માટે આ સત્ય છે. આવા શરીરમાં અજારક શ્વસન વડે કામ ચલાવતાં બેક્ટેરિયા માટે અનુકૂળ વાતાવરણ મળી આવે છે એટલું જ નહીં, એવાં બેક્ટેરિયા મનુષ્ય શરીર માટે ખુબ જ ઉપયોગી બની રહેતાં હોય છે. એક વધુ રસપ્રદ બાબત એ છે કે કેટલાંક બેક્ટેરિયા તો અજારક શ્વસન પધ્ધતિ ધરાવતાં હોવા છતાં જરૂર પડ્યે જારક શ્વસન વડે પણ કામ ચલાવી શકે એવાં દૂધ દહીંમાં રમનારાં હોય છે! અન્ય બેક્ટેરિયા એમને ‘અઠંગ રાજકારણીઓ’ તરીકે ઓળખતા હોય તો નવાઈ નહીં.

હવે બેક્ટેરિયામાં જોવા મળતાપ્રજનન બાબતે વાત કરીએ.:

કોઈ પણ સજીવ પ્રણાલીના સભ્યનો ચોક્કસ સમયાવધિ પછી નાશ થવો અનિવાર્ય છે. એમ થતાં પહેલાં જે તે સજીવ પોતાની જેવાં જ લક્ષણો ધરાવતો એક અન્ય સજીવ અસ્તિત્વમાં આવે એ માટે પ્રયત્ન કરતો રહે છે. જીવનના આવિર્ભાવના શરૂઆતના તબક્કામાં અસ્તિત્વમાં આવેલાં બેક્ટેરિયા અને અન્ય પ્રકારનાં સુક્ષ્મ સજીવો અત્યંત પ્રાથમિક કક્ષાની દેહરચના ધરાવતાં હોઈ, એમનામાં માદા અને નરના ભેદ પડી શકે એવી વિશિષ્ટ અંગરચનાઓ ન હતી. આ કારણથી પ્રારંભિક તબક્કાના સજીવો માટે કુદરતે પ્રજનનની અત્યંત સાદી પધ્ધતિ વિકસાવી. આપણે અગાઉની કડીઓમાં એક કરતાં વધારે વાર ઉલ્લેખ કરી ગયા છીએ કે એ સમયના સજીવો એકકોષી દેહરચના ધરાવતા હતા. આવી હસ્તિઓમાં પ્રજનન માટે જે તે કોષ કદમાં વૃધ્ધિ પામી, છેવટે બે ભાગમાં વહેંચાઈ જાય અને એ બન્ને ફાડીયાંઓ એક એક સ્વતંત્ર કોષ તરીકે વર્તવા લાગે. આ રીતે એકમાંથી બે, એ બેમાંથી ચાર, એ ચારમાંથી આઠ, પછી સોળ, બત્રીશ, એમ નવા કોષો નિશ્ચિત સમયાંતરે ‘જનમ્યા’ કરે. પ્રજનનની આ પધ્ધતિ કોષવિભાજન અને સંખ્યાવૃધ્ધિ/Cell Division and Multiplication પ્રકારના અલિંગી પ્રજનન/Asexual Reproduction તરીકે જાણીતી છે. બેક્ટેરિયામાં આ પ્રજનન પધ્ધતિ સૌથી વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત અલિંગી પ્રજનન માટે અન્ય કાર્યપધ્ધતિઓ પણ ચોક્કસ પ્રકારનાં બેક્ટેરિયાએ વિકસાવી છે, પણ અહીં આપણે એ બધીનો ઉલ્લેખ ટાળીએ છીએ.

હવે ફરી એક આશ્ચર્યજનક જાણકારી માટે તૈયાર રહીએ. આટલી સાદી દેહરચના ધરાવતાં બેક્ટેરિયામાં પણ માદા અને નર જેવા ભેદભાવો વિશિષ્ટ સંજોગોમાં જોવા મળે છે! DNA નામે જાણીતા એવા જનીનીક દ્રવ્યનો એક નાનકડો ટૂકડો કે જે નર કારક/ Sex factor તરીકે ઓળખાય છે, તે જે કોષોમાં હોય તેવા કોષો નર તરીકે વર્તે છે. આ કારક જેનામાં ન હોય એવા કોષો માદા તરીકે વર્તે છે. હવે આપણે સુપેરે જાણીએ છીએ કે સુવિકસીત જીવસૃષ્ટિનાં સભ્યોમાં માદા અને નર જેવા સ્પષ્ટ ભેદભાવો હોય જ છે. પુખ્ત વયનાં માદા અને નરના સંયોગ વડે નવા સજીવના આગમનનો પાયો નંખાય છે. પ્રજનનની આ અતિશય વ્યાપક પધ્ધતિ લિંગી પ્રજનન/Sexual Reproduction નામે જાણીતી છે. અહીં નર પોતાનું જનીનીક દ્રવ્ય શારિરીક સંપર્ક દ્વારા માદાના શરીરમાં દાખલ કરે છે. માદાના જનીનીક દ્રવ્ય અને નરના જનીનીક દ્રવ્યના પરસ્પરમાં વિલિનીકરણથી ફલિતાંડનું નિર્માણ થાય છે. આમ નવા જીવનનો પાયો નંખાય છે. આ બન્ને પ્રકારના લિંગી પ્રજનનની કાર્યપધ્ધતિ બાબતે વિગતે ચર્ચા આવતી કડીમાં કરશું.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

1 comment for “સુક્ષ્મ જીવોની સૃષ્ટિ (૧૬)…. બેક્ટેરીયા/જીવાણુઓ:

  1. August 10, 2018 at 7:46 am

    પ્રજનન માટે જે તે કોષ કદમાં વૃધ્ધી પામી, બે ભાગમાં વહેંચાઈ જાય અને બન્ને ફાડીયાંઓ સ્વતંત્ર કોષ તરીકે વર્તવા લાગે.

    આ સાદી રીત કે પદ્ધતી પછી લોચા અને ઉંચા લોચાની શરુઆત થઈ અને ગડબડ થવા લાગી.

    કાર્બન ડાયોક્સાઈડ નું જીવન પ્રાણવાયુ આધારીત થઈ ગયું…

    કોને ખબર હવે પછીના અબજો વરસમાં શું ફેરફાર થશે.. વાહ કેમીકલ લોચાની કરામત….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *