સાયન્સ ફેર : ‘સિમોન’ : ધી ફ્લાઈંગ બ્રેઈન

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

ભાગ્યે જ કોઈ ટેકનોસેવી માનવી એલન મસ્કના નામથી અજાણ હશે. ટેસ્લા ઇન્કોર્પોરેશન નામની ટેકનો જાયન્ટ કમ્પનીમાં કો-ફાઉન્ડર, સીઈઓ અને પ્રોડક્ટ આર્કિટેક્ટની ત્રિવિધ જવાબદારી નિભાવી રહેલા એલન મસ્ક એક જીનીયસ વ્યક્તિત્વ છે. માત્ર ૧૨ વર્ષની ઉંમરે પોતાની મેળે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખી જનાર મસ્ક અવકાશીય સંશોધનોમાં ઊંડી રુચિ ધરાવે છે. અને આ માટે એણે ઇસ ૨૦૦૧માં ‘સ્પેસ એક્સ’ નામની એરોસ્પેસ કંપની શરુ કરી. સ્પેસ એક્સનું મુખ્ય કામ સાયન્સ અને ટેકનોલોજીની મદદ વડે અવકાશયાત્રાને ઓછી ખર્ચાળ અને સહેલી બનાવવાનું છે. ઉપરાંત, મંગળ ઉપર માનવ વસાહત સ્થાપવાના મસ્કના ડ્રીમ પ્રોજેક્ટ ઉપર સ્પેસ એક્સ કંપની કાર્ય કરી રહી છે. જો કે હાલમાં આ કંપની માનવને બદલે રોબોટને અવકાશયાત્રાએ મોકલવા બદલ ચર્ચામાં છે. એક એવો રોબોટ, જે દેખાવે બાસ્કેટબોલ જેવા આકારનો અને એટલા જ કદનો છે અને ‘ફ્લાઈંગ બ્રેઈન’ તરીકે ઓળખાય છે. આ રોબોટને ‘સિમોન’ તરીકે ઓળખવામાં આવે છે.


૨૮ જૂન ૨૦૧૮ના દિવસે વહેલી સવારે (અમેરિકન સમય મુજબ) લગભગ પોણા છ વાગ્યે કેલિફોર્નિયા સ્થિત બેઝ ઉપરથી સ્પેસ એક્સ કંપનીનું ફાલ્કન-૯ રોકેટ પોતાની સાથે ૨,૭૦૦ કિલોગ્રામનો લોડ લઈને સ્પેસ સ્ટેશન તરફ રવાના થયું, એ સાથે જ સ્પેસ હિસ્ટ્રીમાં આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના નામે એક ગૌરવવંતુ પ્રકરણ લખાઈ ગયું! કેમકે આ રોકેટ સ્પેસ સ્ટેશન પર બીજા માલસામાનની સાથે સાથે ‘સિમોન’ નામના ઇન્ટેલિજન્ટ રોબોટને પણ પહોંચાડવાનું હતું. સિમોન – એટલે કે ‘ક્રૂ ઇન્ટરેક્ટિવ મોબાઈલ કમ્પેનિયન’ – નામ પ્રમાણે જ ગુણ ધરાવે છે. સ્પેસ સ્ટેશનમાં રહેતા ક્રૂ મેમ્બર્સ સાથે આ રોબો ‘વાતચીત’ કરી શકે એ પ્રકારનો છે.[i] સિમોનને જે સ્પેસ સ્ટેશન ઉપર ફરજ બજાવવા માટે મોકલવામાં આવ્યો છે, ત્યાં ‘યુરોપિયન સ્પેસ એજન્સી’ તરફથી જર્મન મૂળના જીઓફીઝીસિસ્ટ એલેક્ઝાન્ડર ગર્સ્ટ ઓલરેડી કામ કરી રહ્યા છે. સિમોને મિ. એલેક્ઝાન્ડરને એમના કામમાં મદદ કરવાની છે. સિમોનનું પ્રોગ્રામિંગ એવું છે કે તે એલેકઝાન્ડર સાથે સંદેશાઓની આપ-લે કરી શકે, એલેક્ઝાન્ડર જે બોલે એ સમજી શકે, એટલું જ નહિ પણ એલેક્ઝાન્ડરને ચહેરો અને અવાજ ઓળખી પણ શકે! આ પ્રકારનો આ પ્રથમ રોબોટ છે જે અવકાશી મુસાફરીમાં સામેલ કરાયો છે. સિમોનની બનાવટમાં અત્યાર સુધીની શ્રેષ્ઠ આર્ટીફીશીઅલ ઇન્ટેલિજન્સનું સંયોજન છે. આથી જ નિષ્ણાંતો એને ‘ફ્લાઈંગ બ્રેઈન’ની ઉપમા આપે છે.

સિમોન એક મોબાઈલ રોબોટ છે જે પોતે નક્કી કરેલી દિશામાં આવ-જા કરી શકે છે. જે રીતે માલિકની બૂમ સાંભળીને બીજા રૂમમાં કામ કરી રહેલો નોકર દોડતો આવીને હાજર થઇ જાય, એ જ પ્રમાણે સ્પેસ સ્ટેશનમાં એલેકઝાન્ડરની બૂમ સાંભળીને સિમોન દોડતો એની પાસે પહોંચી જશે! પણ સિમોન દોડશે કઈ રીતે? હકીકતમાં બાસ્કેટબોલ જેવા આકારના સિમોનને તો પગ જ નથી! આથી ગતિ કરવા માટે તે ‘ઉડશે’! આ રીતે, નિયત ઊંચાઈએ જમીનથી અધ્ધર રહીને – હવામાં સરકતા રહીને જે ગતિ કરે, એને ‘હોવરીંગ ઓબ્જેક્ટ’ અથવા ‘ફ્લોટિંગ ઓબ્જેક્ટ’ કહેવાય. સિમોન પણ ફ્લોટિંગ રોબોટ છે. સ્પેશિયલી એલેક્ઝાન્ડરને મદદ કરવા માટે જ બનાવાયો હોવાને કારણે સિમોન એવી રીતે પ્રોગ્રામ્ડ કરાયો છે કે તે એલેક્ઝાન્ડરની આંખની ઊંચાઈએ તરતો રહે છે. સિમોન જે સ્પેસ સ્ટેશન પર મોકલાયો છે, ત્યાં એલેક્ઝાન્ડર સિવાય બીજા પાંચ ક્રૂ મેમ્બર્સ પણ છે. સિમોન બીજા પાંચ મેમ્બર્સ સાથે પણ સહેલાઈથી વાતચીત-કમ્યુનિકેશન કરી શકે છે.[ii]

સિમોનની બોડીમાં પાછળના ભાગે એક માઈક્રોફોન બેસાડવામાં આવ્યું છે, અને આગળના ભાગે ઇન્ફ્રારેડ કેમેરા સેટ કરવામાં આવ્યો છે. પાવર સપ્લાય માટે બે બેટરીઝ પણ છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે સ્પેસ સ્ટેશનમાં સિમોન સાથે કામ કરનારા અવકાશયાત્રીઓ ધારે ત્યારે સિમોનને ‘સ્વિચ્ડ ઓફ’ કરી શકે છે. સામાન્ય લાગતી આ બાબત ઘણી મહત્વની છે. કેમકે કમ્યુનિકેશન દરમિયાન સિમોનમાં ‘ફીડ’ થતી મેમરી છેએએ…ક પૃથ્વી પર રહેલા આઇબીએમ સર્વરમાં સેવ થાય છે. જ્યારે સિમોન પાસે કોઈ કામ ન લેવાનું હોય ત્યારે બાકીના છ અવકાશયાત્રીઓ વચ્ચે થતો વાર્તાલાપ સિમોન માટે સ્વાભાવિક રીતે બિન-મહત્વનો બની રહે છે. આવો ડેટા સિમોનના સર્વરમાં નાહક શા માટે સ્ટોર કરવો? આથી કાર્ય પૂરું થતાં જ એલેક્ઝાન્ડરની ટીમ સિમોનને ‘સ્વિચ્ડ ઓફ’ કરી દેશે, અને ફરી જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી સ્વિચ ઓન કરશે!


આ બધી બાબતો વાંચવામાં જેટલી આસાન લાગે છે, એટલી સીધી-સરળ નથી હોતી. દુનિયાની ટોચની સંસ્થાઓ અને સારામાં સારા વૈજ્ઞાનિકોની વર્ષોની કાળી મજૂરી પછી ‘સિમોન’ જેવા ચમત્કારો સર્જી શકાતાં હોય છે. સ્પેસ સાયન્સ કે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સન ક્ષેત્રે આજે નાસા કે સ્પેસ એક્સ જેવી સંસ્થાઓ કે કોર્પોરેટ કંપનીઓ હનુમાન કૂદકા મારી રહી છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આપણું ભારત આ ક્ષેત્રોમાં કયા સ્થાને ઉભું છે?! આપણા વૈજ્ઞાનિકો પણ ઓછા રિસોર્સીસ અને કપરા સંજોગોમાં ખરેખર નમૂનેદાર કામ કરી જ રહ્યા છે, આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આપણે ય એકાદ ‘સિમોન’ બનાવીએ.


[i] Project CIMON – AI assistant for astronauts

[ii] A Floating ‘Brain’ Will Assist Astronauts Aboard the Space Station


નોંઃધ; અહી મૂકેલ તસ્વીરો નેટ પરથી સાભાર લીધેલ છે. તેના પ્રકાશનહક્કો મૂળ રચયિયાને સ્વાધીન છે.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

1 comment for “સાયન્સ ફેર : ‘સિમોન’ : ધી ફ્લાઈંગ બ્રેઈન

 1. August 10, 2018 at 7:58 am

  આજે નાસા કે સ્પેસ એક્સ જેવી સંસ્થાઓ કે કોર્પોરેટ કંપનીઓ હનુમાન કૂદકા મારી રહી છે ત્યારે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આપણું ભારત આ ક્ષેત્રોમાં કયા સ્થાને ઉભું છે?!

  બરોબર વાંચો.  મીત્રો છેલ્લે પ્રશ્ન સાથે આશ્ચર્ય ચીહ્ન મુકેલ છે. 

  દેશના મહામહીમ રાષ્ટ્રપતી કોઈ મંદીરમાં પુજા કરવા જાય પછી પુજારીઓ પત્થરના મંદીર અને પત્થરની મુર્તીનું અભીષેક કરે છે. 

  પુજારીઓને દાન દક્ષીણા ન મળે તો શ્રાપ પણ આપતા હશે છંતા વારંવાર રાષ્ટ્રપતી કે વડા પ્રધાન વીવીધ મંદીરોની મુલાકાત લે છે ને?!

  મેં પણ ચીહ્ન મુકેલ છે….

Leave a Reply to vkvora2001 Atheist Rationalist Cancel reply

Your email address will not be published. Required fields are marked *