ફિર દેખો યારોં : ગાય રસ્તા પર ફરે કે અભયારણ્યમાં, શો ફેર પડે?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

કેટલીક ચ્યુઈંગ ગમ એવી હોય છે કે તેને ફેંકી શકાય નહીં કે ગળે પણ ઊતારાય નહીં. આથી તેને ચગળતા રહેવું પડે. સંસ્કૃતિની ચ્યુઈંગ ગમ આવી જ છે. સંસ્કૃતિનો અર્થ વાસ્તવમાં ઘણો બહોળો છે, પણ તેને રાજકીય મુદ્દો બનાવવામાં આવે ત્યારે તે સંકોચાઈ જાય છે. આપણી સંસ્કૃતિની રાજકીય વ્યાખ્યામાં ગાયનો મુદ્દો અતિ મહત્ત્વનો છે.

આ કટારના નિયમીત વાચકોને યાદ હશે કે વરસેક અગાઉ અહીં મધ્ય પ્રદેશમાં શરૂ થનારા સૂચિત ગાયના અભયારણ્ય વિશે લખવામાં આવ્યું હતું. એ પછી ગત વર્ષના સપ્ટેમ્બરમાં સલારિયા ખાતે ‘કામધેનુ ગૌ અભયારણ્ય’નો આરંભ કરવામાં આવ્યો હતો. છ જ મહિનામાં, એટલે કે આ વર્ષના ફેબ્રુઆરીમાં અહીં ગાયોનો પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો. આમ કરવાનું કારણ એ હતું કે અહીં ગાયોની સંભાળ લઈ શકાય એટલા માણસો નહોતા કે નહોતાં અહીંની જરૂરિયાતોને પહોંચી શકાય એટલાં નાણાં. કાગળ પરની યોજના બહુ મોટી હતી. છ હજાર રખડતી ગાયોને અહીં સમાવાશે અને તેમના છાણમૂત્રમાંથી જંતુનાશક દવાઓ તેમજ ઔષધિઓનું ઉત્પાદન કરવામાં આવશે. પણ અહીં આશરે ચાર હજાર ગાયો સમાવાઈ છે. અહીંની દસેક કરોડની જરૂરિયાત છે. તેની સામે પશુપાલન વિભાગ તરફથી માંડ ચારેક કરોડ આ અભયારણ્યને ફાળવવામાં આવે છે. આ નાણાં ઘાસચારા પાછળ જ ખર્ચાઈ જાય છે. મધ્ય પ્રદેશમાં ગાયોના રક્ષણ માટે ગૌ સંવર્ધન બૉર્ડ સ્થપાયું છે, જે દાન દ્વારા જરૂરી ભંડોળ એકઠું કરશે.

હકીકત એ હતી કે ગાયના અભયારણ્યની જાહેરાત કરી તેને ખુલ્લું મૂક્યા પછી વણજોઈતી ગાયો અહીં મૂકી જનારાઓ જે પ્રચંડ સંખ્યામાં ઊમટી પડ્યા એ સૌની ધારણા બહાર હતું. પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ લોકો પોતાની ગાય મૂકવા અહીં આવવા લાગ્યા. કર્મચારીઓની અછત પહેલેથી હતી, એમાં આટલો ધસારો થતાં તેને પહોંચી વળવાની ક્ષમતા ક્યાંથી હોય?

આ વર્ષના જાન્યુઆરીમાં અહીં થતાં ગાયોના મૃત્યુને લઈને આ અભયારણ્ય અખબારોમાં ચમક્યું હતું. હલકી ગુણવત્તાવાળા ઘાસચારાને લઈને આમ થયું હોવાનો આક્ષેપ હતો. જો કે, અહીંના અધિકારીનું કહેવું હતું કે એ સામાન્ય બાબત હતી, કેમ કે, મોટા ભાગની ગાયો રખડતી અને શેરીઓમાં પોલિથિલીનની કોથળીઓ ખાતી હોય એવી હતી.

આ અભયારણ્યની યોજના અને તેના અમલ વિશે જાણીએ ત્યારે સમજાય કે ગૌરક્ષાની વાતો કરવી એક વાત છે, તેના નામે રાજકારણ બીજી વાત છે, અને વાસ્તવિકતા આ બધાથી સાવ અલગ બાબત છે.

આટલો અનુભવ ઓછો હોય એમ હવે રાજસ્થાનમાં પણ ગાય અભયારણ્ય બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. દસ હજાર ગાયોને સમાવી શકાય એવા 220 હેક્ટરથી વધુ વિસ્તારમાં પ્રસરેલા અભયારણ્યના નિર્માણ માટે એક ખાનગી ટ્રસ્ટ સાથે સમજૂતિકરાર કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ગોપાલન મંત્રાલય પણ છે, અને ગયે વરસે તેણે સ્ટેમ્પ ડ્યુટી પર દસ ટકાનો સરચાર્જ ખાસ ગૌરક્ષા માટે ઝીંક્યો હતો. બીકાનેરના નાપાસરમાં આ અભયારણ્ય બનશે અને વન્ય પશુઓ માટેના અભયારણ્યની તરાહ મુજબ જ તેની માર્ગદર્શિકાઓ ઘડાશે. ગોપાલન મંત્રી દેવાસીના જણાવ્યા મુજબ અહીં દવાખાનાની સુવિધા ઊપરાંત ઊત્તમ ગણાતું સેવણ ઘાસ ચારા માટે ગાયોને અપાશે. આગળ ઊપર આ અભયારણ્યને પ્રવાસનસ્થળ તરીકે વિકસાવવાનું પણ આયોજન છે.

અહીં કેવી ગાયોને આશ્રય મળશે? એક અધિકારીના જણાવ્યા મુજબ માલિકોએ ત્યજી દીધેલી વસૂકી ગયેલી અને તેથી રખડતી થઈ ગયેલી ગાયોને તેમજ અન્ય સ્થળેથી બચાવાયેલી ગાયોને અહીં સમાવવામાં આવશે.

શું મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન, આ ફિતૂરબાજી વાંચીને હસવું કે રડવું એ સમજાય નહીં. ગાય શું વાઘ કે સિંહ જેવું વન્ય પશુ છે કે જેની સમસ્યાનું નિવારણ ન થઈ શકે? વાઘ, સિંહ કે ચિત્તા જેવાં ખતરનાક જંગલી પ્રાણીઓને સુદ્ધાં આપણે ઠેકાણે પાડી દીધાં હોય તો ગાયની શી વિસાત? એક સમય હતો કે ગામેગામ ગૌચરો એટલે કે ચરિયાણ આવેલાં હતાં, જેમાં ગામનાં ઢોર ચરતાં રહેતાં. પણ વિકાસની આંધળી અને દિશાવિહીન દોટમાં ઉદ્યોગરૂપી આખલાઓ આખેઆખા ગૌચરોને જ ચરી ગયા. હવે ગાયોના અભયારણ્યનો નવો ધંધો હાથ આવ્યો છે.

હજારો ગાયો રસ્તે રખડતી જોવા મળે છે. કોર્પોરેશનના સત્તાવાળાઓ રખડતી ગાયોને પકડવા આવે ત્યારે તેના માલિકો ભરરસ્તે ગાયોને દોડાવતા જોવા મળે છે. આ ગાયો પકડાતી હશે, પછી છૂટી પણ જતી હશે. અને છૂટ્યા પછી ફરી રખડતી થઈ જતી હશે. સવાલ એ થાય કે ગાયોની જાળવણી કરવી, રખડતી ગાયોનો ત્રાસ નિવારવો એમાં કયું રૉકેટવિજ્ઞાન છે કે તેના માટેનું સુદૃઢ આયોજન ન થઈ શકે? પણ એ નહીં થઈ શકે. રૉકેટવિજ્ઞાનના ક્ષેત્રે ભલે આપણે અવકાશમાં ઉડ્ડયન કરીએ, ગાયોનો ત્રાસ ભોગવ્યા વિના છૂટકો જ નથી. કેમ કે, સામાન્ય માણસને જે ત્રાસરૂપ લાગે છે એ ગાયો, તેની સાથે જોડાયેલું રાજકારણ એ કેવળ રાજકીય મુદ્દો નથી, બલ્કે પૂર્ણ સમયનો મતઊદ્યોગ છે. અન્ય કોઈ પણ ઉદ્યોગની જેમ તે વિવિધ ક્ષેત્રના અનેક લોકોને કાયમી રોજગારી આપે છે. ગાયો ભલે વસૂકી જાય, પણ તેમના આધારિત રાજકારણ હંમેશા દૂઝતું રહે છે. આ ચ્યુઈંગ ગમને ફેંકી દેવામાં આવે તો આખો મતઉદ્યોગ ઠપ્પ થઈ જાય. જો કે, આમાં રાજકારણીઓનો એકલાનો દોષ પણ કેમ કાઢવો? ઘરના એંઠવાડને પોલિથિલીનની કોથળીઓમાં ભરીને ‘ગૌમાતા’ના લાભાર્થે તેને રસ્તા પર ફેંકતા રહીશું ત્યાં સુધી આ ઉદ્યોગનો એક હિસ્સો આપણે પણ બની રહીશું.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨-૦૮-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


2 comments for “ફિર દેખો યારોં : ગાય રસ્તા પર ફરે કે અભયારણ્યમાં, શો ફેર પડે?

 1. August 9, 2018 at 7:26 am

  પોસ્ટના અંતે બીરેનભાઈ એ જણાંવેલ છે કે ગાય આધારીત રાજકરણ દુઝતું રહેશે. મતઉદ્યોગ ઠપ્પ નથી કરવો.  નાગરીકો એંઠવાડના નામે ગૌમાતા લાભાર્થે યોગદાન કરે છે….

  આપણા ઋષીમુનીઓ સ્વાત ઘાટીમાં યજ્ઞમાં ગાય હોમી એનું માંસ અરોગતા. હજી પણ ઘણાં બ્રાહ્મણો ને ગૌમાંસ ભાવે છે.

  રાજકરણ કચ્છ થી કામરુપ સુધી ચાલે છે. દુનીયા આખી ગૌમાંસ હોંશે હોંશે આરોગે છે.  વાહ રાજકરણ  !!!!  

 2. mahendra shah
  August 12, 2018 at 9:00 pm

  સુંદર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *