સુજાત પ્રજાપતિ
સંકલન અને રજૂઆત: આરતી નાયર
વર્ષ ૨૦૧૮ની શરૂઆત સાથે મારા એવા એક વર્ષનો અંત થયો, જે દરમિયાન મારે એકલા પ્રવાસ કરવાનો હતો, તંદુરસ્ત બનવાનું હતું, લેખનને કારકિર્દી તરીકે અપનાવવાની હતું, અને સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની હતી. મારું એક વર્ષ પૂરું થવામાં હતું અને હું હજી ઓપન-માઇક પ્રકારના દરેક શોની ફેસબૂક ઇવેન્ટથી છટકી રહી હતી. (ઓપન-માઇકમાં નવા-સવા લોકો સ્ટેન્ડ–અપ કોમેડીનો પ્રયોગ કરતા હોય છે.)
ઘણાં અનુભવી કળાકારો કહેતાં હોય છે તેનાથી વિપરીત, મને કાયમ ખબર હતી કે મારે આ કરવું જ છે –એ કારણે નહિ કે હું બધાની નજરોમાં રહેવું ગમે એવું બહિર્મુખ વ્યક્તિત્વ ધરાવું છું અથવા મને મારી હાસ્યજનકતા પર વધુ પડતો વિશ્વાસ છે. ખરેખર તો હું અન્તર્મુખી છું અને સખત જરૂર ન પડે ત્યાં સુધી હું ક્યારેય સ્ટેજ પર ન ચડું. જોકે મારી પાસે લોકોને કહેવા માટે ઘણાં મુદ્દાઓ હતાં.
બે વરસ સુધી મેં સપનાં જોયા કર્યા. ઇન્ટરનેટ પર મળ્યા એટલા બધાં સ્ટેન્ડ-અપ વિડીયો હું ગાંડાની માફક ઉપરાઉપરી જોતી રહી. ત્યાર પછી મને મારા જ શહેરના એક જૂથ ‘મહિલા મંચ’ વિશે જાણવા મળ્યું, અને જાતે અભિનય કરવાની આશા જાગી. ‘મહિલા મંચ’ નવા મહિલા કળાકારો માટે સુરક્ષિત આશ્રય સ્થાન હતું. મારી મિત્ર-વડીલ પ્રિતી દાસ તેનું સંચાલન કરે છે, જ્યારે સહસ્થાપક શેફાલી પાંડે અમદાવાદ સ્થિત ટેક્નોક્રેટ છે. બીજું, ‘મહિલા મંચ’ને ‘માસિક પ્રદર્શન’ (પિરીયડ શો) કહેવામાં આવે છે, કારણ કે તે પણ માસિકની માફક મહિનામાં એક વાર થાય છે! જોકે મને લાગ્યું કે આ લોકો બહુ ચુનંદા હશે અને હું ત્યાં અભિનય કરી શકીશ નહિ. આ કારણે હું પહેલા શોમાં ગેરહાજર રહી.
બીજા શો પહેલા જોકે મેં એટલી હિંમત એકઠી કરી કે મેં મહિલા મંચના એક સભ્યને મારું લખાણ મોકલ્યું. મારી ક્ષમતા વિશે એકપણ પ્રશ્ન કર્યા વગર તેમણે મને ઉષ્માપૂર્ણ રીતે આવકારી. શું કરવું, શું ન કરવું એવા કોઇ સ્પષ્ટ સૂચનો સિવાયનો આ ચોખ્ખો વિશ્ચાસ હતો. શો કોઇ એક વિષય-કેન્દ્રિત હતો, પણ મને વિષયના બંધનથી મુક્ત કરવામાં આવી. એ મારો પ્રથમ અભિનય હતો અને હું મારી જ એક મિત્રના બેઠકરૂમમાં ૬૦-૬૫ માણસોની વચ્ચે ઊભી હતી. સ્ટેન્ડ-અપ વખતની ઉત્તેજના જુદી જ હોય છે. શોની એક મહત્વની કળાકાર અને રેડિયો જોકી આરતી બોરિયા કહે છે કે તેણે ૨૦,૦૦૦ લોકોની હાજરી વચ્ચે શંકર એહસાન લોય સાથે પણ શો કર્યો છે અને ત્યારે તે બિલકૂલ ગભરાઇ નહોતી. એના બદલે અહીં માત્ર ૧૫૦ લોકો વચ્ચે ૮ મિનિટ બોલવામાં તો માઇક રીતસરની ધ્રુજવા લાગે છે. હાલમાં મહિલા મંચ પાંચ મહિલાઓનું જૂથ છે. અમે પાંચેય જુદા વ્યવસાય સાથે સંકળાયેલા છીએ. પ્રિતી, શેફાલી, આરતી અને મારા ઉપરાંત વિદ્યા પણ આનો ભાગ છે, જે વ્યવસાયે સંશોધક છે. પ્રિતી દાસ સિવાય અમે કોઇ વ્યાવસાયિક કોમેડિયન નથી. તેથી અમે ચાર ‘સામાન્ય’ લોકો માટે તો આટલું મોટું માધ્યમ મળવું એ પોતે એક ગજબ અનુભવ છે.
છેલ્લા છ મહીનામાં અમે સમલિંગી અને ઉભયલિંગી નાગરિકોના હક, બળાત્કાર, દારૂ, સ્ત્રી જાતીયતા અને ઓર્ગેસમ, અને મહિલાઓના શરીર પર થતી ટીકા-ટિપ્પણીઓ, વગેરે વિષયોને લઈને શો કર્યા છે. તેમાં નવા પંદર કળાકારો –મુખ્યત્વે મહિલાઓ –જોડાયા છે અને બારસો જેટલા લોકોએ અમદાવાદમાં આ શો માણ્યો છે. આજના જમાનામાં કોઇ પણ કળાકારને પોતાના પ્રદર્શનનો વિડીયો યૂટ્યુબ પર મૂકીને વાઇરલ કરવો ગમે, પણ અમે એ બાબતે સંયમ અપનાવ્યો છે. અમારા કેટલાક વિષયો અમને પોતાને જોખમમાં મૂકી શકે છે. જેમ કે, વિદ્યા સમલિંગી તરીકેના પોતાના ત્રાસદાયક અનુભવો ઊંડી રમૂજો વડે વહેંચે છે. સ્ત્રીત્વ પર તે તદ્દન અલગ જ દૃષ્ટિકોણ આપણી સામે મૂકે છે. ખરેખર તો ‘વિદ્યા’ એ તેનું સ્ટેજ પરનું નામ છે. તેની સુરક્ષા માટે અમે કોઇને તેના અભિનય દરમિયાન ફોટો કે વિડીયો લેવા દઈ શકતા નથી. તે ફેસબૂક પર પણ પોતાની હાજરી છતી કરી શકતી નથી.
અત્યાર સુધી તો અમે ટિકિટના પૈસા રાખ્યા નથી, કારણ કે અમે આને નફાખોરીનો ધંધો તરીકે નથી જોતા. જોકે આ નિર્ણય પાછળ પેલી શંકા પણ છૂપાયેલી છે કે લોકો પૈસા ખરચીને અમારો અભિનય જોવા આવશે ખરા? જોવા આવનારાની સંખ્યા ઓછી થઈ જશે તો? આવું થાય એમ અમે બિલકૂલ ઇચ્છતા નથી. શોના અંતે અમારા સભ્યોમાંથી નાના બાળકો ટોપો લઈને જાય છે અને સંતુષ્ટ દર્શકો પાસેથી પૈસા માગે છે. જોકે એમાં કોઇ અનિવાર્યતા હોતી નથી. હું પોતે આંત્રપ્રિન્યોર રહી ચૂકી છું અને પુરુષોથી ભરાયેલા રૂમમાં એકલા સ્ત્રી તરીકે ઊભા રહેવાનો અનુભવ કેવો હોય છે એ હું જાણું છું. કોમેડીમાં પણ કેટલીક વાર આમ બને છે. ઘણીવાર તો અગિયાર કળાકારો વચ્ચે હું એકલી મહિલા હોઉં છું. જોકે સદનસીબે મારે ક્યારેય લોકોની સતામણી કે ગુસ્સાનો સામનો નથી કરવો પડ્યો.
અન્ય એક મોટી સમસ્યા શો માટેના સ્થળની હોય છે. કેટલીક વાર અમારા વિષયથી તો કેટલીક વાર તેના સંદર્ભોથી સ્થળના યજમાનને તકલીફ પડે છે અને તેને લીધે દર મહિને અમારા શોની જગ્યા બદલાયા કરે છે. અમને વિનામૂલ્યે જગ્યા પૂરી પાડવા કંઇ દરેક જણ તૈયાર હોતું નથી. જૂન મહિનામાં શોના માત્ર એક અઠવાડીયા પહેલાં શેફાલીને જગ્યાના માલિકનો ફોન આવ્યો હતો કે તે અમારો શો તેમને ત્યાં યોજાય એમ ઇચ્છતા નથી, કારણ કે અમારા શોનું નામ હતું ‘અચ્છે દિન, અચ્છે જોક્સ’. અમે આખું અઠવાડિયું નવું સ્થળ શોધવા દોડાદોડ કરી. અમારા મુદ્દાઓ ભાગ્યે જ રાજકીય હતા અને કોઇ નિશ્ચિત રાજકીય પક્ષ કેન્દ્રિત નહોતા. તે કોઇ ચોક્કસ વિષય વિનાનો ઓપન-માઇક શો હતો. પણ એના નામને લઈને લોકોના મોઢા પર જોવા મળતા પ્રકોપથી અમે પણ આશ્ચર્ય પામી ગયા. અમે શોનું નામ ન જ બદલ્યું. છેવટે એક ઉદાર ડાન્સ સ્ટુડિયો માલિકે અમને જગ્યા આપી.
જુલાઇ માસના શોનું નામ હતું ‘મા-બહેન શો’. ઓડિટોરિયમમાં થયેલો તે અમારો સૌપ્રથમ શો હતો. મોટા ભાગના લોકોએ આ નામ આવકાર્યું. તેને ગાળ તરીકે ગણવામાં આવે છે, પણ તે ખરેખર કંઇ ગાળ નથી. અમારો આશય સભ્ય શબ્દો તરીકે તેના પર પુન: કબજો મેળવવાનો હતો. દર વખતની જેમ આ વખતે પણ સૌએ મન ભરીને તેને માણ્યો અને અમને ખૂબ પ્રેમ મળ્યો.
સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે






એકની એક જોક અને ટુચકાનું પુનરોચ્ચારણ કોમેડી શો કેટલીક વાર ટ્રેજેડી શોમાં પલટાઈ જાય છે.
આપની મહેનત અને સફળતા બિરદાવવી રહી.