મંજૂ ષા ૧૪ : નિબિડ રાત પછી અજવાળાનું સુખ

Facebooktwitterredditpinterestlinkedinmail

વીનેશ અંતાણી

મારું એક સામાન્ય સૂત્ર છે: ગમે તેવા ટ્રાફિકમાં રસ્તાની પેલી બાજુ પહોંચવા જગ્યા મળી જ જાય છે. આ સૂત્રમાં જાતઅનુભવ છે અને અન્ય લોકોને રસ્તો પાર કરતા જોવાનો અનુભવ પણ છે. જીવનમાં ઊભા થયેલા પડકારોના સમયમાં બીજી પણ એક વાત મારા મનમાં આવ્યા કરે કે ભવિષ્યમાં કોઈક સાંજ એવી આવશે જ્યારે હું મારા ઘરના હીંચકા પર નિરાંતે બેસીને વિચારતો હોઈશ કે જીવનમાં આવા મુશ્કેલ દિવસો પણ આવ્યા હતા. મૂળ વાત ગમે તેવી તકલીફને ધીરજપૂર્વક પાર કરી જવાની છે. કટોકટીની વચ્ચે હોઈએ ત્યારે દિશા સૂઝે નહીં, પરંતુ આકરા તાપમાં ખુલ્લા પગે ડામરની સડક પર ચાલવા જેવી પરિસ્થિતિમાં જ ક્યાંકથી છાંયડો મળી જાય છે. એક તિબેટી કહેવત છે કે સૂર્ય પ્રકાશિત હોય તો કોઈ પર્વત ઊંચો હોતો નથી, કોઈ કામ મુશ્કેલ હોતું નથી.

હું વરસ ૧૯૯૩-૯૫ દરમિયાન આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર તરીકે ચંડીગઢ રહ્યો. અન્ય લોકો માટે ચંડીગઢ ‘ધ સીટી બ્યુટીફુલ’ હતું, પરંતુ મારા માટે ત્યાં રહેવું મોટો પડકાર હતો. તે સમયે પંજાબમાં આતંકવાદનું વાતાવરણ હતું. હું ચંડીગઢ ગયો તે પહેલાં ત્યાંના આકાશવાણીના સ્ટેશન ડાયરેક્ટર આર. કે. તાલીબને આતંકવાદીઓએ એમના જ ઘરના આંગણામાં ગોળીથી ઠાર માર્યા હતા. હું એમની જગ્યાએ ગયો અને મારે ચોવીસ કલાક સુરક્ષાવ્યવસ્થામાં રહેવું પડ્યું. હું મારા સરકારી હોદ્દાને કારણે આતંકવાદીઓના સીધા હિટ લિસ્ટમાં આવતો હતો. એક બાજુ આતંકવાદી હુમલાનો ભય અને બીજી બાજુ કડક સુરક્ષાની કેદમાં રહેવું. બહુ વિકટ સમય હતો.

વિકટ પરિસ્થિતિમાંથી હેમખેમ પાછા વળવાની અનુભૂતિ અલગ જ હોય છે. મેં જુલાઈ ૧૯૯૫ના અંતમાં ચંડીગઢ છોડ્યું. તેના થોડા દિવસ પહેલાં એક વહેલી સવારે મને થયેલો અદ્દભુત અનુભવ મેં મારા નિબંધસંગ્રહ ‘ધુમાડાની જેમ’માં નોંધ્યો છે. એક વહેલી સવારે આંખ ઊઘડી ગઈ. આગલા દિવસે ચંડીગઢમાં બહુ વરસાદ પડ્યો હતો. રાતે પણ આકાશ વાદળછાયું હતું, વીજળીના ચમકારા, મેઘગર્જના ચાલુ રહ્યાં હતાં. મારા ઘરની બાલ્કનીમાંથી જેના પર શિમલા આવેલું છે તે શિવાલિક પર્વતમાળા દેખાતી. સવારે સાડા પાંચની આજુબાજુ હું બાલ્કનીમાં આવ્યો તો બહાર અઢળક અજવાળું હતું. હવામાં આગલા દિવસના વરસાદની ઠંડક હતી. પહાડો પાછળથી સૂરજ ઉપર આવી રહ્યો હતો. ભીના ઘાસ પર કુમળો સોનેરી તડકો ચાદર જેમ પથરાવા લાગ્યો હતો. પહાડોની વચ્ચે ઘેરાયેલાં જળથી લદોલદ વાદળાંમાંથી સૂરજનો પ્રકાશ પરાવર્તિત થઈને બેવડું અજવાળું ફેલાવતો હતો. એવું લાગતું હતું, જાણે વિશાળકાય સૂર્ય અનેક પ્રતિબિંબોમાં વેરાઈ ગયો હતો. કોઈ અગમ તત્ત્વ બંને હાથે પ્રકાશપૂંજના આશીર્વાદ રેલાવી રહ્યું હતું. પ્રકાશની એવી માયાવી સૃષ્ટિ રચાઈ હતી કે જાણે પ્રતિબિંબોનાં પણ પ્રતિબિંબ પડતાં હતાં. સૂરજ કોઈ મહાપરાક્રમી રાજવી જેવો લાગતો હતો. એ કોઈ આક્રમણ નહોતું, વિજય પછીનું દર્શન હતું.

મને લાગ્યું હતું, જાણે હું ૧૯૯૫ની એક વહેલી સવારમાં ઊભો નહોતો, પરંતુ વિશાળ નદીઓની પવિત્ર ભૂમિમાં આવીને વસેલા આર્યોએ વેદોની રચના કરી હતી એવા સમયમાં પહોંચી ગયો હતો. યજ્ઞોના હવનકૂંડમાંથી પવિત્ર ધુમાડો ઊઠતો હતો. વાતાવરણમાં ઋષિઓના સમૂહસ્વરોમાં ઋચાઓનું ગાન ઊઠતું હતું. શાંત સવારમાંથી ઘેરો નાદ સંભળાતો હતો. એ પ્રભાત યુગો પહેલાંનું એક પ્રભાત હતું, જ્યારે અશ્ર્વોની ચળકતી ત્વચા વારંવાર થથરી ઊઠતી હતી અને એમની હેષા ચારે દિશામાં ગૂંજતી હતી. મને લાગ્યું હતું કે મારે પંજાબ અને હિમાચલની ધરતી છોડવાનો સમય નજીક આવ્યો છે ત્યારે તે સવારનો પ્રકાશપૂંજ આશીર્વાદની ઘટના હતી. હું સવા બે વરસના મારા એકાન્તદ્વીપમાંથી મારા ઘર તરફ, મારા પરિવાર પાસે, પાછો ફરવાનો હતો, હું કશાકમાંથી પાર નીકળી રહ્યો હતો.

યુ.એસ.ના લશ્કરના ભૂતપૂર્વ જનરલ જ્યોર્જ એસ. પેટ્ટોન કહે છે તેમ માનવજાત માટે યુદ્ધ જેવી સ્પર્ધા બીજી કોઈ નથી. કોઈ પણ પ્રકારનું યુદ્ધ માણસની ભીતર છુપાયેલી શ્રેષ્ઠતમ શક્તિને બહાર લાવે છે. માત્ર ડરપોક લોકો જ કશાયનો પ્રતિકાર કર્યા વિના હથિયાર હેઠાં મૂકી દે છે. એવા લોકો નાનકડો ખાડો પણ પાર કરી શકતા નથી. પાર નીકળવાની ઘટના જીવનમાં જુદી જુદી રીતે આવે છે. સ્થૂળ અર્થમાં આપણે હોડીમાં બેસીને કે તરીને નદીના સામા કાંઠે પહોંચીએ છીએ. ખારવાઓ એમની ખેપ પૂરી કરીને પોતાના બંદરના કાંઠે વહાણ લાંગરે તે ઘટના પણ સમુદ્રમાંથી હેમખેમ પાર નીકળવાની હોય છે. રણમાંથી માર્ગ કાઢી, પોતાના નિયત સ્થાને પહોંચતો સાંઢણીસવાર પણ કશાકમાંથી પાર નીકળ્યો હોય છે. મુંબઈ જેવાં મહાનગરના ભરચક ટ્રાફિકમાંથી સડકની પહેલી બાજુ પહોંચવાની ક્ષણ પણ પાર નીકળવાની લાગણી જન્માવે છે. આપણે કોઈ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં ફસાયેલા હોઈએ પછી તેમાંથી બહાર નીકળી શાંત અને સરળ જિંદગીના માર્ગે ચાલવાનો અનુભવ યાદગાર બને છે. વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે હજારો સૂર્યના પ્રકાશપૂંજ જેવા આશીર્વાદની દરેક માણસને જરૂર પડે છે.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

1 comment for “મંજૂ ષા ૧૪ : નિબિડ રાત પછી અજવાળાનું સુખ

 1. August 6, 2018 at 7:10 am

  બરોબર વાંચો … આર્યોએ વેદની રચના  … 
  અને છેલ્લા ફકરમાં …   ડરપોક લોકો પ્રતીકાર વીના હથીયાર મુકી દે છે.   ….

  હવાલો છે યુએસએ નો… 

  આ વેદ અને ઉપનીષદ ના કારણે ઠેક ઠેકાણે બ્રાહ્મણ અને ક્ષત્રીય એ ઉચ્ચાર શરુ થયા અને ગૌરવ, અભીમાન પછી આપણે નીચ કોટીમાં દાખલ થઈ ડરપોક બની ગયા..

  છેલ્લા ત્રણ પાંચ હજાર વરસમાં આખો દેશ ત્રણ પાંચ હજાર જાતીઓમાં વહેંચાઈ ગયો. આ હાલતમાં આંતકવાદ સીવાય મળે શું?

  હજારો કરોડો વરસથી સુર્ય સવારના પ્રકાશ પાથરે અને દીવસની શરુઆત થાય. સમાચારમાં રોજે રોજ દલીત અત્યાચાર અને શોષણના સમાચાર આવે.

  અંત …. વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે હજારો સૂર્યના પ્રકાશપૂંજ જેવા આશીર્વાદની દરેક માણસને જરૂર પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *