શૈલેન્દ્ર અને રોશન

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

શંકરદાસ કેસરીલાલ, (જન્મ ૩૦ ઓગસ્ટ, ૧૯૨૩ – અવસાન ૧૪ ડીસેમ્બર, ૧૯૬૬), જે હિંદી ફિલ્મ જગતમાં શૈલેન્દ્રનાં નામથી અમર છે, દિવસો સુધી ગીતની એક પંક્તિ ન લખી શકતા અને પછી કંઈક એવું બનતું કે એક ચપટીમાં આખું ગીત ઉતરી આવતું. મોટા ભાગના આ રીતે રચાયેલાં ગીતો સદાબહાર બની ગયાં છે. ગીતની સીચ્યુએશન હોય, ગીત કંઇક જરૂર કહી જતું, અને એ પણ બહુ સહજ શબ્દોમાં.

રોશનલાલ નાગરથ (જન્મ ૧૪ જુલાઈ, ૧૯૧૭ – અવસાન ૧૬ નવેમ્બર, ૧૯૬૭)ગીત માધુર્યમાટે હિંદી સંગીત પ્રેમીઓના દિલમાં રોશનનાં નામથી સદાય વસતા આવ્યા છે.

હિંદી ફિલ્મ સંગીત જગતના આ બન્ને ખુબ જ અનોખા સિતારાઓનાં વિસારે ચડેલાં ગીતોને આજે યાદ કરીશું..

શંકર જયકિશન, અને તે પછી એસ ડી બર્મન અને સલીલ ચૌધરી, પછી સૌથી વધુ ફિલ્મોમાં શૈલેન્દ્રએ રોશન માટે ગીતો લખ્યાં છે તે માત્ર વાણીજ્યિક અકસ્માત નહીં જ હોય. આ બન્નેના સહકાર્યનો સમય એ વર્ષો છે જ્યારે શૈલેન્દ્ર મહદ અંશે સ્વીકૃત થવા લાગ્યા હતા, જ્યારે રોશન માટે આ વર્ષો હજૂ તેમની શાખ પ્રતિષ્ઠિત બનાવવાનો સમય હતો. આ સહકાર્યની શરૂઆતનું પહેલું ગીત મેરે દિલકી ધડકન ક્યા બોલે (અનહોની, ૧૯૫૨; તલત મહમૂદ અને લતા મંગેશકર) આપણે આપણી આ શ્રેણીના ‘શૈલેન્દ્ર અને “અન્ય” સંગીતકારો’ શીર્ષક હેઠળ ઓગસ્ટ, ૨૦૧૭ના અંકમાં સાંભળી ચૂક્યાં છીએ.

આજના અંકમાં આપણે શૈલેન્દ્ર અને રોશને આ પછીથી સાથે કરેલી દરેક ફિલ્મનું એક એક ગીત યાદ કરીશું. ગીતની પસંદગીમાં આ ગીત સામાન્યતઃ બહુ સાંભળવા ન મળતું હોય, કે ગીતની પ્રથમ પંક્તિના શબ્દો વાંચવાથી મને ગીત યાદ ન આવ્યું હોય અને ગાયકો અને ભાવમાં શક્ય તેટલું વૈવિધ્ય હોય તે બાબતે મેં વધારે ધ્યાન આપેલ છે.

કજરારી મતવારી મદભરી દો અખિયાં – નૌબહાર (૧૯૫૨) – રાજકુમારી

ફિલ્મમાં ગીત ગીતને પર્દા પર ભજવી રહેલ પાત્રના મનના સુક્ષ્મ નકારાત્મક ભાવને પ્રદર્શિત કરવા મુકાયું છે. ગીતના પર્દા પરનાં ગાયિકા (કુલદીપ કૌર) એક અમીર પુત્રને જીવનસાથી તરીકે પસંદ કરવાના આશયથી આ પાર્ટીમાં આવેલ છે. પણ તેમને ખબર પડે છે કે આ મેઘાવી પુત્ર આંખેથી દુનિયા જોઈ નથી શકતો. એટલે તેમના મનમાં કટુતાનો નકારાત્મક ભાર ઘુંટાઈ રહ્યો છે. એક શાસ્ત્રીય ગીત પરનાં નૃત્યનું બાહ્ય સૌંદર્ય દેખાય, પણ નૃત્યની શૈલી મુજરાની છે જેને સામાજિક રીતે સ્વીકાર્ય નથી ગણાતું. આમ મૂળતઃ સુક્ષ્મ ભાવોને ઉજાગર કરતું રૂપક અહીં પ્રયોજાયું છે.

પ્રીત નિભાની બલમા તુમ ક્યા જાઓ ઓ સજના – સંસ્કાર (૧૯૫૨) – મીના કપૂર

આ ગીતની માત્ર ઑડીયો ક્લિપ જ મળે છે. જો કે ગીતનો સંદર્ભ ન મળવા છતાં ગીતના ભાવ તો સુપેરે સમજાઈ જાય છે.

મિલ ઝુલકે કાટોં લોગોં ગરીબી કે ફંદે – આગોશ (૧૯૫૩) – હેમંત કુમાર, ઇન્દ્રા મિરચંદાણી, સાથીઓ

ગીતની શરૂઆત ફિલ્મનાં ક્રેડીટ ટાઈટલ્સની રજૂઆત સ્વરૂપે થાય છે. એ સંદર્ભમાં ગીતમાં સમાજના મજૂર વર્ગને સામુહિક રીતે ગરીબીના ગાળીયાઓને ફેંકી દઈને સુખ સમૃધ્ધિ મેળવવાની હાકલ કરવામાં આવી છે. આગળ જતાં દેખાય છે કે ગરીબીને જેમ મોટાં મોટાં ઝાડોને પણ ભેગાં મળીને મજૂરો કેવી સહેલાઈથી કાપી નાખે છે અને જીવનના પ્રવાહમાં વહેવડાવી દે છે.

ઝિલમિલ તારે કરે ઈશારે – માશુક઼ા (૧૯૫૩) – મૂકેશ, સુરૈયા

આ ગીત પણ આપણને ઑડીયો ક્લિપ સ્વરૂપે મળે છે. પુરુષ સ્વર તો હાલરડાંનો ભાવ વ્યક્ત કરે છે, પણ નારી યુગલ સ્વરમાં જીવનનાં દુઃખોની કરૂણતાનો ભાવ પણ વણી લેવાયો છે.

દિલકી શિકાયત નઝર કે શિક઼્વે, એક જબાન ઔર લાખ બયાન, છૂપા ન શકું દિખા ન શકું મેરે દિલકે દર્દભી હુએ જવાન – ચાંદની ચોક (૧૯૫૪) – લતા મંગેશકર

હિંદી ફિલ્મનાં ગીતોને જૂદા જૂદા પ્રકારમાં વર્ગીકરણ કરવાની પરંપરા અનુસાર જોઈએ તો આ ગીત ‘ચિઠ્ઠી’ ગીતના પ્રકારમાં આવે. પરંતુ ગીતની વધારે માણવાલાયક બાબત, એક્દમ યુવાન, પોતાના મનમાં ફૂટતા હજારો ભાવને વ્યક્ત કરવા મથતી, ‘ટ્રેજેડી ક્વીન’ના પદભાર હેઠળ દબાઈ ગયા પહેલાની, મીના કુમારીની અભિવ્યક્તિ છે.

જવાં યે જીંદગી પ્યાર કા સમા – કૉફી હાઉસ (૧૯૫૭) – આશા ભોસલે

ફિલ્મનું આ એક જ ગીત શૈલેન્દ્રએ લખેલ છે. એમ જૂઓ તો હસરત જયપુરીએ પણ એક જ ગીત લખ્યું હતું, બાકીનાં બધાં ગીતો પ્રેમ ધવને લખ્યાં છે.

હો હો હોને લગા યે દિલમેં દર્દ કૈસા, મિઠા મિઠા કિસીકે પ્યાર જૈસા – અજી બસ શુક્રિયા (૧૯૫૮) – આશા બોસલે

મોટા ભાગની ફિલ્મોમાં ગીતા બાલી જે હસતી ખેલતી, ભાવવાહી યુવતીઓનાં પાત્ર ભજવતી તેવાં જ મસ્તીખોર પાત્રને ફિલમાં ફિલ્માવાઈ રહેલ ફિલ્મ માટે, મસ્તીખોર શબ્દો અને સાવ જ અનોખી ધૂનમાં, તે સજીવન કરતી બતાવાઈ છે.

ઈક દિન યે આંસુ બનેંગે સિતારે, કભી ન કભી આયેંગે દિન હમારે – હીરા મોતી (૧૯૫૯) – લતા મંગેશકર

હાલની વિકટ પરિસ્થિતિમાં ભલે આંસુ સારતી હોય, પણ ભવિષ્ય તો તેનું જ છે એવા આશાવાદી સૂરને શૈલેન્દ્રએ શબ્દદેહ આપ્યો છે. રોશનની ધૂનમાં વર્તમાન કરૂણતાની સાથે ભવિષ્યનો આશાવાદ પણ ઝળક્યા કરે છે.

બતા દો કોઈ કૌન ગલી ગયે શ્યામ – મધુ (૧૯૫૯)- લતા મંગેશકર ║ મન્ના ડે

એક ગીતને એક જ ફિલ્મમાં અલગ અલગ રીતે રજૂ કરવાનો પ્રકાર પણ હિંદી ફિલ્મોમાં બહુ વ્યાપકપણે અજમાવાતો આવ્યો છે. અહીં આ ભજન લતા મંગેશકરના અને મન્ના ડેના એમ અલગ અલ્ગ સ્વરોમાં પ્રયોજાયેલ છે.

જૈસે કૉર્ટમેં હાકીમકી ચલે કલમ, હો તેરે સંગ મૈં ચલુંગી,ચલુંગી બલમ – સૂરત ઔર સીરત (૧૯૬૨) – આશા ભોસલે

ગીતમાં પ્રેમિકા જીવનભર હમસફર બનીને સાથ નિભાવવાનો કોલ આપે છે. જો કે એ માટે શૈલેન્દ્રએ કૉર્ટમાં ચાલતી જજની કલમનું રૂપક મુખડામાં શા માટે વાપર્યું હશે તે સમજી નથી શકાતું !

આપણા દરેક અંકના અંતમાં આપણે મોહમ્મદ રફીનું વિષયને અનુરૂપ ગીત લેતાં આવ્યાં છીએ. આજના અંકમાટે શૈલેન્દ્ર અને રોશનની જોડીએ કરેલા અનેક પ્રયોગો પૈકી એક અનોખો પ્રયોગ જોઈએ / સાંભળીએ.–

ના રો ભાઈ ના રો,.. મૈં તેરા બંદર ડૂગ ડુગ નાચું – દીપ જલતા ચલ (૧૯૫૯) – મોહમ્મદ રફી, વિજયા

દેખીતી રીતે પોતાના નાના બાળ માલિકને રમાડીને રીઝવવાના પ્રયાસ કરતા બે નોકરોનું આ ગીત છે.

આજે આપણે એક એક ‘અલગ ટુકડા’ તરીકે પસંદ કરેલાં ગીતો સાંભળ્યાં. આ પ્રયોગોમાં વાણિજ્યિક સફળતાની ચાવી કદાચ નહીં મળી આવે, પણ આ બધાં ગીતસમૂહમાં શૈલેન્દ્ર અને રોશનનાં સહકાર્યમાં છૂપાયેલી બન્નેની સર્જન પ્રતિભા પણ આપણી સમક્ષ રજૂ થાય છે.

4 comments for “શૈલેન્દ્ર અને રોશન

 1. Pravina
  August 4, 2018 at 2:13 am

  Bahu saras, ketlak geeto sav ajanya lagya

 2. Samir
  August 4, 2018 at 2:57 pm

  એક નવી જ જોડી સામે આવી .આ ગીતો માંથી તે બંને ની સર્જન શક્તિ પ્રદર્શિત થાય છે. પણ આ જોડી બહુ ચાલી નહિ તેનું કારણ આ રચનાઓ ને ધારી લોકપ્રિયતા ના મળી તે જ હશે.
  પછી જ રોશન ની સાહિર સાથે જોડી જામી હશે અને શૈલેન્દ્ર તો બીજા સંગીતકારો સાથે જોડાયલા હતા જ .
  નવી જોડી જાણ માં લાવવા માટે ખુબ આભાર

  • August 4, 2018 at 3:29 pm

   ૧૯૫૭માં ‘પ્યાસા’ પછી એસ ડી બર્મન અને સાહિર વિખૂટા પડ્યા અને શૈલેન્દ્ર એસ ડી બર્મન સાથે જોડાયા. તે ઉપરાંત શૈલેન્દ્ર સલીલ ચૌધરી અને શંકર જયકિશન સાથે તો વ્યસ્ત હતા જ.
   આમ સંજોગોએ સાહિર ને એક તરફ રોશન અને બીજી તરફ રવિ સાથે જોડવામાં ફાળો આપ્યો. રોશન, સમાંતરે મજરૂહ સુલ્તાનપુરી સાથે પણ એટલા જ સફળ રહેવા લાગ્યા હતા.
   દરેક સંગીતકાર તેમ જ દરેક ગીતકારની પોતપોતાની આગવી શૈલીઓ હોય, એ શૈલીઓનો પણ મનમેળ થાય તે પણ મહત્ત્વનું પરિબળ છે.
   આજે હવે જ્યારે ‘૫૦-‘૬૦ કે ‘૭૦નાં ગીતોને યાદ કરીએ છીએ ત્યારે ગીતકાર-સંગીતકાર-ગાયકનાં સફળ સંયોજનોનાં સફળ ગીતોની સાથે ઓછાં સાંભળવા મળતાં ગીતો તેમજ બહુ ઓછું સાથે કામ કર્યું હોય એવાં સંયોજનોનાં સફળ તેમ જ ઓછાં સાંભળેલાં ગીતોને આ રીતે એક વિષયમાં સાંકળવાથી એ ગીતોને જાણવા/માણવાનો નવો દૃષ્ટિકોણ મળે છે.
   આપ સૌ જેવા મિત્રોનાં પ્રોત્સાહનને કારણે આ પ્રકારના પર્યોગો કરવા માટે બળ મળતું રહે છે. હાર્દિક આભાર.

 3. Bharat J Patwala
  September 23, 2018 at 8:20 pm

  खूब सुन्दर ! शैलेन्द्र तथा रोशन नी जोड़ी द्वारा निर्माण थयेला ,पण ओछी प्रसिद्धि पामेला गीतों नो रसास्वाद माण्यो।
  हवेक्षतेमना बने तेटला गीतों माणवानी लालच थईछे।
  राह देखाडवा बदल धन्यवाद।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *