ફિર દેખો યારોં : સંશોધનપત્રોની સચ્ચાઈ: જૂઠા હી સહી….

Facebooktwitterredditpinterestlinkedinmail

બીરેન કોઠારી

એક જાણીતી બાળવાર્તામાં આવે છે એમ એક ચોર ચોરી કરતાં પકડાયો. શિક્ષારૂપે તેનું નાક કાપી નાંખવામાં આવ્યું. શરમાવાને બદલે તેણે નાક કપાવાથી પોતાને ઈશ્વર દેખાય છે એવો દાવો કરવા માંડ્યો. તેનો દાવો માનીને બીજા અનેક લોકો સામે ચાલીને પોતાનાં નાક કપાવવા માંડ્યા. નાક કપાવ્યા પછી તેમને ઈશ્વર દેખાયો નહીં. એ વખતે ચોરે તેમને સમજાવ્યા કે હવે તમે કહેશો કે ઈશ્વર નથી દેખાતો, તો મૂર્ખમાં ખપશો. એને બદલે આપણી જમાત વધારો, જેથી કોઈને નાક કપાયાની શરમ ન રહે. બસ, પછી તો વાત એવી પ્રસરે છે કે ખુદ રાજા પોતાનું નાક કપાવવા માટે તૈયાર થઈ જાય છે. વાર્તાનો અંત મહત્ત્વનો નથી, પણ વાર્તામાં બતાવાયેલા લક્ષણ ધરાવતા મહાપુરુષો દરેક યુગે અવતરતા રહે છે.

અબ્દુલ કરીમ તેલગીએ નકલી સ્ટેમ્પ પેપરની પોતાની જાળ અકલ્પનીય રીતે પ્રસરાવી અને અનેક જવાબદાર લોકોને તેમાં સામેલ કર્યા. જ્યારે આ કૌભાંડ પકડાયું ત્યારે તેલગીના નકલી સ્ટેમ્પ પેપર એટલી મોટી સંખ્યામાં વેચાઈ ગયા હતા કે તેને પાછા ખેંચવા શક્ય નહોતા. સરકારે એ તમામને અધિકૃત જાહેર કરવા પડ્યા. ચોરવાળી વાર્તાનો આ આધુનિક અવતાર કહી શકાય.

અનેક ક્ષેત્રમાં આવું બની શકે છે અને બની રહ્યું છે. બે મહિના અગાઉ યુ.જી.સી. દ્વારા કુલ 4305 પત્રિકાઓને ગેરલાયક ઠેરવવામાં આવી. આ મામલો પણ આવો જ છે. તેને વિગતે સમજીએ. દેશમાં ઉચ્ચ અભ્યાસના ધોરણોના નિયમન, સંકલન અને જાળવણીનું કાર્ય યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશન (યુ.જી.સી.) દ્વારા થાય છે, જે માનવ સંસાધન મંત્રાલયના તાબા હેઠળ કાર્યરત છે. યુ.જી.સી.માન્ય યુનિવર્સિટીઓ, કૉલેજો માટે વખતોવખત વિવિધ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવે છે, જેનું પાલન કરવું તેની સાથે સંલગ્ન કૉલેજ કે યુનિવર્સિટીએ ફરજિયાત છે. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓના અધ્યાપકીય કર્મચારીઓની નિમણૂંક તેમજ બઢતી માટે યુ.જી.સી.એ કેટલાંક ધારાધોરણ ઠરાવેલા છે. આવું એક મહત્ત્વનું ધોરણ છે જે તે શૈક્ષણિક કર્મચારીએ લખેલા સંશોધન પત્રનું યુ.જી.સી.માન્ય પત્રિકામાં પ્રકાશિત થવું. ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલા અધ્યાપકો શિક્ષણના આધુનિક પ્રવાહોથી સજ્જ હોય એ અપેક્ષિત અને અનિવાર્ય બાબત છે. તેમના દ્વારા તૈયાર કરાયેલાં અને પ્રકાશિત થયેલાં સંશોધનપત્રો આ બાબતનું પ્રમાણ ગણી શકાય. યુ.જી.સી. દ્વારા વખતોવખત માન્ય પત્રિકાઓની યાદી બહાર પાડવામાં આવે છે, જેમાં પ્રકાશિત સંશોધનપત્ર ગણનામાં લેવામાં આવે. આ વર્ષે યુ.જી.સી.એ 4305 પત્રિકાઓને અમાન્ય ઠેરવી. આ હકીકત એ પરિસ્થિતિની ગંભીરતા પ્રત્યે નિર્દેશ કરે છે કે જેમાં પત્રિકાઓમાં સંશોધનપત્રો તેની ગુણવત્તાને આધારે નહીં, પણ એક ‘ગોઠવણ’ને આધારે પ્રકાશિત થાય છે. આવી પત્રિકાઓનું પ્રકાશન એક નફાકારક વ્યવસાય તરીકે ધમધમી રહ્યું છે. નાણાં ચૂકવો, તમારું સંશોધનપત્ર કશી ચકાસણી વિના પ્રકાશિત થઈ જાય, અને તમારી કારકિર્દીને આગળ વધારવાના માપદંડ તરીકે તેની ગણના થાય.

આ પ્રવૃત્તિના મુખ્ય કેન્‍દ્ર તરીકે હૈદરાબાદ ઊપસી આવ્યું છે. આંદોલન વેળા ખેડૂતો પર થયેલા ગોળીબારને લઈને ચર્ચાના કેન્‍દ્રમાં આવેલું મધ્ય પ્રદેશનું મંદસૌર પણ આ પ્રવૃત્તિથી ધમધમે છે. મે મહિનામાં યુ.એસ.ફેડરલ ટ્રેડ કમિશન દ્વારા હૈદરાબાદના પ્રકાશનગૃહ ‘ઓમિક્સ ઈન્ટરનેશનલ’ પર એક મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો. તેમાં આક્ષેપ મૂકવામાં આવ્યો કે આ પ્રકાશકે પોતાની વેબસાઈટ પર મૂકેલી માહિતી બનાવટી છે. અલબત્ત, આ અગાઉ 2013 માં પણ આ કંપની પર અમેરિકન શિક્ષણવિદ્‍ જેફરી બીલ દ્વારા આવો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. જે તે લેખકોના લેખો પ્રકાશિત કરવા માટે આ કંપની નાણાં લેતી હોવાનો બીલનો આક્ષેપ હતો.

અગ્રણી અખબાર ‘ઈન્‍ડીયન એક્સપ્રેસ’ દ્વારા તાજેતરમાં ત્રણ ભાગની લેખમાળમાં આ આખા કૌભાંડનું પગેરું મેળવવામાં આવ્યું, જેમાં આ પ્રકારની દેશવ્યાપી પ્રકાશનપ્રવૃત્તિમાં ‘ઓમિક્સ’નો હિસ્સો ખૂબ મોટો હોવાનું જણાયું છે. આ પ્રકારની પત્રિકાઓની લાયકાત માટે એક મહત્ત્ત્વનો માપદંડ તેનો આઠ આંકડાનો ‘ઈન્ટરનેશનલ સ્ટાન્‍ડર્ડ સિરીયલ નંબર’ (આઈ.એસ.એસ.એન.) છે. ‘ઓમિક્સ’ દ્વારા પ્રકાશિત ઓછામાં ઓછી 177 પત્રિકાઓમાં આ નંબરનો ઊલ્લેખ જ નથી. વક્રતા એ છે કે ભારત આ પ્રકારની જાલી પ્રકાશન પ્રવૃત્તિના વૈશ્વિક કેન્‍દ્ર તરીકે ઊભર્યું છે. ત્રીસ ડોલરથી લઈને અઢારસો ડૉલર સુધીની ફી લઈને ‘આંતરરાષ્ટ્રીય’ પત્રિકામાં પોતાનું સંશોધન પ્રકાશિત કરી શકાય છે. દેશભરમાં આવા ત્રણસો જેટલા પ્રકાશકો છે.

ગયે વર્ષે કેનેડાના વાવર-વિજ્ઞાની ડેવિડ મોહરે જણાવ્યું હતું કે વિશ્વભરની જાલી સંશોધનાત્મક પત્રિકાઓમાંની 27 ટકા જેટલીનું પ્રકાશન ભારતમાં થાય છે અને તેની સાથે સંલગ્ન 35 લેખકો ભારતીય છે. આ વાત થઈ વૈશ્વિક સ્તરની. ઘરઆંગણે યુ.જી.સી.એ ચાર હજારથી વધુ પત્રિકાઓને ગેરલાયક ઠેરવી એ પણ ઓછી ગંભીર બાબત નથી. યુ.જી.સી.ની ‘એકેડેમિક પર્ફોર્મર ઈન્‍ડીકેટર’ પ્રણાલિ અંતર્ગત આપવામાં આવતા ગુણમાં પ્રકાશન એક મહત્ત્વનું ઘટક છે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકો બઢતી મેળવતાં પહેલાં શક્ય તેટલાં વધુ સંશોધનપત્રો પ્રકાશિત કરે એવી આ પ્રણાલિની જોગવાઈ છે. જાલી પત્રિકાઓના જથ્થાબંધ પ્રકાશન પાછળનું મુખ્ય કારણ આ છે. સંશોધન અને પ્રકાશન માટે જે તે યુનિવર્સિટીને છૂટ આપવામાં આવે અને તેના દ્વારા જ તેનું નિયમન થાય એવી કોઈ જોગવાઈ કે સુવિધા યુ.જી.સી. દ્વારા છે નહીં. તેને પરિણામે એક અનિષ્ટની કક્ષાએ તેમાં ગેરરીતિઓને મોકળું મેદાન મળી ગયું છે.

પહેલી દૃષ્ટિએ ગેરરીતિ જણાતી આ પરિસ્થિતિ ગેરરીતિ નહીં, બલ્કે યુ.જી.સી.એ સ્થાપિત કરેલી પ્રણાલિની નિષ્ફળતા સૂચવે છે. બધા જ સંશોધનપત્રો જાલી છે, અને તમામ પત્રિકાઓ ‘સંદેહાત્મક’ જ છે, એવું નિદાન ઊતાવળીયું અને અધૂરું ગણાય. આમાં કેવળ નાણાંકીય બાબત સંકળાયેલી નથી, પણ દેશભરની ઉચ્ચ શિક્ષણપ્રણાલિના સ્તર અને પ્રતિષ્ઠા જેવી ગંભીર બાબત સંકળાયેલી છે. આ મુદ્દે યુ.જી.સી. આંતર્‍દર્શન કરે, વિધેયાત્મક પગલાં લઈને પ્રણાલિને હેતુલક્ષી બનાવે તો જ તેના હોવાનો અર્થ સરે.

નહીંતર આમ ને આમ રહ્યું તો તેલગીના સ્ટેમ્પપેપરની જેમ બધાં જ પ્રકાશિત સંશોધનપત્રોને અધિકૃત ઠેરવવાં પડે એવી સ્થિતિ નિર્માણ થવાની શક્યતા નકારી કઢાય નહીં. પછી તો પેલી વાર્તાની જેમ આખા ગામમાં કપાયેલા નાકવાળા લોકોની જ બહુમતિ હશે. ખોટું એ જ સાચું ઠરશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૭-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

5 comments for “ફિર દેખો યારોં : સંશોધનપત્રોની સચ્ચાઈ: જૂઠા હી સહી….

 1. ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)
  August 2, 2018 at 4:17 am

  અઘરી નગરીને ગંડુ રાજા. ખોખલી પોલીસી અને કમજોર રાજનીતિ!

 2. Niranjan Mehta
  August 2, 2018 at 9:34 am

  ક્યા ક્ષેત્રમાં આવા કૌભાંડો નથી થતાં? પરંતુ ભારતમાં જ્યાં સુધી તેની જાણ ન થાય ત્યાં સુધી તે ચાલુ રહે છે. આપણા લોકોની મનોવૃત્તિ જ આ માટે જવાબદાર છે. પેલું ગીત છે ને ‘પૈસા ફેંકો તમાસા દેખો’ – આજે આ જ થઇ રહ્યું છે.

 3. Samir
  August 2, 2018 at 11:49 am

  ભયજનક પરિસ્થિતિ. ખોટા સંશોધન પત્રો ને કઈ રીતે સાચા દર્શાવી શકાય ?

 4. August 2, 2018 at 4:16 pm

  પ્રાધ્યાપક તરીકે નિમણૂક મેળવવા માટે જ્યારથી સંશોધન નિબંધો એક જરૂરી આવશ્યકતા તરીકે પ્રસ્થાપિત થઈ છે ત્યારથી, સ્નાતક કે અનુસ્નાતક ડિગ્રી મેળવવાનાં કારખાનાની જેમ આ સંશોધન નિબંધો પણ યાંત્રિક વ્યવસ્થાનાં સ્થાપિત હિતોની ગુણવત્તાહીન નિપજ બનીને રહી ગયાં છે.
  આપણી શિક્ષણ વ્યવસ્થામાં તો આવી અનેક ખામીઓ કાયમી ઘર કરીને બેસી ગઈ છે.

 5. Niranjan Mehta
  August 7, 2018 at 5:57 pm

  અશોકભાઈની વાત એકદમ સાચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *