ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૨ = =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

ભગવત રાવતની કવિતાઓના રસાસ્વાદની લેખમાળાના અંતિમ બે હપ્તાઓમાં  ‘ તીસરી કસમ ‘ વાળા હીરામન વિષયક એમની કવિતાઓ અને એની પશ્ચાદભૂમિકાની વાત કરીએ એ પહેલાંનો આ છેલ્લો એપિસોડ.

ભગવતની મોટા ભાગની કવિતાઓના પઠન – શ્રવણ દરમિયાન મને  ‘ આવારા ‘ ફિલ્મનું પેલું સ્વપ્ન – ગીત અને એ ગીતનો એક વિશેષ હિસ્સો યાદ આવ્યા કરે છે. એ ગીતમાં લતા  ‘ તેરે બિના આગ યે ચાંદની ‘ પૂરું કરે કે તુરંત જ નાયક રાજકપૂર, મન્ના ડે ના કંઠમાં, નારકીય ભૂતાવળ વચ્ચે ભાગતો અને એમાંથી છૂટવા મથતો આ પંક્તિઓ વિલાપે છે :

યે નહીં ના યે નહીં ના યે નહીં હૈ ઝિંદગી

ઝિંદગી કી યે ચિતા મૈં ઝિંદા જલ રહા હું હાયે

સાંસ કે યે આગ કે યે તીર ચીરતે હૈં આરપાર

મુજકો યે નરક ન ચાહીએ

મુજકો ફૂલ મુજકો ગીત મુજકો પ્રીત ચાહીએ

મુજકો ચાહીએ બહાર ….

કવિ સ્વયં પણ એ ફિલ્મના નાયકની જેમ પોતાની એક અલગ, પોતે ઝંખેલી અને મનોમન નિર્મેલી દુનિયા ચાહે છે. એમને આપણી પ્રપંચો, છળ, કપટ, દાવપેચ અને દગાબાજી વાળી દુનિયા મુદ્દલ રાસ આવતી નથી. એ નિરંતર ઝંખે છે કોઈકને ( જેમ  ‘ આવારા ‘ અને  ‘ જાગતે રહો ‘ માં નાયિકા નાયકને એની પસંદગીના વિશ્વમાં હાથ પકડીને દોરી જાય છે ! ) જે એમને એમણે કલ્પેલા વિશ્વમાં લઈ જાય !

આજની કવિતા જોઈએ :

:                ख़ु श फ़ ह मि यां   :

आज भी मैं बहुत सारी खुशफहमियों में जी रहा हुँ

जैसे यही कि एक न एक दिन

मैं वो कविता ज़रूर लिख पाउँगा

जो कोई इतिहास रचे न रचे

लेकिन मेरे बाद

चोट खाए लोगों के लिए

बिना कुछ बोले चुपचाप

मरहम की तरह काम आए


हंमेशा लगता है मुझे

कि एक न एक दिन

वो आदमी ज़रूर मेरे पास आएगा

जिसने जीवन भर अपमानित किया मुझे

और मेरी अपनी जगहों तक से

बेदख़ल करने के लिए

अब तक क्या क्या नहीं किया

वो आएगा

और मेरे पास बैठा होगा उदास

एक गिलास ठंडा पानी माँगता हुआ मुझसे


सोचता हुँ आज भी

एक न एक दिन मेरा जीवन

उन अर्थों में ज़रूर सँवर जाएगा

जिन अर्थों की तलाश में

मैंने लगा दी पूरी उम्र

और अभी तक पस्त नहीं हुआ


जाने क्यों लगता है कि एक न एक दिन

मेरी आवाज़ में वो तासीर ज़रूर पैदा हो जाएगी

जिसे सुनकर राह चलते आदमी भी

एक पल रुक कर कहें

हो न हो, ये किसी सच्चे आदमी की आवाज़ है


घेरे रहते हैं हरदम

ये ख़याल मुझे

कि एक न एक दिन

मेरी कही गई तमाम बातों मे से

कोई न कोई तो सचमुच

इतनी सही निकल आएगी

कि घर भर को विश्वास नहीं होगा

कि उसे मैंने कहा था


और ये बात तो पीछा ही नहीं छोड़ती मेरा

कि एक न एक दिन मुझसे जीवन में

कुछ ऐसा हो ही जाएगा

जिसके भरोसे

एक हारे हुए आदमी की तरह

मुझे यह दुनिया नहीं छोड़नी पड़ेगी


मैं भी जानता हुँ

खुशफहमियां खुशफहमियां ही होती हैं

पर इन्हीं में से कहीं न कहीं से निकलती हैं

रोशनी की वो किरनें जो रास्ता सुझाती हैं

इन खुशफहमियों में न जीता रहता तो

जितना बचा हुआ हुँ

उतना भी बचा नहीं रहता ….

–                                 भगवत रावत

           ગુજરાતી ભાવાનુવાદ :

                               ભ્ર મ   :

હજી પણ હું

ઘણા બધા ભ્રમોમાં જીવું છું

જેમ કે એક દિવસ

હું એ કવિતા જરૂર લખી શકીશ

જે ભલે કોઈ ઇતિહાસ ન રચે

પરંતુ મારા ગયા પછી

દુભાયેલા લોકો માટે

કોઈ અવાજ વિના ચુપચાપ

મલમની જેમ કામ આવશે


કાયમ લાગે છે મને

કોઈક દિવસે

એ માણસ જરૂર આવશે મારી પાસે

જેણે મને જીવનભર હડધૂત કર્યો

મને મારા હકથી વંચિત રાખવા માટે

બનતું બધું જ કર્યું

એ આવશે

અને મારી પાસે બેસી રહેશે ઉદાસ

મારી કને એક ગ્લાસ ઠંડું પાણી યાચતો


હજી પણ વિચારું છું

એક દિવસે મારું જીવન

એ અર્થોમાં મઠારાઈ જશે

જે અર્થોની શોધમાં

મેં આખી જિંદગી વિતાડી દીધી

અને આજ સુધી હાર માની નહીં


કોણ જાણે કેમ મને લાગે છે કે

એક દિવસ

મારા અવાજમાં એ તાસીર જરૂર પેદા થશે

જેને સાંભળી રસ્તે જતા માણસો પણ

પળભર રોકાઈને કહેશે

હો ન હો, આ એક સાચુકલા માણસનો અવાજ છે


હમેશાં મને વિંટળાયેલા રહે છે

એ વિચારો

કે એક દિવસ

મેં કહેલી તમામ વાતોમાંથી

કોઈક તો એ હદ્દે ખરી નીવડશે

કે મારા ઘરના લોકો માનશે જ નહીં

કે એ વાત મેં કરી હતી


અને એ વાત તો મારો કેડો જ નથી છોડતી

કે કોઈ ને કોઈ દિવસે

મારાથી જિંદગીમાં એવું કશુંક થઈ જ જશે

જેના આધારે

મારે આ દુનિયા

કોઈ પરાસ્ત માનવીની જેમ છોડવી નહીં પડે

હું પણ જાણું છું

ભ્રમ છેવટે ભ્રમ જ હોય છે

પણ એમાંથી જ તો ક્યાંક ને ક્યાંકથી નીકળે છે

અજવાસના કિરણો

જે રસ્તો સૂઝાડે છે

આ ભ્રમોમાં ન જીવ્યો હોત તો

જેટલો બચ્યો છું

એટલો પણ બચ્યો ન હોત ….

                                      – ભગવત રાવત

કવિતાની પરંપરાગત અને રૂઢ વ્યાખ્યાથી સાવ અલગ એવી આ વાતો કવિતા નહીં પણ વાસ્તવમાં વાતચીત લાગે એવું બને પણ તેથી શું ? એને કવિતાને બદલે વાતચીત માનીને જ મૂલવો. ઉત્તમ કવિતા તો એક વાહન છે. વાચક એનું વાંચન શરુ કરતી વખતે જ્યાં હોય એની સરખામણીમાં એ પૂરી થાય ત્યારે ક્યાંક અન્યત્ર હોવો જોઈએ. આવી કવિતાઓને જો ગધ્ય કહીએ તો એ ગધ્યમાં રચાયેલી કવિતાઓ છે !

ખુશફહમી એટલે મનમાં રાજીપો જન્માવે એવી ગલતફહમી. ખુશફહમીમાં આશ્વાસન છે, ગલતફહમીમાં પસ્તાવો.

દરેક કલાકારને એક અમર અને અદ્વિતીય કૃતિ પોતાના જીવનકાળમાં જ રચી જવાની એષણા હોય છે. મહદંશે એની આ તમન્ના એની હયાતીમાં પૂરી થતી નથી. એના મરણોપરાંત ચાહકો – ભાવકોને એની કોઈ કૃતિ અપ્રતિમ લાગે એ અલગ વાત, પોતાની હયાતી દરમિયાન આવા કલાકારને નિરંતર એવું લાગ્યા કરે છે કે એણે જે રચ્યું, જેની વાહવાહી સુદ્ધાં થઈ એમાં ઘણી ત્રુટિઓ છે, એની બેહતરીન રચના હજુ બાકી છે. એ પોતે કોઈ કૃતિ સંપન્ન કર્યા બાદ કેવળ ક્ષણિક રાહતનો ભાવ અનુભવે છે પરંતુ ત્યારબાદ તુરંત એના મનમાં ખાલીપો અને અધૂરપ ઘેરાઈ વળે છે. ‘ મારે જે રચવું હતું તે આ નથી ‘ જેવો કંઈક ભાવ.

એના સર્જનને મળતા આવકાર અંગે પણ એને એવું લાગ્યા કરે છે કે જે લોકો પાસેથી સ્વીકૃતિ અને દાદની અપેક્ષા હતી એ લોકો તો સાવ ચુપ છે. જેમના તરફથી પ્રશંસા થાય છે એ લોકોને તો એ કળા-વિશેષની સમજણ પણ નથી ! કવિતા બાબતે તો બે બાબતો સહુથી દુર્ભાગ્યપૂર્ણ છે – જાણકારનું મૌન અને નાસમજની દાદ ! સર્જકની પીડામાં એ વાત પણ ક્યારેક ઉમેરો કરે છે કે એની રચનાની કદર તો પારકા લોકોએ કરી છે, એના ખુદના સ્વજનો, પ્રિયજનો અને કુટુંબીજનોને એના રચના-સંસારની ક્યાં તો પડી હોતી નથી અથવા એમણે ઇરાદાપૂર્વકની ઉપેક્ષા કે મૌન ધારણ કર્યું હોય છે !

એક પ્રસંગોચિત ગીતનો ઉપાડ કંઈક આવો છે :

નક્કામા થોથાંથી ઘરને ભરી મેલ્યું ને

તોડો છો રોટલા હરામના

તમે આખર અમારા શું કામના ?

ચીતરતા જાવ તમે કાગળ પર કાગળ

ને પછી સાવ રે અચાનક દ્યો ફાડી

વાસીદું વાળતાં એ કાગળના ડૂચાઓ

ભાળીને થાય – ઓય માડી !

જગની ચોપડિયુંમાં નામ ભલે આવે પણ

ધોઈને પીવી’તી શું નામના

તમે આખર અમારા શું કામના …

પ્રસ્તૂત કવિતામાં પણ કવિ પ્રથમથી જ ચોખવટ કરી દે છે કે એમના અંતરતમમાં રહેલી આ બધી અતૃપ્ત ઈચ્છાઓ વસ્તુત: એમની ખુશફહમીઓ છે, જેમના સાકાર થવાની ઈચ્છા રાખવી મિથ્યા છે. જેમ કે એ કોઈ એવી કવિતા રચે જે આહત લોકો માટે રાહતરૂપ બને અથવા એવી કોઈક ઘટના બને કે એમને આજીવન અન્યાય કરનાર કોઈક એમની પાસે અપરાધ – બોધનો અહેસાસ કરતો આવે અથવા એમના અવાજમાં સત્યનો એવો રણકો આવી જાય જેને સાંભળીને સામાન્ય માણસને પણ એમાંથી ઈમાનદારીની વાછટ આવતી લાગે અથવા એમની કહેલી પણ રાબેતા મૂજબ એમના સ્વજનો દ્વારા પણ અવગણાઈ ચૂકેલી કોઈક વાત છેવટે એ લોકોના ગળે ઊતરે અથવા છેવટે કંઈ નહીં તો એમના દ્વારા કોઈક એવું કામ થઈ જાય જેના કારણે એક પરાજિત મનુષ્યના અહેસાસ સાથે એમને આ દુનિયા છોડવી ન પડે અથવા …..પણ આ બધા જાણે મુંગેરીલાલના સપનાઓ, એ સાચા પડવા થોડા જ સર્જાયા છે ?

હતાશાના ઘોડાપૂર સાથે ચાલતી આખી વાત અંતે ખૂબસૂરત રીતે પૂરી થાય છે. કવિ કબૂલે છે કે આ બધી ખુશફહમીઓ હતી એટલે જ તો ટકી રહ્યા ! જો એ ન હોત તો પોતાનામાં જે કંઈક સત્વ છેવટ લગી બચી રહ્યું એ પણ ન રહેત ! આપણને સૌને પણ આવી કેટલીય ખુશફહમીઓ ટકાવી રાખે છે આખર સૂધી !

કદાચ એટલે જ હિંદી કવિ – લેખક વિનોદ કુમાર શુક્લએ ઘણું બધું વિચાર્યા પછી લખ્યું હશે, ‘કલ્પના એ જ યથાર્થ છે – સત્ય છે.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *