– મંજુબેન મોદી
સંકલન -પૂર્વી મોદી મલકાણ
આ લોકમાં એક જ અમૂલ્ય ચીજ માનો પ્રેમ
ઝાંખા પડે સંબંધ બીજા, કારણ માનો પ્રેમ એ જ છે હેમ.
સુખની સીમા ક્યાં છે તેની કોઈને ખબર છે? મારી સુખની સીમા હતી મારા પતિ અને મારી મા એમ મારા જીવનના બે મહત્તમ પાત્રો વચ્ચે. પણ આજનો સમય અલગ છે. આજે આ બંને પાત્રો મારી સાથે નથી તેથી તેમને સ્થૂળ સ્વરૂપે મળવાનું શક્ય નથી. મળવું….તમે જાણો છો મળવાનું યે મહત્ત્વ હોય છે. આપણે મળીએ છીએ, ક્યારેક હંમેશા તો ક્યારેક કવચિત મળીએ છીએ, પરિચયે મળીએ, હેતે મળીએ, મને મળીએ -બે મને મળીએ જ્યારે મળીએ ત્યારે…મળવાનો આનંદ હોય છે. એમાં યે મળવાનો આનંદ જ્યારે બે પક્ષીય થઈ જાય ત્યારે આ આનંદ અનેરો થઈ જાય છે. આ સમય એવો હોય છે જ્યારે ક્ષણો ચેતનવંતી થઈ જાય છે. જુઓને આજે એવી જ ક્ષણો છે. કારણ કે હું આજે આપને મળી રહી છું. પ્રથમવાર મળું છું, પરિચયે મળું છું. હું મંજુબેન મોદી, તમારી મિત્ર પૂર્વીની મમ્મી. આજે આ વિષય સાથે હું મારી કેટલીક યાદો આપની સાથે વહેંચવા માંગુ છું. આ લેખમાં મુકાયેલ શબ્દો એ મારી સંવેદના અને મારી યાદોને વાચા તો આપે છે, પણ જો મારે અતીતના એ પાને જવું હોય તો મારે ૭૪ વર્ષ પાછળ જવું પડે. પણ મારી પાસે એ યાદો બહુ થોડી છે કેવળ જૂજ જ બચી છે તેમ કહું તો ચાલે.
અંગ્રેજોના સૂરજની ડૂબવાની તૈયારીઓ ચાલતી હતી, જ્યાં જ્યાં જે દેશોમાં અંગ્રેજોની સત્તા હતી તે બધાં જ દેશો ઉકળી રહ્યાં હતાં, પણ મારે માટે નિર્ભયતાનો ખોળો તૈયાર હતો. હું જન્મી ત્યારે બધાં જ ભાઈ- બહેનમાં હું સૌથી નાની હોઈ મારી માની એ ગાદી ( અહીં સિંહાસન ) મને મળી. મારા અન્ય ભાઈ બહેન એ વખતે ખાસ્સા મોટા થઈ ગયાં હતાં તેથી તેમને એ સિંહાસનની જરૂર ન હતી. પણ હું જ્યારે ૯ મહિનાની હતી ત્યારે મે મારા પિતાને ખોઈ દીધેલાં તેથી હું નવ વર્ષની થઈ ત્યાં સુધી હું માની પાસે જ રહી, સાથે જ રહી. માની એ ગોદ તો મને મળી, પણ મારી મા મૌનની અડોઅડ રહેતી હતી. એનું કારણ એ હતું કે આજનો સમય તો અમે ગમે તેમ કરીને વિતાવી દીધો હતો પણ આવનારી કાલની એમને ચિંતા હતી. ઉપરાંત ભાઈ- બહેનથી છલકતો અમારો પરિવાર વિખરાયેલો હતો એડન થી ભારતની વચ્ચે. એડન થી ભારત સુધીના તાંતણા જોડતાં જોડતાં મા થાકી જતી ને અંતે મારી સામે જોઈ મૌન થઈ જતી. ( એ મૌન હતી પણ એ મૌનમાં યે મને એમનાં વ્યવહાર-વિચાર, સિધ્ધાંત વગેરે શીખવા મળ્યાં. જે મને મારા ખરાબ સમયમાં કામ આવ્યાં.) મારી માની દોડ પતરાવાળી ઓરડીથી ઓસરી સુધીની રહેતી. એ બે વચ્ચે અમારો જેટલો બચેલો તેટલો સંસાર સમાયેલો હતો. ક્યારેક પોતાની પરિસ્થિતિથી થાકીને કહેતી એ કહેતી કે, મંજલી મારી પાસે છે ત્યાં સુધમાં યમ મારી પાસે નો ફટકે તો સારું, હું નઇ હોઉં તો મારી મંજલીનું ધ્યાન કોણ રાખશે… બોલી ને એ ફરી મારી સામે જોઈ રહેતી ને અમારી ઓરડી શબ્દ વગરના શબ્દોના આભાસથી છલકાઈ જતી.
મારા જીવનમાં નવ વર્ષ સુધી જ હું માની સાથે રહેવા પામી, કદાચ તેની ચિંતા સાચી પડી હતી. ત્યાર પછી અમે બંને મા -દીકરી સગા સંબંધીઓને કારણે નવ-નવ વર્ષ સુધી એડન -ભારત વચ્ચે ફેકાતાં રહ્યાં, પણ ક્યારેય સાથે રહેવા પામ્યાં નહીં. મા ત્યાં હોય તો હું આહીં, ને એ આંહી આવે તો મને એડન મોકલી દેવામાં આવતી. આમ જ દડાની જેમ ફરતાં ફરતાં મારી મા સાથેનો મારો સાથ બહુ અલપઝલપ રહ્યો. અંતે ૧૮ વર્ષની ઉંમરે મારા લગ્ન થયાં ત્યારે થોડા દિવસ સડસડાટ મને મા સાથે રહેવા મળ્યું એ સમય મારા જીવનની સૌથી સુખમય ક્ષણો બની રહી. મારા લગ્ન પછી થોડા વખતમાં જ મા મને છોડીને ચાલી ગઈ. કદાચ મારા વિવાહ- મારું પ્રથમ સંતાન એ જ એના જીવનની મહત્ત્વની ઈચ્છા હશે. મા ગઈ ના સમાચાર મને જ્યારે મળ્યાં ત્યારે મને મારા સાસુ તરફથી પિયર જવાની રજા ન મળી….. મા નું છેલ્લું મોઢું જોવા હું ન પામી તેનો વસવસો આજેય છે, આજે આ વિષે વિચારું છું તો લાગે છે કે સમય ક્યારેય બદલાતો નથી બસ પાત્રો બદલાય છે. ગઇકાલે હું જ્યાં હતી, ત્યાં આજના સમય કહેવાતાં મોર્ડન સમયમાં પૂર્વી ય છે. એણે ય એજ એક ઇતિહાસ તરફ પગલાં રાખેલાં જ્યાંથી હું પસાર થઈ’તી. જ્યારે પૂર્વીના બાબા ગયાં ત્યારે એને ય સાસરિયાં -પતિ તરફથી તેના બાબાનું છેલ્લું મોઢું જોવા દેવા માટે આવવા દેવામાં આવી નહોતી. છે ને ઇતિહાસનું પુનરાવર્તન.
ખેર, આજે ઉંમરના પડાવે આવીને ક્યારેક મારી માની સાથેના સમય વિષે વિચારું છું તો લાગે છે કે જંગલની સરખામણીમાં મારી માની યાદોનો એ વ્યાપ બહુ મોટો છે તેથી આજે ય એ રણની જેમ વિસ્તરતો જાય છે. જેમાં જીવન છે, સુષ્કતા છે અને ઉષ્મતા છે તેમ છતાં યે તેમાં એવી અધૂરપ છે જે ક્યારેય પૂરી થાય તેમ નથી. માની યાદે આજે ય મારી આંખો ભીની થઈ જાય છે, કોઈવાર હાથ-પગ ઢીલા થઈ જાય છે, માનો એ સ્પર્શ-એ સુગંધને ભરવા મારો પાલવ મોટો કરી દઉં છું પણ સ્મૃતિઓની પાછળ છુપાયેલી મારી મા અતિ અને ક્ષતિ સાથે મારા એ વિતેલા અભાવ અને પ્રભાવ વચ્ચે ફંગોળાયા કરે છે તો કવચિત મા ની એ ઝલક અને એમના સાથની ઝંખના મારા મન-હૃદયના દરવાજાઓ વચ્ચે અથડાયાં કરે છે ક્યાંય સુધી તોફાનનું રૂપ લઈને.
લાખ લાખ પરબોથી છીપવી શકાય ના એવી તરસ મને લાગી
ખોબે ખોબે મારી માને પીવાની આજ ઓચિંતી મને ઝંખના જાગી.( અશોકપુરી ગોસ્વામી )
મંજુબેન મોદી ( રાજકોટ ) || સંકલન -પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ || purvimalkan@yahoo.com







આનંદના ઉંચા ઉંચા ગીરી શિખરેો સર કરી શકાય,
પરન્તુ માતૃહૃદયની ઊર્મિને વળોટી ન શકાય.
એકદમ હૃદયસ્પર્શી .
મા ની વળી યાદો શું હોય? મા તો ભીતરમાં કોતરાયેલી ન હોય?
બહુ સરસ, સ-રસ. લેખ વાંચતાં વાંચતાં મંજુબેનના હૃદયમાં રહેલ એ સમય ને હું સ્પર્શ કરી આવી. પતરાની ઓરડી, એડન અને ભારત વચ્ચે વિખરાયેલ પરિવાર, જિંદગીમાં ખાલી ૯ જ વર્ષ મા સાથે રહેવા મળ્યું તે વાતનો વસવસો, સિંહાસન જેવી માની ગોદ, લગ્ન અને સંતાન પ્રાપ્તિ પછી માની તરત જ વિદાય, આ લેખમા કેટલા સમય અને સંજોગોને એક સાથે વણી લીધા ચ્હે તે ખ્યાલમા આવે છે. મંજુબેન તમારી દીકરી તમારા માટે પ્રેરણારૂપ બની હોય તેમ આ લેખથી ખ્યાલ આવે છે. તમારી વિવિધ રીતે મળવાની વાત બહુ સચોટ રહી. પણ અંતે આ લેખ કેવો છે તે વર્ણવવાના શબ્દો મારી પાસે નથી.
Shun kahu bahu saras, bahu saras . vanchi ne hriday ma karuna aavi gai. Lekhika no e ma mate no valvalo varnavi shakay ten Nathi.
બહુ જ સંવેદન શીલ જીવનકથા. માતાજીને પ્રણામ.
Vasnchi ne Hriday dravi gayu , vaanchi ne. Nb
પોતાના મનનાં વિચારો જાહેર કરવા એ પણ એક સાહસ છે અને તે જો કોઈ પોતાનું હોય તેને વિષે લખો ત્યારે તેની યાદ તાજી થઇ જાય છે જે લખનાર જ અનુભવે છે. અભિનંદન પૂર્વીબેન.
આજે આ લેખ ફરી વાંચ્યો, એ જ આનંદ અને એજ કરુણતા હૃદયમાં સ્થપાઈ ગઈ. લેખ તમારો છે, પણ પતરાની ઓરડીમાંથી ઓસરીમાં હું જ ફંગોળાઈ. મંજુબેન તમારી માનું નામ જાણવા મળ્યું હોત તો વધુ ગમ્યું હોત અને તમારું પહેલું સંતાન એટ્લે પૂર્વીબેન ?