





–રજનીકુમાર પંડ્યા
(આજે તો રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘ભારતીય જનવિજ્ઞાન જાથા’ નામની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાના ધૂરાધારી એડવોકેટ જયંત પંડ્યા અને તેમની ટીમ, તો પાલીતાણાના ચતુર ચૌહાણ, અમદાવાદમાં તેમના વકિલ પુત્ર પિયુષ ‘જાદુગર, અંકલેશ્વરના અબ્દુલ વકાણી, ગોધરાના ડૉ સુજાઅત વલી અને તેમની ટીમ, સુરતના સત્યશોધક સભાના મધુ કાકડીયા અને કાર્યકરો, ગોવિંદ મારુ અને તેમની ટીમ કે જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારી શ્રી રમેશ સવાણીનો પણ પૂરો સહયોગ છે તેવા સૌ તંત્ર-મંત્ર-અંધશ્રધ્ધા- ભુવાભારાડી વિરોધી પ્રવૃત્તિઓ સામે જબરદસ્ત લડત આપી રહ્યા છે. પરંતુ દેશને આઝાદી મળી તે પહેલાં અને તે પછીના વીસેક વર્ષ સુધી આવી કોઇ પ્રવૃત્તિ સંગઠિત સ્વરૂપે જોવામાં આવતી નહોતી. ગાંધીવાદી કાર્યકરો પોતાની શિક્ષણ અને સમાજ સુધારણાની ગતિવિધીઓના એક ભાગરૂપે અવશ્ય એવી ચળવળો ચલાવતા હતા પણ એના વિરોધનો કોઇ પ્રબળ વ્યવસ્થિત મંચ ઉભો થયો નહોતો.
આવા કાળે ઠેઠ ગામડીયા વાતાવરણમાંથી મીઠાભાઇ પરસાણા નામનો રાજકોટ વિસ્તારનો એક એવો નરાતાર દેશી કણબી શિક્ષક ઉભો થયો કે જે લોકસાહિત્યનો તો જ્ઞાતા અને કલાકાર હતો જ અને તેના વિષે એક પુસ્તક પણ લખેલું, પરંતુ તે ઉપરાંત તેણે કોઈ મંચ કે સંસ્થાના નેજા વગર બહાદૂરીપૂર્વક, સામી છાતીએ અંધશ્રધ્ધા વિરોધી ઝુંબેશ ઉપાડી હતી.
આ લેખકને પોતાના યૌવનકાળમાં એમના થોડા પરિચયનો લાભ મળ્યો હતો.
આ લેખના અંતે તેની પોતાની બાનીમાં તેમના પોતાના આત્મવૃત્તાંતના થોડાં પૃષ્ઠો આપવા ઉપરાંત તેમની એ પ્રવૃત્તિનો થોડો ચિતાર આપવાનો અહિં પ્રયત્ન કર્યો છે.
આનુષંગિક વિગતોના આધારે 1918 ની આસપાસ તેમનો જન્મ હોવાનો સંભવ માનીએ તો હવે તેમના હયાત હોવાની શક્યતા નહિંવત છે. રાજકોટમાં અખબાર ‘અકિલા’માં તેમના પુત્ર પરિવાર સાથે તેમને સુમેળ ન હોવાનું વાંચ્યાનું આછું સ્મરણ છે.
– રજનીકુમાર પંડ્યા)
‘આ મારી ઠાઠડી છે, ને મારું શરીર ત્રણ વાઘ ધરાય એવું છે. લોભ શું કરવા કરો છો ?ચેહને (ચિતાને) હજુ જરા પકતી (પહોળી) બનાવો. બાજુમાં ફરેરા, નાળિયેરી અને લાલચટક ખાપણ સોત મૂકો! સીંદરીનું ફીંડલું ને લાલ નાડાછડી ને દોણી મૂકો. ને જુઓ હું એમ ખડમાકડી જેવાથી ઉપાડ્યો નહીં ઉપડું. ચાર-લોઠકાં જણ “હબ્બો…’ કરીને ઉપાડશે તંઈ ઉપડીશ….શું સમજ્યા?
ચોરણી, કેડીયું ને માથે સફેદ પાઘડી જેવી અસલ ગામઠી વેશભુષામાં ઉભો ઉભો એક અસલ કાઠિયાવાડી કણબી મોટા વડા ગામની ખળાવાડમાં બાંધેલા મોટા મંડપની વચ્ચે આવી આવી ‘અમંગળ’ સૂચના મરકતા મરકતા આપી રહ્યો હતો. ઠાઠડીનું માળખું બનતું હતું ને એના જ માપનું બનતું હતું. પણ સૂચના એ કણબી એવી રીતે આપતો હતો કે જાણે એના માપનો લાકડાનો પલંગ બનાવવાનો હોય.
‘એ મીઠાભાઈ’ ટોળે વળીને ઊભેલા એમાંથી એક જણે છેવટે પૂછી જદીધું :’ માથે તમારું મોત ભમે છે એમાં આટલા હરખાઓ કાં ?”
મીઠાભાઈની એક આંખ જરા ફડ્ડી(ફાંગી) છે. એટલે એમણે બોલનારા માણસ સામે એવી રીતે જોયું કે ત્રણ-ચાર જણને એમ લાગ્યું કે અમારા સામે જૂએ છે.
મીઠાભાઈ બોલ્યા: ‘રાંધ્યું ધાન વરે પડે એમ બાંધી ઠાઠડી મસાણે તો જશે જ ને મારા વાલા ! જોઈએ હવે આમાં ચડીને કોણ જાય છે ? મીઠોભાઈ કે જુઠ્ઠોભાઈ ?
‘જુઠ્ઠોભાઈ કોણ ?’
‘એ મારા કરતાંય મોટા માપનો છે. આવે એટલે જો જો ને ?
‘મીઠોભાઈ કાંઈક બાંધ્યા ભરમમાં બોલ્યા’ એમ કાળે સાડલે એક ડોશી બોલ્યાં ને માથે સાહેલો ભારો લઈને ઘર ભણી ચાલ્યાં.
***** **** ***
મીઠોભાઈ કદી બાંધ્યા ભરમમાં બોલતો નથી. એનો અર્થ એમ પણ નથી કે એ કડવા માંયલો કડવો છે. લોક એનું આખું નામ મીઠાભાઈ પરસાણા લેવાનું જરૂરી માનતા નથી. ‘મીઠોભાઈ’ કહો એટલે ‘રાજકોટમાં કોઈ પણ’ એનું ઘર બતાવે. મેં જો કે પહેલીવાર જોયેલા ત્યારે વિચિત્ર સ્વપ્નદૃશ્યના પાડાની જેમ જોયેલા. હું તો ઓડિટ માટે એ સરકારી શાળાની મુલાકાતે ગયો હતો અને લાંબી લાંબી લોબીમાં હેડમાસ્તર સાથે અમસ્તો જ એક એક ક્લાસ પર સરસરી નજર નાખતો જતો હતો. ત્યાં એક ક્લાસમાં કોટપેન્ટમાં છોકરાઓનો ક્લાસ લેતા નોર્મલ શિક્ષકને બદલે પાછળ સુંડલો એક સમાય એવો ઝોળો પડે એવી ચોરણી, માથે ફૂમતાવાળું કડીદાર કેડીયું અને કમર સુધી પહોચે એવા લાંબા છેડાવાળી પાઘડી જેવા સાવ ઠેઠ ગામડીયા કણબીના વેશમાં એક માસ્તરને છોકરાઓનો વર્ગ લેતા જોયા.. રાજકોટની (કદાચ કરણસિંહજી) હાઈસ્કૂલમાં.મને એમ કે કોઈક માથાભારે ખેડૂત, મૂળ માસ્તરને હડસેલો મારીને, છોકરાઓ સામે ગમ્મત ખાતર ઊભો રહી ગયો હશે. પણ હેડમાસ્તરે મને કહ્યું કે એ તો ખરેખર શિક્ષક જ છે. પણ ધરાર પોતાનો પરંપરાગત વેશ ત્યજવા માગતા નથી. એ વખતે શાળાના કાયદામાં ડ્રેસ કોડ જેવું કંઇ હતું નહિં .એટલે એમને ના પાડી ના શકાઇ, લોકોને જોણું થયું. હાંસી પણ શરૂશરૂના ચાર દિવસ રહી. પણ ઉપરી અધિકારીઓ કાયદો બતાવી શક્યા નહીં. છે જ ક્યાં એવો કાયદો ? ભણાવવામાં પાછા આ કણબી માસ્તર કોઇ પંડિતથી કમ નહિં…..પછી છોકરાઓ શું બોલે ?અધુરામાં પુરું કણબી માસ્તર છોકરાઓને ખાલી સમયમાં લોકવાર્તાઓ કહેતા હતા. લોકગીતો ઝીલાવતા હતા. શેરીની રમતો પણ રમાડતા હતા.
એ પછી બીજી વાર મેં એમને જોયા ત્યારે વિરપુરમાં જલારામ બાપાની જગ્યાની બહાર બાંધેલા શમિયાણામાં સ્ટેજ પર નાચતા હતા. એ જ વાઘામાં અને એ જ ઢબથી સ્ટેજના પાટીયા સખળ-ડખળ થઈ જાય એવા જોરદાર સ્ટેપ્સમાં ‘હમ્બો….હમ્બો વીંછીડો’ ગાઈ બતાવતા હતા. મંત્રમુગ્ધ શ્રોતાઓને વારંવારના ઝટકાથી ચોરણીની લાંબી ફૂમતાંવાળી નાડી ડાબા-જમણી, ડાબા –જમણી ફંગોળાયા કરતી હતી. એ જોઇને છોકરાઓને તો શું મને પણ રમુજ થતી હતી, મનમાં વિચાર પણ આવ્યો. આ ભણેલો ગામડિયો માણસ ગામડાના જ ગીત ગાય ને? બીજું આવડેય શું ?આમાં જ એની માસ્ટરી હોય ને ?
પણ ત્યાં તો એમણે અંગ્રેજીમાં પા-પા પગલી કેમ કરાવવામાં આવે છે તેનું લયબદ્ધ જોડકણું ઉપાડ્યું. ‘જુઓ, જુઓ, ઇંગ્લેન્ડમાં એ આમ થાય છે :.
’ વન સ્ટેપ અપ,
એન્ડ વન સ્ટેપ ડાઉન
ધેટ ઈઝ ધી વે,
ટુ ધી લંડન ટાઉન !
પછી તો હું પણ મંત્રમુગ્ધ બની ગયો.
ત્રીજી વાર ભાવનગરમાં એકસઠ કે સાઠની સાલમાં (કદાચ બે એક વર્ષ આઘાં-પાછાં હોય) ગામના તળાવમાં ઈંદુલાલ યાજ્ઞિકની સાથે જોયેલા. કોઈને ય મીઠું વેણ ના સંભળાવે એવા ઈંદુલાલ યાજ્ઞિકે મીઠાભાઈને મીઠાં વેણ હું સાંભળું તેમ સંભળાવ્યાં : ‘મીઠાભાઈ, તમે એક અને હું એક એવો એક ને એક બે નહીં હો ! પણ બે એકડા અગ્યાર….’
મીઠોભાઈ ફડ્ડી આંખ કરીને’ હો…હો…હો…’ એમ સાવ તળપદું હસ્યા. માથાની પાઘડી ઠીક કરી. પછી ‘એક સાથે’ ચાર પાંચ જણાની સામે જોયું.’
એક વાર રાજકોટમાં દોસ્ત દામુ સોની મને કહે : ‘મીઠાભાઈ પરસાણા ઉપર લખવા જેવું છે.’ મેં કહ્યું: ‘એમના વિષે લખવા જેવું છે એ નક્કી. એમાં ના નથી.’
પણ મીઠોભાઈ ફરી રાજકોટની ધરતી પર મને ના મળ્યા.પણ એક રેશનાલિસ્ટ સંસ્થાએ યોજેલી ‘છેતરાવું શા માટે ?’ નામની નિબંધ સ્પર્ધામાં કાગળ પર એ મને મળ્યા. નિર્ણાયકોમાંનો હું અને બીજા બે મિત્રો હતા. એક મિત્રને અચરજ થયું : ‘મીઠાભાઈ જેવી કક્ષાની વ્યક્તિએ કંઈ આ સ્પર્ધામાં ભાગ લેવાય ? એ બહુ મોટા ના પડે ?’
એ નિબંધ વાંચતા વાંચતા જ મને આજથી ત્રીસ વરસ અગાઉની, પંચાવનની સાલના સાલના ઉનાળામાં બનેલી પેલી ઠાઠડીવાળી વાત મળી.
શી હતી એ ઘટના ?
આઝાદી તાજી તાજી મળેલી. અંધશ્રધ્ધા, ભુવા-ડાકલાનું જોર આજે આટલું છે તો ત્યારે તો કેટલું બધું હશે ? ને તે પણ સૌરાષ્ટ્રમાં?એ વખતે કણબી, ગરાસીયા, કોળી અને શ્રમજીવીઓનો એક સંઘ હતો. આ મીઠોભાઈ એમાં કાર્યકર્તાઓમાં પણ આગેવાન. એક ગરાસદાર મિત્ર દોલતસિંહજી ગામડામાં જામીને વકરી ગયેલા ભુવા–ભારાડીની ચોંકાવનારી કરતૂતકથા લાવ્યા. મીઠોભાઈ સાંભળીને ખારા થઈગયા. ‘આવું! આવું હોય !’
‘હા હા’ દોલતસિંહજી બોલ્યા:’હોય શું ? છે જ ! આપણે શું કરી લેવાના ?’
‘જુઓ’ મીઠાભાઈએ વિચાર કરીને કહ્યું : ‘એમ મોળું મોળું ના બોલીએ–વળગાડના વહેમવાળાઓ, ડીંગ કરનારા– ધૂતારા, મેલી વિદ્યાના નામે માલ પડાવનારાઓ, દોરા ધાગાવાળાઓ, ભોળાજનોને લૂંટનારાઓ, શ્રધ્ધાળુઓને ચૂસનારાઓ, પુરુષાર્થના હણનારાઓ જેવા કામાકુટાઓની મોટી તગડી ઘીંગ (ટોળકી) રચાઈ ગઈ છે. આપણે એમને પડકાર ફેંકીએ.’
પછી મીઠાભાઈ પરસાણા અને બીજા ચાર, એમ પાંચ જણાએ ભેગા થઈને સૌરાષ્ટ્રના છાપાંઓમાં જાહેર ચેલેંજ ફેંકી કે જે અમારા ઉપર જાહેરમાં મેલીવિદ્યા-મારણ-મૂઠ કે તંત્રમંત્રના પ્રયોગ કરી બતાવશે તેનું અમે સામૈયું કરી ફૂલહાર કરીશું. ફલાણી ફલાણી તારીખે રાજકોટ જિલ્લાના મોટા વડા ગામે આ વિદ્યાના સાધકોએ આવી રહેવું અને અમારા ઉપર સાગમટે, યા એક પછી એક ઉપર જે પ્રયોગ કરવો હોય તે કરી બતાવવો. નહીંતર આને અમે તૂત-ધતીંગ જાહેર કરીશું.
ચેલેંજ જાહેર થઈ અને કબૂતરખાનામાં ફફડાટ ફફડાટ મચી ગયો.
**** **** ****
‘ હું ગીરના ઊંડા નેસમાં રહું છું. કદિ કોઈ મનુષ્યના સહવાસમાં આવતો નથી. પણ બે દિવસ પહેલા એક કાળા માથાનો માનવી મારી પાસે આવી ચડ્યો હતો. તેણે તમારી ચેલેંજની મને વાત કરી. તે ઉપરથી જૂઓ મીઠાભાઈ, હું તમને કહું છું કે મેલી વિદ્યા છે, છે અને છે અને તે મારી પાસે છે. મેં કદિ તેનો દુરુપયોગ કર્યો નથી. પણ તમે જ્યારે એ વિદ્યાને ખોટી ઠરાવવા ઢોલ પીટીને બહાર પડ્યા છો ત્યારે તમારા ઉપર અડદના દાણા છાંટીને તમે જે કહેશો તે જાતનું પ્રાણી અસલી ચકલી, નાગ, બળદ, પોપટ, સિંહ બનાવી દઈશ. પરંતુ આ વિદ્યા એકમાર્ગી હોવાથી ફરી વાર તમને મનુષ્યનો આ અવતાર પાછો નહિં મળે. વિચાર કરીને લખશો.’
આવો એક સાધુનો પત્ર આવ્યો. ત્યારે તેના જવાબમાં મીઠાભાઈએ લખ્યું: ‘તમે આવશો ત્યારે તમારા સામૈયા કરીશું. તમે લખેલા ચમત્કાર કરી બતાવશો તો માસિક એક લાખ રૂપિયાનો દરમાયો તમને કરાવી દઈશું. કારણ કે જો તમે અડદના દાણા પ્લેનમાંથી છાંટીને પાડોશી દુશ્મનના દળકટકને ઘેટાંનું બનાવી શકો તો આપણી સરકારને આટલો પગાર દેવો ભારે નહીં પડે.’
‘રહેવા દો મીઠાભાઈ’ લોકો સલાહ દેવા માંડ્યા :’ઝેરનાં પારખાં ના હોય. મરી રહેશો મરી.’
બીજી પ્રતિચેલેંજ આવી : ‘મોટા વડામાં શા માટે ? રાજકોટમાં રાખો તે ગૃહપ્રધાન રસિકલાલ પરીખની હાજરીમાં રાખો, અમારી આગમવાણી છે કે તમારું મોટા વડાનું સંમેલન તમારા શોક સંમેલનમાં ફેરવાઈ જવાનું છે.
છાપાઓમાં સામસામી ચેલેંજો છપાવા માંડી. મોડા ઉઠનારા પણ મળસ્કે ઉઠી ઉઠીને છાપું જોવા હોટલે જવા માંડ્યા. આજનું છાપું ‘શું ક્યે છે ?’ એમ આ પ્રકરણના સંદર્ભમાં પૂછાવા માંડ્યું.રોજના સો-સવાસો કાગળો મીઠાભાઈ પર આવવા માંડ્યા. એમાંથી નેવું ટકા ધાક-ધમકીના. તો થોડા ભયપ્રેરીત શિખામણ ભરેલા, બાકીના દસેક ટકા તરફેણના. દિવસ નજીક આવવા માંડ્યો તેમ તેમ વાતાવરણમાં ઉત્તેજનાની ગરમી વધતી ગઈ. છેલ્લે છેલ્લે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ અને ‘બોમ્બે ક્રોનીકલ’માંથી પત્રો આવ્યા: ‘તમે જબરદસ્ત હલચલ મચાવી છે. તમારો ફોટો–પરિચય, જીવનઝરમર મોકલો.’
અખતરાની આગલી રાતે પેટ્રોમેક્સના અજવાળામાં મોટાવડાની ખળાવાડમાં ગોળાઈમાં થાંભલા ખોડીને સ્વયંસેવકોએ ચોક ઊભો કર્યો. ઉતારે એક મંડપ બાંધ્યો. મીઠાભાઈ અને તેમના સાથીઓ માટે. દક્ષિણમાં પચાસ ફૂટ જ દૂર બીજો મંડપ બાંધ્યો. મેલી વિદ્યા લઈને આવનાર મોંઘેરા મહેમાનો માટે ! અને વચ્ચે ચોકમાં મીઠાભાઈની ઠાઠડી રચી ! કારણ કે નેવું ટકાને ખાતરી હતી કે મીઠાભાઈનું ભવન ફર્યું છે. ડોશીઓ બોલવા માંડી કે મીઠોભાઇ હવે ઘડી-બે ઘડીનો મહેમાન છે. ફાટી પડવાનો થયો છે, મૂવો.’
પણ આખો દિવસ અને રાત રાહ જોયા છતાં પણ કોઈ જ ના આવ્યું. લોકોનું માનસિક વલણ મીઠાભાઇ ભણી ઢળવા માંડ્યુ. મીઠાભાઈએ જાહેર કર્યું કે હજુય અમારો પડકાર ઉભો જ છે. આજ પછી પણ જ્યારે પણ કોઈને અમારો આ પડકાર ઝીલવો હશે ત્યારે અમે તૈયાર છીએ. કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે અમારી ચેલેંજ ઊભી જ છે.’
આજે વર્ષોનાં વહાણાં વાઇ ગયાં.. કોઈ આવ્યું નથી.
**** **** ****
પછી પેલી મીઠાભાઈવાળી ઠાઠડી તો બનાવી હતી, તેનું શું થયું ? પ્રદર્શનમાં રાખી ?’
ના . એ દૃશ્યના જાણકારો કહેતા હતા : ‘મીઠાભાઈએ અગ્નિની દોણી લીધી. આગળ થયા. બીજા ચાર જણાએ નનામીને કાંધ આપી. હજારોની મેદની વચ્ચે નદી કાંઠે આવીને હો…હો….હો… કરતાં સૌએ નનામીને ભડકે બાળી.’
‘પણ એ નનામીમાં હતું કોણ ?’
‘એમાં હતા જુઠાભાઈ. જુઠાભાઈ એટલે ધતિંગ. ગામલોકોએ એને અગ્નિદાહ આપ્યો.’
પણ જુઠ્ઠાભાઈ ખરેખર બળી ગયા છે ?’
પાસે શરમથી મસ્તક ઝુકાવી દેવા સિવાય બીજો કોઈ જવાબ નથી. 2018 ની સાલના છાપાંઓ પણ આવા બનાવોથી ખદબદે છે
**** **** ****
(મીઠાભાઈના આત્મવૃત્તાંતનાં પાનાં)
લેખકસંપર્ક-
રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com
રજનીભાઈ ની કલમ માં થી શું અને શું નીકળે છે અને જે નીકળે તે માત્ર વાંચવાલાયક જ નહિ પણ વિચારવા લાયક પણ હોય છે.તેમની કલમ માં થી આખા મીઠાભાઈ તાદ્રશ્ય થાય છે.
ખુબ ખુબ આભાર,રજનીભાઈ !
આ મીઠાભાઇ પરસાણા વિશે એક જ વાત જાણી હતી અને એ એમની ફટાણાં ગાવાની આવડત બાબતે હતી. એમના વ્યક્તિત્વનાં આવાં પાસાં ઉજાગર કરવા માટે આભાર.
લેખ વાંચીને આનંદ થયો.ઘણું જાણવા અને માણવા મળ્યું.આ મીઠાભાઈને વરસો પહેલા યુથ ફેસ્ટીવલમાં એકવાર મળાયું હતું એની યાદ તાજી થઈ.
રજનીભાઇ જેના તરફ આંગળી ચિંધે એ વાંચવાની હંમેશા મજા પડે.
આભાર રજની ભાઈ અને આભાર વેબગુર્જરી..
મજા આવી ગઈ. જુઠાભાઈનું બેસણું રાખેલું કે નહીં ? !!
રજનીભાઈ તમારી આ વાર્તાએ તો રુવાડા ઉભા કરી દીધા !! વાર્તા સામાન્ય રીતે કાલ્પનિક મનાય છે પણ તમે સત્ય ઘટનાઓમાં જે અદભુત વાર્તારસ ઘોળીને પીવડાવો છો, આકંઠ તૃપ્તિ કરાવો છો એને સલામ કહેવું જ પડે… તમને, તમારી શૈલીને અને આવું શોધી લાવવાની તમારી ખાંખાંખોળા વૃત્તિને સો સો સલામ…
Rajnikantbhai “salam” for such a beautiful true story.
Rajnikumar Mitha bhai Wah maza padi gai .
Anguli nirdeshakne vandan.
શ્રી રજનીભાઈ,
એ જમાનામાં આવી હિંમત બતાવી એ મીઠાભાઈને ધન્યવાદ. ઉપરાંત તમારી રજૂઆત તો કેમ ભુલાય.
હવે મારે ખાસ એ કહેવાનું કે આ લેખના વખાણ ફક્ત કાગળ ઉપર જ રાહે છે, બાકી મોટાભાગના લોકોતો જેમ બાધા આખડીમાં મને છે એમ માણતા પણ રહેવાના છે એ પણ એક હકીકત છે. બસ થોરામાં ઘનું.
પ્રફુલ્લ ઘોરેચા
રજનીકુમાર પંડયા સાહેબ ની કલમ માંથી હમેશ નવનીત ઝરે છે .ગુજરાત ની ભાતીગળ ભોમ ઉપર ના. લોકો ની દૈનિક રહેણી કરણી,વર્ણવ્યવસ્થા સામાજિક ધાર્મિક પ્રસંગો માંથી તેમજ ફીલ્મ જગત ના વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા કલાકારો ની દૈનિક રહેણી કરણી ખાસિયત માંથી નિત નવું નવું શોધવા ની એમની જિજ્ઞાસા તેમજ વિચક્ષણ દ્રષ્ટિ ,ખરેખર કાબિલે તારીફ છે.તેમના દ્વારા આલેખાયેલ કોઈ પણ પ્રસંગ લેખ વાંચવા નું ચાલું કરો તો પૂરો કર્યા વિના જમ્પો નહિ એટલો રસદાર હોય છે.
અહીં વેબ ગુર્જરી દ્વારા લ્યો ચીંધી આંગળી ,જુઠા ભાઇ ની ઠાઠડી લેખ થકી મીઠા ભાઈ પરશાણાં એક બાહોશ શિક્ષક અને બહાદુર વ્યક્તિ વિશેષ નો પરિચય વાંચી ઘણું જાણવા નું મળ્યું ,ખોટા રીત રિવાજ અને માન્યતાઓ ઉપર નો પડદો ખુલલો પડી ગયો.
રજનીભાઇ ને ખુબ ખૂબ અભિનંદન/આભાર,વંદન.