એક ગીતનાં અનેક સ્વરૂપ – ૯ – સરખા મુખડા, ફિલ્મો જૂદી, અંતરા અને બીજું ઘણું જૂદું : [૬]

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

મુખડાના શબ્દો મહદ અંશે સરખા હોય પણ બાકીની આખી રચના જૂદી જ ફિલ્મમાં પ્રયોજવામાં આવી હોય એવાં અલગ અલગ વર્ઝનનાં હિંદી ફિલ્મ ગીતો આપણે આ શૃંખલામાં સાંભળી રહ્યાં છીએ.

સમાંતરે બીજી શ્રેણીઓ પરનાં ગીતોની શોધખોળ કરતાં કરતાં ક્યારેક એવું ગીત સાંભળવા મળી જાય જેના મુખડાના બોલ બીજાં ગીતમાં સાંભળ્યું હોવાનું યાદ આવી જાય. ક્યારેક મુખડાના અમુક બોલ પરથી બીજાં ગીતો હોવાં જોઇએ એવું માનીને શોધખોળ કરીએ તો સાવ ન સાંભળેલાં કે વિસારે ચડેલાં ગીતો સાંભળવા મળી જવાનો લાભ પણ મળી જતો રહે છે.

આજે એવાં જ કેટલાંક ગીતો રજૂ કરેલ છે.

ઘનઘોર ઘટા ઘનઘોર ઘટા ફિર છાયી હૈ – બીતે દિન (૧૯૪૭) – અમીરબાઈ કર્ણાટકી – સંગીતકાર એ દિનકર રાવ – ગીતકાર એચ તન્વીર / પંડિત ફણિ (?)

વર્ષ ૧૯૪૭નાં ગીતો પરની એક શ્રેણી માટે ગીતોની શોધ કરતાં આ ગીત મળ્યું.

મુખડાના બોલ જોતાં યાદ આવે – ‘ઘટા ઘનઘોર ઘોર મોર મચાયે શોર’ (તાનસેન, ગાયિકા ખુર્શીદ). એટલે વિચાર આવ્યો કે ‘ઘટા ઘનઘોર’ એ ક્રમમાં પ્રયોજાયા હોય એવા બોલનાં ગીતો ન ગણીએ અને ‘ઘનઘોર ઘટા’ એ જ ક્રમમાં બોલ પ્રયોજાયાં હોય એવાં બીજાં ગીતો શોધીએ તો શું પરિણામ આવે તે જોવું જોઈએ.

માત્ર ઉત્સુકતા સંતોષાય એટલી જ શોધ કરતાં આ બે ગીતો મળી આવ્યાં –

બિન બરસે લૌટ રહી ઘનઘોર ઘટા સાવન કી – તીન ભાઈ (૧૯૫૫)- આશા ભોસલે – સંગીતકાર: અરૂણ કુમાર – ગીતકાર ભરત વ્યાસ

ગાયિકા અને ગીતકાર જ જાણીતાં બાકી ફિલ્મ, ગીત અને સંગીતકાર ત્રણે ત્રણ અજાણ્યાં નીકળ્યાં. જો કે ગીત સાંભળવું ગમ્યું.

ઘનઘોર ઘટા – મેહનાઝ

મેહનાઝ પાકિસ્તાનનાં બહુ મશહુર ગાયિક હતાં. અહીં ગીતમાં ઘનઘોર ઘટા ઉમદી આવતાં નાયિકાના મનમાં ઉદ્‍ભવતા ભાવોને અલગ અંદાજમાં રજૂ કરાયા છે.

[નોંધઃ ‘ઘટા ઘનઘોર’ એ ક્રમમાં પ્રયોજાયેલા બોલને આવરી લેતાં ગીતોની યુટ્યુબ પર ખોજ કરશો તો ક્યારે પણ સાંભળ્યાં ન હોય એવાં ગીતો જોવા મળી જશે.]

 

દિલીપકુમારે ગાયેલ ગીત વિષે એક લેખમાં આ રીતે ‘મુસાફિર’ (૧૯૫૭)નાં ‘લાગી નાહી છૂટે રામ ચાહે જિયા જાયે‘ (સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર) ગીતનો એક આડવાત તરીકે ઉલ્લેખ કરવાનું થયું હતું.

તેના પરથી ‘લગી નહીં છૂટે રામા’ નામની ભોજપુરી ફિલ્મનાં તલત મહેમૂદ અને લતા મંગેશકરનાં સ્વરનાં યુગલ ગીતની યાદ આવી ગઈ.

જા જા રે સુગનવા જા રે કહી દે સજનવા કે લાગી નહીં છૂટે રામ ચાહે જિયા જાયે – સંગીતકાર: ચિત્રગુપ્ત – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

આ ગીતની યુટ્યુબની લિંક ખોળતાં કંઈક કેટલંય ભળતાં સળતાં ગીતો પણ જોવા મળે છે. એમાંથી એક ગીત થોડું વધારે ઘ્યાન ખેંચી ગયું તેની ફિલ્મનું નામ – ‘એ જેન્ટલમેન –સુંદર સુશીલ રીસ્કી– ને કારણે.. ગીતનાં ગાયકો અરિજિત અને શ્રેયા ઘોષાલ છે જે પણ અત્યારના ગાયકોમાં બહુ લોકપ્રિય ગાયકોમાં સ્થાન મેળવે છે.

 

હિંદી ફિલ્મોમાં હાલરડાં (લૉરી) પણ એક બહુ આગવો અને પ્રચલિત પ્રકાર રહ્યો છે.’આ જા રી નિંદીયાં ‘ એટલા બોલનો પ્રયોગ કર્યો હોય એવાં ત્રણ હાલરડાં સાંભળીએ –

આ જા રી નિંદીયાં તૂ આ કે ન જા – ઝીનત (૧૯૪૫) – નૂરજહાં – સંગીતકાર: હફીઝખાન

નૂરજહાંના સ્વરમાં ગવાયેલ આ લોરી બહુ જ કર્ણપ્રિય ગીતરચના છે.

આ જા રી આ નિંદીયા તૂ આ – દો બિઘા ઝમીન (૧૯૫૩) – લતા મંગેશકર – સંગીતકાર: સલીલ ચૌધરી – ગીતકાર: શૈલેન્દ્ર

આ લોરીમાં મને ત્રણ નોંધપાત્ર બાબતો લાગે છે –
૧)હિંદી ફિલ્મમાંની લોરી ગીતોમાં સહુથી લોકચાહના મેળવેલ લોરીની પ્રથમ હરોળમાં આ લોરી સ્થાન ભોગવે છે.
૨)સંજોગવાશાત,આ રચના આપણને અવશપણે પણ નૂરજહાં અને લતા મંગેશકર વચ્ચે સરખામણી કરવા પણ મજબૂર કરી શકે.
૩) મીના કુમારી કોઈ પણ ફિલ્મમાં માત્ર ગીત ગાવા પૂરતાં જ ભૂમિકા ભજવતાં હોય તેઓ કદાચ આ એક માત્ર દાખલો હશે.

આ રી આ જા નિંદીયા લે ચલ તૂ કહીં – કુંવારા બાપ (૧૯૭૪) કિશોર કુમાર – સંગીતકાર રાજેશ રોશન – ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી

આ લોરીનો આંતરપ્રવાહ નુરજહાંએ ગાયેલી ‘ઝીનત’નૉ લૉરી જેમ જ કરૂણ છે.

 

આ શ્રેણીમાં હજૂ આવાં પુર્વ આયોજિત ન કરેલાં ગીતોને લગતો એક મણકો કરી શકાય છે તે હવે પછીના અંકમાં જોઈશું.

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.