પરિસરનો પડકાર ૧૩ : કચ્છ કોઈને કેમ ભુલાશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા.

પરિસ્થિતિ વિજ્ઞાન અને પર્યાવરણ ઉપરાંત સાહિત્યમાં મને ખાસ રૂચી રહી છે. સન ૧૯૯૨-૯૩ દરમ્યાન સરકારી નોકરીના ભાગ રૂપે મારી બદલી ભુજ – કચ્છમાં ઘણા ટૂંકા સમય પુરતી થઇ હતી. કચ્છ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં મારી નિમણુંક મદદનીશ અધિકારી (વન) તરીકે થઇ હતી. ફરજના ભાગ રૂપે આખા કચ્છ જીલ્લામાં પ્રવાસ કરવાનું થતું. પૂર્વ કચ્છના આડેસરથી લઈને પશ્ચિમી છેવાડાના નારાયણ સરોવર અને સમગ્ર અખાતીય પટ્ટી પર આવેલાં તાલુકાઓ જેવાકે લખપત,અબડાસા, માંડવી, મુન્દ્રા અને ગાંધીધામની અવારનવાર મુલાકાત લેવાનું બનતું. ઓક્ટોબર ૧૯૯૨થી ઓગસ્ટ ૧૯૯૩ સુધીમાં બન્ની, ખાવડા, ખડીર, અંજાર, વાગડ જેવા અત્યંત મહત્વપૂર્ણ વિસ્તારો આવરી લીધાં હતા.

મારા કચ્છ જીલ્લાના કાર્યકાળ દરમ્યાન જીલ્લામાં આવેલી અદભૂત નૈસર્ગિક સંપદાને મેં માણી છે. કચ્છની જૈવિક વિવિધતા અને કુદરતી સંસાધનોના અખૂટ ભંડારનું ચિત્ર એક સાહિત્ય-પ્રેમી હોવાને નાતે કાવ્યદેહના સ્વરૂપે મારાથી અનાયાસે જ ચીતરાયું હતું. એ રચનાને કાવ્ય કહેવું કે જોડકણું એતો સુજ્ઞ વાચકો જ નક્કી કરી શકે પરંતુ એ કાવ્ય-રચનાનો ઉપયોગ મેં રચનાત્મક ઢબે કર્યો હતો. વિદ્યાર્થીઓ અને તાલીમી શિક્ષકોને પર્યાવરણ વિષયક વ્યાખ્યાન આપવા જવાનું થાય ત્યારે એ કાવ્ય-રચના ‘રેફરન્સ મટીરીયલ’ તરીકે હમેશા મને સાથ આપતી. તાલીમાર્થીઓને કાવ્ય સ્વરૂપે ભણવાનું આવે અને એ પણ એક નવી શૈલીમાં ત્યારે મજા પડતી હોય છે.

આ વખતે એ કાવ્ય વાચકો સાથે ‘શેર’ કરવાની લાગણી થઇ આવી છે. સાથે સાથે કાવ્યમાં સમાવિષ્ટ પર્યાવરણને સંબંધિત તત્વોની ચર્ચા પણ કરશું. સૌ પ્રથમ એ રચના પ્રસ્તુત કરું છું.

                                  કચ્છ કોઈને કેમ ભુલાશે!

આવળ બાવળ ચણીયાં બોર, ચારે ‘પા કાંટાળો થોર

ગાંડો બાવળ, મીંઢી આવળ, ઇન્ગોરીયાંનું ઝાઝું જોર

પશ્ચિમે પીલુડી ફાલે, ચેર તણા જંગલ જ્યાં મ્હાલે

કેર તણા કાંટા જો વાગે, પર્ણ વિના કદરૂપું લાગે

રખાલમાં મોરડ ને ગોરડ, મળી રહે સુરખાબ ને ઘોરડ

ચિંકારા ઘુડખર જ્યાં વસતા, ઉનાળે જળકાજ તરસતા

બન્નીના મેદાનો મોટા, ઘાસ તણા પણ પડતા તોટા

ખડીર, ખારેક, હમીરસરના, અન્ય સ્થળે ક્યાં મળતા જોટા

કાળા સોનાનો ચમકારો, સબરસના મોટા ભંડારો

અખાતનો જૈવિક સથવારો, લુણી ખારી, લુણો ખારો

મરુભૂમિની વાતો ન્યારી, બદલી થાશે તો શું થાશે?

રડતાં આવી રડતાં જાશે, ‘કચ્છ કોઈને કેમ ભુલાશે?’

                                                  – ચંદ્રશેખર પંડ્યા.

————————————————————————

વાચક મિત્રો જોઈ શકશે કે ઉપર્યુક્ત રચનામાં પર્યાવરણને સંબંધિત ઘણાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કચ્છમાં શરૂઆતથી વસવાટ કર્યો હશે તેઓ આ શબ્દોથી સુપેરે પરિચિત હશે જ. હવે પ્રસ્તુત કાવ્યનું પર્યાવરણીય રસ-દર્શન કરીએ.

મૂળભૂત રીતે કચ્છ પ્રદેશ કેટલાક અપવાદ સ્વરૂપ વિસ્તારોને બાદ કરતા સુક્કો પ્રદેશ છે. સુક્કા પ્રદેશોમાં માત્ર એવી વનસ્પતિઓ કુદરતી રીતે જોવા મળતી હોય છે જે પ્રવર્તમાન આબોહવામાં ટકી શકતી હોય.

+++++

આવળ: બહુ શાખા, ઝીણી પાંદડીઓ અને પીળાં પુષ્પ ધરાવતી આ ક્ષુપ કક્ષાની વનસ્પતિથી કોઈ અજાણ્યું નહી હોય. તેના મૂળનો અર્ક ડાયાબીટીસ, મૂત્ર માર્ગીય રોગો, કબજીયાત અને તાવમાં લેવામાં આવે છે. પાંદડા રેચક ગુણધર્મ ધરાવે છે. છોડની છાલમાં પ્રચુર માત્રામાં ટેનિન રહેલું હોય છે. આવળ રસ્તાની બંને બાજુ અને ખેતરોના શેઢે ઉગી નીકળતું જોવામાં આવે છે. ઢોર ખાતા નથી તેથી વાડ ઉપર વાવી શકાય છે.

+++++

બાવળ:આ વૃક્ષથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તેના અગણિત ઉપયોગો છે. તેનું લાકડું, મૂળ, પાન, ફળીઓ વિગેરે કામમાં આવે છે. કાંટા હોવાને પરિણામે આ વૃક્ષ ખોટી રીતે બદનામ થઇ ગયું છે તેમ કહેવું અતિશયોક્તિ નહી ગણાય. ખેડૂતોનું સાથી અને ગરીબોનું દાતણ.

+++++

ચણી બોર: નાનપણમાં ખુબ આરોગ્યાં હશે. ખોરાક, પશુઓ માટેનો પાલો, ઔષધીય ઉપયોગ અને ઇંધણ તરીકે કામમાં આવે. પર્યાવરણની દ્રષ્ટીએ એક ઉત્તમ પ્રકારનો છોડ જે માટીના ધોવાણને અટકાવે છે. જમીનના ઉપરીય અત્યંત ફળદ્રુપ સ્તરને ટકાવી રાખે છે.

+++++

થોર: આ વનસ્પતિથી કોઈ અજાણ્યું નથી. શુષ્ક વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતી આ વનસ્પતિ ધારદાર કાંટાવાળી છે પરંતુ તેના પર ખુબ જ મનમોહક ફૂલ બેસે છે. મુખ્યત્વે ખેતરોને ફરતી વાડ ઉપર રક્ષણાત્મક કામગીરી કરે છે. કુંડામાં ઉગીને બગીચાની શોભા પણ વધારે છે.

+++++

ગાંડો બાવળ: આપણે સૌથી વધારે અન્યાય કર્યો હોય તો આ વૃક્ષને. નામ પણ ગાંડાના વિશેષણ સાથે! ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ઉર્જાનો સ્રોત પૂરો પાડે છે. કહેવાતા ગાંડા પરંતુ ખરેખર આ ઠાવકા વૃક્ષ વિષે પછી કોઈવાર વિગતે. નિબંધ લખી શકાય.

+++++

મીંઢી આવળ: આવળની માસીયાઈ બહેન. રંગરૂપ સરખા પરંતુ ઔષધીય ગુણોમાં મેદાન મારી જાય. કાયમ ચૂર્ણ અને તેના જેવી અન્ય ઔષધી લેનાર વ્યક્તિ ગુણધર્મોથી સુપેરે પરિચિત હોય જ. કચ્છમાં ખેડૂતો દ્વારા મોટા પાયે મીંઢી આવળની ખેતી પણ કરવામાં આવે છે.

+++++

ઇન્ગોરીયા:અત્યંત રસપ્રદ વાત આ વનસ્પતિ સાથે જોડાયેલી છે. સાવરકુંડલામાં દિવાળીના તહેવારોમાં આ ફળમાંથી હર્બલ બોમ્બ બનાવવામાં આવે છે. નાવલી નદીના સામસામા કાંઠે ઉભા રહીને હર્બલ બોમ્બ ફેંકવામાં આવે તેવી એક પ્રણાલી લાંબા સમયથી ચાલી આવે છે.

+++++

પીલુડી:ખારી જમીનમાં ઉગી શકતી આ વનસ્પતિના નાના નાના ગળચટ્ટા અને આછી તીખાશ ધરાવતા પીલુ ખાધા હશે. બાવળની માફક એક નીવડેલ ટૂથબ્રશ છે. પીલુની બે જાત ગુજરાતમાં થાય છે. ખારાં અને મીઠાં. હિન્દીમાં મેસવાક તરીકે ઓળખાતા આ વૃક્ષના નામે એક ટૂથપેસ્ટની બ્રાંડ પણ નીકળી હતી. ગઠીયો વા, સર્પદંશ અને હરસ રોગોની સારવારમાં તેનું મહત્વ આંકવામાં આવે છે.

+++++

ચેરીયાં:ચેર અથવા તો ચેરીયાં વિષે સવિસ્તાર માહિતી ગયા લેખમાં આપણે જોઈ ગયાં. મેન્ગ્રોવ તરીકે પ્રચલિત દરિયાની મહત્તમ ખારાશમાં પણ જીવી જતા આ વનસ્પતિ-સમૂહની પર્યાવરણની દ્રષ્ટીએ ખુબ જ અગત્યતા રહેલી છે.

+++++

કેરડાં/કેર: અથાણાની સિઝનમાં આથેલાં અને રાઈના કુરીયાં ચઢાવેલાં કેરડાં આરોગવાની મજા કંઇક જુદી જ છે. સુક્કા પ્રદેશમાં કોઇપણ પ્રકારની ખાસ માવજત વગર આપમેળે જ ફૂટી નીકળતી આ વનસ્પતિ જોવામાં માત્ર ઝાંખરા જેવી જ લાગે. પાન નથી હોતા તેથી તેનો દેખાવ પણ મનને ગમી જાય તેવો નથી હોતો. ઉજ્જડ જમીનો પર અલ્પાંશે હરિયાળી લાવવા માટે ઉપયોગી છે.

+++++

રખાલ: કચ્છ જીલ્લામાં આરક્ષિત જંગલોને સ્થાનિક ભાષામાં ‘રખાલ’ કહેવામાં આવે છે. નાના ટુકડાઓમાં ફેલાયેલી આવી રખાલોમાં સ્થાનિક પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળે છે. રાજ્યના વન વિભાગ મારફત આવી રખાલોની માવજત અને રક્ષણ કરવામાં આવે છે.

+++++

મોરડ: ખારી જમીનમાં ઉગતી વનસ્પતિ છે એના પાનમાં પાણીનો ખુબ સંગ્રહ થતો હોવાથી મીઠા પાણીની અછતવાળા ખારા પ્રદેશોમાં ઘણા માણસો પાણી હાથવગું ન હોય ત્યારે એના પાન ખાઇને તરસ છીપાવે છે. સૌટાષ્ટ્રમાં જોવા મળતી જત નામની વિચરતી જનજાતીના લોકો આ વનસ્પતિના પાનનો શાક બનાવવામાં ઉપયોગ કરે છે. મોળાવ્રત/ગોર્યો દરમ્યાન કુંવારિકાઓ મોરડની ભાજી હોંશથી ખાય છે.

+++++

ગોરડ: બાવળનો ગુંદર. ખાવામાં, પેઈન્ટ ઇન્ડસ્ટ્રીમાં, ફોટોગ્રાફી, સિરામિક્સ વિગેરેમાં વપરાય છે. શિયાળુ પાકમાં અગત્યતા ધરાવે છે. અન્ય વૃક્ષોમાંથી મળતા ગુંદરની ભેળસેળ આ ‘True Gum Arabic’ માં થતી જોવામાં આવે છે.

+++++

સુરખાબ: ગુજરાત રાજ્યના ‘સ્ટેટ બર્ડ’ તરીકે જાહેર થયેલાં આ પક્ષીને ‘ફ્લેમિન્ગો’ કહેવામાં આવે છે. કચ્છમાં એટલી મોટી સંખ્યામાં આ પક્ષીઓ આવીને માળા બનાવે છે કે એક ‘ફ્લેમિન્ગો સીટી’ તૈયાર થતું જોવા મળે છે. તેની ચાંચ વિશિષ્ટ પ્રકારની હોય છે જે ખોરાકમાંથી કીચડને દુર કરવા માટે સક્ષમ છે. કચ્છના ક્ષારયુકત રણના ખાબોચિયામાં મળતા ઝીંગા, બ્લુ ગ્રીન શેવાળ, નાના જંતુઓ અને મૃદુકાય જીવોનું ભક્ષણ કરે છે.

+++++

ઘોરડ: વિલોપનને આરે ઉભેલું આ પક્ષી કચ્છમાં જોવામાં આવે છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલી સંખ્યામાં બચ્યા છે. અબડાસા તાલુકાના નલિયા પાસે આ પક્ષીના સંરક્ષણ માટે અભયારણ્ય બનાવવામાં આવેલ છે. વજનમાં ભારેખમ છતાં ઉડાન ભરી શકતાં વિશ્વના અન્ય પક્ષીઓમાં ઘોરડનો સમાવેશ થાય છે. સુકા અને અતિ સુકા ઘાસિયા મેદાન અને કાંટાળી વનરાજીમાં નિવાસ કરે છે.

+++++

ચિંકારા: નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારા અભયારણ્ય સ્થાપવામાં આવ્યું છે. સુકા મેદની અને ઝાડીઝાંખરા ધરાવતા વિસ્તારમાં ટોળામાં જોવા મળે છે. ચિંકારા હરણના (Deers) કુળમાં નથી આવતું પરંતુ સાબર-કુળમાં (Antelopes) આવે છે. પાણી પીધા વગર લાંબો સમય રહી શકે છે કારણ કે ઘાસ-પાન માં રહેલ પાણીની માત્રાથી ચલાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

+++++

ઘુડખર: ઇન્ડીયન વાઈલ્ડ એસ/જંગલી ગધેડા માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. તેમની એક અન્ય પ્રજાતિ તિબેટીયન વાઈલ્ડ એસ લડાખ વિસ્તારમાં થાય છે. એક સમયે સિંધ, બલુચિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન સાથે પશ્ચિમ એશિયામાં જોવા મળતા ઘુડખર હવે માત્ર કચ્છના નાના રણ અને તેની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે છે. ૭૦ થી ૮૦ કી.મી.ની ઝડપે દોડી શકતું આ પ્રાણી જીપને પણ પાછળ રાખી દેવાની ક્ષમતા ધરાવે છે.

+++++

બન્ની વિસ્તાર: કચ્છના મોટા રણની દક્ષીણે આવેલા ઘાસિયા મેદાનો તેમની આગવી ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખુબ જ મહત્વ ધરાવે છે. બેફામ ચરિયાણ, વારંવાર પડતા દુકાળ અને ક્ષારીકરણ જેવાં કારણોથી ઘાસનું પ્રમાણ ઘટી જાય છે અને અછતના સમયમાં તો કચ્છમાં ઢોર માટેનો ચારો બહારથી મગાવવો પડે છે. આખા વર્ષમાં માત્ર ૨ થી ૫ દિવસ અને મોસમનો સરેરાશ કુલ ૩૧૫ મીમી વરસાદ પડે છે.

+++++

ખડીર બેટ: ભચાઉ તાલુકામાં આવેલો ખડીર વિસ્તાર તેની આર્કિયોલોજીકલ મહત્તાને કારણે મશહુર છે. અહીંયા વિશ્વપ્રસિદ્ધ ધોળાવીરા જગ્યા સિંધુખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવે છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સન ૧૯૬૭-૬૮ માં આ જગ્યા શોધી કાઢવામાં આવી જે આઠ મુખ્ય હડપ્પન સંસ્કૃતિની જગ્યાઓ પૈકી પાંચમાં નંબરની વિશાળ જગ્યા છે.

+++++

ખારેક (ખજુર): આપણે ત્યાં ખજૂરીઓ થાય છે પણ તેના ઉપર ખજૂર થતો-થતી-થતું નથી, કારણ કે આપણો ઉનાળો ખજૂરીને ટૂંકો અને નરમ પડે છે. હવે તમારા ખ્યાલમાં આવે છે કે અરબસ્તાનનો તાપ ને ઉનાળો કેવા સખત હશે ! તમે ખારેક ખાધી છે; પણ તમે જાણો છો કે એ ખજૂરની માશી નથી પણ ખજૂર પોતે જ છે ? ઝાડ ઉપર એમ ને એમ સુકાવા દીધેલ ખજૂર તે ખારેકો. બાગાયતી પાક ખારેકનું મુખ્ય કેન્દ્ર એક સમયે ધ્રબ અને ઝરપરા રહ્યું. ત્યારબાદ મુંદરા તાલુકાના મોટાભાગના ગામોમાં ખારેકનું વાવેતર અને પછીથી મુખ્યત્વે ભુજ સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં ખારેકનું સેંકડો એકરમાં વાવેતર થયું છે.

+++++

હમીરસરનું તળાવ: કચ્છના મુખ્ય શહેર ભુજની વચ્ચોવચ આવેલું હમીરસર તળાવ ચોમાસા દરમ્યાન અત્યંત નયનરમ્ય લાગે છે. હમીરસર તળાવ ૪૫૦ વર્ષ જુનું તળાવ છે અને તેનું નામ ભુજના સ્થાપક જાડેજા શાસક રાઓ હમીર (૧૪૭૨-૧૫૨૪) પરથી રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક તળાવ માનવસર્જિત છે જે ૨૮ એકરના વિસ્તારમાં ફેલાયેલુ છે અને ભુજ શહેરની પાણીની જરુરિયાત સંતોષે છે.

+++++

કાળું સોનુ (લિગ્નાઈટ): પેટ્રોલીયમ પેદાશો અને કોલસો, બંનેની ઉપયોગીતા દેશના વિકાસને ધ્યાનમાં લેતા મહત્વપૂર્ણ છે અને તેથી જ તેને કાળું સોનુ કહેવામાં આવે છે. કચ્છમાં લિગ્નાઈટની ખાણો પાનન્ધ્રો વિસ્તારમાં આવેલી છે. કોલસો એક અશ્મીકૃત ઇંધણ છે જેનો જથ્થો કુદરતમાં માર્યાદિત છે.

+++++

સબરસ (મીઠું): વિશ્વનું ૭0 ટકા મીઠાનું ઉત્પાદન ભારતમાં અને તેમાંયે ૭0 ટકા ગુજરાતમાં અને કચ્છડો બારેમાસ પણ નમક પેદાશમાં ૭0 ટકા સાથે શિરમોર છે. રસોઈ ગમે તેટલી સ્વાદિષ્ટ બનાવો પરંતુ જો મીઠાની ઉણપ હશે તો સ્વાદ તદ્દન ફિક્કો થઇ જશે અને તેથી જ મીઠાને સબરસ કહેવામાં આવે છે.

+++++

કચ્છનો અખાત: કચ્છના અખાતમાં વિરલ પ્રકારની જૈવિક વિવિધતા જોવામાં આવે છે. મરીન નેશનલ પાર્ક જામનગર અને કચ્છ જિલ્લાઓની વચ્ચે આવેલાં અખાતમાં પથારએલ છે જે અનેક પ્રકારના સમુદ્રી જીવ અને વનસ્પતિઓથી ભરપુર છે. પરવાળાં, જેલીફિશ, સી એનેમોન, સ્ટારફીશ, પર્લ ઓયસ્ટર, પફરફીશ વિગેરે અહીંયા નિવાસ કરે છે.

+++++

લુણી/લુણો: ઉપવાસમાં પણ ખાઈ શકાય તેવી લુણીની ભાજી/લુણો સ્વાદમાં ખારી હોય છે જે આપણે આગળ મોરડની ભાજીના ઉદાહરણમાં જોઈ ગયા. બે પ્રકારના આવા છોડ દરિયાની ભરતી ફરી વળતી હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે ઉગી નીકળે છે. સ્થાનિકે મોરડ, મોરસ, લુણી કે પછી લુણો તરીકે ઓળખાય છે.

+++++

પ્રિય વાચક, આટલી જાણકારી મેળવ્યા બાદ તમે ફરી એકવાર આગળ મુકેલ કાવ્ય વાંચી લેશો એટલે આપણી આ કાવ્યમય લેખની, કચ્છ જીલ્લાની પર્યાવરણ સંબંધિત માહિતીની સફર પુરી થશે.

કહેવાય છે કે કોઈની બદલી કચ્છ જીલ્લામાં થાય ત્યારે વિષમ પરિસ્થિતિની કલ્પનાઓ તેને ઘેરી લેતી હોય છે અને રડમસ ચહેરે પોતાની નવી જગ્યાએ હાજર થાય છે. પરંતુ કચ્છના કાર્યકાળ દરમ્યાન તે એટલી હદે તે વિસ્તારના પ્રેમમાં પડી જાય છે કે જયારે ફરી કચ્છ છોડવાનો સમય આવે ત્યારે તેને ભારે હૃદયે વિદાય લેવી પડતી હોય છે.
 

—————————————————————————————-

નોંધ: પ્રસ્તુત લેખમાં ચિત્રો ઈન્ટરનેટ પરથી ફક્ત શિક્ષણ અને જન જાગૃતિ માટે લેવામાં આવ્યા છે. કોઈ વ્યવસાયિક હેતુ રાખવામાં આવ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

5 comments for “પરિસરનો પડકાર ૧૩ : કચ્છ કોઈને કેમ ભુલાશે!

 1. Piyush Pandya
  July 27, 2018 at 7:05 am

  લેખ અત્યંત માહિતીસભર અને તેથી પ્રભાવક બની રહ્યો છે. અભિનંદન.

 2. July 27, 2018 at 8:20 am

  વાહ વાહ રસદર્શન….  ચિંકારા ઘુડખર જ્યાં વસતા, ઉનાળે જળકાજ તરસતા

 3. Dipak Dholakia
  July 27, 2018 at 9:58 am

  વાહ, મઝા આવી ગઈ. ક્ચ્છ એટલે કચ્છ. કચ્છી હંમેશાં કચ્છી બની રહે છે. કંઈક તો છે એ સૂકી ધરામાં.

 4. July 27, 2018 at 1:09 pm

  વાહ, કેટલી સરસ માહિતી!
  કચ્છડો બારે માસ કંઈ અમસ્તો જ કહ્યો હશે!

 5. Samir
  July 27, 2018 at 2:03 pm

  વાહ,વાહ ! ફરી થી વતન ની એક સફર થઇ ગઈ.
  ખુબ આભાર !

Leave a Reply to Piyush Pandya Cancel reply

Your email address will not be published. Required fields are marked *