સાયન્સ ફેર : જોઈએ છે : મંગળ ઉપર જનારા રોવર માટે ‘હાઉસ કીપિંગ’ સ્ટાફ!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

નાસાનું ‘અપોર્ચ્યુનિટી રોવર’ પોતાના જીવનકાળ દરમિયાનની સૌથી મોટી મુસીબતનો સામનો કરી રહ્યું છે. મંગળ ગ્રહ પર ઉમડેલી ધૂળની ડમરીના તોફાને કાળો કેર વર્તાવ્યો છે. ધૂળની ડમરીઓ એટલે ઉંચે સુધી ચડી છે કે મંગળ ગ્રહ પર આવેલા સૌથી ઊંચા જ્વાળામુખીની ટોચ પણ આ ડમરીઓની ઓથે ઢંકાઈ ગઈ છે. સૌપ્રથમ વાર ૩૦ મે, ૨૦૧૮ના દિવસે નાસાને મંગળની સપાટી પર ઉદભવેલા આ તોફાન અંગે જાણ થઇ. ત્યારથી માંડીને આ લખાય છે ત્યાં સુધી ધૂળની ડમરીઓનું પ્રમાણ સતત વધતું જ રહ્યું છે. જૂન મહિનો આવતાં સુધીમાં તો ડમરીઓના તોફાને ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. મંગળ પર આવા તોફાનો કંઈ આજકાલના નથી. વિજ્ઞાનીઓને પહેલેથી જ મંગળ ગ્રહ પર અણમાનીતા મહેમાનની જેમ આવી ચડતી આવી આફતોની દહેશત રહેતી જ હોય છે.

મંગળ વિશેની પ્રારંભિક અને કદાચ સૌથી મહત્વની જાણકારી માનવ સુધી પહોચાડવાનું શ્રેય ‘નાસા’ના માનવરહિત અવકાશી વાહન ‘મરીનર ૯’ને જાય છે. પરંતુ ઇસ ૧૯૭૧માં જ્યારે નાસાના વિજ્ઞાનીઓ મંગળની ભ્રમણ કક્ષામાં પહોંચેલા ‘મરીનર ૯’ દ્વારા ખેંચાયેલી મંગળની તસ્વીરો જોવા માટે ઉત્સુક હતાં ત્યારે જ મંગળ ઉપર ડમરીઓ (ડસ્ટ સ્ટોર્મ) ફૂંકાવા માંડી, અને આખો ગ્રહ જાણે ડમરીઓમાં લપેટાઈ ગયો. નાસાને મંગળ દર્શનમાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવું થયું. જો કે ધીરજ ધરીને બેઠેલા વિજ્ઞાનીઓને ડમરી શમી ગયા બાદ મંગળની ભૂમિના મહત્વના ફોટોગ્રાફ્સ મળ્યા. મંગળની ભૂમિ પર પથરાયેલા નદીના સૂકાભઠ પટ પણ આ તસવીરોમાં દેખાયા ખરા!

અત્યારના લેટેસ્ટ તોફાનની જૂન, ૨૦૧૮ દરમિયાનની પરિસ્થિતિ તો એવી છે કે મંગળના જે વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉઠી છે, એ વિસ્તારોમાં સૂર્યના કિરણો સુદ્ધાં જમીન સુધી પહોંચી નથી શકતાં! એટલા વિસ્તારો પૂરતી જાણે લાંબી રાત્રિ છવાઈ ગઈ છે. અને આ વિસ્તાર કંઈ નાનોસૂનો નથી. નાસાના કહેવા મુજબ ધૂળની ડમરીઓનું આ તોફાન અંદાજે મંગળ ગ્રહના ૩૫ મિલિયન કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલું છે! (૧ મિલિયન = દસ લાખ) ઉત્તર અમેરિકા અને રશિયાના કુલ ક્ષેત્રફળ જેટલો આ વિસ્તાર ગણાય. બીજી રીતે કહીએ તો, મંગળ ગ્રહ ઉપર, પૃથ્વીના ચોથા ભાગ જેવડો મોટો વિસ્તાર ધૂળની આંધીથી ગ્રસ્ત છે! આખા ગ્રહના મોટા વિસ્તારને અસર કરતાં આવા ગંજાવર સાઈઝના તોફાનો ‘ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મ’ તરીકે ઓળખાય છે.

Mars: Astronomer Damian Peach created this incredible animation of the dust storm

અગાઉ કહ્યું એમ, મંગળ પર આવા તોફાનો ઉઠતા જ રહે છે. ૧૯૭૧, ૧૯૭૭, ૧૯૮૨, ૧૯૯૪, ૨૦૦૧ અને ૨૦૦૭માં આ પ્રકારના તોફાનો આવતાં જ રહ્યા છે. અપોર્ચ્યુંનિટી રોવર માટે પણ આવું તોફાન પહેલીવારનું નથી. ઇસ ૨૦૦૭માં સતત એક મહિના સુધી આંધી ચાલેલી. એ સમયે પણ સૂર્યના દર્શન ન થવાને કારણે અપોર્ચ્યુંનિટી રોવરની બેટરીઝ ચાર્જ થઇ શકેલી નહિ અને પાવર સપ્લાય ક્રિટીકલી લો થઇ ગયેલો. પરંતુ ડમરીઓ ઓસરતા જ નાસાના એન્જીનીયર્સ દ્વારા તરત જ રોવરની બેટરીઓ ચાર્જ કરવા માટે પગલા લેવાયેલા. સદનસીબે રોવર ફરી કાર્યરત થઇ શક્યું. ઇસ ૨૦૧૪માં વધુ એક વાર આવી જ સમસ્યા ઉદભવેલી. જો કે એ સમયે ધૂળની ડમરી શમી ગયા બાદ, મંગળ ગ્રહના ઠંડા પવનોએ નાસાને અદભૂત મદદ કરેલી! આ પવનોને કારણે જ રોવર પર ઝામેલા ધૂળના થર ઓટોમેટિકલી દૂર થયા હતાં, જેને પરિણામે અપોર્ચ્યુનિટી રોવરને કામ કરતાં રહેવા માટેની વધુ એક ‘ અપોર્ચ્યુનિટી’, એટલે કે તક પ્રાપ્ત થઇ.

પરંતુ મંગળના લેટેસ્ટ ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મની સૌથી મોટી અસર એ થઇ છે, કે મંગળની ભૂમિ પર છેલ્લા ૧૫ વર્ષથી કાર્યરત એવું ‘અપોર્ચ્યુંનિટી રોવર’ કામ કરતુ અટકી પડ્યું છે. વર્કિંગ પાવર મેળવવા માટે અપોર્ચ્યુનિટી રોવર બે પ્રકારની બેટરીઝના સંયોજન પર આધારિત છે, સોલાર સેલ્સ અને રીચાર્જેબલ કેમિકલ બેટરીઝ. આ બેટરીઝ વડે ૮૪૦ વોટ.અવર જેટલો વર્કિંગ પાવર જનરેટ કરી શકાય છે. (સોર્સ : વિકીપેડિયા) મંગળ ઉપર પણ પૃથ્વીની જેમ જ જુદી જુદી ઋતુઓનો અનુભવ થાય છે. અહીં શિયાળાની સિઝન દમિયાન જ્યારે સૂર્યપ્રકાશ પ્રમાણમાં ઓછો મળતો હોય, ત્યારે રોવરની બેટરી ઓછો પાવર વાપરે છે. પરંતુ ‘ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મ’ જેવી પરિસ્થિતિમાં તો સૂર્ય સદંતર દેખાતો બંધ થઇ જાય છે, આથી બેટરીઝ પણ પાવરનો ઉપયોગ લઘુત્તમ કરી નાખે છે. આવા સંજોગોમાં રોવર પોતાની પ્રવૃતિઓ એકદમ ઘટાડી દે છે. હાલના સંજોગોમાં અપોર્ચ્યુનિટી રોવરનો સંપર્ક કરનાર નાસાના વિજ્ઞાનીઓને રોવર તરફથી કોઈ રીપ્લાય નથી મળી રહ્યો . આથી એવું મનાઈ રહ્યું છે કે રોવરની બેટરીઝ અતિશય લો લેવલે છે અને તે ‘પાવર ફોલ્ટ મોડ’માં પ્રવેશી ચૂક્યું છે. પાવર ફોલ્ટ મોડ એટલે એવી પરિસ્થિતિ કે જેમાં રોવરમાં ગોઠવાયેલી ‘મિશન ક્લોક’ નામની ડિવાઈસ સિવાયની બીજી બધી ડિવાઈસ શટ ડાઉન થઇ જાય. માત્ર મિશન ક્લોક ડિવાઈસ ચાલુ રહે અને તે કમ્પ્યુટર્સને કંટ્રોલ કરતી રહે.

જો આ વખતનું ડસ્ટ સ્ટોર્મ લાંબુ ચાલશે તો દોઢેક દાયકાથી મંગળને કર્મભૂમિ બનાવીને ફરજ બજાવી રહેલું અપોર્ચ્યુનિટી રોવર કદાચ પોતાના અંતિમ શ્વાસ ગણી લેશે! કેમકે તોફાનો શમી ગયા બાદ રોવર ઉપરની બાઝેલી ધૂળ સાફ કરવાનું કામ પણ એક ‘ક્રિટીકલ ટાસ્ક’ બની શકે છે. જો કે નાસાના વિજ્ઞાનીઓ એક વાતની ધરપત અને ગૌરવ જરૂર લઇ શકશે, કે માત્ર ૯૦ દિવસના પ્રોગ્રામ માટે ડિઝાઈન કરાયેલું અપોર્ચ્યુનિટી રોવર દોઢ દાયકા જેટલા લાંબા સમય સુધી કાર્યરત રહી શક્યું.

અને હા, ગ્લોબલ ડસ્ટ સ્ટોર્મના આટલા અનુભવો પછી નાસા પોતાનું આગામી રોવર મંગળ પર મોકલતા પહેલા છાપામાં એક જાહેરાત અવશ્ય આપશે, “જોઈએ છે : મંગળ ઉપર જનારા રોવર માટે ‘હાઉસ કીપિંગ’ સ્ટાફ!”

(આ ઈમેજ અપોર્ચ્યુનિટી રોવર દ્વારા લેવાયેલી સૂર્યની તસ્વીરો બતાવે છે. સૌથી જમણી બાજુએ જૂન મહિનાની તસ્વીર છે, જેમાં સૂર્ય નહિવત દેખાય છે. || ઈમેજ સોર્સ : ‘નાસા’ ઓફિશિયલ વેબસાઈટ)


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “સાયન્સ ફેર : જોઈએ છે : મંગળ ઉપર જનારા રોવર માટે ‘હાઉસ કીપિંગ’ સ્ટાફ!

  1. July 27, 2018 at 8:24 am

    પોસ્ટમાં જણાંવેલ છે કે …ધીરજ ધરીને બેઠેલા વિજ્ઞાનીઓને ડમરી શમી ગયા બાદ મંગળની ભૂમિના મહત્વના ફોટોગ્રાફ્સ મળ્યા… હવે સાવચેતી રુપે જરુર કાંઇક વીચાર થશે….

  2. Dipak Dholakia
    July 27, 2018 at 11:21 am

    હવે તો મંગળ પર ખારા પાણીનું સરોવર પણ દેખાયું છે.પણ એ વાત જાહેર થઈ તે પહેલાં આ લેખ લખાઈ ચૂક્યો હશે. બીજી વાર વાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *