ફિર દેખો યારોં – સંસ્કારવારસાનું જતન : ખયાલ અચ્છા હૈ

– બીરેન કોઠારી

‘જિયોડેસિક લિ.’ નામની મુંબઈસ્થિત એક સોફ્ટવેર કંપની છે. આ કંપની પર કરચોરીનો, નાણાંની મોટા પાયે ગેરરીતિનો આક્ષેપ છે. આશરે 812 કરોડ રૂપિયાનો મામલો છે, જેના માટે આવકવેરા વિભાગ, ઈકોનોમિક ઑફેન્‍સ વીંગ તેમજ એન્‍ફોર્સમેન્‍ટ ડાયરેક્ટરેટ દ્વારા આ કંપની સામે આરોપનામું દાખલ કર્યું છે અને તેના ત્રણ ડાયરેક્ટર તથા કંપનીના ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટની ધરપકડ કરી છે. અનેક છદ્મ કંપનીઓ દ્વારા આ કંપનીના હોદ્દેદારોએ 2008 થી 2013 દરમિયાન વિદેશમાં નાણાં સગેવગે કરી દીધાં છે. જે 80 વિદેશી કંપનીઓએ તેમનો માલ ખરીદ્યો હોવાનું બતાવાયું છે એ કંપનીઓ અસ્તિત્વ ધરાવતી જ નથી. ‘ફોરેન કરન્‍સી કન્‍વર્ટીબલ બૉન્ડ’ (એફ.સી.સી.બી.) દ્વારા રોકાણકારો પાસેથી મેળવેલા આશરે એક હજાર કરોડ રૂપિયા એપ્રિલ, 2014 માં રોકાણકારોને પરત આપવામાં કંપની નિષ્ફળ નીવડી, પરિણામે મુંબઈ વડી અદાલતે આ કંપનીની સંપત્તિ જપ્ત કરવાનો હુકમ કર્યો. હુકમનો અમલ થયો અને જૂન, 2014 માં કંપની માલમત્તાનો કબજો લઈ લેવામાં આવ્યો. આવા અનેક કોથળાઓ હાલ મુંબઈ વડી અદાલતના તાબા હેઠળ છે. શું છે આ કોથળાઓમાં? તેની કિંમત આઠસો કરોડની હશે ખરી?

આ સવાલના જવાબ મેળવતાં પહેલાં એક ભવ્ય સંસ્કારવારસાની વાત કરવી જરૂરી છે.

બી.નાગી રેડ્ડી ફિલ્મનિર્માતા તરીકે ફિલ્મઉદ્યોગમાં આદરણીય સ્થાન ધરાવે છે. અનેક સફળ તેલુગુ અને હિન્દી ફિલ્મોનું તેમણે નિર્માણ કર્યું હતું. નિર્માતા બનતાં અગાઉ તેમણે પોતાના મિત્ર ચક્રપાણિ સાથે મળીને એક અનોખું સાહસ કર્યું. બાળકોમાં મૂલ્ય અને સંસ્કારનું સિંચન થઈ શકે તેમજ તેઓ દેશના સાંસ્કૃતિક વારસાથી પરિચીત થઈ શકે એ હેતુથી એક સામયિકનું પ્રકાશન તેમણે શરૂ કર્યું, જે દર મહિને પ્રગટ થતું. તેલુગુ અને તમિલમાં શરૂ થયેલું આ સામયિક નવ વરસના ગાળામાં કન્નડ, હિંદી, મરાઠી, મલયાલમ, ગુજરાતી, ઊડીયા, સીંધી ભાષામાં પ્રકાશિત થવા લાગ્યું. પછીના વરસોમાં તે બંગાળી, પંજાબી, આસામી, સિંહાલી, સંસ્કૃત જેવી ભાષાઓમાં શરૂ થયું. દેશભરના બાળવર્ગમાં તેની લોકપ્રિયતા કેટલી હશે તેનો અંદાજ આના પરથી આવી શકશે. આ માસિકની વિશેષતા હતી તેમાં વાર્તાની સાથે મૂકાતાં ચિત્રો. એમ.ટી.વી.આચાર્ય, ટી. વીર રાઘવન, કેશવરાવ, એમ. ગોખલે, કે.સી.શિવશંકરન જેવા ચિત્રકારોએ દોરેલાં રંગીન ચિત્રો આ માસિકના પાનેપાને હાજરી પૂરાવતાં. અલગથી આવતી ચિત્રવાર્તા તો ખરી જ. પાંચ પાંચ દાયકા સુધી આ માસિકની ચડતી કળા રહી. બી.નાગી રેડ્ડીની હયાતિમાં જ તેમના પુત્ર બી.વિશ્વનાથ રેડ્ડીએ આ પ્રકાશનનું સુકાન સંભાળ્યું. 1999 માં આ કંપનીનું રૂપાંતર પબ્લિક લિમિટેડ કંપનીમાં કરવામાં આવ્યું, જેમાં મોર્ગન સ્ટેનલીનો હિસ્સો ઘણો મોટો હતો.

2006 માં આ કંપનીનો મોટો હિસ્સો ડિઝની ખરીદી લેવાની છે એવી પણ વાત હતી. જો કે, 2007 માં ‘જિયોડેસિક ઈન્‍ફર્મેશન સિસ્ટમ્સ’ દ્વારા ‘ચાંદામામા’ની માલિકી બદલાઈ. તેનું પ્રકાશન હજી ચાલુ જ હતું. આ ગાળામાં ઈન્‍ટરનેટનું આગમન થઈ ચૂક્યું હતું. આ માસિકના જૂના અંકોનું ડિજિટલાઈઝેશન કરવાની વાત પણ ચાલી રહી હતી. દરમિયાન 2008 માં અમિતાભ બચ્ચનના હસ્તે આ માસિકની સાઠમી જયંતિ નિમિત્તે તેનો વિશેષાંક ખુલ્લો મૂકાયો ત્યારે આ સુપરસ્ટારે પોતે ‘ચાંદામામા’ના વાચક રહી ચૂક્યા હોવાનું જણાવ્યું.

જો કે, 2013 થી ‘ચાંદામામા’નું પ્રકાશન કોઈ પણ જાતની જાણ કર્યા વિના સ્થગિત કરી દેવામાં આવ્યું. તેના ગ્રાહકોના લવાજમનાં નાણાં પણ પરત આપવામાં આવ્યા નહીં. આ માસિકની અધિકૃત વેબસાઈટ પર હવે પોતે સુધારણા કરી રહ્યા હોવાની નોંધ લખી દેવામાં આવી. અને 2016 માં આ વેબસાઈટની અવધિ પણ સમાપ્ત થઈ ગઈ. દરમિયાન 2014 થી આ કંપનીની માલમત્તાનો કબજો મુંબઈ વડી અદાલતે લઈ લીધો. ‘ચાંદામામા’ના તમામ જૂના અંકો કોથળાઓમાં બાંધી દેવામાં આવ્યા.

આ કોથળાઓ જેમના કબ્જામાં છે એમાંના એક અધિકારીએ ‘ઈન્ડીયન એક્સપ્રેસ’ને જણાવ્યું, ‘હા, આ કોથળાઓમાં ‘ચાંદામામા’ના જૂના અંકો છે. પણ એનું કોઈ નાણાંકીય મૂલ્ય ખરું?’

અધિકારીએ કરેલા આ સવાલનો જવાબ શો હોઈ શકે? ‘ચાંદામામા’ જેવી જ નિયતિ ‘ગુજરાત’નાં સંસ્કારસામયિક ગણાયેલા ‘કુમાર’ અને ‘નવચેતન’ની કહી શકાય. ‘કુમાર’ ટકી ગયું, અને પ્રકાશિત થઈ રહ્યું છે, પણ ‘નવચેતન’નું પ્રકાશન હાલ છેક 97 મા વર્ષે સ્થગિત થઈ ગયું છે. આ સામયિકોએ બબ્બે-ત્રણ ત્રણ પેઢીનું સંસ્કાર ઘડતર કર્યું છે. વક્રતા એ છે કે તેનું વેચાણ ક્યારેય એક હદથી ઊપર ગયું નથી. પરિણામે નાણાંભીડ તેના અસ્તિત્ત્વનો જ એક હિસ્સો બની રહી છે. એમ જ હોય તો પછી એ સવાલ પણ થવો જોઈએ કે આ સામયિક થકી જે સંસ્કારનું ઘડતર કર્યું હોવાનું કહેવામાં આવે છે એ ખરેખર થયું છે ખરું? એક તરફ વરસાદ પછી ફૂટી નીકળતાં પાંખવાળા જીવડાંની જેમ ગુજરાતીમાં ઢગલાબંધ પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં હોય અને બીજી તરફ ‘નવચેતન’ મરણપથારીએ હોય. હવે તેને જીવાડવાના નહીં, પણ જેમ તેમ કરીને શતાબ્દિ પૂરી કરાવવાના પ્રયાસો છે.

કોથળામાં પૂરાયેલા ‘ચાંદામામા’ હોય કે ડચકાં ખાતું ‘નવચેતન’ હોય, તેના વાંચન થકી જે પેઢીનું ઘડતર થયું એ પેઢી માટે આ અતીતરાગનો વિષય છે. તેઓ એમ ભાગ્યે જ ઈચ્છે છે કે આગામી પેઢીઓનું ઘડતર પણ આવાં સામયિકો થકી થાય. કદાચ એમ ઈચ્છે તો પણ આવાં સામયિક એ અપેક્ષા સંતોષી શકવા માટે સક્ષમ છે કે કેમ એ કહી શકાય નહીં. કારણ કે, આ સામયિકનો આરંભ થયો ત્યારે સમયસંજોગો સાવ અલગ હતાં. જે તે સમયે તે આધુનિક જણાતું હતું, પણ બદલાતા જતા સમય અનુસાર ઉચિત ફેરફારો કરવામાં ન આવે તો મોટે ભાગે તે પોતાની જ ઘરેડનું ગુલામ બની રહે છે. આ ઘરેડ જે તે સમયે ભલે આધુનિક ગણાઈ હોય, પણ સમય વીતે એમ તે જૂની થતી જાય છે એ સ્વીકાર કરવો જ રહ્યો. સ્વજન ગમે એટલું વહાલું હોય, તે અમર અને અવિનાશી નથી. સૌની જેમ તેનો પણ અંત નિશ્ચિત હોય છે. આ અંત બને એટલો સુખદ અને સ્વીકૃત હોય એમ સૌ કોઈ ઈચ્છે. સંસ્કારવારસો ગણાતાં સામયિકોને પણ આ જ બાબત લાગુ પડે છે. સ્વજનને પ્રેમ થઈ શકે, તેની તસવીર પ્રત્યે આદરભાવ વ્યક્ત કરી શકાય, પણ તેની લાશને ક્યાં સુધી ચાહી શકાય?


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૭-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “ફિર દેખો યારોં – સંસ્કારવારસાનું જતન : ખયાલ અચ્છા હૈ

  1. વિષ્ણુ આચાર્ય
    July 26, 2018 at 2:07 am

    જે સામયિકે લગભગ સદી સુધી સંસ્કારધન પીરસ્યું તે કાળગ્રસ્ત થતાં તેને કોઇ ભાગ્યે વાંચવા તૈયાર થશે એમ લખવું એ ઘરડી થતાં મા કે ગાયનું ઋણ ભૂલવા જેવું લાગ્યું, દુઃખ થયું. શું ખમતીધર, યશસ્વી વાચકવર્ગ જોઈ જ રહે!

  2. Niranjan Mehta
    July 26, 2018 at 11:32 am

    સાચી વાત છે. આવા તો કેટલાય સામયિકોનાં પ્રકાશન થયા અને બંધ થયા છે. બિનગુજરાતી ભાષામાં પણ આમ થયું હશે. દોષ કોનો?

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.