ફિર દેખો યારોં : વિવિધતામાં એકતાનું વરવું ઉદાહરણ

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

‘અફવા ફેલાવે એ દેશદ્રોહી.’ આવું સૂત્ર ક્યારેક જાહેર સ્થળોએ કે એસ.ટી.બસો પર લખાયેલું જોવા મળતું. એક સમય હતો કે અફવા મુખોપમુખ પ્રસરતી. ખાસ કરીને કોમી રમખાણોના સમયમાં અફવાઓનું બજાર એકદમ ગરમ રહેતું અને તેને કારણે જે તે નગરોમાં તંગદીલી પણ પ્રવર્તતી. હવે સમય વીતવાની સાથે આપણા દેશે ઘણી પ્રગતિ કરી છે. તેને કારણે અફવાઓ હવે મોઢામોઢ પ્રસરવાને બદલે વૉટ્સેપ જેવાં આધુનિક માધ્યમો થકી પ્રસરે છે. અને એ હદે કે તે કોઈકનો જાન લઈ લે છે.

છેલ્લા થોડા મહિનાઓમાં દેશના વિવિધ ભાગોમાં વિશિષ્ટ પ્રકારની દુર્ઘટનાઓ બનવા લાગી, જેની વાત ગયા સપ્તાહે આ કટારમાં કરવામાં આવી હતી. બાળકો ઊઠાવી જનારી ગેંગ ગામ કે નગરમાં આવી હોવાના સંદેશાઓ અચાનક ફરવા માંડે, કશું સમજ્યાવિચાર્યા વિના વૉટ્સેપ દ્વારા લોકો તેને જોરશોરથી ફોરવર્ડ કરવા માંડે, પોતાના વિસ્તારમાં નજરે પડતા અજાણ્યા લોકોમાં લોકોને આ ગેંગના સભ્યો દેખાય, જોતજોતાંમાં ટોળું એકઠું થઈ જાય અને કશું પૂછ્યાગાછ્યા વિના આ લોકોને મારવામાં આવે, એકલદોકલ માણસો પર આખું ટોળું ફરી વળે એનો અંજામ જે આવવો જોઈએ એ જ આવે અને પેલી અજાણી વ્યક્તિ મરણને શરણ થઈ જાય. આ બધું એટલું ઝડપથી બની જાય કે પોલિસ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં મામલો પૂરો થઈ ગયો હોય. ટોળું વિખેરાઈ ગયું હોય, અને કદાચ થોડાઘણા પોલિસ પહોંચી શકે તો પણ ટોળું એટલું મોટું હોય કે તેની સામે શી રીતે કાર્યવાહી કરી શકાય?

આવી દુર્ઘટનાઓ બનવાની તરાહ એકસરખી હતી, ચાહે તે કોઈ પણ રાજ્યમાં બની હોય. આને કારણે એવી પણ એક થિયરી ફરતી થઈ કે કોઈકના દ્વારા કોઈ ચોક્કસ હેતુથી, ચોક્કસ સમુદાયના લોકોને ઠેકાણે પાડવા માટે ગણતરીપૂર્વક આ બનાવો આકાર લઈ રહ્યા છે. છેલ્લે મહારાષ્ટ્રના ધૂળેમાં બનેલા આવા બનાવમાં પાંચ લોકોને ટોળાએ રહેંસી નાંખ્યા. આ બનાવની તીવ્રતા જોતાં ભારત સરકારે ખોટા સંદેશા ફેલાતા રોકવા ઘટતું કરવાની વૉટ્સેપ સેવાને વિનંતી કરવી પડી.

આ તમામ ઘટનાઓને ધ્યાનમાં લઈને અગ્રણી અખબાર ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. જે જે સ્થળોએ આવી ઘટના બની હતી તેની વિગતે તપાસ કરવામાં આવી. કુલ નવ રાજ્યોમાં છેલ્લા એક વરસમાં આવા 27 બનાવો બન્યા હતા. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા, તમિલનાડુ, ઝારખંડ, ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ તેમજ છત્તીસગઢનો સમાવેશ થતો હતો. આમાં પ્રાથમિક તારણ એ નીકળ્યું કે ઘટનાસ્થળથી પોલિસસ્ટેશન દૂર કે નજીક હોવાનો કશો ફરક નથી પડતો. આ ઘટનાઓમાં પોલિસસ્ટેશન સરેરાશ બે-અઢી કિ.મી.થી લઈને દસેક કિ.મી.સુધીના અંતરે હતાં. આમ છતાં, પોલિસ સમયસર પહોંચી શકી નહીં. ક્યાંક તેઓ પહોંચ્યા તો ટોળામાંના લોકોની સંખ્યાની સરખામણીએ તેઓ સાવ ઓછા હતા, એટલે કશો અર્થ ન રહ્યો. નવાઈની વાત એ હતી કે આ વિસ્તારોમાં અગાઉ કદી બાળકોના અપહરણનો કોઈ કિસ્સો બન્યો નથી, કે એમ કરવા બદલ કોઈ શંકાસ્પદ પણ જણાયું નથી. ત્રિપુરામાં પોલિસે અગમચેતીરૂપે સુકાન્‍ત નામના એક યુવાનને નીમ્યો હતો. આવી અફવાઓથી લોકો દોરવાય નહીં એ બાબતની ઘોષણા માઈક પર કરવાનું તેનું કામ હતું, જેના માટે તેને દિવસના પાંચસો રૂપિયા મળતા હતા. પણ ટોળાએ તેને જ રહેંસી નાખ્યો.

આવી અન્ય ઘટનાઓમાં જેમ કોઈકને નિશાન બનાવીને તેને મારી નાખવાની પદ્ધતિનું સામ્ય હતું, એમ અન્ય સમાનતા પણ નજરે પડી. ટોળાના ક્રોધનો ભોગ બનેલા તમામ લોકો હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો હતા. તેઓ બહારથી આવેલા હતા. હત્યાના મોટા ભાગના બનાવ અંતરિયાળ ગામડાંઓમાં બન્યા છે. હુમલાખોરો મોટે ભાગે અશિક્ષીત અને ક્યારેક નશાની અસર હેઠળ જણાયા. તેઓ વૉટ્સેપ જેવા સામાજિક નેટવર્કિંગના માધ્યમની પ્રબળ અસરમાં હતા.

અલબત્ત, આનો અર્થ એ હરગીઝ નથી કે શહેરી અને શિક્ષિત લોકો આમાંથી બાકાત હોય છે. વૉટ્સેપ પર આવતા સંદેશાઓને વગરવિચાર્યા અને વાંચ્યા વિના આગળ ધકેલવાની બિમારી તેના વપરાશકર્તાઓમાં એ હદે વ્યાપી ગયેલી છે કે વૉટ્સેપ વાપરનાર કોઈ વ્યક્તિ એમ ન કરતી હોય તો એ બિમાર લાગે. બેશક, કાયદો હાથમાં લઈને જાતે જ ન્યાય તોળવા બેસી જવાનું આ લક્ષણ સરકારી તંત્રમાં લોકોનો અવિશ્વાસ પણ પ્રગટ કરે છે. એક સમય હતો કે માહિતીના સ્રોત સાવ મર્યાદિત હતા. ગામ આખામાં ગણ્યાગાંઠ્યા અખબાર આવતા. રેડિયો પણ સાવ મર્યાદિત પ્રમાણમાં હતા. ટી.વી. આવ્યાં ત્યારે તેની પણ એ જ સ્થિતિ હતી. પણ મોબાઈલ ફોને જે ઝડપે પોતાનો વ્યાપ પ્રસરાવ્યો છે અને તેમાં ઈન્‍ટરનેટ ભળવાથી માહિતી હવે આંગળીના ટેરવે સુલભ થઈ ગઈ છે તેણે જાણે કે વાંદરાના હાથમાં તલવાર આપી દીધી છે. ગ્રામ્ય હોય કે શહેરી, મોટા ભાગના વપરાશકર્તાઓ ‘હું પહેલો’, ‘હું મોટો’ જેવી માનસિકતાથી પીડાઈને વૉટ્સેપનો ઊપયોગ કરતા જોવા મળે છે. સામાન્ય વાતચીતમાં પણ વૉટ્સેપને ટાંકવાનો ઉદ્દેશ માહિતીનો સ્રોત દર્શાવવાનો ઓછો, અને પોતે આ મહાન શોધના વપરાશકર્તા છે એ દર્શાવવાનો વધુ હોય છે.

‘ઈન્‍ડીયન એક્સપ્રેસ’ના અભ્યાસમાં તરાહો જોવા મળી, પણ એવું કોઈ ચોક્કસ તારણ જણાયું નથી કે આવી ઘટનાઓ પાછળ કશું કાવતરું હોય. લોકોની અપરિપક્વતા જ આવી ઘટનાઓનું મુખ્ય ચાલકબળ જણાય છે. સ્થાનિક પોલિસને પોતાનું ઈન્ટેલિજન્‍સ નેટવર્ક વધુ કાર્યક્ષમ બનાવવાનાં સૂચનો થયાં છે, પણ પોલિસ કરતાં વધુ આ મામલો પ્રજાના ઘડતર સાથે સંકળાયેલો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે બાળકોના ઊઠાવી જવાની અફવા હોય કે ધિક્કારની લાગણી હોય, તેનો પ્રતિભાવ કદી હિંસા કે હત્યા ન હોઈ શકે. વૉટ્સેપના માધ્યમને દોષી ઠરાવવા જેવું નથી. એ જશે, અને કાલે બીજું કોઈ માધ્યમ આવશે. સવાલ નાગરિક તરીકેના આપણા ઘડતરનો છે.

આ ઘડતર કોઈ કાયદો, સત્તાતંત્ર કે પ્રશાસન ભાગ્યે જ પૂરેપૂરું કરી શકે. એ પોતાની મેળે જ કરવું રહ્યું. વ્યક્તિગત અને પારિવારિક સ્તરેથી આનો આરંભ કરવો પડે. આમાં કશું રૉકેટવિજ્ઞાન નથી. સામાન્ય અને સાદી સમજણ કેળવવાની વાત છે. પણ આપણે અસામાન્ય સમજણ મેળવવા અને કેળવવા માટે એટલા ઘેલા છીએ કે સામાન્ય સમજણનો અભાવ કદી વરતાતો જ નથી. જે રીતે આ માધ્યમના દુરુપયોગનાં અનિષ્ટો ઊભરી રહ્યાં છે એ જોતાં આ માધ્યમની જાણકારીનો સમાવેશ શાળા કક્ષાએ કરવાનું વિચારવું જોઈએ. પરીક્ષા આપવાના એક વિષય તરીકે નહીં, પણ જીવનના એક અનિવાર્ય હિસ્સાનું વ્યાવહારિક જ્ઞાન આપવા માટે! આવો પ્રયોગ મૂળગામી અભિગમ બની રહે, જે બદલાતાં જતાં માધ્યમોની સામે સમજણને પુખ્ત બનાવતો રહે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૭-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : વિવિધતામાં એકતાનું વરવું ઉદાહરણ

 1. July 19, 2018 at 12:36 pm

  અજ્ઞનતાથી અફવા ફેલાય છે એ કોઈને ખબર જ પડતી નથી.

  ટોળું ભેગુ થાય એટલે એને ઉશ્કેરવા નેતા હાજર હોય અને પછી તો ખેર નથી. 

  માંઢરદેવીના મંદીરમાં કે કુંમ્ભના મેળામાં હજારોના હીસાબે ભક્તો ભેગા થાય અને કોઈક સાધુ સીક્કા ઉછાળે એ માટે પડાપડી થાય અને મોત શરુ થાય.

  લાલ કે ગ્રીન કપડાંમાં બે જણા બાળકોને ઉપાડતા પકડાયા અને કહેતા હતા આખી ચાલીસ જણાંની ગેંગ છે. આવો કોઈક મેસેજ વોટસએપ ઉપર આવે અને અડધા કલાકમાં બે જણાંને પકડી મારી નાખવામાં આવે.

  કાયદો હાથમાં લેનાર એ પછી ખાપ પંચાયત હોય કે જનુની ટોળામાં ભેગા થયેલ લોકો હોય. દરેક જણ પોતાને હોંશીયાર સમજે છે અને  સરકાર કે ન્યાયપાલીકાને ભૃષ્ટાચારી સમજે છે. જનુની ટોળું પોતાનો કક્કો સાચો અને સજા કરે છે. ગાય કે દુક્કરનું માંસ લઈ જાય છે અને મોત નક્કી…

  અયોધ્યામાં બાબરી મસ્જીદ તુટી, ગોધરા રેલ્વે સ્ટેશન કાંડ અને પછીના હુલ્લડો એ બધા નેતાઓએ ટોળાને ઉશ્કેરી ગરીબોને કરેલ સજા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *