ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨ ૧ = =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

ભગવત રાવતની કોઈ કવિતા વિષે લખું છું ત્યારે મનોમન એક ઉક્તિનું સ્મરણ થયા કરે છે.  ” મૌનમાં કશુંક નક્કર ઉમેરી શકો તેમ હો તો જ બોલજો. ” આ જ વાતને જૂદા સંદર્ભમાં એમ પણ કહી શકાય કે ચોમેર ફેલાયેલા કાનફાડુ કોલાહલમાં કાને કે હૃદયે ધરી શકાય એવી વાત હોય તો જ બોલાયેલો શબ્દ સાર્થક છે, બાકી શબ્દોના નિરર્થક ઘમાસાણમાં બે – પાંચ શબ્દો ઉમેરાયા હોય તો પણ શું અને ન ઉમેરાયા હોય તો પણ શું !

આ વાત પુનરાવર્તન ના ભોગે પણ એટલા માટે મૂકી કે મને હમેશાં એવું લાગ્યું છે કે ભગવત રાવતની દરેક કવિતા સ્વયંસિદ્ધ છે. એ કવિતા અને એનો ગુજરાતી ભાવાનુવાદ અહીં મૂકીએ છીએ એ પર્યાપ્ત છે, સિવાય કે સરળ હિંદી ભાષા પણ કોઈને દુષ્કર પડતી હોય ! એટલે મૂળ કવિતા, એનો ભાવાનુવાદ અને એમાં વળી પાછી આસ્વાદકની મિમાંસા ! ભાવકો પર જુલમ નહીં તો બીજું શું ? અને લટકામાં વળી એ હકીકત કે વિષય ભલે બદલાય, ભગવતની દરેક કવિતાનો પ્રવાહ અને સુર મૂળભૂત રીતે એક જ દિશામાં વહે છે. એમની કવિતાઓમાં આભિજાત્ય, ઉપમાઓ અને અલંકારોની ઝંઝટ નથી. એમની કવિતાઓનો પ્રધાન સુર – માણસ – જેના લોહીમાં ભળેલો ન હોય એમને એમની દરેક વાત પુનરાવર્તન લાગવાનો ભય સતત ઝળુંબતો રહે છે.

પણ જો એવું કરીએ તો અનુવાદક – આસ્વાદકના અહમનું શું ?  ‘ પોતાનું કશું આગવું ઉમેરવા ‘ નો મોહ જતો કરવો અઘરો છે. એ થકી મળતો મિથ્યા સંતોષ જતો નથી કરવો. ઈસ હકીકત કો મદ્દે – નઝર રખતે હુએ, આવો માણીએ એમની એક ઓર કવિતા :

                                                           :   उसकी चुप में   :

एक चलता-फिरता हँसता-बोलता आदमी

कभी नहीं सोचता कि उसके जीवन में एक दिन ऐसा आएगा

जब उसकी हँसी पर ताला लग जाएगा

वह मुसीबतों से नहीं डरता

लड़ने से नहीं घबराता

यहाँ तक कि कई बार

मौत को घर से बाहर धकेल चुका होता है

 

ऐसा आदमी जब किसी दिन अचानक चुप हो जाता है

तो एक बहुत ज़रूरी आवाज़ हवा में घुलने से रह जाती है

जैसे आटे में घुलना छोड दे नमक

फेफड़ों में ओक्सीजन

और आँखों में प्रेम

फिर उसके बाद

कहाँ क्या – क्या होने से रह जाएगा

यह कौन किसको बता पाएगा

यह तो वह ख़ुद भी नहीं जानता

कि हवा में घुली हुई उसकी हँसी

किन बंध दरवाज़ों को खोलती थी

 

मैं नहीं जानता

ऐसा हालत में क्या किया जाना चाहिए

सिवा इसके कि थोड़ी देर के लिए

उसकी चुप में शामिल हो जाना चाहिए ….

                                                                    – भगवत रावत

                  : ગુજરાતી ભાવાનુવાદ :

                                                         :   એનું  મૌન   :

એક હરતો – ફરતો હસતો – રમતો માણસ

ક્યારેય વિચારતો નથી

કે એના જીવનમાં એક દિવસ એવો પણ આવશે

જ્યારે એના હાસ્ય પર તાળું લાગી જશે

એ મુશ્કેલીઓથી ડરતો નથી

લડતથી પાછી પાની કરતો નથી

એટલે સુધી કે અનેક વાર તો

એ મોતને પણ ઘરની બહાર હાંકી કાઢી ચૂક્યો હોય છે

 

આવો માણસ જ્યારે

કોઈક દિવસ અચાનક ચુપ થઈ જાય છે

ત્યારે એક અત્યાવશ્યક અવાજ

હવામાં ઓગળતો બંધ થઈ જાય છે

જાણે કે લોટમાં મીઠું ભળતું બંધ થાય

અથવા ફેફસાંમા પ્રાણવાયુ

અથવા આંખોમાં પ્રેમ

ત્યાર બાદ

ક્યાં શું થવાનું રહી જશે

એ તો કોણ કોને કહી શકશે

એ તો એ માણસ પોતે પણ નથી જાણતો

કે હવામાં ભળેલું એનું હાસ્ય

કયા બંધ કમાડો ખોલી આપતું હતું

 

હું નથી જાણતો

આવી સ્થિતિમાં શું-શું કરવું જોઈએ

સિવાય કે

થોડીક વાર માટે

એના મૌનમાં સામેલ થઈ જવું જોઈએ …

                                                                      – ભગવત રાવત

આપણે ત્યાં પ્રથા છે, કોઈ મૃત વ્યક્તિના આત્માને શાંતિ પહોંચાડવા બે મિનિટનું મૌન પાળવું. એમને શ્રદ્ધાંજલિ આપવા વળી એથી સાવ ઊલટું જ કરવામાં આવે છે. હજારો જરુરી – બિનજરૂરી શબ્દોનો ધુમાડો ઓકી, એમનામાં ક્યારેય હોય  જ નહીં એવા સદ્દગુણો ગાઈ-વગાડીને વર્ણવવામાં આવે! જો આત્માને શાંતિ મૌનથી મળવાની હોય તો શબ્દો કોના માટે ? મૃત્યુ પછી આત્મા સિવાય બચ્યું છે પણ શું ! જવાબ એ કે શબ્દો એમના માટે જેઓ હજુ બચ્યા છે અને આપણા  ‘ કામ ‘ ના માણસો છે ! અથવા કદાચ આપણા સૌના અજાગૃત મનમાં એ સ્વીકૃતિ છે કે આત્માને ખળભળાવવો હોય તો શબ્દો અને શાતા પમાડવો હોય તો મૌન ! શું ભાગ્યે જ કોઈ એવા શબ્દો છે અથવા ભાગ્યે જ કોઈ એવા શબ્દો બોલવા સક્ષમ છે જે શરૂઆતમાં ઉલ્લેખેલા મૌનમાં કશો ઉમેરો કરી શકે ?

કવિતા ભણી પાછા વળીએ તો પ્રશ્ન એ છે કે એક હસતા – બોલતા માણસના જીવનમાં અચાનક એવું તે શું બને છે કે એ પોતાનું હાસ્ય અને તરવરાટ ગુમાવી બેસે છે, પોતાની નૈસર્ગિકતા ખોઈ બેસે છે ? કારણો અનેકવિધ છે પરંતુ એમનું વિશ્લેષણ અઘરું પણ નથી. ત્રણ વસ્તુઓ પર દ્રષ્ટિપાત કરીએ. પહેલાં એક ઉર્દૂ શેર :

हर  जब्र  हर मुसीबत  मंज़ूर मुझको लेकिन

या रब न आदमी को कर आदमी के बस में …

                        ( હે પ્રભુ ! મને દરેક જબરદસ્તી, દરેક મુશ્કેલી કબૂલ છે. બસ ! એક માણસ બીજા માણસના તાબામાં હોય એ વાત મંજૂર નથી !  )

બીજી વાત. ફ્રેંચ તત્વચિંતક – લેખક જ્યાં પોલ સાત્રના નાટક  ‘  NO EXIT ‘ ના અંતે એક વાક્ય આવે છે.  ‘ HELL IS OTHER PEOPLE ‘  ( નરક એટલે અન્ય લોકો )

છેલ્લી વાત. સ્પેનીશ ચિંતક JOSE ORTEGA GASSET ( ઉચ્ચારણ : હોસે ઓર્તેયા યેસેત ) કહી ગયા કે  ‘  I AM I PLUS MY CIRCUMSTANCES ‘  એટલે કે હું એટલે હું વત્તા મારી પરિસ્થિતિઓ !

આ ત્રણેય વાતો એકબીજા સાથે પ્રગાઢપણે સંકળાયેલી છે. પહેલી વાતમાં માણસ ઉપર માણસના આધિપત્યને દુર્ભાગ્યપૂર્ણ અને માટે અસ્વીકાર્ય ઠેરવ્યું છે, બીજીમાં, જીવનમાં અન્યની દખલઅંદાજી એ જ નર્ક છે એવું પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન છે અને છેલ્લે માણસને ઓળખવો હોય તો એને એની સમગ્ર પરિસ્થિતિઓ સહિત વ્યાખ્યાયિત કરવો પડે એવું બયાન છે.

એક વ્યાવહારિક ઉદાહરણ. આપણે અક્સર જોતા આવ્યા છીએ આપણી સાથે હસતો, ખેલતો, ઉછળતો, કૂદતો આપણો કોઈ અંતરંગ મિત્ર લગ્ન પછી અચાનક શાંત, ઠરેલ, જવાબદાર બનીને  ‘ સુધરી ‘ જાય છે ( કેમ જાણે પહેલાં એ બગડેલો કે આડા રસ્તે હતો ! ) . નીવડેલા સદ્દગૃહસ્થો તુરંત કહેશે કે એ તો એમ જ હોય ને ! હવે હમણાં દર્શાવેલ  ત્રણ વાતો આવા મિત્રની સુધરેલી પરિસ્થિતિ સાથે સરખાવી જુઓ તો એ ત્રણેય વાતોની યથાર્થતા સમજાશે.

આજની નાનકડી કવિતા, સંજોગોનો શિકાર બનીને પોતાની મૌલિકતા ગુમાવી બેઠેલા, એને છોડી દેવા મજબૂર બનેલા માનવીની છે. આ માણસ પર અન્ય માણસરૂપી જંજીર – કેદ – વર્ચસ્વ સ્થપાયું છે જેને આપણે સંજોગો કહીએ છીએ. એ પોતાની અસલિયત ગુમાવી, મૂળ પોતે જે નથી એ બનવા વિવશ કરાયો છે.

જગતની તબિયતને સંતુલિત રાખવા નિશ્છલ હાસ્ય વેરતા લોકો, કોઈની શેહ-શરમ વિના ખડખડાટ હસતા લોકો, ગંભીરતાનો મુખવટો ઓઢ્યા વગર અંદર છે એ જ બહાર લાવતા લોકો, કુદરતી રીતે વર્તતા લોકો બેહદ જરૂરી છે. જેમ લોટમાં લૂણ, ફેફસાંમાં હવા અને નેણમાં નેહ જરૂરી હોય તેમ. બધા લોકો જો ધીરગંભીર, વિચારશીલ બની જાય તો જગત જીવવા જેવું ન રહે !

પણ હકીકત એ છે કે આવું બને છે, બની જાય છે. આપણી આજુબાજુ જ કોઈક એવી વ્યક્તિ, જે માહૌલને સતત ધબકતું રાખે છે એ અચાનક બદલાઈ જાય છે. એનું બિંધાસ્તપણું ક્યાંક જતું રહે છે અને આ એક કરુણ ઘટના છે એ પણ કોઈને ખબર પડતી નથી. આવું બને ત્યારે જાણ્યે- અજાણ્યે આપણી પાસેથી કશુંક જીવનદાયક છીનવાઈ જાય છે. આવા નાજુક સમયે આપણે જો બીજું કશું ન કરી શકીએ તો એ માણસમાં અચાનક મૃત્યુ પામેલા આ  ‘ તોફાની બારકસ ‘ ને શ્રદ્ધાંજલિ આપવા બે ઘડીનું મૌન તો પાળી જ શકીએ ! અને હા, ધ્યાન રહે કે –

આવો માણસ અન્ય કોઈ હોય એવું પણ નથી

શક્ય  છે  કે  આપ  પોતે  એમનું  પ્રતિરૂપ  હો .. !

વાતનું સમાપન એક અફલાતૂન શેર અને એના તરજુમાથી –

या  तो  दीवाना  हँसे  या  तू  जिसे तौफीक दे

वरना इस दुनिया में आ कर मुस्कुराता कौन है …

                        દુનિયામાં બે જ પ્રકારના લોકો મુક્તપણે હસી શકે છે. પાગલ હોય તે અથવા સર્વશક્તિમાન જેમને હસવાનું સામર્થ્ય આપે તે. બાકી આ દુનિયામાં આવીને હસતા રહેવાની કોની મગદૂર છે !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

2 comments for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨ ૧ = =

 1. Samir
  July 19, 2018 at 2:54 pm

  ” મૌનમાં કશુંક નક્કર ઉમેરી શકો તેમ હો તો જ બોલજો. ” કેવી સુંદર વાત કહી છે અહીં !.
  ભગવાનભાઈ અને ભગવત રાવત ની ગોષ્ઠી માં ખુબ મજા પડે છે .

 2. mahesh joshi
  July 24, 2018 at 1:01 pm

  मैं नहीं जानता

  ऐसा हालत में क्या किया जाना चाहिए

  सिवा इसके कि थोड़ी देर के लिए

  उसकी चुप में शामिल हो जाना चाहिए
  Though many a time silence conveys more than talk. સરલ કવિતા સરલ રસાસ્વાદ.ધન્યવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *