બાળપણની યાદોને જોડતાં જોડકણાં

Facebooktwitterredditpinterestlinkedinmail

પૂર્વી મોદી મલકાણ

મારા નાનપણને વિવિધ વાર્તાઓ, જોડકણાઓ, બાળ ગીતો, ઉખાણા, ખેલ ગીતો વગેરેથી સંવારવામાં ઢાંક ( ઉપલેટા ) ની સરકારી સ્કૂલમાં ભણાવતાં શ્રી જશુમતિબહેન કુરાણીનો મોટો ફાળો રહ્યો છે. આ નાનપણનાં કોઈક સમયે જ્યારે અમે ગપ્પીજીનાં ગપ્પાંનાં આ જોડકણાઓ તેમની પાસેથી સાંભળતાં, તે વખતે અમે હસી પડતાં. જશુમતી બહેનનાં મુખેથી બોલાતાં આ ધાપ જોડકણાઓ ક્યાંક લખીને રાખેલાં જે અતિતમાં ક્યાંક ખોવાઈ ગયેલાં. હાલમાં જૂની યાદોને ફંફોળતાં આ યાદો ય મળી આવી. આ ધાપ, ગપ્પાં જેવા જોડકણા અને કલ્પનાઓથી વાસ્તવિકતાનું જ્ઞાન આપવામાં આવતું. આજે એ બાળપણને યાદ કરવા માટે પાછળ ફરું છું પણ સમય અને સંજોગને કારણે મારી પાસે કોઈ ખાસ યાદ નથી રહી. તેથી વિચાર્યું કે ચાલ જીવ, આજે આજ જોડકણાને યાદ કરી એ સમયને ફરી જીવી લઉં. શું આપ મારી સાથે આવશો? કદાચ મારા એ બચપણને શોધતાં આપનું યે બાળપણ કદાચ મળી આવે.

૧) ગપ્પીને ઘેર ગપ્પી આવ્યાં,
ગપ્પીજી બોલ્યાં, આવો ગપ્પીજી
શું લેશો? ચા કે પાણી જી?
ગપ્પીજી ગપ્પીજીને કહે, મૂકો ચા -ને બા
તમે ઘડીક ઊભા રહી સાંભળો મારી વાત
મારે ઘેર ઉગ્યું છે,
બાર હાથનું ચીભડું, ને તેર હાથનું બી.

( બાર હાથનું ચીભડું ઊગે જ નહીં, તો તેર હાથનું બી એમાં કેવી રીતે થાય? આમેય બી ફળ કરતાં નાના હોય છે. અહીં ગપ્પીજી કેવળ ગપગોળા હાંકી રહ્યા છે. )

૨) ચૂલા ઉપર ઉંદરડી આવી
કર કર મીઠું ખાય
શિંગડેથી ઝાલીને ફગાવી મે એને
તો ડુંગર ઉપર દોડતી જાય.

( ઉંદરડીને શિંગડાં ન હોય )

૩) ડિંગ ડિંગ ડિંગાણું, ને ડિંગની ટોળી
ડિંગ એવી મારે કે મારા ગામના કોળી
કોળીએ વાવ્યાં તા ચીભડાં,
પણ ઊગી નીકળ્યાં બીબડાં

( ચીભડા પર બીબડા કેવી રીતે ઊગે ? )

૪) મેમાન આવ્યાં ઘેરમાં ને વખાણ કરે ખીરના
વખાણ સાંભળી કોળીએ મારી ડિંગ
કે મે ખીરમાં નાખી હિંગ
એક દી પાડો મારો ચડ્યો પીપળે
ને લબ લબ લીંબુ ખાય
ત્યાં ઊડીને આવ્યો વાંદરો
તે જોઈને ઘોડો દરમાં જાય.

( ખીરમાં હિંગ નખાય નહીં, વાંદરો ઊડે નહીં, ને ઘોડો દરમાં જાય નહીં. )

૫) અંબાલાએથી નાખી વાલોળ વેલી,
તે ઊગી અમદાવાદે,
ફૂલેફાલે ઉજૈન્નમાળવે ને શીંગ આવે પાટણે

( એક જગ્યાએથી વાવેલ તે બીજી જગ્યાએથી કેવી રીતે ઊગે? )

ખેલ ગીતો

મોદીબાપાનાં ડેલામાં અમે ઘણાં જ પિતરાઇ હતાં. જસુમતીબહેન જ્યારે આવતાં ત્યારે અમને સૌ બાળકોને ભેગા કરી પોતે પણ અમારા જેવડા થઈ આ ખેલ ગીતો શીખવાડતાં સાથે સાથે રમતો પણ રમાડતાં જેથી કેવળ ગાઈ ગાઈને અમે થાકી ન જઈએ.

૧) ગોટીથી રમતી વખતે અમે આ બોલતાં

એકલ ખાજા, દુગલ ખાજા
તીન તડાકા
, ચોગલ મોગલ
પંચમ ભાલું
, છક બે છૈયા,
સતાક પૂતળી
, અઠાકે હાંડી
નવમે ઠળિયો ને
, દસાક પડિયો.

૨) બાળકો ગોળાકારમાં ઊભાં રહી આ રમત રમે ત્યારે વચમાં ઊભેલો બાળક બોલે -)

ઇત્તે ઇત્તે પાણી,
ધૂળ ધૂળ ધાણી

( પગથી શરૂ થઈ પાણી ધીમે ધીમે ગોઠણ, કમરથી થઈ માથા સુધી આવે છે તે દર્શાવવા અભિનય કરાય છે. છેવટે બોલે – )

યે દરવાજા ખોલૂંગા
ધોકા લેકે મારુંગા.

૩) કબડ્ડી રમતી વખતે બોલતાં

મારી વાડીમાં આવે, તેને ઢીંકો પાટુ મારું
ને
, મારા ખેતરે આવે એનાં ટાંટિયા પકડી ઝાલું.

૪) એક છોકરી બીજી છોકરીનો હાથ પકડી લે પછી એક ઊભી રહે અને બીજી બેસે, ગીતની બે પંક્તિ ઊભેલી છોકરી બોલે, પછી પોતે નીચે બેસી જાય અને બેસેલી ઊભી થઈ બીજી બે પંક્તિ જોડી દે.

ગલાલિયો રે મારી બાઈ ગલાલિયો,
ગલ ગલ ગોરો મારો વીર છે
પાટણે મારું પી
ર છે,
ને
, ગીરે મારું ઘર છે,
ઉઠ રે ટીલડી લાલ -ગુલાલ
ગલાલિયો ગલાલિયો રમીએ રે

૫) મૂઠીમાં ઠીકરી છુપાવવાની રમત રમતાં ત્યારે બોલતાં

છાનગપતિયું ચાલ્યું જાય,
છાનું માનું ચાલ્યું જાય
,
જૂનાગઢમાં મા
લ્યું જાય,
તોયે છાનું માનું ચાલ્યું જાય
,
છાનગપતિયું ચાલ્યું જાય
,
માનગઢમાં મા
લ્યું જાય……
છાનગપતિયું ચાલ્યું જાય
,
છાનું માનું ચાલ્યું જાય
,
બગસરામાં મા
લ્યું જાય……

છાનગપતિયું ચાલ્યું જાય,
છાનું માનું ચાલ્યું જાય
,

– આમ વિવિધ ગામનાં નામ સાથે રમત આગળ વધતી જાય.

૬) સામસામે ઊભા રહી એકબીજાના હાથ કમાનાકારે પકડી અંગમરોડી બોલતાં.

(આ જોડકણાંમાં શક્તિવર્ધક સૂકા મેવાનો ઉલ્લેખ છે. )

પોપટડી રે પોપટડી,
ધ…ધ કરતું મારું ડિલ વળે

ધ..ધ… એટ્લે કે શરીરને વળતાં જોર પડે છે પણ

ખાઉં ટોપરડી ને ખજૂર ખારેક
તો ટપ દેખાનું મારું ડિલ વળે

૭) રિસામણાં -મનામણાં વખતે ગાતાં

આવ રે બેની,

નહિ રે આવું

તારી કોઠીએ જાર ભરાવું,

નહિ રે આવું

તારી ગાયને વાછડી આવી,

નહિ રે આવું

તારી ભાઈલો બોલાવે,

નહિ રે આવું

તારી માવડી રુવે,
એમ
? તો તો ઝટ કરતી આવું.

૮) પાંચીકા રમતી વખતે ગાતાં

આવ રે સખી, રમીએ છબો
ઘરને ખૂણે પડ્યો ખાલી ડબ્બો
ચણાક ચીભડી તલ રે તાતા
મારી વેણીનાં ફૂલ છે રાતાં

૯) એક છોકરી વૃધ્ધ-વૃધ્ધાનો અભિનય કરતી અને ગાતી જતી

અચરક તૂઈ…..મચરક તૂઈ
તેજન તૂઈ…….ગુલાબ તૂઈ
તૂરી લ્યો કોઈ…..કસ્તુરી લ્યો
અરી એ ટીનુડી ને અરી …એ મીનુડી

કહે
, તો ખરી તારા સાસુ-સસરા કેમ ના ચાલે ?
એ….આમ ચાલે

કહી બતાવે

૧૦) ગોળ સર્કલમાં બેસાડે પછી બધાંનાં આંગણાં જમીન પર મૂકાવે પછી બધાંનાં આંગણાં ગણતાં જાય :-

અડેક ધોમ…ધોમ રે ધોમ અડેક ધોમ
દસ્તો પીંજણ
, ખાલ ખબૂતર…..કબૂતર
ઢોલી પીંજણ દરિયો ડામાડોળ

૧૧) પકડાપકડીનો ખેલ

અડી રે અડી
કોને માથે ભીંત પડી
?
અડી રે અડી
એ…
વિરેન માથે ભીંત પડી.

૧૨) આ ખેલ રમાડવા માટે જસુમતીબહેન અમને નદીએ લઈ જતાં. અમારા સૌ માંથી એકને દાવ આપે. જેનો દાવ હોય તે દૂર રહેલ વૃક્ષ, કોઈનાં ઘરનાં દરવાજા કે ડેલાને કે દૂર ઉભેલ વ્યક્તિ પાસે દોડી જઈ તેને સ્પર્શી પાછાં આવે. આ નામ બદલાતાં જાય અને રમત આગળ વધતી જતી.

આ ખેલમાં ઉંમરનો ભેદ પણ સમજવા જેવો છે.

છોકરા …રે
…..હો …રે
ભોળો આવ્યો

(ભોળા ભાઈ પાનવાળા હતાં. જે જસુમતી બહેનથી ભોળાભાઈ નાના હતાં તેથી તેઓ ….આવ્યોનું ઉચ્ચારણ કરી શકતાં પણ અમારે માટે ભોળા ભાઈ મોટા હતાં તેથી અમે કહેતાં )

ભોળાભાઈ આવ્યા , પણ ક્યો ને શું શું લાવ્યા ?


પાન
, સોપારી ને પાનનાં બીડા
માથે લાવ્યાં ખાટી -મીઠી ખારેકડી


છોકરા…. રે
…..હો…રે

જુઓ ને ગામાભાઈ આવ્યાં

(ગામાભાઈ ગોવાળ હતા ) અને જસુમતીબહેનથી મોટા હતા.
ભગરી ભેંસ, ઘુમર ગાય ને પંચટીલડી વછેરો

( આ સફેદ વછેરાનાં કપાળમાં કાળું ટીલું હતું. )
એલચીનો દડો .એ તજ -લવિંગની લાકડી
જેને
બહેનડી વ્હાલી હોય તે
પેલા ડેલાને અડકી આવે.

૧૩) ફેરફુદરડી ફરતી વખતે ગાતા

પવાલામાં હતાં પાંચ મોતી,
ને
, મે ગણ્યાં પચ્ચીસ
મારી બહેનડીનાં સાસરિયાં આવ્યાં
ને મને ચડી રીસ
ધન ધતૂડી -પતૂડી
ધન ધતૂડી -પતૂડી


૧૪) અમને ગોળાકારમાં બેસાડી જસુમતીબહેન કોઈ એકનાં હાથમાં છાનામાના એક પથ્થર આપતાં આ પથ્થર કોના હાથમાં છે તે શોધવાનું કામ બીજા બાળકોનું રહેતું.

ચણ ચણ બગલી ચણાની દાળ,
હું પપૈયો તુ મગની દાળ
ગલી ગલીમાં ઘી નાં દીવા
,
આવ રે કાગડા કઢી પીવા
,

મારા હાથમાં કાંકરી ખૂચે છે,
સોનાની કાંકરી ખૂંચે છે
તારા પગમાં કાંકરી ખૂચે છે
કેવી કાંકરી ખૂંચે છે
?
સોનાની
, રૂપાની કે પથ્થરની
કાંકરી ખૂંચે છે.

૧૫) એક બાળક હાથમાં લાકડી લઈ ચાલે, ને બીજા બાળકો પૂછે;

ડોસી મા ડોસી મા
ક્યાં ચાલ્યાં
?
છાણાં વેંચતા
છાણાંમાંથી શું જડ્યું
?
રૂપિયા મળ્યાં
રૂપિયાનું તો શું કરશો
?
રૂપિયામાંથી ગાંઠીયા લઇશ
ગાંઠીયા અમને આપશો
?
ડાહ્યા થાશો તો મૂઠી ભરી આપીશ.
ને
ગાંડા કાઢશો તો ખાલી મૂઠી આપીશ

( એટલે કે માર મારશે )

૧૬) ગોળાકારમાં બેસી ચોખા ખાંડવાનો અભિનય કરતાં બોલે;

ચકી ચોખા ખાંડે છે,
મોર પગલાં માંડે છે
,
રાજિયો ભોજિયો
ટીલડીનો ટુચકો
માર ભડાક ભૂસકો.

ઉપરોક્ત લાઇન બોલી હાથ પાછળ છુપાવી દે પછી બીજા બાળકોને હાથ શોધવા કહે.

બાઈ ! રે બાઈ ! મારા હાથ ક્યાં ગયાં? શોધી આપો
બાઈ રે બાઈ તમારા હાથ મીની લઈ ગઈ
?

એક બાળક પાછળ જઈ તેનાં હાથ પકડી લેતુ પછી કહેતું;

બાઈ રે બાઈ તમારા હાથ તો કોઈ ન લઈ ગયું એ તો આ રહ્યા ….આ રહ્યાં.

૧૭) રાતનું રસોડું પૂરું થયાં પછી અમે છોકરાઓ ફરી રમવા નીકળતાં, ત્યારે આજુબાજુનાં સખી-સખા-સહિયરને બોલાવવાં આ જોડકણું ગાતાં.

કાચનો કૂપો ને તેલની ધાર,
સખી સહેલી આવવાને કેટલી વાર
?

ત્યારે ઘરની અંદરથી જવાબ આવતો

સંધ્યાડી ને પુરકુડી આવું છું રે ઝટ કરતી આવું છું,
મારા રસોડામાં ટાંકોટૂપો કરી
, વાસણ ઉટકી આવું છું.

( અર્થાત્ આ સખીનાં ઘરમાં હજી રાત રસોડાનું કામ પૂરું નથી થયું )

૧૮) જસુમતીબહેન સાથે અમે અમારા ગામનાં ખેડુ -મોરભાઈ ને મંજુબેન પટેલની વાડીએ ચીભડા કાપવાં જતાં અને કાપી ને પાછા આવતાં ત્યારે રે ગાતાં

એ…અમે તો ગ્યાં તા પટેલને ઘેર
પટેલને ઘેર બીબડી ને ચણાક ચીભડી
,
પટેલનાં ઘેર ગાયે આપીયું વાછડું
વાછડાં સાથે અમે એવા તે રમ્યા
, કે
પટેલ પટલાણી ખૂબ હસ્યાં
પટેલ ને ઘેર દાતણ પાણી કરી અમે માંગી ચીભડાની ચીર
તે સાંભળી પટલાણી કહે ચીભડા તો હજી કપાય છે
પણ
પટેલ કહે છોકરાઓ બે ઘડી રાહ જુઓ
, ચીભડાની ચીરિયું લઈ આવું.

૧૯) હું, સંધ્યા, રશ્મિ, મનીષા, સોનલ, સ્વીટી, કાનો, હેમલ, મુન્નો, ચકો, ચકી, લાલો, કીડી ને રીટા એમ અમારું પૂરેપૂરા ૧૪ છોકરા છોકરીઓનું ટોળું હતું, તેથી જસુમતીબહેન વારંવાર અમને ચૂપ કરાવવા શરત જોડકણું બોલતાં, જેમાંથી કેવળ એક યાદ છે.

મૂંગો મૂંગો મૂંગાલિયો, મૂંગો વેચે ઘઉં,
મારી પહેલાં બોલે એને ચટાક ચીંટિયો દઉં…..

                        અંક જોડકણાં

૧) એકડે એક, પાપડ શેક,
પાપડ કાચો
, દાખલો સાચો.

૨) બગડે બે, કૃષ્ણનામ લે,
કૃષ્ણનામ કેવું
? સુખ આપે તેવું.

૩) ત્રગડે ત્રણ, રોટલી વણ,
વાટકા ગણમ ઝટપટ ભણ.

૪) ચોગડે ચાર, કરજો વિચાર,
કોઠીએ જાર
, હિંમત ન હાર.

૫) પાંચડે પાંચ, ચકલીની ચાંચ,
ચકલી ગઈ ઊડી
, હોડી ગઈ ડૂબી.

૬) છગડે છ, ભણવામાં છે ઢ,
ઢ એટ્લે ઢગલો
, ધોળો છે બગલો.

૭) સાતડે સાત, સાચી કરો વાત,
વાતનાં ઘણાં વડા
, ઘીના ભરો ઘડા

૮) આઠડે આઠ, ધ્યાને વાંચજો પાઠ,
પાઠ છે સહેલા
, ઊઠજો વહેલા વહેલા.

૯) નવડે નવ, માટલીમાં ભર્યા જવ,
જવ ગયા સડી
, ડોસી ખૂબ રડી.

૧૦) એકડે મીંડે દસ, હવે થયું બસ
મિલી મોડી જાગી
, ત્યાં બસ ગઈ ભાગી.

અંતે:-

નાનપણની એ યાદોને, નાનપણનાં એ રમકડાં..
મારી આંખોની વ્યસ્તતા જોઇ આજે એ બોલ્યાં …
લે, તને બહુ શોખ હતો ને જલ્દી મોટાં થવાનો ને.. ?


  પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ |  purvimalkan@yahoo.com | ©૨૦૧૭

11 comments for “બાળપણની યાદોને જોડતાં જોડકણાં

 1. sanjivan pathak
  July 17, 2018 at 4:14 pm

  khub sundar,maza padi gai

 2. Niranjan Mehta
  July 17, 2018 at 6:34 pm

  બહુ જ વિસ્તૃત અને રસદાયક લેખ. અન્યોને પણ બાળપણ યાદ આવ્યું હશે તેમ માનું છું.

 3. Niranjan Mehta
  July 17, 2018 at 7:01 pm

  બહુ વિસ્તૃત અને સરસ લેખ. અન્યોને બાળપણ યાદ આવ્યું હશે.

 4. Pravina
  July 17, 2018 at 7:16 pm

  Wah, wah maja padi gai. Ghana varshe nanpan pachhu malyu, Jane khovayeli pal Mali.

  • Pravina
   July 17, 2018 at 7:20 pm

   Mane badha chhokrav na naam vanchva gamya. Chako, chaki. Kidi vagere naamo have sambhslva Nathi Malta tethi aa naam pachhal no y samay jovo gamyo.

 5. Meena
  July 17, 2018 at 10:30 pm

  Bahu saras. E samay ne kyan thi shodhvo? Ek lalach that me balpan ma pachhi jau to mummy pappa no pachho sath male.

 6. July 19, 2018 at 1:42 pm

  બાળકો હવે અંગ્રેજી માધ્યમથી ભણે છે. પ્રાથમીક શાળાના શીક્ષકોએ જોડણી અને વાક્યરચનાને મહત્વ આપી દીધું.  હવે આ જોડકણાં કોણ સભંળે?

  • ભારતી
   July 20, 2018 at 1:57 am

   તમારી વાત સાચી છે, પણ આ જોડકણા એ આજના સમયના બાળકો માટે નથી, આ જોડકણા એ અમારી વિતેલા સમયની વાત છે. આ જોડકણા આજે કદાચ આઉટ ડેટેડ ગણાતા હોય પણ તેમ છતાં યે આજે આ જોડકણામાં અમૂલ્ય સમય કેદ થયેલો છે. ખૂબ ખૂબ આભાર પૂર્વીબેન.

 7. July 20, 2018 at 6:24 am

  balpan ni yaad …puravi malkan ni kalame vividhata ni rangoli man bhavan chhe..matrubhasha ne balkoma jivant karvani palo ne hrudyathi aavkaru chhu.mara antahkaran na abhnandan
  jitendra padh
  rahle/morrisvil/north cerolina
  usa.

 8. July 26, 2018 at 1:05 am

  બાળપણ ના જોડકણાં એ ભવ્ય અતીત ની સફર કરાવી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *