





ડૉ. દિનેશ વૈષ્ણવ
આ લેખ હું એકથી વધુ ભાગે લખીશ જેથી વાંચકો વિષયને સમજી સકે. બીજું, આ લેખમાં સોરઠની તળપદી ભાષા ઉપરાંત સાસણ વિસ્તારના ગર્યના માલધારીઓની ભાષાનો પણ સમાવેશ છે એટલે વાંચકોની સરળતા માટે મેં વાપરેલ માલધારી બાનીના કેટલા શબ્દો હું નીચે સમજવું છું:
(૧) સનકારો = ઈશારો, (૨) નવઘરું = પાઘડી, (3) તરફાળ = ખભે રાખવાનું ઝીણા પોતનું ફાળિયું, (૪) ગળહાથ = ગળાના સોગંદ, (૫) હાવળ = ઘોડાનો હણહણાટ, (૬) અંબોડાળી = જે પ્રાણીનાં શીંગડાં સ્ત્રીના અંબોડા જેમ આંટા લઈ ગ્યાં હોય, (૭) વાગડીયા = વાગડ પ્રદેશના, (૮) ક્યાડી = જે ઘોડાંની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો ને શરીર રાતું હોય, (૯) ગોરમટી = ગાર્ય કરવાની ધોળી માટી, (૧૦) ઓળીપેલ = લીંપેલ, (૧૧) ખડકીના ઠેલે = બારસાખની સાંકળ જેવી ભાત, (૧૨) રણસગો = પાળિયાનો એક પ્રકાર, (૧૩) ગિસ્ત = પલટન, (૧૪) બગબગું = મોંસૂઝણું, (૧૫) આરાની = બચાવની, (૧૬) કવળાસી = સ્વર્ગવાસી, (૧૭) ઓહાણ = સ્મરણ, (૧૮) માળીડું = મુકામ, (૧૯) મકર = કાઠી પુરુષનું માથાબંધણું, (૨૦) ધડકી = ગેાદડી, (૨૧) મલીર = કાઠિયાણીનું ઓઢણું, (૨૨) માડુ = મરદ, (૨૩) જોધારમલ = અલમસ્ત, (૨૪) ગદરવું = ગુજારો, (૨૫) રાઠોડી = તાકાતવાન, (૨૬) કરલ = કરચલી
ઓગણીસો પચાસના દાયકે મેંદરડા-માળીયા રોડે ચોરેશ્વર મા’દેવનાં પ્રાંગણમાં વઢવાણના અવલ વાર્તાકાર ને મહાદેવના અહોર્નિશ ઉપાસક બચુભાઈ ગઢવીનો ડાયરો, ને એમાં એને રજપૂતાણીના સતીત્વની વાત માંડતા આરંભે કીધું:
“લંબ વેણી ને લજ્જા ઘણી ને એના પોંચા પાતળિયા
જેને સરગ હારે સરજીંયાં ઈ તો કોકકોક પામનીયા”
પછી ડાયરો બાંધતાબાંધતા ગઢવીએ રજપૂતાણીનું જોબન ચીતર્યું, કે જેના બેપાંચ શબદ મને યાદ છે ઈ: જો ઉગમણો પવન ઉઠે તો આથમણી નમે ને આથમણો ઉઠે તો ઉગમણી નમે, ને જો ચારેય દશેથી ઉઠે તો નાગરવેલની જેમ ભાંગી ને ભૂકો થઇ જાય એવી ઈ રજપૂતાણીની કાયા. ઈ પદમણી હાલ્યે હાલે તીંયેં એના પગલે એની કંકુવરણી પાનીએથી કંકુ વેરતી જાય ને પાણીનો ઘૂંટડો ગળે ઉતારે તીંયેં એની મોર જેવી બિલોરી કાચની ડોકેથી ઈ ઘટકઘૂંટડા આરપાર દેખાય. જેવો સમો ને જેવો વરતારો પણ એનાં ત્રાઠી હયણી જેવાં નેણ તળેથી ઉઠતી એની નજરનો સનકારો કાં તો એની પાથીના પૂરનાર રજપૂતને દીવાની સગે ઓયડે નોતરતો હોય ને કાં તો ઈ માં ભોવાની થઇ ને રણે ચડવા જાતા રજપૂતને કે’તો હોય:
“કાં મરજો ને કાં મારજો પણ પીયુ પીઠ નવ દેશો લગાર
નકર મારી શૈયર મેણાં મારશે કે તું તો કાયર કેરી નાર”
ટૂંકમાં, રજપૂતાણીના રૂપનો આવો ક્યાંક ચિતાર બચુભાઇએ ત્રીસેક મિનિટ દીધો. હવે આ વર્ણનમાં ઘણાને ઘણું સમજાશે પણ “ત્રાઠી હયણી” શબદ એવો છે કે જેને ઈ જોયું હોય એને જ ઈ સાચા અરથમાં સમજાય. તો આજ મેં જોયેલ ઈ ત્રાઠી હયણીની વાત થોડીક મારી અને થોડીક ઈ ગાંડી ગર્યના માલધારીની જભાને માંડું છ. જેને ઈ ગર્યની બાની નહીં સમજાય એને સોનાના ખીલે પાડો બાંધ્યા જેવું છે, પણ જેને સમજાસે ઈ રુંવા બઠાં કરી ને માના પેટ જેવા ઊંડા ગર્યમાં ઘુમરીયું મારસે.
…તો ઈ ૧૯૬૫ના વૈશાખે મારી બેનને સાસરે વળાવીને હું ને મારાં માં વિસાવદર પપ્પા દાક્તર એટલે અમે અમારે ઘેર ગ્યાં. એમાં અષાડના એક રવિવારે રોંઢા પછી માં, પપ્પા ને હું મોજીરામ માંકડને ઘેર ચાપાણી કરી ભાડાની કાળીપીળી એમ્બેસેડરીમાં બેએક ગાવ આઘા સતાધારમાં ગીગાઆપાની જગ્યાએ આવ્યા. યાં અમે ગીગાઆપાને જુવારી થાનકના જમનબાપુ આગળ બેઠા. મારા પપ્પા એના દાક્તર એટલે અમારો બાપુ હારે ધરોબો સારો, ને એને અમને રસોડે સાંજની આરતી પછી વાળુ કરવાનું કીધું. આ ગીગાઆપા મુળ આપાદાનાના ચેલા ને એને વી.સં. ૧૮૮૫માં વિસાવદર પાસે સતાધારમાં અંબાજર નદીના કાંઠે જંગલ વચાળે મંગળ ઉભું કીધું ઈ આજે “ગીગાઆપાની જગ્યા” કે “ગીગાબાપાના આશ્રમ” તરીકે ઓળખાય છ, ને ઈ “ગર્યનું નાકું” હોત ગણાય. આ ગીગાઆપાનું થાનક એટલે ગર્યના બધા માલધારીનું – પછી ઈ રબારી હોય, ચારણ હોય, કાઠી હોય કે આયર હોય – પરબધામ કો’તો ઈ ને ચારધામ કો’તો ઈ. દરેક માલધારી મોડામાંમોડો મહીને બેમહીને આ ધામે આવી ને ક્યાંક વળગણ હોય તો ભુવો ધુણાવી દાણા પડાવે કે કોક માનતાનો કર ઉતારે. ઈ ૧૯૬૦ના દસકે તો મેં જોયું છ એમ કરમાં દુજણી ભેંસ કે ગાય ગમાણ્યે બાંધી જાતા કે પટ્ટી ઘોડી રમતી મેલી જાતા. આજે સતાધારથી ક્નકાઇ જાતાં રસ્તામાં બાજરીયા નેસ આવે છે યાં થાનકનું ૨૩૦૦થી જાજું પશુધન સચવાય છ ને ગીગાઆપાના રસોડે સવારસાંજ દોઢસોબસો માણસ એઠાં થાય છ.
હવે અમે જમનબાપુના દરબારે બેઠાતા એવામાં મેલડી નેસેથી બાલુઆપા આવ્યા. એને આવી ને બાપુના પગ્યે નવઘરૂં ઉતારી, તરફાળ પાથરી માથું ટેકવ્યું ને ઊંચું જોયું તો પપ્પાને જોયા એટલે ઈ બેય સગા ભાયુંની ઘોડે ભેંટ્યા ને એકાબીજાના કટંબના ખબરઅંતર પુછ્યા. આ બાલુઆપા ને મારા પપ્પાને ૧૯૫૪નો નાતો. તીંયેં અમે મેંદરડા ને આપા વાણીયાવાવ કને જાંબુડી નેસે. મારા પપ્પાએ એના દીકરા ભીમનાં ઘરવાળાં જસુબાની પે’લી સુવાવડ ઈ નેસડે ચીપિયાથી કરાવીતી ને એમાં બેડ્લાના ખમીર ને ખેંગાર એમ દિકરા થ્યાતા. ઈ પછી માંદેસાજે ને દિવાળી મસ્યે આપા અમારા મેંદરડાના ખોયડે આવેજાય ને અમે હોત એના નેસે ક્યારેક જાતા. ઈ મારા માંને “બુન” કે’તા. વાતમાં ને વાતમાં એને કીધું કે હવે ઈ કટંબકબીલા ને ઢોરઢાંખર હોત કનકાઈ કને મેલડી નેસે વસ્યા છ ને એને ગળહાથે તાણ કરી, “દાકતર મારી બૂન ને લઈને મારે નેહડે મેમાન થાવ, આપણે બેય ભાયું હારે રોટલો તોડી એઠા થાસું.” બેય માં-પપ્પા આપાના નીતરતા પ્રેમે ભીંજાણા ને આશ્રમના જમનબાપુની રજા લઈ ને અમે અમારી ભાડાની મોટરમાં ને આપા એની હાવળું દેતી રોજી ઘોડીએ એમ બેએક ગાવના પલ્લે મેલડી નેસે પોગ્યા.
અવતરિયા શાખાના જેબલીયા કાઠી બાલુઆપા માલધારી એટલે ઈ ગર્યની વીસેક અંબોડાળી ભેંસો, દસેક નવચન્દ્રી ભેંસો, દસેક વાગડીયા ઢાંઢા, દસેક ચદ્રંમુખી ગાયું; બેરી, ફૂલમાળ, રેશમ, વાંદર્ય, બાવળી તાજણ, રોજી ને ક્યાડી ચમરબન્ધી જેવાં આઠેક ઘોડાં, ને બકરાંઘેટાંની જમ્યાતના ઘણી. ટુંકમાં, એની કને મોટું ધણ, સામટી ધરા, જાજું ધન ને અઢળક સમજણ ને કોઠાસુજ એટલે ઈ ટેમ પ્રમાણે ઈ પંચે પુછાય ને પૂજાય એવા કાઠી માલધારી ગણાય. એનું મોરપગાંની છાપે ગોરમટીએ ઓળીપેલ ત્રણ ઓય્ડા ને રસોડાનું ખપેડા માથે દેશી નળિયયાંનું ખોયડું, ખોયડાં માલીપા કેરોસીનનાં ટમટમીયાં, સાગના પટારા ને ખાયણા, લીપેલી ભીતે આભલાંના ચાકળા ને મોતીવેલ, પિત્તળના મોરલે મઢેલા ટોડલા ને ટોડલે ઘીના દીવા, ને ઘરની મૂળ ખડકીના ઠેલે રુપતિ બારસાખે લાલ-લીલી-ગૂઢી ભૂંગળીનુ કીડીયાસરી તોરણ ને કમાડે મેલડીમાંનું સીંદોરે કાઢેલ ચીતર. ખોયડાં આગળ રળિયામણું ફળી, ફળીમાં બે સુંવાળી ધોળી કાથીના ઢોલિયા, વડલે બાંધેલ ખાટ ને એક ખૂણે વંજીનું ઢાળિયું. ફળીથી આઘેરો એક રણસગો દેખાડતાં આપાએ કીધું કે મેલડી નેસેથી સુમરાની ગિસ્ત એનાં આતા હુદાઆપાનું બગબગે ધણ વાળી જાતીતી તી ઈ ધણના આરાની બાટાચૂટમાં દેવ થીગ્યા ને ઈ ઇનો રણસગો હતો. ઈ આ ઘટના ઘટી પછી કિશોરવયે બાલુઆપા એનાં આઈ મુળીઆઈ હારે વરસો સુધી જાંબુડી નેસે વસ્યા ને પાછા ૧૯૬0ના અરસેથી મેલડી નેસે એનાં છૈયાંછોરું હારે ઠરીઠામ થ્યાતા. આપાને ઓચિંતાના એનાં કવળાસી બાપુ ને આઇનું ઓહાણ થ્યું ને કીધું કે જયારે જાંબુડી નેસેથી મેલડી નેસે માળીડું કીધું તીયે એનાં મુળીઆઈએ કીધુંતું:
“આવી રૂડી ને રળિયામણી ને વળી હરિયાળી ને હેતાળ
આ ગર્ય અમારે નથી છોડવી તારાં પહુડાંને પાછાં વાળ્ય”
આપાનો નેસડો જોઈ અને હુદાઆપાના સમરપણની વાત સાંભળી એવામાં સુરજદાદો આથમણો ઢૂકુંઢૂકું થાતોતો. પછી હું ને મારાં માં ફળીમાં પોપટ ભરેલી રજાઈ ઢાળેલા ઢોલિયે ને સામા ઢોલિયે મારા પપ્પા બેઠા. બાલુઆપા માથેથી નવઘરું ઉતારી, મકર બાંધી ને એના પગની ભેટ વાળીને ભોંયેં બે ઢોલિયા વચાળે ધડકીએ બેઠા. ડોકે સૂરાપૂરાના પતરાંથી અરધતાં બાલુઆપાનાં ઘરેથી નનકુઆઈ ઈ ટાણે ઢાળિયે બાંધેલ ભીંહ દોઈ ને મને તાંહળીમાં શેડકઢું, આંગળીએ નો વિંધાય એવું મળમળું સાકરવાળું દૂધ દઈ ગ્યાં, ને આપાના દીકરા ભીમનાં ઘરવાળાં જસુબા માં, પપ્પા ને આપા હાટુ મલીરનો હૈયા જેવડો લાજનો ઘુમટો તાણી ને પીત્તળની અડાળીમાં ઘાટો ચા પોગાડી ગ્યાં. ઈ લાજના ઘૂમટેથી કપાળે સોનાની તાંત, કાને પાંદડી ને ડોકે સવાસેર ચાંદીની હાંસડી જાગરા દેતાંતાં. ઈ ટાણે આપાનો દીકરો ભીમ નવાણે કૉસ ખીંચતોતો ને એના દેવે દીધેલ બેય જોધારમલ ગગા સેઢે ખેતરે પાણી વાળતાતા. મેં દુધની તાંહળી મોએ ધરીને બાલુઆપા કૉરય નજર કરી તીંયેં મને થ્યું કી આ આદમીને પરખવા હાટુ અંતરની આંખ્યું ને મનનાં અજવાળાં જુંયે. આ માડુ માણહ એટલે હળ હાંકી ધીંગી ધરાનાં લાડ લડાવતો કાઠી માલધારી. આની ન્યાતે સુમરા ને વાઘેરના ઘમસાણ વચાળે પોતાની જમીન બચાવી, ઉજેરી, ખેડી ને ધાનના ને વીરતાના ઢગલા કર્યાં. આ વરણ ઉપર કુદરતના ખોળે ગદરવું કરી આયુ કાઢવાની, ને એના ગુણગાન ગાઈ ને નેકટેક ને ધરમ નિભાવાની કરપા આઈ ખોડલ, વરુડી, મમાઈ, સોનલ, રવેચી, પીઠડ, મેલડી, આવડ, નાગલ ઇમ હંધીય જોગમાયાઉંએ હાગમઠે કીધી હસ્યે નકર ગર્યના સીમાડા ઇમ ન સચવાય.
બાલુઆપાનું છ હાથનું ગજાદર કદ, માથે મકર, ભાલ મલકના પટ્ટ જેવડું એનું કપાળ, એની ચડિયાતી, મારકણી આંખ્યું ને ઇના માથે કાબરચીતરી બરછટ્ટ ભમ્મર એમ હન્ધુય દેખીતું હતું. એના ડાઢીમૂછના કાતરા વગડાના વાયરે ફરકતાતા. એની કોઠી જેવી ડોકે કોટિયું ને રૂદ્રાક્ષની રાંઢવા જેવી માળા એનાં ઉદરને આંબતાંતાં. એના પાસાબંધી કેડિયાંની ત્રણેક ઉઘાડી કસમાંથી દેખાતી એની છપન્નની છાતી ઉપર સાવજના પાકા અઢીઅઢી વેઢાના સોને મઢેલ બે નોર ડોકાં કરતાતા. એનાં બેય કાને કોકરવાં, આકોટા ને ચાપવાં; ડાબે કાંડે બલોયું ને જમણે કાંડે માં ભોવાનીનો બેરખો ઓપતાતાં. એના ખંભે ટેકવેલ રતુંબડી ટપકી કામળી એની ત્રાંબાવરણી કાયા ઉજાગર કરતીતી. એના બેય રાઠોડી હાથમાં વળીયાં દોયડાં જેવી રગ્યુંમાં ઈ કાઠી કુળનું ખાનદાની લોહી ધગધગ દોડ્યે જાતુંતું. એના બાવડાની કરલ કોક ઉમરલાયક ફણીધરે ઉતારેલી કાચલી જેવી હતી. એની ખરબચ હથેળી કે’તીતી કી વાવણી ટાણે વરહો હુધી ઈ હાથે મુંજડા બળદુંની રાહ જાલી હળની ખંપાળી ને દાતયડીને કયડી ભીંહ દીધી હસ્યે. જો ટુંકે કહું તો હુદાઆતાના આવા જાતવાન ને કુળવાન દીકરાને જોઈ ને ઉપરવાળો એનાં અંતરથી કે’તો હશે કે:
“કાંવ જાજાં કાગોલિયાં ને કાવ જાજા કપૂત
હકડી સી મયણ ભલી ને હકડો ભલો સપૂત”
ડૉ. દિનેશ વૈષ્ણવનો વિજાણુ સંપર્ક કરવા માટેનું સરનામું: sribaba48@gmail.com
Aa photo to Aataji no lage che ne naam par thi zaverchand meghani Ni smruti ubhi thay che.
ગુજરાતી માંડ વાંચી કે સમજી શકે છે એમના માટે તડપદી અને માલધારીઓની ભાષા ખુબ એટલે ખરેખર ખુબ અગરી સમજવી….
એ હીસાબે નરસૈયા અને મીરાના નાના મોટા ભજનોની ભાષા સહેલી સમજવી….
આ લેખ હું પૂ. આતાની હૈયાતીમાં “આતાવાણી” ઉપર ન મૂકી શક્યો એટલે એની યાદમાં આંઈ એનો ફોટો મુકેલ છે.
હું વે.ગુ.ને વિચાર, વાણી અને ભાષા વૈભવ પ્રગટ કરવાનું એક માધ્યમ ગણું છું, ને એટલે જ ભુલાતી જાતી ગર્યની વાણીના કોક્કોક શબ્દો મેં આ લેખમાં વાપરેલ છે.
વાહ દીનેશભાઈ. રંગ ! અમારા, નાનુ ફંદા, હિમ્ગોળદાન, બળદેવભાઈ નરેલા,કવી દાદ [હિરણ હરકાળી ના સર્જક] અને કાનજી ભુટા બારોટ નજર સામે આંટા દઈ ‘ગ્યા લાગ્યા ! કાનજીભાઈ નું કવિત યાદ આવ્યું;
“વાતડિયું વગતાળીયું અને જણ-જણ જુજવીયું,
જેડા જેડા માનવી, તેવી તેવડીયું”
મોજીકાકાને યાદ કર્યા! ભાઈ ભારે કરી, દી’ હુધરી ગ્યો.
એક નાની શંકા ! જાણ્કાર કહેતા, કે મૂળ કાઠી ત્રણ, ખાચર, ખુમાણ ને વાળા, બાકીના આડા અગર તો અવરતિયા કહેવાયા- અવતરિયા નહી પણ અવરતિયા. આમ અડધે ક્યાં મુક્યું ! બાકીનાની રાહ જોઉ છૂં
વાહ તુષારભાઈ, તમે પણ મારા જેવા જ બાળપણમાંથી આવો છ ને મારાથીયે જાજા ઈ ગોહિલ ડાયરે બેઠા હસો. તમે સાચા. શબ્દ “અવરતીયા” છે ને ઈ મારી લખી ને સુધારવાની ક્ષતિ અને તમારો આભાર. આ વાતનો ભાગ બીજો ઓગષ્ટ ૭ના વે.ગુ.માં પ્રગટ થાસે. હું તમને જણાવીશ એટલે જરૂર વાંચજો ને ઈ ગોહિલ ડાયરો મોકળામને ઉઘાડજો. ભાવનગરનું લોકસાહિત્યમાં મોટું અને મોંઘેરું પ્રદાન અને મારાતમારા જેવા ગઢ્વા ન હોય એવા ઓછા હશે કે જેને હજી આ સાહિત્ય અને આવી વાત્યુંની ભૂખ છે.