બે પદ્યકૃતિઓ

Facebooktwitterredditpinterestlinkedinmail

મુકેશ જોષી

                                          (૧)

હરિ! તમે તો સાવ જ અંગત સાંભળજો આ મરજી

ઘણા મૂરતિયા લખી મોકલે વિગતવાર માહિતી,
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!

હરિ હવે તો ઉંમર મારી પરણું પરણું થાઉં
હરિ, તમોને ગમશે? જો હું બીજે પરણી જાઉં?
મને સીવી લે આખી એવો બીજે ક્યાં છે દરજી?
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!

હરિ, તમારી જનમકુંડળી લખજો કોરા પાને
મારા ઘરના બધાય લોકો જન્માક્ષરમાં માને
હરિ, આપજો માગું મૂશળધારે ગરજી ગરજી..
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!

હરિ! અમારા માવેતરને જોવા છે જમાઇ,
એક વાર જો મળી જાઓ તો નક્કી થાય સગાઇ,
હરિ! તમારે માટે જો ને મને રૂપ દઇ સર્જી
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!

ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું
લગ્ન કરીશું, ઘર માંડીશું, અમૃત અમૃત થાશું
પછી તમારી ઘરવાળી હું, ને તમે જ મારા વરજી!
એમાં તમે કરજો, ફોટા સાથે અરજી!

 

                             * * *

                                (૨)

બાઈ રે મને આજ કો’કે લીંબોળી મારી

 

હું તો છટકીને ભાગવા ગઈ

કો’ક નજર્યુંની વાડ અડી ભારી..

લીંબોળી વાગીને આખુંયે અંગ કાંઈ એવું દુખે કાંઈ દુખે,

લીંબોળી મારીને મરકી જનારનું નામ નથી લેવાતું મુખે.

હું તો બારણાં બીડેલા રાખું તો ઉઘડી જતી કેમ બારી..

બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..

 

હવે આંખોથી ટપકે ઉજાગરા ને નીંદર તો શમણાની વાટે,

છાતીના ધબકારા લૂંટી ગયું કોઈ નાનકડી લીંબોળી સાથે.

હું તો આખાયે ગામને જીતી ને લીંબોળી સામે ગઈ હારી.

બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..

 

લીંબોળીમાં તો બાઈ કેટલાય લીંબડા ને લીંબડાને કેટલીય ડાળી,

ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને ટહુકામાં પ્રીત ના ધરાણી

અરર બાઈ રે કેવી નવાઈ, હું તો ટહુકે હણાઈ પરભારી.

બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..

 

                                               * * *

સંપર્ક સૂત્ર :-

ઈ-મેઈલઃ mdj029@gmail.com

* * *

(સાહિત્ય જગતના ખૂબ જ જાણીતા શ્રી મુકેશ જોષી મુંબઈના કવિ છે. ‘કાગળને પ્રથમ તિલક’ પછી ‘બે પંક્તિના ઘરમાં’ તેમનો નવો કાવ્યસંગ્રહ છે. કહેવાય છે કે પતાસાથીય વધુ મીઠી વાણી ધરાવતા શ્રી મુકેશ જોષી ગીતોના ગઢવી છે અને રજૂઆતના રાજવી છે. કવિશ્રીનું ઉપરોક્ત દ્વિતીય ગીત ૨૦૧૫માં વે.ગુ. પર પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે, પરંતુ વેબસાઈટ ક્રેશ થઈ જવાના કારણે તા.૨૮૦૫૧૭ પહેલાંની સામગ્રી અપ્રાપ્ય હોઈ તેમની આજની પહેલી નવીન કૃતિની સાથે ઝીણી ઝીણી સંવેદનાના અતિસુંદર નકશીકામ જેવું અને મસ્ત મઝાનું નજાકતભર્યું શર્મીલું ગીત અત્રે ફરી આપવામાં આવ્યું છે. તેમની રચનાઓને ‘વેગુ’ ઉપર પ્રસિદ્ધ કરવાની તેમની ઉદાર સંમતિ બદલ ધન્યવાદ. – દેવિકા ધ્રુવ, ‘વેગુ’ સાહિત્ય સમિતિ)

1 comment for “બે પદ્યકૃતિઓ

  1. July 19, 2018 at 2:05 pm

    ….

    વાહ વાહ   !!!

    ઘરવાળાઓ ના પાડે તો આપણ ભાગી જાશું

    આ ગીત કે કાવ્યમાં મજા આવી… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *