બંસી કાહે કો બજાઈ : પ્રકરણ ૫

લેખિકા : નિર્મલા દેશપાંડે

અનુવાદ : કેપ્ટન નરેન્દ્ર ફણસે

ત્યાર પછી ચંદ્રાવતીની દરેક પરોઢ અસ્ત થતા ચંદ્રપ્રકાશમાં ફૂલ પરથી સરી પડતા ઝાકળની જેમ વીતવા લાગી. વિશ્વાસ રોજ ઘોડેસ્વારી કરવા રાવરાજા સાથે તેમના બંગલા પાસેથી નીકળે ત્યારે ચંદ્રાવતી અને તે એકબીજાને સ્મિતથી કે હાથ ઉંચો કરીને અભિવાદન કરવા લાગ્યાં.

ડૉક્ટરસાહેબ બપોરના આરામ બાદ ચ્હા-પાણી પરવારી સાડા ચાર – પાંચના સુમારે હૉસ્પિટલ જવા નીકળે ત્યારે દીકરીને હૉલમાં કોચ પર બેસી અભ્યાસ કરતી જોઈને કહેતા, “વાહ! પરીક્ષા માટે કેટલું વાંચી રહી છે અમારી દીકરી! જો, આમ આખો દિવસ વાંચતી રહીશ તો તારી આંખો બગડી જશે.”

જવાબમાં ચંદ્રાવતી શું કહે? ‘અભ્યાસ શાનો અને વાત શાની! પુસ્તકના પાનાંઓમાંથી તો પેલો તોફાની બારકસ, મેઘશ્યામ સાંવરિયો વિશ્વાસ ડોકિયું કરીને હાસ્ય કરી રહ્યો હોય છે! તેની ભમર વચ્ચે ચંદ્રકોર જેવી રેખા, એક ભમર ઉંચી કરીને બોલવાની ઢબ, એનો રાજસી રુવાબ, કિમતી પોશાક અને કપડાં પર છંટકાવ કરેલા મર્દાનગીભર્યા સેન્ટની ફોરમ – બધું નજર સામે આવે છે!

‘વિશ્વાસ પવાર આવીને મળ્યો તે દિવસથી વાંચન પરનું ધ્યાન ખુલ્લામાં મૂકેલા કપુરની જેમ ઊડી ગયું હતું. પુસ્તક ખોલતાં જ તેની મૂર્તિ પાનાં પાનાં પર દેખાવા લાગે છે અને અક્ષરો કોણ જાણે ક્યાં રફુચક્કર થઈ જતા હોય છે!

‘ફર્સ્ટ ડિવિઝન નહી મળે તો ઘરના લોકો કરતાં શાળાનાં હેડમિસ્ટ્રેસ મિસ જોહરી, છોકરાઓની શાળાના હેડમાસ્તર બર્વે સાહેબ અને ખાસ તો તેમનાં પત્ની – બર્વેકાકી, તેની પોતાની પ્રાણથી પ્યારી સાહેલી શીલા દિઘે – આ બધાંને દુ:ખનો આંચકો લાગશે…પણ મારા અભ્યાસમાં વ્યત્યય લાવનાર વ્યક્તિ કોણ છે, અને મારા પુસ્તકોમાં ધામા નાખીને એ બેઠો છે તેની આ લોકોને કેવી રીતે ખબર પડે?

‘બીજાંઓનું તો ઠીક, પણ એકલી શીલાને તો મારે કહેવું જ પડશે. પ્રેમનો સૌરભ હવે મારા મનની કુપ્પીમાં સમાતો નથી. એ તો તા-થૈ, તા-થૈ કરીને નાચીને ઉડવા લાગે છે!’

“હવે બહુ થઈ ગઈ તારી પઢાઈ,” ડૉક્ટરસાહેબ બોલ્યા. ”જરા આરામ કર.પરમ દિવસે હેડમાસ્તર સાહેબને ઘેર ગયો હતો ત્યારે તેમનાં પત્ની બારણાં પાછળથી શું બોલ્યાં ખબર છે? કહે, ‘ડાક્ટરસા’બનાં બન્ને સોકરાં એકદમ ગ્યાલેન્ટીજેન્ટ છે! અમારા સાહેબનું તો ઈમની નેહાળના સોકરાંઓની કૉપી જાંચતાં જાંચતાં માથું દુ:ખવા લાગી જાતું હોય સે! કન્યા શાળાની હેડમાસ્ટરનીબાઈ ચંદ્રાવતીની કૉપી અમારા સાહેબ પાસે ખાસ મોકલાવે. પછી સાહેબ તેમના કલાસમાંના સોકરાંવને આ કૉપી પઢીને હંભળાવતા હોય છે,” કહી ડૉક્ટરસાહેબ ખડખડાટ હસવા લાગ્યા. બર્વે સાહેબનાં પત્ની સાવ ગામડા ગામનાં. નોટબુકને હિંદીમાં કૉપી કહે અને ‘તપાસવા’ને ‘જાંચવા’નું કહેવાય, તે તેમની ગામઠી મરાઠીમાં સહજ રીતે ઉતરી ગયું હતું.

“બાબા, બર્વે કાકી તો તમને ખુશ કરવા અમારી બુદ્ધિમત્તા માટે ગમે તે બોલી જતા હોય છે.  ઈન્ટેલિજન્ટને બદલે ગ્યાલેન્ટિજન્ટ’ અને ‘પેપર તપાસવા’ કહેવાને બદલે ‘કૉપી જાંચવી’ એવું થોડું બોલતાં હશે?” ચંદ્રાવતી હસીને બોલી.

“ચાલે એ તો. તેમનો આખો જન્મારો બુંદેલખંડમાં ગયો છે તેથી આમ બોલતાં હોય છે. ચાલો, ઉઠો હવે.  બહુ થયું વાંચવાનું. વાંચવાની રજાઓ પડી છે એનો અર્થ એવો નથી ચોવિસે ઘંટા વાંચનમાં જ ગાળવાનાં હોય. જાવ તો, ગામમાં બહેનપણીઓને ત્યાં ચક્કર મારી આવો,” ડૉક્ટરસાહેબ બોલ્યા.  

“કાલે શીલા દિઘેને ઘેર જવાની છું.”

“આજે જ ચાલી જા ને? રામરતનને તાંગો જોડવાનું કહે.”

“આજે તો હું ગણેશ બાવડી (વાવ) જવાની છું.”

“અરે વાહ!”

“હા, બાબા. બાવડીના ગણેશજીના એકવીસ વાર દર્શન કરવાની મેં બાધા રાખી છે. દર મંગળવારે જઉં છું. આજે ત્રીજો મંગળવાર છે.”

“શાની બાધા રાખી છે?”

“મૅટ્રિકમાં ફર્સ્ટ ડિવિઝન આવે તે માટે.”

“એના માટે તારે બાધા રાખવાની શી જરુર છે? એ તો તને બાધા વગર પણ મળી જશે.”

“પાગલ છે અમારી દીકરી!”

પુસ્તક બંધ કરી ચંદ્રાવતી બહાર વરંડામાં આવી. જોયું તો શેખર માળીના છોકરા સાથે ગિલ્લી દંડો રમવામાં મશગુલ હતો. નજીક શેતુરના ઝાડને ટેકીને જામુની ખડી હતી.

“સેખર ભૈયા, હમેં ભી સિખા દો ના, ગુલ્લી ખેલને;” જામુની આર્જવતાથી શેખરને વિનવી રહી હતી.

“ચલ, હટ! લડકિયોંકો ગુલ્લી દંડા ખેલના નહિં સિખાયા જાતા,” શેખરે જવાબ આપ્યો.

***

જાનકીબાઈ સાંજની રસોઈની તૈયારીમાં પડ્યાં હતાં. ચંદ્રાવતીએ બાથરુમમાં જઈ હાથ-મ્હોં ધોયાં અને વાળ સરખા કર્યા. પાઉડર-કંકુ લગાવી, કબાટમાંથી લિંબોળી રંગની નાજુક બૂટાંવાળી ચંદેરી સાડી પહેરી પૂજાઘરમાં ગઈ અને હાથ જોડીને ઉભી રહી. 

દીકરીની સપ્રમાણ શરીરયષ્ટિને રસોડામાંથી નીરખતાં જાનકીબાઈએ મનોમન મુંબઈથી તેમનાં ભાઈએ મોકલાવેલ મુરતિયાઓનાં લિસ્ટમાંથી એક પછી એક માતબર છોકરા સાથે તેની જોડી ગોઠવવાનું શરુ કર્યું.

પ્રાર્થના પૂરી કર્યા બાદઆંખ ખોલીને ચંદ્રાવતીએ જોયું તો જાનકીબાઈ તેની તરફ એક ટસે જોઈ રહ્યાં હતાં.

“બા, આમ શું જોઈ રહી છે? તૈયાર થઈ જા. આપણે ગણેશ બાવડી જવું છે ને?”

“તું જ જઈ આવ બાલકદાસ સાથે. દર મંગળવારે ત્યાં જવું મને કેમ ફાવે? આવી આલતુ ફાલતુ માનતા રાખવાની શી જરુર હતી? આપણા પૂજાઘરમાં છે તે ગણપતિની માનતા રાખવી હતી ને? ઘરના અને બાવડીના ગણેશજીમાં શો ફેર છે?”

“પણ બા, તે દિવસે પંડિતજીએ નહોતું કહ્યું કે મારી કુંડલીમાં મંગળનો બહુ તેજ કુપ્રભાવ છે, તેથી બાવડીવાળા ગણેશજીનું વ્રત રાખ?”

“લે, કર વાત! મને કહે જોઉં કે પરીક્ષાને મંગળ સાથે કશી લેવા દેવા હોય છે? મંગળનો સંબંધ તો લગન સાથે હોય.”

“એ જવા દે. હવે પછી તું કહીશ તેમ કરીશ.”

“લગન માટે તારે ગણેશજીનાં વ્રત કે બાધા રાખવાં હોય તો ભલે, પણ પરીક્ષાને આટલું બધું મહત્ત્વ આપવાની જરુર નથી. ફર્સ્ટ ડિવિઝન મળે કે ન મળે, આપણે ક્યાં ઘોડા પર સવાર થઈને જવાનું છે?”

ઘોડા પર સવાર થઈને જવાની વાત સાંભળી ચંદ્વાવતી ચોંકી ગઈ.

“તું સત્વંતીને સાથે લઈ જા,” ચિંતાયુક્ત સ્વરે જાનકીબાઈ બોલ્યાં.

“એ તો નીકળી ગયા હશે હનુમાનજીના મંદિરમાં ભજન સાંભળવા. મેં તેમને ઘણી વાર કહ્યું હતું ચાલો ગણેશ બાવડી. વનવગડામાં આવેલી વાવના પાણીમાં ઘડેલી ગણપતિની પ્રચંડ મૂર્તિ એક વાર તો જુઓ, પણ એ આવ્યાં જ નહીં.”

“આ બુંદેલાઓથી તો તોબા! એમને બુદ્ધિદાતા દેવ ગણેશજીની મહત્તા ક્યાંથી હોય? સદીઓ પુરાણી વાવ, આજુબાજુ ઘનઘોર જંગલ છે પણ વાવનું પાણી કાચ જેવું સ્વચ્છ! અત્યાર સુધી કાવડની કાવડ ભરીને વાવનું પાણી રાજમહેલમાં જતું. હવે જાય છે કે નહી, રામ જાણે!”

જુની વાવના પાણીમાં ઘડેલી ગણેશજીની મૂર્તિ ખરેખર ભવ્ય અને અદ્ભૂત હતી. લાલ પત્થરમાં કંડારાયેલા ગણેશજીના મુકુટની કલગી વાવના કાંઠાને અડતી હતી. ગળામાં ગુંથાયેલા હારની લડી, હીરા કંઠી, હાથે – પગે સિંધિયા-શાહી કંકણ અને પગમાંના કડલાંનું શિલ્પકામ ઝીણવટભર્યું હતું. ગણેશજીએ પહેરેલા પીતાંબરની કિનાર, કમર પર પીતાંબરમાં પાડેલી પાટલી અને તેની ગડીઓ પાણીમાંથી પણ સ્પષ્ટ રીતે દેખાતી હતી. આ દૃશ્યને અંતર્દૃષ્ટિ સામે લાવી જાનકીબાઈએ કહ્યું, “આ બુંદેલાઓને શિલ્પકળાની અને વિદ્યાદાતા ગણેશની મહત્તાની શી પડી છે? એમને તો બસ, રામલીલા અને રાધા-કૃષ્ણનાં રાસ ભજવાતાં જોવા મળે એટલે પત્યું. એટલે જ તો આ લોકો પછાત રહ્યા છે!” 

બાનું સ્વગત વક્તવ્ય સાંભળતાં સાંભળતાં ચંદ્રાવતીએ પૂજાની તૈયારી પૂરી કરી અને બોલી, “બા, મને મોડું થાય છે. હું તો આ નીકળી.”

“બાલકદાસ,” જાનકીબાઈએ સાદ પાડ્યો, “જીજીસાહેબની સાથે ગણેશબાવડી જા તો! અને સાંભળ, બાવડીના પાણીને અડકવાનું નથી, સમજ્યો?”

“મો કો ટેમ કિતૈ?” સિકત્તરે જવાબ આપ્યો, “બડી માલકિન, આપ જ કહો, હું ભેંસ ક્યારે દોહું? અને બંગલામાં લોબાનનો ધૂપ નહી કરું તો રાતે મચ્છર ચાવી ખાશે સૌને. પછી મંદિરમાં દર્શન કરવા અને રામકથા સાંભળવા ક્યારે જઉં?”

“આ…હા…રે સિકત્તર! જાતનો આહિર છે, પણ દિમાગ બામણ-ભટ્ટ કરતાં પણ ચઢી જાય એવો છે!”

“રહેવા દે, બા. મારું કામ કરવામાં એનો હંમેશા જીવ જાય છે. હું જામુની – મિથ્લાને લઈને ચાલી પડીશ.” હિંદીનું ‘ચલ પડુંગી’નું માતૃભાષામાં ભાષાંતર અનાયાસ થયું તેનો કોઈને ખ્યાલ ન રહ્યો! તેણે સત્વંતકાકીને ઘેર જઈને જોયું તો ત્યાં કોઈ નહોતું. બાધામાં ભંગ ન પડે તેથી તે સત્વંતકાકીના ઘર પાછળની કાચી સડક પરથી નીકળીને એક તંદ્રામાં તે ગણેશ ટેકરી ચઢવા લાગી.


કેપ્ટન નરેન્દ્ર ફણસેનું વિજાણુ સંપર્ક સરનામું:  captnarendra@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.