સાયન્સ ફેર : ‘ક્રિસ્પર’ : એક એવી શોધ જે આનુવંશિક રોગોથી મુક્તિ અપાવશે!

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

“જો ચુનીયા નીચુ જો.”

આ વાક્યની ખાસિયત શું છે, કહી શકો? થોડી મગજમારી કરશો તો સમજાશે કે આ વાક્ય ડાબેથી જમણે વાંચો કે જમણેથી ડાબે વાંચો… બન્ને વખતે એનો અર્થ એક જ થાય છે! આ પ્રકારના વાક્યો કે શબ્દો કે નંબરોની ગોઠવણીને ‘પેલીનડ્રોમ’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે શબ્દ રમત દ્વારા ગમ્મત મેળવવા ખાતર આવા પેલીનડ્રોમ મમળાવતા હોઈએ છીએ. દા.ત. “લીમડી ગામે ગાડી મલી.” પેલીનડ્રોમિક વાક્યરચનામાં શબ્દોની ગોઠવણીનું જ મુખ્ય મહત્વ છે. જો શબ્દો જરા પણ આઘા-પાછા થાય કે એમની ગોઠવણીમાં કંઈક ઉમેરો-ઘટાડો થાય તો આખા વાક્યની મઝા મરી જાય!

આપણા ડીએનએમાં પણ આવું જ છે, જો ડીએનએની રચનામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી માહિતીઓમાં જરાસરખી ગરબડ થઇ હોય તો એ વ્યક્તિ વિના વાંકે અનેક ગંભીર રોગોનો ભોગ બની જાય! અને આથી જ આજકાલ દુનિયાભરના તબીબી સંશોધકો ‘ક્રિસ્પર’ પાછળ લાગ્યા છે. ક્રિસ્પર (CRISPR) શોર્ટ ફોર્મ છે, જેનું આખું નામ એટલે “ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલીનડ્રોમિક રિપીટ્સ”.

સરળ શબ્દોમાં કહીએ તો ક્રિસ્પર એટલે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી, ટૂંકી સાઈઝની પેલીનડ્રોમિક માહિતીઓનું ઝૂમખું. શા માટે સંશોધકો આ પેલીનડ્રોમિક ઝૂમખા પાછળ મથી રહ્યા છે? શા માટે વિજ્ઞાન જગત એને ‘નેક્સ્ટ બિગ થીંગ’ ગણી રહ્યું છે?! જાણકારો માને છે કે ‘ક્રિસ્પર’માં આવનારા વર્ષો દરમિયાન દુનિયા બદલી નાખે એટલું પોટેન્શિયલ છે! પણ આ ‘ક્રિસ્પર’ છે શું?

ક્રિસ્પર એટલે એવી એક ખાસ પ્રકારની બાયોલોજીકલ સિસ્ટમ-તંત્ર, જે મનુષ્ય સહિતના કોઈ પણ સજીવના ડીએનએમાં બદલાવ લાવી શકે. આપણું ડીએનએ પણ ચોક્કસ રીતે ગોઠવાયેલી સૂચનાઓની શ્રેણી-ઝૂમખું જ છે ને! આપણે કેટલાં ગોરા કે કાળા, લાંબા કે ઠીંગણા છીએ… એ બાબતો આપણા ડીએનએમાં ચોક્કસ રીતે ગોઠવાયેલી આ સૂચનાઓ ઉપર જ આધાર રાખે છે. આ પ્રકારના ડીએનએ આપણા શરીરના એક્કેએક કોષના કેન્દ્રમાં રહેલા હોય છે. અને માત્ર મનુષ્ય જ નહિ પણ દરેક સજીવમાં આ પ્રકારની ડીએનએ શૃંખલા જોવા મળે છે. નરી આંખે ન જોઈ શકાય એવા સૂક્ષ્મ જીવથી માંડીને ઊંચા વૃક્ષ સુધીના દરેક સજીવોના ગુણધર્મો એમના ડીએનએમાં રાસાયણિક સ્વરૂપે ગોઠવાયેલી પેલી સૂચનાઓ ઉપર જ આધારિત છે.

જે રીતે થોડા શબ્દો વ્યવસ્થિત રીતે ગોઠવાઈને વાક્ય બનાવે છે અને હજારો વાક્યો ભેગા થઈને એક પુસ્તક બનાવે છે, એ જ પ્રમાણે ડીએનએમાં અનેક રાસાયણિક સૂચનાઓ ચોક્કસ રીતે ગોઠવાઈને જે-તે સજીવના ગુણધર્મો નક્કી કરે છે.


હવે જરા વિચારો કે લેખની શરૂઆતમાં જણાવ્યું એમ કોઈ વાક્યના શબ્દો આગળ-પાછળ કરી નાખવામાં આવે, તો વાક્યનો અર્થ જ બદલાઈ જાય! એ જ પ્રમાણે ડીએનએમાં રહેલી રાસાયણિક સૂચનાઓની ગોઠવણીમાં કંઈક ગરબડ થાય, તો એ સજીવમાં કોઈકને કોઈક વિકૃતિ જોવા મળે! આપણા મનુષ્યોમાં જોવા મળતા સિકલસેલ એનીમિયા જેવા અનેક રોગો પેલી સૂચનાઓની ગોઠવણીમાં થયેલા અવાંછિત ફેરફાર, એટલે કે ગરબડને જ આભારી છે! જો મનુષ્યના ડીએનએની ગોઠવણીમાં માત્ર એક જ લેટરની ચૂક થાય તો એના કારણે આપણા રક્તકણોમાં રહેલું સ્ટ્રકચરલ પ્રોટિન નબળું પડે છે. જેના કારણે નસોમાં લોહી ગંઠાઈ જવાની તકલીફ થવા માંડે છે, ભારે દુઃખાવો થાય છે અને અમુક વાર અવયવોને ગંભીર નુકસાન પણ પહોંચે છે. કેટલાક કિસ્સામાં તો તે અકાળ મૃત્યુ સુધી દોરી જાય છે. આવા જ કિસ્સાઓમાં ક્રિસ્પર બહુ ઉપયોગી નીવડે એમ છે.

સૌથી પહેલા વાઈરસ અને બેક્ટેરીયાની વાત કરીએ. મોટા ભાગના લોકો વાઈરસ અને બેકટેરિયામાં ઝાઝો ફરક નથી સમજતા. પણ આ બન્ને સાવ જુદા છે. બેક્ટેરિયા એટલે ખાસ પ્રકારના એકકોશીય સૂક્ષ્મ જીવાણુઓ. બેક્ટેરિયા પૈકીના કેટલાક આપણા માટે બહુ ઉપયોગી પણ હોય છે. જ્યારે વાઈરસ એટલે વિષાણુ – ખાસ પ્રકારના ઇન્ફેક્ટીવ એજન્ટ જે ચેપ લગાડીને તમને માંદા પાડી શકે છે. હવે આ વાઈરસ બીજા સજીવોની સાથેસાથે બેક્ટેરિયાને પણ હેરાન કરનારા હોય છે! આ સામે બેક્ટેરિયામાં કુદરતી રીતે જ એક ખાસ પ્રકારનું એન્ઝાઈમ કોમ્પ્લેક્સ વિકસીત થાય છે, જે વાઈરસ દ્વારા ‘ચેપ’ તરીકે લગાડાયેલા ડીએનએની શૃંખલાને તોડે છે અને બિનઅસરકારક બનાવે છે! આ આખી ઘટના મિલીટરી ઓપરેશન દ્વારા ઘરમાં ઘુસેલા આતંકવાદીઓનો સફાયો કરવા જેવી જ છે. અહીં બેક્ટેરિયામાં કુદરતી રીતે વિકાસ પામતું એન્ઝાઈમ કોમ્પ્લેક્સ રક્ષકની ભૂમિકામાં હોય છે. આ એન્ઝાઈમ કોમ્પ્લેક્સ જ ‘ક્રિસ્પર’ તરીકે ઓળખાય છે. વિજ્ઞાનીઓના દાવા મુજબ હવે વિજ્ઞાન એટલું વિકસીત થયું છે કે વિજ્ઞાનીઓ આ એન્ઝાઈમ કોમ્પ્લેક્સ એવા ક્રિસ્પરને ચોક્કસ રીતે પ્રોગ્રામ્ડ કરીને બીજી કોઈ ડીએનએ શૃંખલામાં પણ ‘ઘુસાડી’ શકે છે, જેથી જે-તે ડીએનએ શૃંખલામાં રહેલી ખામીઓને ‘કાપી’ શકાય… એટલું જ નહિ, ક્યાંક જનીનિક ગોઠવણીમાં ગરબડ જણાય તો એ પણ ‘સુધારી’ પણ શકાય! (આને ‘સર્જીકલ સ્ટ્રાઈક’ કહેવાય!)

વિજ્ઞાનીઓના દાવાને સાચો માનીએ તો આવનારા એકાદ દાયકા પછી જનીનિક ખામીઓને લીધે થતી બિમારીઓ ભૂતકાળની વાત બની જશે. અત્યારે કેન્સર, સિકલસેલ એનીમિયા, અલ્ઝાઇમર્સ, એએલએસ જેવી લગભગ ૬૦૦ બીમારીઓ એવી છે જેને માટે ડિફેક્ટીવ ડીએનએ જવાબદાર છે. ક્રિસ્પર ટેકનોલોજીને કારણે આ તમામ બિમારીઓને સાજી કરી શકાશે. જનીનિક ખામીઓને કારણે થતી કેટલીક વારસાગત બિમારીઓને આવનારી પેઢી સુધી પહોંચતી અટકાવી શકાશે!

આ બધી વાતો સાચી પડે તો ક્રિસ્પરને ‘ક્રાંતિકારી મેડિસીન’નો દરજ્જો મળશે. કેમકે એના દ્વારા થનારો ઈલાજ અતિશય ઝડપી, ઓછો ખર્ચાળ અને સંપૂર્ણ પરિણામદાયક હશે. હા, કેટલાક દુષ્ટો એનો દુરપયોગ કરીને ઇચ્છિત લક્ષણો ધરાવતું ‘ડિઝાઈનર ચાઈલ્ડ’ મેળવવાની કોશિષ કરશે ખરા, પણ એમને આવો અનર્થ કરતાં રોકવા માટે સભ્ય સમાજે પૂરતી તકેદારી લેવી જ પડશે.

આખરે વિજ્ઞાન બેધારી તલવાર છે. સાચો ઉપયોગ તારે છે અને ખોટો ઉપયોગ બહુ બૂરી મોતે મારે છે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

3 comments for “સાયન્સ ફેર : ‘ક્રિસ્પર’ : એક એવી શોધ જે આનુવંશિક રોગોથી મુક્તિ અપાવશે!

 1. July 13, 2018 at 4:17 am

  ગજબનાક વાત.

 2. July 13, 2018 at 9:50 am

  अमेरीकाए जापान उपर बोम्ब जींकेल एना पछी युनो बनाववामां आवी.

  आंतकवाद अने सर्जीकल स्ट्राईक शब्द भारत पाकीस्ताननी सरहदने कारणे आपणां माटे नीयमीत बनी गया छे…

  जापान जे प्रगत्ती करी एवी पाकीस्तान के भारतमां थाय ए जरुरी छे. 

 3. Samir
  July 13, 2018 at 1:30 pm

  નવી જ વાત. ખુબ આભાર, જ્વલંતભાઈ !

Leave a Reply to vkvora2001 Atheist Rationalist Cancel reply

Your email address will not be published. Required fields are marked *