ફિર દેખો યારોં : નરી આંખે જોયેલું પણ અર્ધસત્ય હોઈ શકે

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

એક શેરીમાં ટાબરિયાં ક્રિકેટ રમી રહ્યાં છે. એવામાં બાઈક પર હેલ્મેટધારી બે યુવકો આવે છે અને રમતાં ટાબરિયાંની આસપાસ બાઈક પર ચક્કર મારે છે. પાછલી સીટ પર બેઠેલો હેલ્મેટધારી અચાનક એક ટાબરિયાને ઊઠાવી લે છે અને બાઈક પર બેસાડી દે છે. બાઈકસવારો બાઈક ભગાવી મૂકે છે અને રમી રહેલાં ટાબરિયાં તેમની પાછળ દોટ મૂકે છે.

સી.સી.ટી.વી. કેમેરામાં ઝડપાયેલી આવી દૃશ્યાવલિવાળો એક વિડીયો વૉટ્સેપ પર ફરતો હતો. તેની સાથે ચેતવણી પણ લખાયેલી હતી કે બાળકોનું અપહરણ કરનારાઓ નગરમાં ફરી રહ્યા છે. તમારા બાળકનું ધ્યાન રાખજો. સૌ જાણે છે એમ વૉટ્સેપના વપરાશકર્તાઓ જેટલી પરમાર્થની ભાવના અન્ય કોઈ પ્રજાતિની નથી. ‘વા વાયાથી નળિયું ખસ્યું’ જેવો ઘાટ થઈ ગયો અને જોતજોતાંમાં આ વિડીયો સૌ કોઈ બીજાને મોકલવા લાગ્યા. અફવાઓના બજારમાં ગરમાટો વ્યાપી ગયો. લોકો એકઠા થવા લાગ્યા. કોઈ પણ અજાણ્યા જણમાં તેમને અપહરણકર્તા દેખાવા લાગ્યા. રુકમણિ નામની 65 વર્ષીય મહિલા અને ગણેશ નામનો પુરુષ છેવટે ટોળાની ઝપટે ચડી ગયા. ટોળાએ તેમની એવી પિટાઈ કરી કે આ બન્નેએ જાનથી હાથ ધોવા પડ્યા.

આ દુર્ઘટના તમિલનાડુની છે. મે, 2018 માં એટલે કે ગયા મહિને જ તે બની. રુકમણિની હત્યા તિરુવન્નામલાઈ નગરમાં થઈ, જ્યારે ગણેશને તિરુવલ્લુવરમાં મારી નાખવામાં આવ્યો. આ વિડીયો ચેય્યરમાં કડિયાકામ કરતા વીરરાઘવને સૌને ચેતવવા માટે મોકલવાનું શરૂ કર્યું હતું. હિંદીભાષી અપહરણકર્તાઓ બાળકોને ઊઠાવી જવા માટે શહેરમાં ફરી રહ્યા છે અને તેમણે વીસેક બાળકોનું અપહરણ કર્યું છે એમ પણ તેણે સાથે લખેલું. આમ કરવાનું કારણ ‘આનંદ અને પ્રસિદ્ધિ મેળવવા’ માટેનું હોવાનું તેણે જણાવ્યું. આ સંદેશો આખા તમિલનાડુમાં પ્રસર્યો, એટલું જ નહીં, બાળકોનું અપહરણ કરનારી આખેઆખી ગેંગની તસવીરો પણ ફરવા લાગી.

હકીકતમાં આ દૃશ્યાવલિ ચેતવણીસૂચક એક આખી જાહેરખબરનો અંશ છે. કેવી છે આખી જાહેરખબર? લેખના પહેલા ફકરામાં જે વર્ણન પર વાત પૂરી થાય છે, ત્યાંથી વાત આગળ વધારીએ.

બાઈક પાછળ દોટ મૂકતાં ટાબરિયાંથી કંઈ થઈ શકતું નથી એટલે તેઓ પાછાં આવે છે. તેઓ અંદરોઅંદર વાતો કરતાં ઉભાં હોય છે એવામાં પેલા બાઈકસવારો પાછા આવે છે. પોતે લઈ ગયેલા છોકરાને તેઓ ત્યાં જ ઊતારે છે. બાળકને ઊતાર્યા પછી પાછળ બેઠેલો સવાર પોતાના હાથમાંનું એક છાપું કેમેરા સામે ધરે છે, જેમાં લખ્યું છે: ‘કરાચીની શેરીઓમાંથી તમારા બાળકનું અપહરણ થતાં ક્ષણભર જ લાગે છે.’ આ દૃશ્ય પછી સંદેશો લખાયેલો આવે છે: ‘કરાચી, પાકિસ્તાનમાં દર વરસે 3,000 થી વધુ બાળકો ગુમ થાય છે. તમારા બાળક પર નજર રાખો. ગુમ થયેલાં બાળકોને શોધવાના પ્રયત્નોમાં ‘રોશની’ને મદદ કરો.’

આમ, આખો વિડીયો જોતાં દીવા જેવું સ્પષ્ટ થઈ જાય છે કે ‘રોશની’ નામની પાકિસ્તાનસ્થિત સંસ્થાએ જનહિતમાં આ જાહેરખબર તૈયાર કરી છે. કોઈ અન્ય દેશમાં જનહિત માટે પ્રસારિત કરાયેલી જાહેરખબર કલ્પના ન આવે એ રીતે સાવ અજાણ્યા લોકોના અહિતમાં નિમિત્ત બની ગઈ. ટેકનોલોજીનું આ નકારાત્મક પાસું છે અને એ રહેવાનું જ, કેમ કે, ટેકનોલોજીનો ઊપયોગ તેના વપરાશકર્તા પર નિર્ભર છે. વપરાશકર્તાનો માનસિક વિકાસ ગોકળગાયની ગતિએ થતો લાગે. તેની સરખામણીએ ટેકનોલોજી હનુમાનકૂદકો લગાવતી હોય છે. આનો કોઈ ઊપાય ખરો કે નહીં?

એ સાદી સમજણની વાત છે કે કોઈ પણ સમસ્યાના ઊપાય માટે સૌથી પહેલાં જે તે સમસ્યાનો સ્વીકાર કરવો. કેરળના કન્નૂર જિલ્લા પ્રશાસને આ મામલાને પૂરી ગંભીરતાથી લીધો અને તેને અનુરૂપ પગલાં ભરવાનું નક્કી કર્યું. આ વિસ્તારમાં અગાઉ પણ અનેક વાર વોટ્સેપ કે ફેસબુકના માધ્યમ થકી અફવાઓ પ્રસરી હતી. આ મહિનાથી પ્રશાસને કન્નૂરની દોઢસો સરકારી શાળાઓના શિક્ષકોને સાંકળીને એક કાર્યક્રમ શરૂ કરવાનું આયોજન કર્યું, જેનું નામ છે ‘સત્યમેવ જયતે.’ આ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો આઠમા ધોરણથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તાલિમ આપશે. ખોટા સમાચાર કે માહિતીને શી રીતે ઓળખવા, સનસનાટીખેજ સમાચારોનું આકર્ષણ અને ‘ફિલ્ટર બબલ’ (વેબસાઈટ દ્વારા ઈચ્છિત બાબત જ દર્શાવાય એવી સ્થિતિ) ની વિભાવના તેઓ ઉદાહરણ સહિત વિદ્યાર્થીઓને સમજાવશે. બંધારણના પરિચ્છેદ (એ) (એચ) ના હાર્દને અનુરૂપ વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ તેમજ પૂછપરછ તથા સુધારાનું વલણ વિકસાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. દેશભરમાં પ્રસરી રહેલાં અનેક પ્રકારનાં જૂઠાણાં બાબતે વિદ્યાર્થીઓ સાવધ બને, સતર્ક બને, શંકાશીલ બને અને તેની પૂરતી ચકાસણી કરીને તેને આગળ વધતાં અટકાવે એ રીતે તેમને તૈયાર કરવામાં આવશે.

એક કલાકના આ વર્ગમાં આવા જૂઠા સમાચાર સાથે શી રીતે કામ પાર પાડવું તેની પદ્ધતિ સૌને સમજાવવામાં આવશે. સૌ પ્રથમ તો માહિતીનો સ્રોત ચકાસવો, જે વ્યક્તિએ આ માહિતી મોકલી હોય તેને સ્રોત બાબતે પૂછવું, તેને જાણ ન હોય તો સ્રોતના આધાર સાથે જ માહિતી મૂકવા જણાવવું- આવી એક સર્વસામાન્ય અને મૂળભૂત કાર્યપદ્ધતિ અપનાવવી. વિદ્યાર્થીઓ ગૂગલ પર આ ચકાસી શકે, પણ ગૂગલની માહિતીને યથાતથ સ્વીકારી લેવાને બદલે હિન્દુ, ઈન્‍ડિયન એક્સપ્રેસ, માતૃભૂમિ, મલયાલમ મનોરમા જેવાં અગ્રણી અખબારોએ એ વિશે કશું લખ્યું છે કે કેમ એ જોવું. સમાચારની ગમે તે વેબસાઈટ પરથી લેવાયેલી માહિતીને પણ ન માનવી. આ બાબત ખરેખર તો સાવચેતી કરતાંય વધુ તો સામાન્ય બુદ્ધિને લગતી છે. તેમાં કંઈ મોટી ધાડ મારવાની નથી. પણ આવા અભિગમના અભાવે વાત એ હદે પ્રસરે કે કોઈ પોતાના જાનથી હાથ ધોઈ બેસે ત્યારે ખ્યાલ આવે કે સામાન્ય બુદ્ધિ હોવી એ અસામાન્ય બાબત છે.

આ પહેલ કરવા બદલ કન્નુર પ્રશાસન અભિનંદનને પાત્ર છે. પણ આ સમસ્યા માત્ર કન્નૂર પૂરતી મર્યાદિત નથી. આવા અનેક કિસ્સાઓ દેશભરના વિવિધ ભાગમાં તાજેતરમાં બન્યા છે. વિદ્યાર્થીઓને આ બાબતે તાલિમ આપવામાં આવે છે એમ તેમનાં માવતરને પણ તાલિમબદ્ધ કરવાની જરૂર છે. આવા બનાવો એ સત્યને વારંવાર પુરવાર કરે છે કે જીવનમાં વિજ્ઞાન વણાયેલું હોય તેનાથી કંઈ વૈજ્ઞાનિક અભિગમ પેદા થતો નથી. ખરી જરૂર વૈજ્ઞાનિક અભિગમ પેદા કરવાની છે, પણ જે રીતે બાબાઓનાં રજવાડાં આપણા દેશમાં ફૂલ્યાંફાલ્યાં છે અને તેમને રાજ્યસત્તાનું સમર્થન પ્રાપ્ત થતું આવ્યું છે એ જોતાં આવી આશા રાખવી એ પણ દેશદ્રોહ ગણાય તો નવાઈ નહીં!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૭-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

2 comments for “ફિર દેખો યારોં : નરી આંખે જોયેલું પણ અર્ધસત્ય હોઈ શકે

  1. July 12, 2018 at 3:58 pm

    માહિતી સભર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *