





– વલીભાઈ મુસા
(અછાંદસ)
બિચારા એ કાકા,
હાથવણાટની સાડીના લઈ તાકા,
બાંધે પોટલું અને કરી ખભે ફેરી ફરે, વજને એ ચાલતા વાંકા,
રોજીરોટીનો તકાજો જ તો, ફેરી ન કરે તો ઘરમાં થાયે સૌને ફાકા! (૧)
ઉધાર મળે માલ,
ગામડે ઉધારીએ કરે વેપારે માલનો નિકાલ,
સમય જાય તેમ સરવૈયું થતું જતું હતું બેહાલ,
અને એક દિવસે તો ઘરે સ્વૈચ્છિક નજરકેદ થવાનો થયો તાલ! (૨)
દિવસભર થઈ ઘરચકલી,
ન નીકળે બહાર, હાલત થઈ શર્મિલી,
જાજરૂએ પણ જાય વગડે વેળા લઈ મોડીવહેલી,
ચિંતા થકી બળે લોહી દિનરાત, ન જડે કો’ માર્ગ, જીવન બન્યું એક પહેલી! (૩)
ગૃહપાડોશી હમઉમ્ર ચલતાપુરતા,
કહી સંભળાવે ગામ અને દુનિયાભરની નવાજૂનીની વારતા,
એકદા કહ્યું કે એક વેપારીએ ફૂંક્યું લાખોનું દેવાળું અને લેણદારોને કર્યા ફરતા,
કાકા ‘અરરર!’ ઉદગારે વિમાસે,‘હાય, બાપડો શેં ઊંઘતો હશે! કેવાઆબરૂના ફજેતા!’ (૪)
એક વહેલી સવારે તારંગા લોકલે,
જઈ પહોંચ્યા કાકા પૂછતા પૂછતા એ વેપારીને ત્યાં જે ઝૂલતો હિંડોલે!
’બોલો કાકા, ક્યમ આવવું થિયું?’, ‘દિલાસો આપવા કાજ કે તમારી શી હશે વલે?’
‘છાપું વાંચીને આવ્યા લાગો છો! પણ આપણે સગું શું?’,‘આવ્યા સમદુખિયાના સગલે!’ (૫)
‘તમે કેટલાનું ફૂંક્યું, કાકાજી?’
‘અમારે તો ફૂંક્યું નોં કહેવાય! ‘થયું’ કહેવાય, ફેરીએ દેવું થયું, હાજી!
વળી એ પણ પૂરા પાંચસોનું! જન્મારેય ન વળે! તમારા હિસાબે તો જાણે મૂળાભાજી!
અમે આવ્યા, અમારી આવી હાલત તો તમારા શા હશે હાલ? અમારો જીવ બળ્યો જી!’ (૬)
‘તમે મારી ખબર કાઢવા આવ્યા, આભાર!
પણ, દેવા અને દેવાળામાં ફરક ઘણો! તમે દેવાદાર, હું નાદાર!
દેવું થાય ધીમે ધીમે, દેવાળું ફુંકાય રાતોરાત; દેવાદાર ખિસ્સે ખાલી, દેવાળિયો માલદાર!
પાંચસોનું દેવું ભરો અને પાંચસોથી શરૂ કરો ફેરી, સ્વીકારો પ્રેમે તો આપું નગદ હજાર!’ (૭)
‘ભલું થજો આપનું, માન્યવર!
જો આપ સ્વીકારો મારી શરત, તો જ સ્વીકારું રૂપિયા હજાર,
શરત એ કે એ ન હોય જો દાન, ભીખ કે બક્ષિસ અને હોય જો તે વ્યાજમુક્ત જ જર,
તો સ્વીકારું પ્રેમથી, પેટે પાટા બાંધી ઋણ અદા કરીશ, ન ખપે મફતનું, મરવું બહેતર!’ (૮)
‘ધન્ય છે કાકા આપને ને ધન્ય છે આપના ઈમાનદારીના વિચાર,
મુજ આંખ ખોલી, સઘળું વેચીશ, જરૂર પડ્યે મુજ જાત વેચીશ, આપનો આભાર!
પાઈપાઈનું કર્જ ચુકવીશ, હરામની એક પાઈ પણ રાખવી હું હરામ સમજીશ, માન્યવર!
વીનવું આપને, નવેસરથી એકડો ઘૂંટીએ સાથ થૈ, થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’ (૯)
* * *
સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો
બીચારા કાકાથી શરુ કરેલ વાર્તા વહેલી સવારે તારંગા લોકલ પકડી ને દેવાદાર અને દેવાવાળા ભેગા થયા…
ખરેખર અંતમાં બધાને ધન્ય છે… અંતમાં જ મજા મોજ હોય છે…
આમ લોક સુધરે ખરા? વાલ્મિકી તો ગયા !