વાર્તામેળો – ૨ : દાદા – દાદી અને હું

Facebooktwitterredditpinterestlinkedinmail

શાહ રિયા

શાળા- દિવાન બલ્લુભાઈ શાળા, કાંકરિયા

મારું નામ રીયા. હું મારા દાદા, દાદી, મમ્મી, ડેડી તથા મારો નાનો ભાઈ એ અમારું કુટુંબ.

બધાં દિવસે પોતાના કામે જાય. પરંતુ બધાં રાત્રે સાથે બેસીને વાતો કરીએ. આમેય બધાંને બોલવાની તથા વાતો કરવાની ટેવ એટલે ઘર ભર્યું ભર્યું લાગે. વળી દાદા-દાદીની બહેરાશને હિસાબે રમૂજ પેદા થાય એ અમે બધાંય માણીએ.

ચાલો, આપણે આવાં કેટલાંક રમૂજભર્યાં પ્રસંગો માણીએ.

એક દિવસ સાંજે દાદા બહારથી થાકીને આવ્યા દાદાએ દાદીને કહ્યું કે,“પાણી આપોને પાણી.” તો દાદીએ થોડા લાડથી છોડું છણકીને કહ્યું કે,“રાણી? રાણી રાણી શું કરો છો? હવે તો ઘરડાં થયાં તમને શરમ નથી આવતી?” તો વળી દાદા કહેવા લાગ્યા કે,“શું કરમ? મેં કશું કરમ નથી કર્યું.” તો વળી દાદી બોલ્યા, “હવે ધરમ કરવાનો સમય છે. ધરમ કરો ધરમ.” પછી મેં બંન્નેને બોલતાં બંધ કર્યા. દાદાને મેં પાણીનો ગ્લાસ આપ્યો અને દાદીને સમજાવ્યું કે દાદા તો પાણી માગતા હતા, એટલે દાદી હસી પડ્યા.

એક દિવસની વાત છે. સાંજે હું શાળાએથી ઘરે આવી એ જોઈને દાદાએ દાદીને કહ્યું કે, “ રીયા આવી.” તો વળી દાદી દાદાને પૂછવા લાગ્યા,“મિયા? કયા મિયાભાઈ? પેલા ફરીદભાઈ? કયા છે?” તો દાદાએ દાદીને કહ્યું,“અરે ! જીયા નહિ રીયા ! રીયા !” તો દાદી કહેવા લાગ્યા,“ઠીક ઠીક તો હિયા આવી છે? રિયાની બહેનપણી હશે. સારું સારું. બંને સાથે બેસીને લેસન કરશે.” પછી ધીમે રહીને દાદીને મેં પાછળથી બાથ ભરી એટલે દાદી સમજી ગયા કે હું આવી છું.

એકવાર દાદાના મિત્ર દાદાને મળવા ઘેર આવ્યા. બંને વાતો કરતાં બેઠાં. દાદા તેમના મિત્રની ખબરઅંતર પૂછવા લાગ્યા કે, “તબિયત તો સારી છે ને?” તો વળી દાદાના મિત્ર પણ દાદા જેવા જ. તેમણે પૂછ્યું, “ખારી? ખારીનો નાસ્તો? ના, ના, નાસ્તો ન કાઢશો.” દાદા આ સાંભળીને કહેવા લાગ્યા કે,“રસ્તો કાઢું? શાનો રસ્તો કાઢવાનો છે? કોઈ મુશ્કેલી આવી છે. રસ્તો તો ચપટીમાં મળી જાય.” તો તેમના મિત્ર કહેવા લાગ્યા,“અલ્યા ! કપટી મળી જાય? ના ભાઈ ના, આપણે વળી કપટીનું શું કામ છે?”

વળી દાદાએ બીજી વાત પૂછી,“તમારી દવા કેમ ચાલે છે ?” તો દાદાના મિત્ર કહે, “અલ્યા, હવાફેર ! હવાફેર કરવા ક્યાં જવું? આ ઉંમરમાં ! આ પગ ચાલે નહીં ને !” તો વળી દાદા ઉત્સાહમાં આવી કહેવા લાગ્યા,“મગ સારા હોં ! મગ તો ખાવા જ જોઈએ. પેલી કહેવત છે ને? મગ ચલાવે પગ.”

ચાલને આપણે ફિલ્મ જોવા જઈએ. તો તેમના મિત્ર દાદાને કહેવા લાગ્યા,“ભાઈબંધ ! ચિલમ પીવા જવાની વાત ક્યાં કરે છે ? મેં તો ચિલમ પીવાની ક્યારની છોડી દીધી છે.” તો દાદા વળી શું સમજ્યા કે તેમના મિત્રને પૂછવા લાગ્ય,“અલ્યા, કઈ બોડીની વાત કરે છે? પેલી સવિતા બોડીની?” દાદાના મિત્રએ જરા સંકોચથી કહ્યું, “ભાઈ કવિતા તો હવે હું લખતો જ નથી બહુ લખી જવાનીમાં.”

આમ તેમનો સંવાદ ચાલતો રહ્યો ચા-પાણી, નાસ્તો થતો રહ્યો અને અમે મલક મલક હસતાં રહ્યાં.

મારું ફ્રોક જરા ઉકેલાઈ ગયું હતું, એટલે મેં દાદીને કહ્યું કે, “દાદી ! મારું ફ્રોક સાંધી દોને !” તો દાદી મને કહેવા લાગ્યા, “બેટા, શું બાંધી આપું?” એટલે દાદીને મેં ફરી કહ્યું કે,“દાદી, બાંધી નહિ, સાંધી આપો.” તો દાદી વહાલથી મને કહેવા લાગ્યા, “હા, બેટા રાંધી દઉં હોં !” પછી મેં તો ફ્રોક અને સોંયદોરો લાવીને તેમના હાથમાં આપ્યા ત્યારે મારું ફ્રોક દાદીએ સાંધી આપ્યું.

એકવાર દાદી છાપું વાંચતાં બેઠા હતા. અને દાદા તેમની જોડે બેઠા હતા. દાદી વાંચતાં વાંચતાં દાદાને કહે છે, “મને આ મેટર સમજાવોને”. તો દાદા દાદીને થોડો ઠપકો આપી કહેવા લાગ્યા, “લેટર ? હવે તારે કોને લેટર લખવો છે ? લખવાનો હતો ત્યારે મને લખ્યો નહિ.” તો વળી દાદી દાદાને કહેવા લાગ્યા, “અરે ! હું વેતરવાનું નથી કહેતી. હું તો મેટર સમજાવવાનું કહું છું.” અંતે મારી મમ્મીએ આવીને બંન્નેની વાતનું સમાધાન કર્યું.

મારા નાના ભાઈનું નામ વિહાન છે. તે સાત મહિનાનો છે. એક વખત મારી મમ્મીએ દાદી પાસે વિહાનની ગોદડી માગી,“મને વિહાનની ગોદડી આપો ને !” તો દાદી થોડા ગુસ્સે થઈ મમ્મીને કહેવા લાગ્યા કે વિહાનની મોજડી ? હવે અત્યારથી મોજડીની શું જરૂર છે? વળી દાદી દાદાની સામું જોઈને કહેવા લાગ્ય,.” વિહાનનું શું જડી આવ્યું? ગરમ બંડી ?” તો દાદી થોડી ખિજાઈને દાદાને કહેવા લાગ્યા, શું તમેય તે ! ચડ્ડી ચડ્ડી કરો છો ? હું તો મોજડીની વાત કરતી હતે.

આમ વાત ચાલતી રહી અને મેં જ વિહાનની ગોદડી લાવીને મમ્મીને આપી દીધી.

એક દિવસ નિશાળેથી ઘેર આવી મેં દાદીને કહ્યું, “દાદી ! દાદી ! આજે તો મિત્રા આવશે.” તો દાદી મને સહાનુભૂતિથી કહેવા લાગ્યા, “ચિત્ર ? ચિત્ર દોરવાનું છે બેટા ? લાવ, તને મદદ કરું. “ મેં દાદીને કહ્યું, “ચિત્ર નહિ પણ મિત્રા આવવાની છે.” દાદીને સમજાયું નહિ ને દાદી માથું હલાવતા રહ્યા.

પરીક્ષાનો સમય હતો. પરીક્ષાની તૈયારી કરવામાં દાદી મને મદદ કરે. એકવાર દાદીને મેં કહ્યું, “દાદી, મને આ “સાબરકાંઠાનો પ્રવાસ” પાઠ સમજાવોને. તેમાં દરિયાની વાત આવે છે, તે વિશે સમજાવો.” તો દાદી કહેવા લાગ્યા,“બેટા ! સાબરકાંઠાનો પ્રવાસ ? સાબરકાંઠા જિલ્લાને તો દરિયા કિનારો જ નથી.” એટલે દાદીને ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી પાઠ કાઢીને આપ્યો એટલે દાદીએ મને સમજાવ્યો.

એકવાર મારા ડેડી મોડા આવ્યા તો દાદાએ સ્વાભાવિક પૂછ્યું, “બેટા, કેમ મોડું થયું ? તો ડેડીએ જવાબ આપ્યો, મિટિંગ હતી.” તો દાદા આતુરતાથી પૂછવા લાગ્યા, “ફિટિંગ ? ઑફિસમાં શાનું ફિટિંગ કરાવ્યું ?” તો વળી દાદી આ વાત સાંભળતા હતા તે કહેવા લાગ્યા, “એ તો કટિંગનું કહે છે. શું તમેય તે ! ચિટિંગ ચિટિંગ કરો છો ?”

અમે બધાંય ખડખડાટ હસી પડ્યાં એટલે દાદા-દાદી પણ અમારી સાથે હસી પડ્યાં સમજી ગયાં કે દર વખતની જેમ આજે પણ કંઈક રંધાયું છે.

હું જ્યારે કોઈક વાર દાદા સાથે બેઠી હોંઉ તો દાદા મારી સાથે ગમ્મત પણ કરે. એક દિવસ દાદા કહે, રીયા તને ખબર છે ? ટાઈગર ડેઝર્ટ એટલે શું ? મેં દાદાને કહું કે ના તમે જ કહો ને ! તો દાદા મને કહે કે,“બોલ ટાઈગરનું ગુજરાતી શું થાય?” હું કહું કે વાઘ અને ડેઝર્ટનું ગુજરાતી શું થાય ? તો કીધું કે રણ. પછી દાદા કહે, “સારું હવે બંને ભેગું કર.” હું ખડખડાટ હસી પડી.

વળી કહે તને ખબર છે ? જામનગરની વાત. મેં કહ્યું, ના દાદા. દાદા કહે સાંભળ. “ત્યાં જાત જાતના જામ મળે છે. એટલે જામનગર.” બોલ તને રાજકોટની ખબર છે ? મેં કહ્યું, ના તમે જ કહોને, દાદા. દાદા કહે, “રાજા કરે રાજ અને દરજી સીવે કોટ એટલે રાજકોટ.” વળી કહે “ભાવનગરમાં વ અને ન આગળ પાછળ લખાઈ જાય તો શું થાય ?” મેં કહ્યું,“દાદા એ તો ભાનવગર થઈ જાય.” દાદા કહે, “રીયા તને સમજાયું ? તું ભાન વગરની, તું ભાન વગરની”. પછી તો હુંય દાદા ઉપર ખોટું ખોટું ખીજાવા લાગી.

અમારા ઘરમાં આમ જ ચાલતુરહે. ઘરમાં રમૂજના અનેક પ્રસંગો ઊભા થતા રહે અને ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જામતુ રહે.


૨૦૧૮ની સ્પર્ધાની  વાર્તા


‘વાર્તા મેળો’ સ્પર્ધાનું આયોજન દર્શા કિકાણી આત્મન ફાઉન્ડેશન, અને વિચારવલોણું પરિવાર, અમદાવાદ તેમ જ પ્યોરિટી ફ્લેક્ષ લિ., વડોદરા,ના સહયોગથી કરે છે.

2 comments for “વાર્તામેળો – ૨ : દાદા – દાદી અને હું

 1. July 9, 2018 at 9:09 pm

  સરસ મઝાની વાતો. ગમી.

  • Darsha Kikani
   July 10, 2018 at 7:10 pm

   Thank you very much! I will convey your message to the young writer.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *