મંજૂ ષા – ૧૩ – અસુરક્ષાનો ભાવ એક પ્રકારની કેદ છે

Facebooktwitterredditpinterestlinkedinmail

વીનેશ અંતાણી

હાઇસ્કૂલમાં ભણતો મહેશ વર્ગમાં અંગ્રેજીના શિક્ષકની હાજરી માત્રથી પોતાને અસુરક્ષિત અનુભવતો હતો. ખાસ કારણ પણ નહોતું. શિક્ષકનો અવાજ મહેશના મોટા કાકા જેવો હતો. મોટા કાકા મહેશને ઘરમાં કારણ વિના અપમાનિત કરતા. ક્યારેક થપ્પડ પણ મારતા. અંગ્રેજીના શિક્ષક અને કાકાના ઘાંટા જેવા અવાજ વચ્ચેની સામ્યતાને લીધે મહેશ એમના પિરિયડમાં સહજ રહી શકતો નહોતો. શિક્ષક મહેશને કોઈ સવાલ પૂછે ત્યારે જવાબ આવડતો હોય છતાં મહેશની જીભ લોચા વાળતી. બીજા કોઈ પણ શિક્ષકના પરિયડમાં મહેશ દરેક સવાલનો જવાબ આપવા તત્પર રહેતો. એને નિષ્ફળતાનો ભય લાગતો નહીં.

બાર વરસના લગ્નજીવન પછી પણ સવિતા સતત ફડકમાં જીવે છે કે એનો પતિ કોઈ બહાનું બનાવીને એને છોડી દેશે. તે માટે સવિતા પોતે જ કારણોની કલ્પના કરે, પછી એને સાચી માની લે. એનો પતિ ઑફિસની સહકાર્યકર મહિલા સાથે સંબંધ ધરાવે છે અથવા એમને સંતાનોમાં બે દીકરી છે, દીકરો નથી તે કારણે પતિ નારાજ રહે છે. એ થોડા દિવસ માટે પણ પિયર કે બીજે કશેક જતી નથી. એને લાગે છે, એ ઘરમાંથી બહાર જશે તો પાછા ફરવાના દરવાજા બંધ થઈ જશે. સવિતા ત્રણ વરસની હતી ત્યારે એના દારૂડિયા પિતાએ એને આખી રાત ઘરમાંથી બહાર ઊભી રાખી હતી.

ચાળીસ-બેતાળીસ વરસનો રમણ ભયાનક પ્રકારની અસુરક્ષામાં જીવે છે. એને નોકરીમાં સલામતી લાગતી નથી, બસ-ટ્રેન-રિક્ષામાં બેસતાં અકસ્માતનો ભય લાગે છે. એ ઑફિસથી આવે પછી મોટે ભાગે ઘરમાં ભરાઈ રહે છે અને ઘરની બારીઓ બંધ જ રાખે છે.

અસુરક્ષાનો ભાવ ધરાવતા કેટલાય લોકોનાં ઉદાહરણ આપણી આસપાસ જોવા મળશે. પોતાના ક્ષેત્રમાં સારી એવી સફળતા મેળવી હોય છતાં ઘણા લોકો પોતાને અસુરક્ષિત માને છે. એમનામાં આત્મવિશ્ર્વાસની કમી હોય છે. તેઓ એમની પરિસ્થિતિ વિશે અચોક્કસ મનોદશા ધરાવે છે. તેઓ કોઈનો ને કોઈનો સહારો અને સંરક્ષણ ઝંખે છે. એમના વિચારોમાં નકારાત્મકતા હોય છે. પહેલ કરવાની ઇચ્છા મરી પરવારી હોય છે. તેઓ કોઈ પણ વિચાર કે વાત રજૂ કરવાની હિંમત કરતા નથી. એમને પ્રથમ પગલે જ બીજા દ્વારા નકારનો ડર લાગે છે.

માનસશાસ્ત્રીઓ કહે છે તેમ માણસમાં છુપાયેલી અસુરક્ષાની લાગણી એનાં વ્યક્તિત્વ, વાણી-વર્તન અને જીવન પ્રત્યેના અભિગમ પર ઊંડી અસર પાડે છે. તેઓ હંમેશાં જાતને ટીકાત્મક દૃષ્ટિથી જુએ છે. મનોચિકિત્સક લિસા ફાયરસ્ટૉન કહે છે તેમ જાત પ્રત્યે નકારાત્મક ટીકાના વલણ પાછળ નાનપણમાં થયેલા કષ્ટદાયક અનુભવો મુખ્ય ભાગ ભજવે છે. હડધૂત થયેલાં બાળકો એનાં શિકાર બને છે. ઘણાં માતાપિતાને સંતાનોની કોઈ પણ બાબત સ્વીકાર્ય લાગતી નથી. તેઓ અજાણપણે સંતાનોની ટીકા કર્યા કરે છે અને બાળકોને પોતાની જાતે કશુંય કરવાની મોકળાશ આપતાં નથી. સંતાનોનોના યોગ્ય ઉછેરની સલાહ આપતા અભ્યાસીઓ બાળકમાં સલામતીની લાગણી જન્માવવા પર ભાર મૂકે છે. બાળકને વિશ્ર્વાસ બેસવો જોઈએ કે એ કોઈ પણ સમયે, કોઈ પણ પરિસ્થિતિમાં સલામત છે.

કેટલીક વ્યક્તિઓ એમના કામની જગ્યાએ પૂરી સલામતી અનુભવતા હોય, પરંતુ અંગત જિંદગીમાં અસલામતી અનુભવતા હોય. એથી વિપરિત સ્થિતિ પણ હોઈ શકે. ઉંમરની સાથે અસુરક્ષાનો ભાવ વધતો જવાનાં અસંખ્ય દૃષ્ટાંત મળશે. નિવૃત્તિ માટે માનસિક રીતે તૈયાર ન હોય તેવી વ્યક્તિઓ નિવૃત્તિ પછી એકાએક અસુરક્ષિત બની જાય છે. મોટી ઉંમરે જીવનસાથી કે નિકટના મિત્ર-સ્નેહીજનના મૃત્યુથી પણ તે ભાવ વધારે વકરે છે. મૃત્યુની અનિવાર્યતા મોટી ઉંમરે અસુરક્ષાની લાગણીને ભયાનક બનાવે છે.

સિત્તેરના દાયકામાં પ્રવેશેલાં દંપતિના બંને પુત્રો વરસોથી વિદેશમાં વસે છે. તેઓ માતાપિતાને એમની પાસે આવી જવાનો આગ્રહ કરે છે, પરંતુ તેઓ તૈયાર નથી. એમને પરદેશમાં એકલાં પડી જવાનો ભય છે. એની સામે, વૃદ્ધ ઉંમરે સંતાનોના રક્ષણ વિના દેશમાં એકલા રહેવાની નિયતિથી તેઓ અંદરથી તૂટી ગયાં છે. એમને ચોવીસે કલાક અસલામતીનો ભય લાગે છે. ઘરમાંથી બહાર નીકળવાથી માંડીને ઘરમાં એકલાં હોવાની પરિસ્થિતએ એમને અસુરક્ષિત બનાવી દીધાં છે. ડોરબેલ વાગે કે કામવાળી ઘરમાં હોય, છાપાંવાળો-ધોબી-ટપાલી કોઈનું પણ આગમન એમને થડકાવી દે છે. એમણે કોઈને હળવામળવાનું બંધ કરી નાખ્યું છે. સંતાનો વિનાની એકલતાના ભરડા કરતાં અસુરક્ષિત હોવાની લાગણીએ એમને ચારે બાજુથી કેદ કરી નાખ્યાં છે.

વૃદ્ધાવસ્થામાં અસુરક્ષિત હોવાની લાગણી એક વાત છે, પ્રમાણમાં નાની વયે અનુભવાતી અસુરક્ષા બીજી વાત છે. કહેવાયું છે કે સુરક્ષિત ન હોવાની લાગણી આપણી અને આપણાં સપનાં વચ્ચે ઊંચી દીવાલ ચણી દે છે. મનોચિકિત્સકો કહે છે તેમ અસુરક્ષાના ભયથી આપણે નવી બાબતો માટે પ્રયત્ન કરતાં ખચકાવું જોઈએ નહીં. આત્મવિશ્ર્વાસ ધરાવો. તમને ગમતું હોય તે કામ કરો જ – અને સૌથી વધારે મહત્ત્વની વાત: આપણી જાત સુરક્ષિત લાગતી ન હોય તો વાંધો નહીં, અસુરક્ષિત હોવાના ભાવને સહન કરતાં શીખી લેવું જોઈએ.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *