વિમાસણ : ૧૭ અને ૭૦નો સંઘર્ષ

Facebooktwitterredditpinterestlinkedinmail

સમીર ધોળકિયા

થોડા સમય પહેલા એક મિત્ર મળ્યા ત્યારે મેં ઔપચારિક રીતે પૂછ્યું ” કેમ છો ?” તો એમણે બહુ જ વિલક્ષણ જવાબ આપ્યો કે બધું બરાબર છે પણ તકલીફ ફક્ત ૧૭ અને ૭૦ના સંઘર્ષની છે.

મેં કહ્યું કે હું સમજ્યો નહિ. તો એમણે જવાબ આપ્યો કે મારું શરીર ભલે ૭૦ વર્ષનું છે પણ મારું મન તો હજી ૧૭નું જ છે અને તેનાથી જ ઘણી બધી તકલીફ ઉભી થાય છે!

જેમ જેમ ઉંમર વધતી જાય અને યુવાની ધીમે ધીમે દૂર થતી જાય તેમ તેમ આ સંઘર્ષ વધુ તીવ્ર થતો જાય છે. પહેલી વાર “કાકા” સંબોધન સાંભળવું કેટલું આકરું, કષ્ટદાયક અને આંચકો આપનાર હોય છે તે બધાને ખબર છે! આ આંચકામાં માનસિક ધક્કો તો છે જ પણ તેના શારીરિક દૃષ્ટિકોણ તરફ જલ્દીથી ધ્યાન જતું નથી. માનસિક ધક્કો એ કે પહેલી વાર ખબર પડી કે પોતે માનતા હતા તેટલા નાની ઉંમરના હવે નથી રહ્યા. પણ જે શારીરિક પ્રવૃત્તિ કરતાં પહેલાં થાકતા નહોતા તે જ પ્રવૃત્તિ કરતાં હવે થાક લાગવા માંડે ત્યારે પહેલી વાર ૧૭ અને તે વધેલ ઉંમરના સંઘર્ષની અને તેની અસરની ખબર પડે છે.

ક્રિકેટ રમતાં અચાનક થાક લાગે અને થોડી ઓવર નાખતાં જ ખભો દુખવા આવે ત્યારે પહેલો દસ્તક સાંભળવા મળે છે, કે કુદરતી રીતે ચુસ્ત-તંદુરસ્ત રહેવાની પળો વિદાય થઇ રહી છે. હવે તંદુરસ્તી જાળવવા પ્રયત્ન કરવો પડશે. આપમેળે ચુસ્ત નહિ રહેવાય. તે જ રીતે મારધાડની ફિલ્મો કરતાં સામાજિક ફિલ્મો ગમવા માંડે તો સમજી શકાય કે ઉંમર માનસિક રીતે પણ આગળ વધી રહી છે!

જ્યાં હોટલનો ખોરાક પહેલાં સહેલાઈથી અને તે પણ વધારે પ્રમાણમાં ખાઈ શકાતો હોય અને પચતો પણ હોય, પણ એક પળ એવી આવે કે જયારે માની લેવું પડે કે હવે જો બીજે દિવસે હેરાન ન થવું હોય તો ગમે ત્યારે અને ગમે એટલું ખાવાનું બંધ કરવું પડશે. આ દસ્તક સાંભળવો પડે છે, ભલે તે થોડા સમય માટે માનવાની ના પાડીએ.

પહેલા તો એમ જ લાગે આ થાક, કંટાળો, ગમે એટલું ખવાશે નહિ વ. ક્ષણિક હશે, થોડા સમય પૂરતું જ હશે. પણ એ જ પ્રત્યાઘાત અને અનુભવ બીજી અને ત્રીજી વાર આવે ત્યારે મન વિચારે કે આવું કેમ . ઉંમરની અસર છે તેવો તો વિચાર આવે જ નહિ. અને જો આવે તો તેને બળપૂર્વક પાછળ ધકેલી દેવામાં આવે! મોડી રાતના ઉજાગરા જયારે બીજે દિવસે ભારે પડે અને નોકરીમાં શારીરિક અને માનસિક રીતે અંતરાયરૂપ થવા લાગે ત્યારે આ સંઘર્ષના આગમનનાં નગારાં વાગવાં શરૂ થઈ ગયાં કહેવાય. પણ મોટે ભાગે મન તો સ્વીકારવાની ના જ પાડે. એમ તો ૭૦ વર્ષે પણ મન સ્વીકારવાની ના જ પાડે છે પણ ત્યારે તો મન મારીને શરીર ની તકલીફ સ્વીકારવી પડે છે ભલે તકલીફ નું કારણ સ્વીકારાય નહિ …

૧૭ અને ૭૦ નો સંઘર્ષ પહેલા ૧૭ અને ૪૦ થી શરુ થાય છે. ધીમે ધીમે વધતી ઉંમર સાથે સંઘર્ષનો વ્યાપ વધતો જાય છે. પહેલાં ઘણાં બધાં કામો દિવસમાં ભૂલ્યા વગર થતાં હતાં પણ પછી કામ યાદ રાખવા માટેની ચબરખીઓ રાખવામાં આવે અને પછી તો એ ચબરખીઓ જોવાનું પણ રહી જાય અથવા ચબરખી ક્યાં રાખી છે તે પણ ભુલાઈ જાય!

સ્ત્રી અને પુરુષ બંને આ સંઘર્ષ અનુભવે છે. કદાચ મહિલાઓ માનસિક રીતે વધુ મજબુત હોવાના કારણે આ પ્રશ્નનો સામનો વધુ કુશળતાથી કરી શકે છે અને ઉકેલ પણ વધુ સારી રીતે લાવી શકે છે. પણ આ સવાલ તેઓને પણ નડે તો છે જ.

ખરેખર તો આ બધું થવું બિલકુલ સ્વાભાવિક છે પણ માણસનું મન વાસ્તવિકતા સ્વીકારતાં હમેશાં ખચકાય છે……પહેલાં ૩ કલાક ગરબા લેવાતા તો હજી કેમ ન લઈ શકાય? હજી કંઈ ઉંમર થઈ નથી. આ અસ્વીકારના સૌથી જાણીતા દાખલા આપણને ચલચિત્રોના હીરો અને હિરોઈનમાં જોવા મળે છે. જ્યાં ઉંમર પકડી રાખવાની જરૂરિયાત સૌથી વધારે હોય છે. એટલે જ આપણે તેઓને સદા યુવાન રહેવાના પ્રયત્નો કરતા જોઈએ છીએ.

ઘણા લોકો પોતાની માનસિક શક્તિ મોટી ઉંમર સુધી જાળવી શકે છે પણ પોતાની શારીરિક શક્તિ પણ જાળવી શક્યા હોય તેવા લોકો બહુ ઓછા હોય છે. માનસિક શક્તિ બાબતે તો શ્રી નગીનદાસ સંઘવી(વરિષ્ઠ રાજકીય વિવેચક) અને તેમનાથી થોડા જ નાના શ્રી બાલકૃષ્ણ દોશી( આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સ્થપતિ) આપણી સમક્ષ છે જેઓની માનસિક તાકાત મોટી ઉંમરે પણ કોઈ પણ યુવાનોને શરમાવે તેવી છે.

પણ અહીં તો આપણે અત્યારની “વાસ્તવિક શારીરિક ઉંમર” જે હકીકત હોય છે અને તે જ વ્યક્તિની “પોતે માનેલ” ઉંમરથી થતા સંઘર્ષની વાત છે. આ સંઘર્ષ શારીરિક રીતે શું કરવા ઇચ્છીએ અને શું ખરેખર કરી શકીએ તે વચ્ચેના ભેદને કારણે ઉદ્‍ભવે છે, જેનો ઉકેલ મન સાથે અને “સાચી ઉંમર” સાથે સમાધાન છે જે કોઈ પણ માટે ખૂબ મુશ્કેલ છે.

ઘણી વાર આપણે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને વડીલ કે કાકા તરીકે સંબોધન કરીએ છીએ પણ પાછળથી આપણને ભાન થાય કે એ વ્યક્તિ આપણી ઉંમરની જ છે! પોતાની નજરમાં તે વ્યક્તિ વડીલ લાગે અને પોતે(પોતાની નજરમાં ) નાની ઉંમર ના લાગે/માને ત્યારે આવું થાય છે, જયારે ખરેખર બંને એક જ ઉંમર જૂથના હોય છે. વાળને કાળા કરવાથી કે વિટામિન( botox) કે કરચલીઓ દૂર કરવાના મલમોના ઉપયોગથી થોડા સમય સુધી વધતી ઉંમરના અહેસાસને ખાળી શકાય છે, પણ વધતી ઉંમર ખૂબ હઠીલી હોય છે. ગમે તેટલી પાછા કાઢવાના પ્રયત્ન કરીએ તે ફરીથી સામે આવી જ જાય છે!

પણ આ ૧૭ અને ૪૦/૫૦/૬૦/૭૦ના સંઘર્ષને કઈ રીતે ટાળવો તે સ્વીકારવું અઘરું છે પણ જતે દિવસે અનિવાર્ય છે. મુખ્ય ઉપાય એ જ જણાય છે કે શારીરિક ક્ષમતા જાળવવાનો પૂરતો અને સંનિષ્ઠ પ્રયત્ન કરવો અને દિમાગને સદાય પ્રવૃત્તિશીલ રાખવું અને નવા વિચારોને આવકારવા. અહીં વિચારોને આવકારવા એટલે સ્વીકારવા એમ નથી. પણ તેમને સાંભળવા જરૂર જોઈએ તે છે. નવી વાત, નવા સિદ્ધાંતોનો અસ્વીકાર તે વધતી ઉંમરનું પહેલું લક્ષણ છે .આ સંઘર્ષને ટાળી શકાતો નથી પણ તેને એક પડકાર માનીને જો મનથી યુવાન રહેવાતું હોય તો કંઈ ખોટું નથી. પણ તેમ કરતાં જો શારીરિક શક્તિની ઘેલછા ઉપડે તો ક્ષોભજનક પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

શાણપણ તો એમાં જ દેખાય કે આ ૧૭ અને ૭૦ ના સંઘર્ષમાં માનસિક રીતે યુવાન રહેવું અને શારીરિક રીતે ઉંમરનાં બંધનોને સ્વીકારવાં પણ બધા એમ સમજદાર અને શાણા થઈને રહે તો એ જિંદગીમાં મજા શું રહે? કોઈ કોઈ વાર ડહાપણ, પરિપકવતા અને સમજની સીમાઓની બહાર જઈને છબછબિયાં કરી લઈએ તો શું ખાટુંમોળું થઇ જવાનું છે? અને જો કોઈ આ સંઘર્ષ સાથે જ જીવવા માગતા હોય તો તેમાં પણ કંઈ ખોટું નથી.

આખરે તો જિંદગી પૂરી મજાથી જીવવા માટે તો છે…!


શ્રી સમીર ધોળકિયાનો સંપર્ક spd1950@gmail.com  સરનામે થઈ શકશે

8 comments for “વિમાસણ : ૧૭ અને ૭૦નો સંઘર્ષ

 1. July 9, 2018 at 2:15 am

  The facts of life….. described very well.
  Very true for everyone… salute to this article and writer.

  • Samir
   July 13, 2018 at 1:18 pm

   આટલા સરસ પ્રતિભાવ માટે ખુબ ખુબ આભાર. આવા પ્રતિભાવ થી ઉત્સાહ ખુબ વધે છે.

 2. NAVIN BANKER
  July 9, 2018 at 6:28 pm

  The facts of life….. described very well.
  Very true for everyone… salute to this article and writer.
  આનાથી વધુ સારો પ્રતિભાવ શું હોઇ શકે ? મને તો દેવિકાબેને જ આ ફોર્વર્ડ કર્યું અને મને ક્ષણે ક્ષણે મારી પોતાની જ વાત લાગી, સમીરભાઇ, આપણે સંપર્કમાં રહીશું-અલબત, ઇ મેઇલ્ મારફતે. નવીન બેન્કર

  • Samir
   July 13, 2018 at 1:20 pm

   નવીનભાઈ ,ખુબ ખુબ આભાર.
   સંપર્ક માં રહેશો તો ખુબ આનંદ થશે .

 3. Bhagwan thavrani
  July 10, 2018 at 12:12 pm

  જીવનનું યથાર્થ !
  પણ સમયનું પસાર થવું, વીતી જવું એક લાઈલાજ મર્જ છે..

  • Samir
   July 13, 2018 at 1:21 pm

   ભગવાનભાઈ, તમારો પ્રતિભાવ ટૂંકો પણ ખુબ સચોટ છે. ખુબ આભાર.

 4. July 10, 2018 at 8:27 pm

  જિંદગી પૂરી મજાથી જીવવા માટે તો છે.- સાચી વાત. ગમી.

  • Samir
   July 13, 2018 at 1:21 pm

   સુરેશભાઈ, ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *