સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૫૪-૧૯૫૫

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

૨૦૧૬ના ડીસેમ્બર મહિનાથી આપણે મોહમ્મદ રફીના જન્મદીવસ [૨૪ ડીસેમ્બર, ૧૯૨૪] અને મૃત્યુતિથિની [૩૧ જુલાઇ, ૧૯૮૦] યાદમાં તેમણે જૂદા જૂદા સંગીતકારો સાથે સૌથી પહેલ વહેલાં સૉલો ગીતોની શ્રેણી શરૂ કરી છે. ૧૯૪૪થી ૧૯૪૮નાં પાંચ વર્ષના તેમના કારકીર્દીના સૌપ્રથમ સમયખંડમાં રેકર્ડ થયેલાં આ પ્રકારનાં ૧૯૪૪થી ૧૯૪૬ વર્ષનાં ગીતો આપણે ભાગ ǁ૧ǁમાં અને ૧૯૪૭ અને ૧૯૪૮નાં ગીતો ભાગ ǁ૨ǁમાં ડીસેમ્બર ૨૦૧૬માં સાંભળ્યાં હતાં.૧૯૪૯થી ૧૯૫૪નાં હવે પછીનાં પાંચ વર્ષના સમયખંડના ગીતો આપણે જુલાઈ, ૨૦૧૭ અને ૧૦ ડીસેમ્બર, ૨૦૧૭ અને ૧૭ ડીસેમ્બર, ૨૦૧૭ના રોજ સાંભળ્યાં હતાં.

આ વર્ષે આપણે ૧૯૫૪-૧૯૫૮નાં પાંચ વર્ષનો સમયખંડ લઈશું, જે પૈકી આજે ૧૯૫૪ અને ૧૯૫૫માં મોહમ્મદ રફીએ જે જે સંગીતકારો માટે સર્વપ્રથમવાર સૉલો ગીત ગાયું હોય તેવી ફિલ્મો અને એ ગીતોની વાત કરીશું..

[દસ્તાવેજીકરણની સરળતા માટે આપણે ફિલ્મોનાં નામની અંગ્રેજી બારાખડી મુજબ ગીતો રજૂ કર્યાં છે]

૧૯૫૪

૧૯૫૪માં મોહમ્મદ રફીનાં ૪૪ હિંદી સૉલો ગીતો હતાં. વર્ષ દરમ્યાન મોહમ્મદ રફી સાથે હવે ફરીથી કામ કરનારા સંગીતકારોમાં એસ એન ત્રિપાઠી, સલીલ ચૌધરી, નૌશાદ, હંસરાજ બહલ, શંકર જયકિશન, ચિત્રગુપ્ત, ગ઼ુલામ મોહમ્મદ, મદન મોહન, નિસ્સાર બાઝ્મી જેવા, વર્ષ દરમ્યાન એક અને એકથી વધારે ફિલ્મો આપતા તેમ જ જાણીતી તેમ જ ઓછી જાણીતી ફિલ્મોમાં સંગીત આપનારા, સંગીતકારો નિયમિતપણે જોવા મળે છે. પરિણામે હવે પછીનાં દરેક વર્ષે મોહમ્મદ રફી પાસે સર્વપ્રથમવાર સૉલો ગીત ગવડાવનારા સંગીતકારોની સંખ્યામાં ઘટાડો દેખાવો જોઈએ.

૧૯૫૪નાં વર્ષમાં ૭ સંગીતકારોએ ૭ ફિલ્મોમાં મોહમ્મદ રફી પાસે પહેલી વાર સૉલો ગીત ગવડાવ્યાં.

 

રોશનની હિંદી ફિલ્મ કારકીર્દી ૧૯૪૯માં, ફિલ્મ ‘નેકી ઔર બદી’થી થઈ હતી. મોહમ્મદ રફીના સ્વરનો પહેલવહેલો પ્રયોગ ૧૯૫૩ની ફિલ્મ ‘માલકિન’માં કર્યો. આ ફિલ્મમાં રફીનું એક કિશોર કુમાર અને રામ કમલાની સાથેનું ત્રિપુટી ગીત અને કિશોર કુમાર સાથે એક યુગલ ગીત છે. આમ રોશને મોહમ્મદ રફી પાસે પહેલવહેલી વાર સૉલો ગીત છેક ૧૯૫૪માં ગવડાવ્યું. દસકાના અંત સુધીમાં તો રોશન અને મોહમ્મદ રફીનાં યાદગાર ગીતોની જ એક લાંબી યાદી બનવા લાગવાની છે.

ઝમીં ભી વહી હૈ વહી આસમાં, મગર અબ વો દિલ્લીકી ગલીયાં કહાં – ચાંદની ચોક – ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી

પ્રસ્તુત ગીત પાર્શ્વભૂમિમાં ગવાતું ગીત છે. ફિલ્મમાં મુખ્ય પુરુષ પાત્ર દ્વારા ગવાયેલું એક જ સૉલો ગીત – હમેં અયે દિલ કહીં લે ચલ – મુકેશના સ્વરમાં છે.

 

દત્તા દાવજેકરે મોહમ્મદ રફીપાસે પહેલું સૉલો ગીત, મૈં તેરી તૂ મેરા, ૧૯૪૭ની ફિલ્મ ‘આપકી સેવા મેં’માં ગવડાવ્યું હતું જોકે, ‘આપકી સેવા મેં’ વધારે યાદ કરાય છે લતા મંગેશકરે ફિલ્મમાં કારકીર્દીનું જે પહેલવહેલું હિંદી પાર્શ્વગીત, પા લાગું કર જોરી રે, શામ મોસે ન ખેલો હોરી રે ગાયું હતું એ ફિલ્મ તરીકે. જોકે અત્યારે આપણી પાસે એવી ફિલ્મ છે જેના સંગીતકાર તરીકે દત્તા દાવજેકર અને જગન્નાથ એમ બે સંગીતકારોનાં નામ જોવા મળે છે.એટલે એ ફિલ્મનું પણ મોહમ્મદ રફીનું સૉલો ગીત આપણે અહીં લીધેલ છે.

શહીદો અમર હૈ તુમ્હારી કહાની, વતન પર લૂટા દી જિન્હોંને જવાની – ગોલકોંડા કા કૈદી – ગીતકાર: અન્જાન

ફિલ્મમાં આમ તો દત્તા દાવજેકર, જગન્નાથ અને કુંદન લાલ એમ ત્રણ સંગીતકારોનાં નામ ક્રેડીટ્સમાં બોલે છે, પરંતુ હિંદી ફિલ્મ ગીત કોષમાં દત્તા દાવજેકરનું એક કથન નોંધવામાં આવ્યું છે જેમાં તેમણે ફિલ્મનાં બધાંગીતો રચ્યાં હોવાનો દાવો કરેલ છે.

ફિલ્મમાં મોહમ્મદ રફીની બીજું પણ એક સૉલો ગીત – ઉઠાકે સર ચલો જવાની શાન સે – પણ છે.

 

હેમંત કુમારે પ્રસ્તુત ગીત મોહમ્મદ રફીને સોંપવાનું કદાચ એટલે કે નક્કી કર્યું હશે કે ગીતકારે ‘ઊઠો છલાંગ માર કે આકાશ જો છૂ લો’માં જે ઉત્તંગ ભાવાવેશની કલ્પના કરી છે અને તે પછીની પક્તિ, ‘તુમ ગાડ દો ગગન મેં તિરંગા ઉછાલ કે ‘માં જે નિશ્ચયાત્મકતાની અડગ સ્થિરતા ભાવ મૂકેલ છે તેને મૂર્તિમંત કરવા માટે પહેલી પંક્તિ વખતે સુરની સીધી ઊંચાઈ આંબીને ફરી પાછા એટલી જ સરળતાથી મૂળ સુર પર આવી શકવાની ક્ષમતા તેમને મોહમ્મદ રફીમાં જ નિશ્ચિત રૂપે જોવા મળી હશે.

હમ લાયે હૈ તૂફાન સે કિશ્તી નીકાલ કે ઈ દેશ કો રખના બચ્ચોં સંભાલ કે – જાગૃતિ – ગીતકાર: પ્રદીપ

હેમંત કુમાર – મોહમ્મદ રફીનાં સર્વપ્રથમ સંગમમાં તેમના પર મૂકેલ વિશ્વાસને રફી પૂરેપૂરો ન્યાય કરે છે.

 

શૈલેશ મુખર્જી એવા બંગાળી સંગીતકારોમાંના એક છે જેઓ હિંદી ફિલ્મ્સ સંગીતની દુનિયામાં બહુ લાંબું ટકી ન શક્યા.

કિસ્મત કા લીખા ન ટલે ન કોઈ બસ ચલે, યહ ક્યા હૈ ઝિંદગી ક્યા હૈ ઝિંદગી – પરિચય – ગીતકાર: કેશવ ત્રિવેદી

હવે પાર્શ્વભૂમિકામાં ગવાતાં ગીતો ગાવા માટે તેમની જે આગવી શૈલી તરીકે ઓળખાઈ ચૂકી છે તે શૈલીમાં ઢળાયેલ મોહમ્મદ રફીએ દિલથી ગાયેલ એક ગીત.

 

સુધીર ફડકેએ મોહમ્મદ રફીનો ઉપયોગ બહુ ચોક્કસ ગીતો માટે જ કર્યો છે તેવી મારી સમજ છે. એ જ રીતે, તેમણે કિશોર કુમારના સ્વરનો પણ એટલો જ નિશ્ચિત સંજોગમાં કર્યો છે. જોકે અહીં જે ફિલ્મનો ઉલ્લેખ કરાયો છે તેમાં તેમનું કિશોર કુમારનું ગીત, ખુશ હૈ જમાના આજ પહેલી તારીખ હૈ, પગારદાર વર્ગમાટે પહેલી તારીખની આશાઆકાંક્ષાઓનું સદાબહાર મૂર્ત સ્વરૂપ બની રહ્યું છે.

કહું ક્યા કી કૌન હૂં ક્યા હૂં મૈં, કિસી રાસ્તેકા ચિરાગ હૂં, મુઝે જિસને ચાહા જલા દિયા…ગરીબોંકી દુનિયા મિટા દેનેવાલે – પહેલી તારીખ – ગીતકાર: ક઼મર જલાલાબાદી

મોહમ્મદ રફી ફરી એક વાર તેમની આગવી શૈલીમાં પાર્શ્વભૂમિકાનું ગીત રજૂ કરે છે.

 

લછ્છીરામ (તમાર)ની કારકીર્દી વીસેક ફિલ્મોનાં સંગીત નિદર્શનમાં જ આથમી ગઈ. હિંદી ફિલ્મ સંગીતના ચાહકોને માટે આ સંગીતકારનું નામ વિસારે ભલે ચડી ગયું હશે, પણ ઢલતી જાયે રાત કર લે દિલકી બાત શમ્મા પરવાને કા હોગા ન કભી સાથ (રઝીઆ સુલ્તાન,૧૯૬૧) કે ગોરી તેરે નૈન નૈનવા કાજર બિન કારે, સબ જવાં સબ હસીં કોઈ તુમસા નહીં, ‘તુ શોખ કલી મૈં મસ્ત પવન તુ શમ-એ-વફા મૈં પરવાના’ નું સૉલો અને યુગલ ગીત વર્ઝન (બધાં જ ગીતો , મૈ સુહાગન હું .૧૯૬૪) જેવાં ગીતો ભાગ્યે જ યાદ કરાવવાં પડે.

આકાશ કે આંચલમેં સિતારા હી રહેગા, યે દેશ હમારા હૈ હમારા હી રહેગા – શહીદ એ આઝમ ભગત સિંઘ – ગીતકાર: શૌક઼ત પરદેસી

રેલીમાં ગવાઈ રહેલાં ગીતના એક એક શબ્દમાં ભરેલી દેશ ભક્તિની દાઝ મોહમ્મદ રફીના સ્વરમાં છલકે છે.

 

હાફીઝ ખાનની સૌથી વધારે પ્રચલિત ઓળખ તેમણે રચેલી ‘ઝીનત’ (૧૯૪૫)ની નુરજહાં, ઝોહરાબાઈ, કલ્યાણીના સ્વરમાં ગવાયેલ કવ્વાલી આહેં ન ભરી શિક઼વે ન કિયે રહેશે જે હિંદી ફિલ્મોની સૌથી વધારે જાણીતી કવ્વાલીઓમાં સૌથી જૂની કવ્વાલી ગણવામાં આવે છે.

અપને દિવાનો સે દામન ન છૂડા, બેખબર હોશમેં આ બેખબર હોશમેં આ – વતન – ગીતકાર શેવાન રીઝ્વી

એક વધારે પાર્શ્વભૂમિકા ગીત….

૧૯૫૫

૧૯૫૫નાં વર્ષમાં મોહમ્મદ રફીએ ૭૬ હિંદી ફિલ્મ ગીતો ગાયાં છે, જે પૈકી જે જે સંગીતકાર સાથે પહેલીવાર ગાયાં હોય એવાં બી એસ કલ્લા અને એન દત્તાનાં બબ્બે અને બિપીન બાબુલનું એક એટલાં સૉલો ગીત છે.

 

બી (બાલકૃષ્ણ) એસ કલ્લા બહુ જ અજાણ્યું નામ છે. થોડી શોધખોળ કરતાં એટલું જાણવા મળે છે કે મંગલા (૧૯૫૦), મિ. સંપત (૧૯૫૨) અને બહુત દિન હુએ (૧૯૫૪) જેવી દક્ષિણ ભારતનાં તે સમયનાં જાણીતાં નિર્માણ ગૃહોએ બનાવેલી ફિલ્મોમાં તેમણે પણ અમુક ગીતો સંગીતબધ્ધ કરેલ હતાં ‘દો દુલ્હે (૧૯૫૫) તેમણે સ્વતંત્રપણે સંગીત નિદર્શન કરેલ ફિલ્મ છે.

નામ હૈ મેરે બાપ કા સોડા, ઉસકી સુરત દેખ કે આતા મુઝકો બુખાર – દો દુલ્હે – ગીતકાર પંડિત ઈન્દ્ર

ગીતનું ફિલ્માંકન દુનિયા જેમને પાગલ તરીકે ઓળખે છે તેવા લોકો પર કરાયું છે. ગીતમાં બીજાં જાણીતાં ગીતોના મુખડાઓને પૅરોડી તરીકે સમાવી લેવાયા છે. આ ઉપરાંત ફિલ્મમાં મોહમ્મદ રફીનું બીજું એક સૉલો ગીત, હલ ન કર પાયે જિસે તૂ કૌન સી મુશ્ક઼ીલ હૈ વો, અને ગીતા દત્ત સાથે એક યુગલ ગીત અને ગીતા દત્ત અને સરલા દેવી સાથે એક ત્રિપુટી ગીત છે.

 

એન દત્તા (દત્તારામ બાબુરાવ નાઈક) તેમની કારકીર્દીની શરૂઆતમાં બહાર, સઝા, એક નઝર (૧૯૫૧), જાલ (૧૯૫૨), જીવન જ્યોતિ (૧૯૫૩) અને અંગારે (૧૯૫૪)માં એસ ડી બર્મનના સહાયક રહી ચૂક્યા છે. તેમને સ્વતંત્ર સંગીત માટે પહેલી તક ૧૯૫૪ની ફિલ્મ ‘મિલાપ’ માટે મળી. ‘મિલાપ’ રાજ ખોસલાની પણ દિગ્દર્શક તરીકેની પહેલવહેલી ફિલ્મ હતી.

અબ વો કરમ કરે કે સિતમ મૈં નશેમેં હૂં – મરીન ડ્રાઈવ – ગીતકાર સાહિર લુધ્યાનવી

એસ ડી બર્મનના સહાયક તરીકે એન દત્તાને સાહિરની ગીતરચનાઓને સમજવાની સારી તક મળી હતી જે તેમની હવે પછીની રચનાઓમાં ઉજાગર થાય છે. પ્રતુત શરાબી ગીતમાં એક્દમ મર્માળુ વાદ્યસજ્જા, ગીતની સરળ બાંધણીમાં એકાદ બે આગવી હરક્તો જેવી એન દત્તાની સુખ્યાત શૈલી પણ ઝળકી રહે છે.

ફિલ્મમાં મોહમ્મદ રફી અને આશા ભોસલેનાં બે યુગલ ગીતો છે, જેમાનું એક એ સમયમાં બહુ પ્રચલિત એવા ભીખારી ગીતના પ્રકારનું બતા અય આસમાંવાલે તેરે બંદે કિધર જાએં અને બીજું રોમેન્ટીક યુગલ ગીત મુહબ્બત યું ભી હોતી હૈ પણ ધ્યાન ખેંચે છે.

 

બિપીન (દત્ત) અને બાબુલ ની કારકીર્દીની શરૂઆત મદન મોહનના સહાયકો તરીકે થઈ. હિંદી ફિલ્મ સંગીત જગતના કેટલાય કાબેલ સંગીતકારોને ધારી વાણિજ્યિક સફળતા નથી મળી એ યાદીમાં બિપીનબાબુલની કારકીર્દી પણ સમાઈ ગઈ. તેમણે રચેલાં, તુમ પૂછતે હો ઈશ્ક઼ ભલા હૈ કે નહીં અને છેડા જો દિલ કા ફસાના, હંસા જ઼ોર સે ક્યું ઝમાના (નક઼લી નવાબ, ૧૯૬૨), મોહમ્મદ રફીનાં સ્વરમાં ગવાયેલાં, ગીતો ચાહકો આજે પણ મમળાવે છે.

રૂખ સે પર્દા તો હટા ઝરા નઝરેં તો મિલા – શાહી મહેમાન – ગીતકાર: અન્જુમ જયપુરી

ગીતની બાંધણી સુફી શૈલીના અંદાજ઼માં કરાઈ છે, જો કે ગીતની ઓડીયો ક્લિપ જ ઉપલબ્ધ હોવાથી તે કયા સંદર્ભમાં ફિલ્માવાયું હશે તે ખ્યાલ નથી આવતો.

 

સંગીતકારને દોહરાવવાની છૂટ લઈને આજના અંકના અંતમાં મિર્ઝા ગ઼ાલિબ (૧૯૫૪)નું ગુલામ મોહમ્મદે સ્વરબધ્ધ કરેલ, મોહમ્મદ રફીનાં મને સૌથી વધારે પ્રિય ગીતોમાંના એક ગીત સાંભળીશું –

હૈ બસકી ઉનકે ઈશારે પે નિશાં ઔર, કરતે હૈ મુહબ્બત તો ગુઝરતા હૈ ગુમાં ઔર

હવે પછી ડીસેમ્બર, ૨૦૧૮ના અંકમાં આપણે ૧૯૫૪-૧૯૫૮ સમયખંડનાં બાકીનાં વર્ષો ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૯૫૮નાં જે જે સંગીતકારો સાથે મોહમ્મદ રફીએ પહેલવહેલી વાર ગાયાં હોય એવાં સૉલો ગીતો સાંભળીશું.

3 comments for “સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૫૪-૧૯૫૫

 1. Neetin D. Vyas
  July 7, 2018 at 12:46 am

  સ્વ. શ્રી મહમ્મદ રફી ને શ્રદ્ધાંજલિ રૂપે ઘણાં સંશોધન પછી સંકલિત કરી તૈયાર કરેલા સરસ લેખ બદલ અભિનંદન. વાંચવા અને ભુલાઈ ગયેલાં ગીતો સાંભળવાની મજા પડી

  • July 12, 2018 at 9:24 pm

   ઈન્ટરનેટ પર જે મરજીવાઓ આવાં માંડ સાંભળેલાં ગીતો મૂકે છે તેમની મહેનતના પરિણામે આપણે પણ આ બધાં ગીતો સાંભળવાનો લાભ મેળવીએ છીએ.
   ખરા અભિનંદનના હકદાર એ લોકો છે.
   અને હા, તમારા જેવા મિત્રોના આટલા પ્રોત્સાહજનક પ્રતિભાવો આ કામને વધારે ઉચ્ચ સ્તર પર લઈ જવાની ઇચ્છા પ્રજ્વલિત રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *