જીવનસફર

નિરંજન મહેતા

જીવન એટલે જન્મથી મૃત્યુ સમયનો ગાળો. આ સમય દરમિયાન મનુષ્ય વિવિધ પ્રકારના સંજોગોમાંથી પસાર થાય છે, જેમાના થોડાક તેના કાબુમાં હોય છે તો થોડાક તેના કાબુ બહાર હોય છે.

કેટલીક રીતે આપણે આપણી જીવનયાત્રાને વિમાનની મુસાફરી સાથે પણ સરખાવી શકીએ.

હવાઈસફરમાં સુરક્ષિત ઉડ્ડયન અને ઉતરાણ માટે પાઈલટ ઉપર વિશ્વાસ રાખવો પડે છે.

આ સફર દરમિયાન શું કરવું તે આપણી ઉપર છે. કેટલાક સૂઈ જાય છે, કેટલાક લોકો સિનેમા જુએ છે, કેટલાક કશુક ખાતા હોય છે તો કેટલાક લેપટોપ શરૂ કરી કામ કરે છે. વળી કેટલાક બાજુમાં બેઠેલા સાથે વાતો કરી મિત્રતા કેળવવા પ્રયત્ન કરે છે. હા, સફર દરમિયાન શું કરવું તે આપણી પસંદગી છે.

પણ હવાઈસફર દરમિયાન આવતા તોફાન (turbulence) આપણા કાબુ બહાર છે. જ્યારે વિમાન વાદળામાંથી પસાર થાય છે અને તે હલબલી ઊઠે છે ત્યારે પવનની ગતિ પણ આપણા વશમાં નથી હોતી.

આપણી આ જીવનસફરનું પણ કઈક આવું જ છે. ઉડ્ડયન એટલે કે આપણો જન્મ સંપૂર્ણ રીતે આપણા કાબૂની બહાર છે. ન તો આપણે આપણા માતા-પિતાની પસંદગી કરી શકીએ છીએ, ન તો ક્યા દેશમાં કે શહેરમાં જન્મ લઇએ તે પણ આપણા હાથમાં નથી. અરે, અમીર ગરીબ એવા ક્યા વર્ગમાં જન્મ લેવાનું પણ આપણા હાથમાં નથી. એ જ રીતે ધર્મની પસંદગી પણ કરી શકતા નથી. આ રીતે જીવનસફરની શરૂઆત પૂરેપૂરી આપણા કાબૂ બહાર છે.

તો ઉતરાણ એટલે કે મૃત્યુ પણ આપણા કહ્યામાં નથી. કેટલાય લોકો ઇચ્છતા હોય છે કે એકાએક હૃદય બંધ પડી જાય જેથી હોસ્પિટલમાં રહેવાનું, દવાઓ અને ઇન્જેક્શન લેવાના, અન્યોને તકલીફ આપવાની વગેરેમાંથી છૂટકારો મળે. ગમે તેટલું આપણે વિચારીએ પણ તેમ થવું આપણા કાબૂ બહાર છે.

તો આપણી જીવનસફર દરમિયાનની મુશ્કેલીઓ, તોફાનોનું શું? તેમાંથી અમુક આપણા કાબૂમાં હોઈ શકે જ્યારે અમુક સંપૂર્ણ રીતે આપણા વશની બહાર હોય છે કારણ તે બહારની પરિસ્થિતિને કારણે ઉત્પન્ન થાય છે.

આમ આપણી જીવનસફરમાં ચઢાણ, ઉતરાણ અને તોફાનો માટે આપણે લાચાર છીએ પણ કશુક એવું છે જે આપણા કાબૂમાં છે. આમાનું એક છે અધ્યાત્મ જેનાથી આપણે મુશ્કેલીઓમાંથી પસાર થવા યોગ્ય રાહની પસંદગી કરી શકીએ. જ્યારે આપણે અધ્યાત્મને આત્મસાત કરી લઈએ ત્યારે આપણું જીવન એક બદલાવ અનુભવે છે અને જિંદગી સુખમય અને સંતોષજનક બની રહે છે.

આપણી આજુબાજુની સમસ્યાઓ હોવા છતાં આપણે જ્યારે સ્વસ્થ અને સુંદર રહીએ છીએ ત્યારે તે ભગવાનની ભેટ સમજવી. તે જ રીતે જ્યારે આપણે આપણી જિંદગી સ્વસ્થ અને સુંદર રીતે જીવીએ ત્યારે તે આપણા તરફથી ભગવાનને ભેટ સ્વરૂપ બની રહે છે અને તેથી આપણે આપણું જીવન સ્વસ્થ અને સુંદર રીતે જીવવું જોઈએ.

એક નર બનવું એ જન્મને આધારિત છે, એક પુરૂષ થવું એ ઉંમરને આધારિત છે પણ એક સદગૃહસ્થ થવું એ આપણા હાથની વાત છે. તે જ રીતે એક નારી બનવું એ જન્મ પર આધારિત છે. એક સ્ત્રી બનવું ઉંમરને આધારિત છે પણ એક સન્નારી થવું એ આપણા હાથની વાત છે.

ચાલો, આપણે આધ્યાત્મિક જ્ઞાનનો લાભ લઈ સાચી પસંદગી કરી સ્વસ્થ અને સુંદર જીવન વિતાવીએ જે આપણા હાથમાં છે અને તેમ કરીને આપણે આપણા તરફથી ભગવાનને તે ભેટ તરીકે આર્પણ કરીએ.


(ઈંટરનેટ પર આધારિત)


નિરંજન મહેતા
A/602, Ashoknagar(Old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
E – mail – Niru Mehta : nirumehta2105@gmail.com

Facebooktwitterredditpinterestlinkedinmail

1 comment for “જીવનસફર

  1. July 7, 2018 at 9:00 am

    જીવનસફરની પોસ્ટમાં અધ્યાત્મ શબ્દનો ઉલ્લેખ છે. પંડીત સુખલાલજીએ મુંબઈ વીદ્યાપીઠમાં ગુજરાતીમાં જે વ્યાખ્યાન આપેલ એની ગુજરાતી તો નહીં પણ હીંન્દી નોંધ મારી પાસે છે. સ્ટેટીસ્ટીકસ આમતો ગણીતનો વીષય છે પણ શું શક્ય કે અશક્ય છે એ સીક્કો ઉછાડી જેમ નક્કી કરીએ એના જેવું છે.

    ઉપરની પોસ્ટમાં અધ્યાત્મ શબ્દનો ઉલ્લેખ છે એને હું ખરેખર તુત સમજું છું. શ્વાસ અંદર લેવો અને બહાર કાઢવો એ આપણે જન્મથી મરણ સુધી નીયમીત કરીએ છીએ અને એમાં યોગનું તુત દાખલ થઈ ગયું. એમા ફાવી ગયા બાપુઓ અને ગુરુઓ… જેને ગુજરાતીમાં લેભાગુઓ સમજવા…

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.