ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૦ = =

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

વાત ફરી જૂના મિત્રોની, બલ્કે દોસ્તારોની. દોસ્તાર શબ્દમાં જે મીઠાશ અને પોતીકાપણું છે એ મિત્રમાં ક્યાં છે !

જીવનના દીર્ઘ પ્રવાસમાં આપણે ઘણું બધું પાછળ છોડતા આવીએ છીએ. ખરેખર તો સમય અને સંજોગો આપણને ઘણું બધું પાછળ છોડી દેવા મજબૂર કરી દે છે તો વળી ક્યારેક ઉંમર વધતાં કે દિલ ઉપર દિમાગનું આધિપત્ય સ્થપાતાં પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે !  જૂના યાર, દોસ્તાર, ગોઠિયા પણ આ રીતે પાછળ છૂટી જતી એક જણસ છે. બહુ જ નસીબદાર અને એ પણ જૂજ લોકો એવા હશે જેમનો નાતો પાછલી વયે પણ બચપણના એકાદ દોસ્તાર સાથે જેમ નો તેમ જળવાઈ રહ્યો હશે અને એ દોસ્તીની ઉષ્મા પણ પહેલા જેવી જ બરકરાર હશે. અગત્યની વાત એ કે બચપણની યારી દેખીતી રીતે છૂટી, વિસરાઇ જાય છે એટલું જ. એકાંતમાં ક્યારેક દિલના ખૂણા – ખાંચરા ફંફોસીએ તો ઉપરછલ્લા વિસરાઇ ગયેલા કેટલાય નામો, ચહેરા ત્યાં મહફૂઝ રીતે અડિંગો જમાવીને પડ્યા હોય છે. સ્હેજ બારીક ખોતર-કામ કરીએ તો એ નામો અને ચહેરાઓ ઉપરાંત પણ કેટલીય નાની નાની ઘટનાઓ, દ્રષ્યો, શરારતો અને ખટમિઠ્ઠી પળો પણ ઉભરી આવે. જેમ જેમ ઉત્ખનન કરતા જઈએ તેમ તેમ વધુ ને વધુ થરો બહાર આવતા જાય અને આપણને નવાઈ લાગે કે આ બધું, આટલું બધું વળી કઈ અગોચર કંદરામાં દટાયેલું પડ્યું હતું !

પછી ક્યારેક દુનિયાદારીની ધૂળ ખંખેરીને કમર કસીએ અને કોઈક ભૂલાયેલા ભેરૂની શોધખોળ આરંભીએ તો આપણા પ્રયત્નોની સંન્નિષ્ઠતા અનુસાર એ છૂટા પડી ગયેલા લોકો ક્યારેક દૂર-સુદૂરથી  મળી પણ આવે. આપણે હરખપદૂડા થઈને એમને ભેટી પડવા દોડી જઈએ અને એવું પણ બને કે સામેથી આપણી ઉત્કટતાનો સવાયો પ્રતિસાદ મળે તો વળી ક્વચિત એવું ય થાય કે સામેની વ્યક્તિ સાવ ઊણી, ઠંડીગાર નીકળે, સાવ ઉમળકા – વિહોણી ! એમાં વાંક એનો નથી હોતો, વચ્ચેના વર્ષોમાં સમય અને સંજોગોએ એના પર જે વીતાડ્યું એનો હોય છે. વળી ક્યારેક તો એવું બને કે :

મારા વિષે  તું એવી  રીતે બેખબર મળે

તું શોધે મારું ઘર અને મારી કબર મળે … !

જોઈએ ભગવત સાહેબની વધુ એક કવિતા –

                                                     :   जब  कहीं  चोट  लगती  है   :

जब कहीं चोट लगती है

मरहम की तरह

दूर छूट गए पुराने दोस्त याद आते हैं

 

पुराने दोस्त वे होते हैं

जो रहे आते हैं वहीं के वहीं

सिर्फ़ हम उन्हें छोड़कर निकल आते हैं उनसे बाहर

 

जब चुभते हैं हमे अपनी गुलाब बाड़ी के काँटे

तब हमें दूर छूट गया कोई पुराना

कनेर का पेड़ याद आता है

देह और आत्मा में जब लगने लगती है दीमक

तो एक दिन दूर छूट गया पुराना खुला आँगन याद आता है

मीठे पानी वाला पुराना कुआँ याद आता है

बचपन के नीम के पेड़ की छांव याद आती है

हम उनके पास जाते हैं, वे हमे गले से लगा लेते हैं

हम उनके कंधे पर सिर रख कर रोना चाहते हैं

वे हमे रोने नहीं देते

 

और जो रुलाई उन्हें छूट रही होती है

उसे हम कभी देख नहीं पाते …..

                                                                       – भगवत रावत

                     : ગુજરાતી ભાવાનુવાદ :

                                            :    જ્યારે  ઘાવ  પડે  છે   :

જ્યારે ક્યાંક ઘાવ પડે છે

દૂર ફેંકાઇ ગયેલા જૂના દોસ્ત યાદ આવે છે

મલમ-પટ્ટાની જેમ

 

જૂના દોસ્ત એ હોય છે

જે રહી જાય છે જ્યાંના ત્યાં

બસ આપણે એમને છોડીને નીકળી આવીએ છીએ

એમનામાંથી બહાર

 

જ્યારે ભોંકાય છે આપણને

આપણી જ ગુલાબ- વાટિકાના શૂળ

ત્યારે આપણને

દૂર રહી ગયેલ કોઈ

જૂનું કરેણનું વૃક્ષ યાદ આવે છે

દેહ અને આત્મામાં જ્યારે લાગે છે ઉધઈ

તો એક દિવસ યાદ આવે છે

વિખૂટું પડી ગયેલું જૂનું ખુલ્લું આંગણું

મીઠા પાણીનો જૂનો કૂવો યાદ આવે છે

બચપણના લીમડાનો છાંયડો પણ

આપણે એમની પાસે જઈએ અને

એ આપણને ગળે ચાંપી દે

આપણે એમના ખભે માથું ટેકવી રડવા ઇચ્છીએ

પણ એ આપણને રોવા ન દે

 

અને જે રુદન એમણે માંડ રોકી રાખ્યું હોય

એની તો આપણને ખબર પણ ન પડે …..

                                                                       – ભગવત રાવત

કહે છે, શરાબ જેટલી પુરાણી એટલો એનો ખુમાર વધુ. પુરાણી દોસ્તીનું પણ એવું જ છે. જૂનો દોસ્ત આપણને જાણતો હોય  છે સાંગોપાંગ . એણે આપણને પૂર્ણતયા, આપણી બધી જ નબળાઈઓ- સબળાઈઓ સમેત સ્વીકાર્યો હોય છે, અને આપણે એને. વીતેલા વર્ષોએ એ દોસ્તીનું સીંચન કર્યું હોય છે, એના મૂળિયા વધુ ને વધુ ઊંડા ધરબીને. હા, બન્ને પક્ષોએ એને લીલ્લીછમ્મ રાખવા એટલું જ જતન કર્યું હોય તો.

કવિ એટલે જ કહે છે સંજોગો કે આપણા પોતીકાઓ જ્યારે આપણને ઠેસ પહોંચાડે ત્યારે સૌપ્રથમ યાદ આવે દૂર છૂટી ગયેલો કોઈક દોસ્ત. એ ક્યાંય ગયો હોતો નથી. આપણા મનમાં જ છુપાઈને બેઠેલો હોય છે. આપણે જ એને ઓળંગીને આગળ નીકળી આવ્યા હોઈએ છીએ. જ્યારે આપણી પોતાની જ  ‘ ગુલાબવાડીના શૂળ ‘ આપણને ખુદને ભોંકાય ત્યારે આવા મિત્રો સૌથી વધુ તીવ્ર રીતે યાદ આવે ! આ  ‘ ગુલાબ વાડી ‘ એટલે શું એની મીમાંસા કરીશું તો સુજ્ઞ ભાવકોને એ અનૌચિત્યપૂર્ણ લાગશે અને કવિતા કવિતા નહીં રહે ! એક બાજુ આ ગુલાબ વાડી છે તો બીજી બાજુ કરેણના વૃક્ષ કે પુરાણા આંગણા કે ગામના મીઠા પાણીના કુવા કે નાનપણના લીમડાના છાયાદાર ઝાડ જવો દોસ્ત છે. ગુલાબ વાડીએ પહોંચાડેલા ઝખ્મોની પીડા ભુલાવવા આપણે આપણી કલ્પનાઓમાં એ વિખૂટા પડેલા દોસ્તને ભેટી પડીએ છીએ. એની આગળ આપણી વીતક- કથા બયાન કરવા માંગીએ છીએ. એ આપણી પીઠ પસવારીને આપણને સધિયારો આપે, આપણું રુદન ખાળે પણ ખરો પણ …પણ આપણે એક વાત સદંતર વીસરી જઈએ છીએ. સમય- સંજોગોએ જેમ આપણી ઉપર કોરડા વીંઝ્યા, લોહીલુહાણ કર્યા, એમ એની પર પણ – ભલે જૂદી રીતે – પણ વીતાડ્યું તો હશે ને ! અહીં કોનું જીવન સરળ, સપાટ અને સુચારુ રહ્યું છે ? આપણને ભેટીને આપવીતી કહેવા જેવું નક્કર ઘણું બધું એની પાસે પણ હશેને !

अब कहाँ फ़ुरसत किसीको सुनने – बुझने के लिए
जाँ-ब-लब* है हर कोई बस अपनी कहने के लिए …

                                              (  *જીવ પર આવેલું )

પણ આપણને સધિયારો આપવાની પ્રાથમિકતામાં એ દોસ્ત કદાચ પોતાના આંસુ અંદરની તરફ વાળી લે છે !

અહીં આપણે યાદ કરીએ ગૂગલની એ હૃદયસ્પર્શી અને માત્ર ત્રણેક મિનિટની ફિલ્મને જેમાં દિલ્હીમાં રહેતા વયોવૃદ્ધ બલદેવ મહેરાને એક સમીસાંજે ભાગલા વખતે લાહૌર છૂટી ગયેલો પોતાનો જિગરી યાર યુસુફ ફઝલ યાદ આવે છે. એ પોતાની યુવાન અને ટેક્નોલોજી – સુસજ્જ પૌત્રી સમક્ષ બચપણની યાદો વાગોળે છે. મિત્ર સાથેનો જરીપુરાણો ફોટો, લાહૌરનો ખખડધજ દરવાજા વાળો બગીચો, બગીચામાં પતંગો લૂંટવી, દેશી મિઠાઈ  ‘ ઝઝરિયા ‘ યુસુફનો દુકાનમાંથી ચોરીને ખાવી અને એવી બધી ઝીણી – ઝીણી નિર્દોષ યાદો.  ‘ યાદોંં કા પિટારા ખોલું તો કુછ દોસ્ત બહોત યાદ આતે હૈં ‘ ની જેમ.

ચબરાક પૌત્રી ગૂગલની મદદથી એ લાહૌરનો બગીચો, એની સામે આવેલી  ‘ ઝઝરિયા ‘ વેંચતી મિઠાઈની દુકાન  ‘ ફઝલ સ્વીટ માર્ટ ‘ શોધી કાઢે છે અને પોતાના દાદાની જેમ જ જૂની જણસો શોધતા યુસુફના પૌત્રનો સંપર્ક કરે છે અને એના અને પોતાના દાદાની પુરાણી દોસ્તીની વાત કરે છે. યુસુફનો પૌત્ર બન્ને દાદાઓની તરસ પિછાણી, વીઝા – મુસાફરીની બધી ઔપચારિકતાઓ પતાવી, દાદાને દિલ્હી રવાના કરે છે. બન્ને મિત્રો યોગાનુયોગ બલદેવના જન્મદિવસે જ ભેગા થાય છે. એમનું સુભગ પુનર્મિલન આપણા સૌની આંખ અને હૃદય ભીના કરે છે. માત્ર ત્રણ મિનિટની આ ફિલ્મ એટલા સમયમાં આખી દાસ્તાન બયાન કરે છે અને ભાવકોને ભીતર સુધી તરબતર પણ કરે છે.

તો રાહ ન જૂઓ. સામેથી કેવો પ્રતિસાદ મળશે એની પરવા ન કરો. ઉપલબ્ધ અત્યાધુનિક સંસાધનોની મદદ લઈને તમે પણ શોધી કાઢો આવા વિસરાઇ ગયેલા પણ તમારી અંદર હજી જીવંત રહેલા કોઈ દોસ્તને. નસીબદાર હશો તો એ દોસ્ત અને એનું ઘર મળશે, નહીંતર કબર …. !


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

1 comment for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ = = મ ણ કો ૨૦ = =

 1. mahesh joshi
  July 9, 2018 at 12:02 pm

  I am One of many who have lost almost all the contacts of childhood friends except few But you can not erase sweet memories of that era. I still recollect a friend who at regular interval during conversation used to say “Haan Yaar”. Those are really lucky who are in touch of childhood friends.
  A touchy poem.
  अब कहाँ फ़ुरसत किसीको सुनने – बुझने के लिए
  जाँ-ब-लब* है हर कोई बस अपनी कहने के लिए … Thanks for nice presentation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *