વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૬) : પર્યાવરણની ફિકર: રોતે રોતે હસના શીખો…

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન: ચંદ્રશેખર પંડ્યા


૧ .પરવાળાના ખડકો (કોરલ રીફ્સ/Coral Reefs) એક વિશિષ્ટ પ્રકારની પર્યાવરણ પ્રણાલી છે. દરિયાઈ મોજાં અને ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને પરિણામે દરિયા કિનારાને થતા નુકસાન સામે તે રક્ષણ આપે છે, દરિયાઈ સજીવોને એક આદર્શ નિવાસસ્થાન પૂરું પાડે છે, આહાર-શૃંખલામાં નાઇટ્રોજન તેમ જ અન્ય અગત્યના પોષક તત્વો પુરા પડે છે અને તેને પુન:ચક્રિત કરવામાં મદદ કરે છે. આવાં કારણોસર પરવાળાના ખડકો અસંખ્ય દરિયાઈ સજીવોને આશ્રયસ્થાન પૂરું પડે છે. માનવી દ્વારા પરવાળાના ખડકોને ક્રમશ: નુકસાન થતું આવ્યું છે. પ્રસ્તુત કાર્ટુનમાં, ભૂતકાળમાં દરિયાના મરજીવાઓ ઊંડે સુધી ડૂબકી મારીને પરવાળાની તસ્વીરો લેતા. આજે આ જ ખડકોનું અસ્તિત્વ ‘દુર્લભ’ શ્રેણીમાં આવી ગયું છે અને મરજીવાઓ મૃત પરવાળાને અંજલિ આપવા તેઓની કબર પર પુષ્પ મુકવા જતા બતાવવામાં આવેલા છે.

કાર્ટુનના સર્જક શ્રી રોહન ચક્રવર્તી નાગપુરના રહેવાસી છે. કાર્ટૂન દ્વારા પર્યાવરણ અંગેની જાગૃતિ ફેલાવતા રોહન સાથેની વાતચીત અહીં વાંચી શકાશે. .

https://news.mongabay.com/2013/07/engaging-the-public-on-green-issues-via-environmental-cartoons/

****


૨. આજના સમયમાં મુસાફરી ભલે અગત્યની હોય પરંતુ વાહન ચલાવવા માટે જરૂરી બળતણના વપરાશથી પર્યાવરણને જે માઠી અસર પહોંચે છે અને સજીવોનો નાશ થાય છે તે બતાવવાનો ઉદ્દેશ્ય આ કાર્ટુનના સર્જકનો છે. ગેસ સ્ટેશનમાં વાહનચાલકે બળતણ ખરીદ્યા બાદ ‘ડીજીટલ ડિસ્પ્લે’માં બળતણની કિંમત સાથે દરિયાઈ જીવો કેટલા નાશવંત થશે તે સુંદર રીતે દર્શાવ્યું છે. આ કાર્ટૂન સ્ટીવ સેક/Steve Sack દ્વારા બનાવવામાં આવ્યું છે, જેઓ અમેરિકન અખબાર ‘સ્ટાર ટ્રીબ્યુન’ સાથે સંકળાયેલા છે. તેમનાં અનેક કાર્ટૂનો https://in.pinterest.com/startribune/cartoons-by-steve-sack/?lp=true પર માણી શકાશે.

****


૩. વનઉન્મૂલન (જંગલોની નાબુદી): ગાંધીજી કહેતા કે કુદરત પાસે માનવીની પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા સઘળું છે પરંતુ લોભવૃત્તિને અવિરતપણે સંતોષવા માટેની શક્તિ નથી. (The Nature has everything to satisfy the need of people, not the greed of people). લોભવૃત્તિને વશ થઈને માણસ જંગલો જેવી અમુલ્ય જૈવિક સંપદાનું એટલી હદે દોહન કરી રહ્યો છે કે ભવિષ્યમાં વૃક્ષો માત્ર સંગ્રહાલયોમાં જ નમુના રૂપે જોવા મળી શકશે. આ પરિસ્થિતિને સર્જક દ્વારા ખુબ જ અસરકારક રૂપે દર્શાવી છે. આપણે જોઈ શકીએ છીએ કે પર્યાવરણ કથળવાના પરિણામસ્વરૂપ મ્યુઝીયમના આ મુલાકાતીએ ઓક્સિજનનો માસ્ક પહેરેલો છે. જમણી બાજુની ભીંત પર વાઘ અને વ્હેલ માછલી જેવાં પ્રાણીઓના નમુના જોવા માટેનું દિશાસૂચક સાઈનબોર્ડ પણ વાંચી શકાય છે. આ કાર્ટૂન ટ્રેવર વ્હાઈટ નામના વ્યંગ ચિત્રકારે તૈયાર કર્યું છે. તેમનાં અસંખ્ય કાર્ટૂન અહીં માણી શકાશે. https://www.cartoonstock.com/sitesearch.asp?mainArchive=mainArchive&newsCartoon=newsCartoon&vintage=vintage&categories=All+Categories&categoriesNews=All+News+Categories&artists=1183

****


૪. નાના દરિયાઈ જીવો અને માછલીઓ પર નભી રહેલાં પક્ષીઓ પોતાના બચ્ચાઓ માટે સમુદ્રમાંથી માછલીઓ પકડીને ખોરાક પૂરો પાડે છે. આવા જ એક પક્ષીના બચ્ચાની માતા સમુદ્રમાં વ્યાપક પ્રમાણમાં રખડીને અંતે તેના બચ્ચા માટે જે મળ્યું તે ખોરાક તરીકે વાપરવા માટે લઇ આવે છે. ખોરાકને જોતાં જ બચ્ચું બોલી ઉઠે છે ફરી પાછું પ્લાસ્ટિક?” તેની મા જવાબ આપે છે કે હા, માછલીઓ હવે ખલાસ થઇ ગઈ છે”. પ્લાસ્ટિક-પ્રદુષણ સંબંધિત આ સચોટ કાર્ટૂન મેક્સ ગસ્ટાફ્સન દ્વારા બનાવવામાં આવ્યું છે. તેમનાં વધુ કાર્ટૂનો તેમના બ્લૉગ http://www.maxgustafson.com/ પર જોઈ શકાશે.

****


૫. સન ૨૦૭૦ માં (એટલે કે ભવિષ્યમાં) અવકાશી જીવ ઉડતી રકાબીમાં બેસીને પૃથ્વી ગ્રહની મુલાકાત લઇ રહ્યા છે. પૃથ્વી પર ચારે તરફ વિનાશ સર્જાયેલો જોઇને એક અવકાશી તેના સાથીદારને કહે છે કે,લાગે છે તેઓ સાતત્યપૂર્ણ વિકાસ સાધવામાં નિષ્ફળ ગયા છેટકાઉ વિકાસ માટે અત્યંત જરૂરી એવા પરિબળો જેવાં કે ઝેરી કચરાનો ઉચિત નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી, જંગલોનું સંરક્ષણ વિગેરે જેવાં મુદ્દાઓ તરફ દુર્લક્ષ્ય સેવવાથી એટલે કે પર્યાવરણની સુયોગ્ય જાળવણી ન કરવાથી વિકાસ થતો નથી પરંતુ વિનાશ જ સર્જાય છે. આ હકીકતને કાર્ટૂનિસ્ટ નાથ પરેશ દ્વારા ઉજાગર કરવામાં આવી છે.

****


૬. પર્યાવરણ વિષયક ચર્ચાઓમાં ‘ગ્રીન હાઉસ ઈફેક્ટ’ પ્રમુખ વિષય રહ્યો છે. એક સાદી સમજ જોઈએ તો પૃથ્વીની સપાટી, વાતાવરણ અને સૂર્યમાંથી આવતી ગરમીના વિકિરણોની આપ-લે થતી હોય છે. પૃથ્વીની સપાટી તપે છે અને ગરમીનું પરાવર્તન થાય છે. પરંતુ પૃથ્વીના વાતાવરણમાં અમુક પ્રકારના વાયુઓની હાજરીને કારણે આ પરાવર્તનમાં અડચણ ઉભી થાય છે અને પરિણામે પૃથ્વીની સપાટી તેમ જ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધે છે. સરવાળે સરેરાશ ઉષ્ણતામાનમાં વધારો થાય છે. અશ્મીકૃત ઇંધણ જેવાં કે પૃથ્વીના પેટાળમાંથી મેળવાતા તેલ, વાયુ અને કોલસા બાળવાથી હાનીકારક ગેસ જેવાં કે કાર્બન ડાયોક્સાઈડ, મીથેન અને એ.સી., રેફ્રીજરેટરમાં વપરાતા ગેસ (ક્લોરો ફ્લ્યુરો કાર્બન) વિગેરેનું પ્રમાણ વાતાવરણમાં વધે છે જે પૃથ્વીની ફરતું એક અભેદ કવચ બનાવે છે. આવાં ઇંધણનો બેફામ ઉપયોગ અને વૃક્ષોના કપાણના પરિણામે ‘ગ્રીન હાઉસ ગેસ’ નું પ્રમાણ વધે છે જેની માઠી અસરોથી આપણે પરિચિત છીએ. વૃક્ષો કાર્બન ડાયોક્સાઈડને શોષે છે અને પ્રાણવાયુ આપે છે જે સજીવોના અસ્તિત્વ માટે વરદાન રૂપી સાબિત થાય છે. ઔદ્યોગીકરણ પાછળની આંધળી દોટના કારણે તેમ જ પશ્ચિમી દેશોની વૈભવી જીવનશૈલીથી પૃથ્વી પર ગ્રીન હાઉસ અસર મર્યાદા બહાર વધી છે.

પ્રસ્તુત કાર્ટુનમાં, વિકસિત દેશનો એક માણસ વિકાસશીલ દેશના માણસને કહે છે કેએય મિત્ર! ગ્રીન હાઉસ અસરની સામે રક્ષણ મેળવવા માટે આપણે આ વૃક્ષની જરૂર છે” …. વાહનમાંથી નીકળતા ધુમાડાને જોઈ શકાય છે જે વાયુ પ્રદુષણને નોતરે છે. આ કાર્ટુન વિલીસ દ્વારા બનાવાયું છે.

****


૭. વૈશ્વિક સ્તરે ક્લાઈમેટ ચેન્જના કારણે (જળ-વાયુ પરિવર્તન) ધ્રુવીય પ્રદેશોમાં આવેલ બરફના પીગળવાથી અને ઉષ્ણતામાનમાં વધારો થવાથી પૃથ્વી પર આવેલાં સમુદ્રોની સપાટી વધવાની સંભાવનાઓની આગાહી વૈજ્ઞાનિકોએ ઠોસ દાવાઓ સાથે કરી છે. પ્રવર્તમાન સપાટીમાં આંશિક વધારો થાય તો તેના ભયજનક પરિણામો, ખાસ કરીને કાંઠાળ વિસ્તારોએ ભોગવવાનો વારો આવે. ભારતની જ જો વાત કરીએ તો અંદાજિત ૭૫૦૦ કી.મિટરનો દરિયા કિનારો (ગુજરાતથી પશ્ચિમ બંગાળ અને આંદામાન-નિકોબાર તથા લક્ષદ્વીપ ટાપુઓ) જાન-માલની પારાવાર નુકસાનીનો ભોગ બની શકે. હવે કાર્ટુનમાં એક યુગલના સંવાદથી સ્પષ્ટ થઇ રહ્યું છે. કિનારા પર ઉભેલો માણસ તેની સાથીદાર વેરોનીકાને પૂછે છે વેરો! તું આટલી ઉંચાઈ પર શું કરી રહી છે?” વેરોનીકા જવાબ આપે છે કે,હું દરિયાની સપાટીમાં વધારો થાય તે પ્રકારના અકસ્માતથી બચવાની તૈયારી કરી રહી છું”. તમે જોઈ શકશો કે વેરોનીકાને કશો જ જવાબ તેના સાથીદાર તરફથી મળતો નથી! તેણી દોહરાવે છે બેબ?” (બેબ વધતી જળસપાટીમાં ગરકાવ થઇ ગયો છે અને પાણીની સપાટી વેરોનીકા જે માંચડા પર બેઠી છે ત્યાં સુધી પહોંચી ગયું છે. પાણીમાં તરતા રહી શકાય તેવું લાઈફ જેકેટ જળસપાટી પર જોઈ શકાય છે).

લેલો અલકરાઝ અમેરિકન- સ્પેનીશ વ્યંગ ચિત્રકાર છે. સન ૨૦૦૮માં બેરેક ઓબામા માટે તેમણે ‘વિવા ઓબામા અભિયાન’ માટે કામ કર્યું હતું. સન ૧૯૬૪માં કેલીફોર્નિયાના સેન ડીએગોમાં જન્મેલા અલકરાઝ સ્થાપત્યમાં અનુસ્નાતક થયા છે.

****


૮. ‘ગ્લોબલ વોર્મિંગ’ અને ‘સી લેવલ રાઈઝ’ પર જ આધારિત એક બીજું રસપ્રદ કાર્ટૂન જોઈએ. સમુદ્રમાં તરતી બે શિકારી શાર્ક માછલીઓ વાતો કરે છે. એકની પાસે જળસપાટી વધી રહી હોવા બાબતનો અહેવાલ છે જે વાંચીને તેની સાથીદાર માછલીને કહે છે કે, આનંદો! પ્રવર્તમાન દરે ગ્લોબલ વોર્મિંગ પ્રક્રિયા આગળ વધશે તો આગામી પાંચ વર્ષની અંદર આપણે પેલા ટાપુની જગ્યાએ પણ તરી શકશું અને માછલીઓને પકડી રહેલાનો શિકાર કરી શકશું…!!”

કાર્ટૂનના સર્જક શ્રી સાઈમન છેલ્લા ૩ દાયકાથી બ્રિટીશ સ્કુલોમાં ફીઝીક્સ ભણાવે છે. તેઓ હાલ કંપાસ ઇન્ટરનેશનલ સ્કુલ,દોહા માં ડાયરેક્ટર ઓફ લર્નિંગ તરીકે કાર્યરત છે. વધારે માહિતી માટે સ્રોત …


૯. આજકાલ ‘ફિશિંગ’ (PHISHING) શબ્દથી આપણે સુપેરે પરિચિત છીએ. ક્રેડીટ કાર્ડ, ડેબીટ કાર્ડ, ઈન્ટરનેટ બેન્કિંગ વિગેરે પ્રકારના ડીજીટલ ઉપકરણ/સેવાઓ સહજ રૂપે મળે છે અને વ્યાપક પણે તેનો ઉપયોગ પણ થાય છે. પરંતુ બેનામી ઈ મેઈલ અને ટેલીફોન કૉલથી ગ્રાહકોને છેતરીને નાણા ઉચાપત કરવાના કિસ્સાઓ બને છે. આ પ્રક્રિયાને ‘ફિશિંગ’ કહેવામાં આવે છે. બેંક તરફથી પ્રસ્તુત બાબતે ગ્રાહકોને ચેતવવામાં પણ આવે છે પરંતુ ઉચાપતના કિસ્સાઓ બન્યે જ જાય છે. હવે કાર્ટૂન વિષે વિચારીએ તો, રક્ષિત વિસ્તારો જેવાં કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં આવેલાં જળસ્રોતોમાં માછલી પકડવાની મનાઈ હોય છે. આવા જ એક રક્ષિત વિસ્તારમાં સ્થિત સરોવરમાં “NO PHISHING” (FISHING ને બદલે) એટલે કે માછલી પકડવાની મનાઈ છે તેવું સાઈન બોર્ડ છે તેમ છતાં એક વ્યક્તિ માછલી પકડતી દેખાય છે. દેખીતી રીતે અહીં ‘ફિશિંગ’ નો સ્પેલિંગ ખોટો લખાયો છે. બે માછલીઓ આનાથી પરેશાન થતી વાતો કરે છે કે, બોર્ડ મુકવા છતાં કોઈ અસર જણાતી નથી!! મને ફરીથી આ મુર્ખ જેવી જણાતી ડીક્ષનરી જોવા દે!”

આ કાર્ટૂનના કાર્ટૂનિસ્ટ સ્ટીવન મૂર છે.

****


૧૦. કુદરત પાસેથી માનવી જેટલું મેળવે છે તેનાથી વધારે પરત કરવાની નૈતિક ફરજ ચુકે છે. આ બાબતને ચિત્રકારે હાથી અને તેના બચ્ચાના માધ્યમ થકી કહેવાનો અસરકારક પ્રયત્ન કર્યો છે. હાથીના ખોરાકની માત્રા અને તેની લાદની માત્રા દર્શાવવામાં આવી છે. રોહન ચક્રવર્તી દ્વારા આ કાર્ટૂન બનાવાયું છે.

****

(નોંધ:- તમામ માહિતી અને કાર્ટૂન, ફક્ત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને શિક્ષણના હેતુસર ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે. કોઈ જ વ્યવસાયિક હેતુ રાખ્યો નથી. )


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com || મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮


આ શ્રેણીમાં આપ આપનું પ્રદાન આપવા ઈચ્છતા હો તો આ શ્રેણીનો પરિચયલેખ – વિવિધ વિષય પરનાં કાર્ટૂનોના વિશ્વમાં: – વાંચીને સંપર્ક કરવા વિનંતી.

– ‘વ્યંગ્યચિત્રોના વિશ્વમાં’ શ્રેણીના સંપાદક બીરેન કોઠારીના સંપર્ક માટેનું વીજાણુ સરનામું : bakothari@gmail.com


Disclaimer:

The cartoons in this post have been taken from net purely for non-commercial purpose with due credits to cartoonists as far as possible. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *