લ્યો, આ ચીંધી આંગળી : અંબાજીની એલિઝાબેથ ટેલર અને એનો અનોખો પુત્ર

Facebooktwitterredditpinterestlinkedinmail

રજનીકુમાર પંડ્યા

‘ખબરદાર!’ રસોડામાંથી માની ત્રાડ આવી એટલે છ વરસનો કમલેશ થથરી ગયો. હેતભર્યું સંબોધન નહીં, પણ હૃદયના એક બે ધબકારા ચૂકાવી દે તેવી ત્રાડ એ માતાની કાયમી ઓળખ હતી. પણ આજની ત્રાડ ત્રીજા નેત્રની કોટીની હતી. કમલેશ એ વખતે કોરી સ્લેટમાં પોતાનું નામ લખતો હતો. એના હાથમાંથી પેન પડી ગઈ. એણે ભયભીત નજરે મા સામે જોયું.

‘આજથી નવું નામ ઘુંટવા માંડ.’ મા હસુમતી બોલી. ‘લખ. કમલેશ ચીમનલાલ.’

કમલેશે કોમળ આંગળીઓ વડે ફરી પેન ઉપાડી લખ્યું ‘કમલેશ.’ પણ એ નામની પાછળ પછી આદતના જોરે લખાઈ જ ગયું : ‘શાંતિલાલ.’

મા ફરી તાતું તીર થઇ ગઇ. એક થપ્પડ પડી ગાલ પર. ‘સાંભળ્યું નહીં ?’ એ ડોળા કાઢીને બોલી : ‘લખ, કમલેશ ચીમનલાલ.’

ચીમનલાલ કોણ હતો ? બાપ હતો ? ના રે ના. બાપ તો શાંતિલાલ જાની હતો. અંબાજીના મંદિરમાં ચોકીદારની નોકરી કરતો હતો. રંગીલો હતો. બહુ પાન ખાતો હતો. હટ્ટોકટ્ટો હતો. એની પહેલી બૈરી ગુજરી ગઈ હતી એટલે જામનગરથી આવી ચડેલી બાઈ હસુમતીને ઘરમાં બેસાડી દીધી હતી. બે જ વર્ષમાં એટલે કે 1969 માં છોકરો જન્મ્યો કમલેશ. પછી એક છોકરી પણ જન્મી- ભાવના. અવતારકાર્ય પૂરું થયું હોય એમ શાંતિલાલ 1974 માં ગુજરી ગયો. કારણમાં કેન્સર. હાહાકાર થઇ ગયો. વિધવા હસુમતી હવે ક્યાં જશે ? વૈધવ્ય કેમ ગુજારશે ? બ્રાહ્મણનું ખોળિયું હતું.

પણ બ્રાહ્મણીના ખોળિયામાં જાણે હોલિવૂડની અભિનેત્રી એલિઝાબેથ ટેલરનો આત્મા વસતો હતો. એણે તરત જ રીતસર લગ્ન કરીને ચીમનલાલનું બીજું ઘર માંડ્યું. ચીમનલાલનો ભૂતકાળ ચીમનલાલ જાણે, પણ એણે પગની એક ઠોકર મારીને શાંતિલાલનું નામ હસુમતીના નામની પાછળથી હટાવી દીધું. એ હસુમતીએ પછી તો કમલેશના નામની પછવાડેથી એના પિતા શાંતિલાલનું નામ કાઢવાના ઇરાદાએ દીકરા પર તમાચાનો વરસાદ વરસાવ્યો : ‘લખ, કમલેશ ચીમનલાલ ! લખે છે કે નહીં ?કે દઉં હજી એક ?’

છ વરસના કમલેશે ભેંકડો તાણીને ઘરને માથે તો લીધું પણ અંતે આદેશનો અમલ કર્યો. લખ્યું : ‘કમલેશ ચીમનલાલ.’

**** **** ****

‘લખ, કમલેશ રતિલાલ.’ બે વરસ પછી હસુમતીએ ફરી ત્રાડ પાડી અને તમ્મર ચડી જાય એવો તમાચો કમલેશના ગાલ પર જડી દીધો : ‘લખે છે કે નહીં ? બસ, હવે કદી કમલેશ ચીમનલાલ નહીં લખવાનું. ખબરદાર જો ભૂલ કરી છે તો !’

એક રતિલાલ નામના પુરુષને કમલેશે અનેકવાર કાકા તરીકે ઘરમાં આવકાર્યો હતો, પણ આમ બાપની ગાદી પર બેસી જશે એની કલ્પના ક્યાંથી હોય ? ફરી એણે ભેંકડો તાણ્યો. ફરી ગાળોનો મેહ અને થપ્પડોનો વરસાદ. કમલેશે મહામહેનતે નોટબુકમાં કમલેશ ચીમનલાલ ભૂંસીને ગડબડિયા અક્ષરે લખ્યું: ‘કમલેશ રતિલાલ, ધોરણ પહેલું ‘બ’.

હસુમતીના અગાઉ કેટલા લગ્ન હતા એની યાદી નહોતી, પણ શાંતિલાલ સાથેના ફેરા પછી આ ત્રીજી વારના મંગળફેરા ફરતી હતી. વચ્ચેનો ચીમનલાલ પદભ્રષ્ટ થઈ ગયો હતો.

કમલેશની ઉંમરના વરસો વધતા ગયા તેમ તેમ બાપના નામ વરસે બે વરસે બદલાતાં રહ્યાં. અવિચળ નામો તો બે જ. પોતાનું નામ કમલેશ અને માતાનું નામ હસુમતી. બાપના નામ તો થિયેટર પર ફ્લોપ ફિલ્મોના ચડતાં પાટીયાંની જેમ કમલેશ ચીમનલાલ, કમલેશ રતિલાલ, કમલેશ નાનાલાલ, કમલેશ ગોરધન, કમલેશ હરિલાલ, કમલેશ….. બદલાતા રહ્યા.

(કમલેશ)

પોતાની નામની પાછળ લગાડવામાં આવતા કોઇ પુરૂષના નામનો માંહ્યલો અર્થ શો થાય એ સમજવા જેવડી કમલેશની ઉંમર થઈ ત્યારે એની આંખોમાં લોહી ધસી આવ્યું. એમાં વળી વચ્ચે શૈલેશ નાનાલાલના નામનો એક સહોદર (ભાઈ) પેદા થઇ ચૂક્યો હતો. એ છોકરો પોતાના નામ સાથે ચેડાં કરવાના પ્રયત્ન કરવા માગતી માતા હસુમતી સામે ત્રાડ નાખતો હતો. કમલેશે એક વાર એમ કરવાનો નમાલો પ્રયત્ન કરી જોયો ત્યારે મા હાથમાં જે આવ્યું તે લઈને મારવા દોડી.

આઠ-દસ બાપના નામના અડાબીડ જંગલ વિધીને કમલેશ અંબાજી ગામ છોડીને ભાગ્યો. માઉન્ટ આબુ ગયો. જે તદ્દન નજીક પડે. ત્યાં આગળ અનાદરા નામની જગ્યામાં બાવા દેવગીરીની સેવા કરવા રહ્યો. ત્યાં એણે બીજા એક સંસારી સાધુને બાપની જગ્યાએ માન્યો ને એ સાધુની પતિવ્રતા પત્નીને મા ધારી લીધી.ચાલો, એક જ ધણીની ધણીયાણી એવી કોઇ કચરા-કસ્તર વગરની મા તો મળી ! હાશકારો થયો.

પરંતુ ત્યાં વળી અવળું કૌતુક થયું. બાપ અવિચળ રહ્યો અને પણ ‘મા’ઓ એક પછી એક બદલાવા માંડી. પેલો સંસારી રામલો રંગીલો હતો એટલે તો એની ‘રામલીઓ’ એ બદલાતી રહી.

મનમાં બેવડો વિદ્રોહ ભરીને કમલેશ એક વસંત જરીવાળા નામના સજ્જનને ત્યાં નોકરીએ રહ્યો પણ ત્યાં બહુ ગોઠ્યું નહીં. કારણ કે જે એક નિઃસંતાન દંપતીને ત્યાં એને રહેવાનો આશરો મળ્યો ત્યાં મા-બાપ તો અવિચળ રહેતા હતા પણ સંતાનો બદલાતા હતા. આજે એ કોઈને પુત્રવત્ ગણતા એ કાલે દુશ્મનવત બની જતો. મતલબ કે જેને છોકરો ગણતા એની કાંઇક હરકતો નડતી. સગા દિકરાને તો ના બદલી શકાય પણ કલ્પનાના રથમાંથી તો પેસેન્જર-પુત્રને ‘ચાલ,હેઠો ઉતરી જા.’ કહીને છેડાછૂટકો મેળવી શકાય ને ! આમ હકાલપટ્ટીઓનો સિલસિલો ચાલુ રહેતો. કમલેશ એ લોકોના ઘરમાં પચ્ચીસમા પુત્ર તરીકે રહ્યો ને છવ્વીસમો છોકરો ક્ષિતિજ પર કળાયો એટલે કમલેશ ફરી ફૂટપાથ પર આવી ગયો.

ફરી કંટાળીને એ વતન અંબાજી આવ્યો ત્યારે માતા હસુમતી હોલીવૂડની એલિઝાબેથ ટેલરને ત્રણગણા અંતરે પાછળ રાખી ચૂકી હતી. ઓગણીસમાં લગ્નનો પતિ મધુગીરી ગોસ્વામી તેનો ગૃહસ્વામી હતો.

આવી માએ પણ કમલેશને શરતી આવકાર આપ્યો. ‘પ્રેમથી બોલાવું પણ એક શરતે. મને કમાઈને આપીશ?’

‘પાછળ નામ કોનું રાખું ?’

‘મૂઆ, એ તે કંઇ પૂછવાની વાત છે ? મધુગીરીનું જ હોય ને ! કમલેશ મધુગીરી !’

કમલેશના દિમાગના સાતેય ભુવન ફરી ગયા, એ એ જ ક્ષણે ઉંબરો છાંડી ગયો. અંબાજીના મંદિરના દરવાજે જઈને ઊભો રહ્યો. કહ્યું : ‘મારું નામ કમલેશ શાંતિલાલ જાની છે. મને મંદિરની અંદર નોકરી આપો. મારો બાપ અહીં મરી ગયો એનો હક લાગે છે.’

મંદિરમાં એને સાફસફાઈની નોકરી મળી. પણ આટલા ઝટકા જેણે લાગણીઓ પર સહ્યા હોય એ સાવ વાલ્મીકી તો રહ્યો જ ન હોય. વાલિયો બની ગયો હતો. ખોબા જેવડા અંબાજી ગામમાં એની રાડ વધવા માંડી. ઝઘડો, મારામારી-દાદાગીરી વગેરે વગેરેમાં જે કંઈ આવતું હોય તે બધું જ….. ચંપલની ચોરી સહિત !

એક વાર ટ્રિપલ એલિઝાબેથ ટેલર સામે મળી તો સામી ઈંટ ઉગામી કમલેશે. પછી વિચાર આવ્યો, ઈંટ એના માટે નથી, ઈંટ મારવી હોય તો વિધાત્રીના માથામાં મારવી જોઈએ. જે કદી સામે નથી આવતી. માત્ર પરચા જ દેખાડ્યા કરે છે.

ઈંટ ફગાવીને એ ગલી ચાતરી ગયો. ઓગણીસ ઘર કરનારી પણ જો મા હોય તો એને મરાય નહીં.

**** **** ****

ધાનેરાના ફોજદાર (પી.એસ.આઈ.) એક્સ વાય ઝેડ સાહેબ અંબાજી મંદિરમાં દર્શન કરવા ગયા. મંદિરના ઓટા પર પોલીસશાઈ પોર્ટફોલિયો મૂકીને માતાજી પાસે ગયા. શીશ નમાવ્યું. કરેલા કરમની માફી-બાફી માગી હશે. પણ પાછા બહાર નીકળ્યા ત્યારે મનમાં કોણ જાણે શું ઘૂરી ચડી કે ઠાંઠિયું મોટરસાઈકલ મારી મૂકી. તેમાં ઓટા પર મુકેલો પોર્ટફોલિયો ભૂલી ગયા. સારી વાર પડી રહ્યો, ત્યાં સાફસફાઈ કરતો કમલેશ નજીક આવ્યો. પોર્ટફોલિયો ઉપાડીને જોયો તો માલદાર લાગ્યો. સહેજ ચેન ખોલીને નજર નાખી તો રૂપિયાની થોકડીઓ ! આજુબાજુ જોયું તો કોઈનું ધ્યાન નહોતું. મગજમાં સો અશ્વોની હણહણાટી પેદા થઈ ગઈ હશે. પણ એ તો એક જ ક્ષણ. ‘અરે, કમલેશ દુનિયામાં તું એક તો હવે અવિચળ રહે. તારા લોક પણ જો તારા થયા નથી તો આ રૂપિયા જે તારા નથી તે તારા કેવી રીતે થશે ?’

બીજી મિનિટે એ ટેમ્પલ ઇન્‍સ્પેક્ટર પુરાણિયા સાહેબ પાસે પહોંચ્યો. રિપોર્ટ કર્યો. એમણે પંચ રૂબરૂ પોર્ટફોલિયો ખોલાવ્યો તો અંદરથી ચૌદ હજાર રૂપિયા નીકળ્યા. વધારે ખાંખાખોળા કર્યા તો અંદરથી માલિકનું નામ નીકળ્યું પી.એસ.આઈ એક્સ.વાય.ઝેડ. તાબડતોબ માણસ મોકલ્યો. ફોજદાર નાગલસાહેબ આવ્યા. એમણે તો રૂપિયા ગયા ખાતે માંડી વાળ્યા હતા. પણ આ જોઈને એમની આંખોમાં રૂપેરી ચમક આવી. પોતાનું ઓળખપત્ર બતાવીને એમણે માલ તો પાછો મેળવ્યો, પણ બસો એકાવન એણે કમલેશને બક્ષિસના આપવા માંડ્યા. જે કમલેશે ભારે આનાકાની પછી લીધા ને એમાંથી બસો પચાસ માતાજીની ગોલખમાં મૂકીને પોતે તો માત્ર એક રૂપિયો જ લીધો.

આ બધો ખેલ સરકાર તરફથી અંબાજીના નિમાયેલા વહીવટદાર આઈ. એ. એસ. ઓફિસર અતુલ રાવ જોતા હતા. એમણે કમલેશને નજીક બોલાવ્યો. ‘પ્રામાણિક છો. પૂણ્ય કરવાની વૃત્તિવાળો છો, વિચારશીલ પણ છો અને ઉદાર પણ છો. તો પછી તારામાં શું ખૂટે છે ?’

**** **** ****

આ વાત 1994ની છે. દિવાળીના દિવસોમાં સાવ છોકરડા-ભાયડા જેવા લાગતા આ તરવરિયા અમલદાર અતુલ રાવ મને મળ્યા ત્યારે મને એ એમના ઘરથી થોડે દૂર પડેલી વાન પાસે લઈ ગયા. અંદર બેફિકર થઈને કમલેશ ઘસઘસાટ ઉંઘતો હતો. મેં એની તસવીર પાડી એટલે ફ્લેશના ચમકારાથી એ બેઠો થઈ ગયો.

(અતુલ રાવ)

‘આ હવે એનું ઘર છે.’ અતુલ રાવ બોલ્યા ત્યારે એના મોં પર પ્રસન્નતા વરતાઈ આવતી હતી. પેલા દિવસના ફોજદારવાળા બનાવ પછી એની જિંદગી આખી પલટાઈ ગઈ છે – મંદિરમાં મેં એને સારી શરતોએ નોકરી આપી છે. બહારના થોડા મહેનત-મજૂરીના કામ કરે છે. ગામમાં એનો ઉપાડો સદંતર બંધ થઈ ગયો છે. આક્રોશ ચાલ્યો ગયો છે. ભલાઈના કામ કરે છે. મારે ત્યાં કે ક્યાંક સારે સ્થળે એને જમવાનું મળી જાય છે. મોટરમાં પડ્યો રહે છે. પગાર બચાવીને બેંકમાં મૂકે છે. જો આમ ને આમ ચાલશે તો થોડા દિવસમાં એને એના જોગ કોઈ સારી છોકરી શોધીને મેરેજ….’

(વાહનમાં સૂતેલો કમલેશ)

આ સાંભળતો હતો ત્યાં કમલેશની આંખોમાં જુવાન માણસની આંખોમાં જ આવે તેવો રંગીન ચમકારો આવ્યો. હાથ જોડીને અતુલ રાવ તરફ આંગળી ચીંધીને કહે : ‘એ મારા ભગવાન છે.’

‘લગન કર્યા પછી રહીશ ક્યાં ?’ મેં પૂછ્યું : ‘આ મોટરમાં થોડું રહેવાશે ?’ પછી હસીને મેં કહ્યું : ‘તારા આ ઘરમાં તો ચોતરફ કાચ છે !’

‘એક જ ઘર કરીશ.’ એણે કહ્યું : ‘અને તે કાચનું નહીં હોય. કોઈ અંદર જોઈ પણ શકે નહીં – પથ્થર પણ મારી શકે નહીં.’

**** **** ****

પત્રકાર તરીકે પેલા ફોજદારવાળો મામલો મંદિરના ચોપડે ચડ્યો હોય તો પુરાવો મેળવવાની મેં કોશિશ કરી. કદાચ ‘લોસ્ટ પ્રોપર્ટી’ના ચોપડે એની મળી આવ્યા-સોંપાયાની એન્ટ્રી હોય.’

પણ ન મળી. ક્યાંથી હોય ? ફોજદાર કોઈ ગામડેથી ખૂનના મામલાની તપાસ કરીને પાછા ફરતા હતા. ‘તોડ’ કરીને આવતા હશે એટલે તો ચૌદ હજાર જેવો દલ્લો પાકીટમાં હતો ! લાંચના રૂપિયા ગુમ થયાની ફરિયાદ કેવી રીતે થાય ? અરે, એની તો નોંધ પણ ક્યાંય ન થવા દેવાય. નોંધ ન થવા દેવા માટે એ માતાજીને બદલે મનુષ્યો સમક્ષ હાથ જોડતા હતા. ‘ભાઈસાહેબ, લખતા બખતા નહીં – કોઈ’ દિ ઇન્કવાયરી થશે તો મારી નોકરી જશે.’

એમની નોકરી ન ગઈ, પણ કમલેશની પાક્કી થઈ ગઈ. અને આ નોકરીને ચોપડે એનું નામ હવે લખાશે : ‘કમલેશ શાંતિલાલ જાની.’ એક અવિચળ નામ, બાપનું નામ અને અટક .

**** **** ****

હવે એક મહત્વની વાત, એ અમલદાર અતુલ રાવને તે પછી મારે કદિ મળવાનું થયું નહિં. પણ એકાદ વર્ષ પહેલા અચાનક એમનો ઇ મેલ આવ્યો. હવે એ અમેરિકા રહે છે. પણ મારું વાંચતા રહેતા હશે એટલે ક્યાંકથી મારો ઇ મેલ શોધીને એમણે મારો સંપર્ક કર્યો અને આ આખો કિસ્સો કે જે મેં ચિત્રલેખાના ૨૧-૨-૯૪ના અંકમાં લખ્યો હતો તે યાદ કર્યો, સોળ વર્ષ વીતી ગયા હતા એટલે આ યાદી રોમાંચભરી હોય તે સ્વાભાવિક છે. મેં એમને એ લેખ શોધીને ઇ મેલથી મોકલ્યો. અમે એકબીજાના સંપર્કમાં છીએ.

મારે હવે એ જાણવું છે કે કમલેશનું શું થયું ? અને દેશી એલિઝાબેથ ટેલરનું ?

અતુલ રાવને પૂછાવ્યું તો છે. જોઇએ શો જવાબ આવે છે .


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા.,બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦

મો.95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન-079-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

11 comments for “લ્યો, આ ચીંધી આંગળી : અંબાજીની એલિઝાબેથ ટેલર અને એનો અનોખો પુત્ર

 1. July 2, 2018 at 8:52 pm

  Thanks, Rajnikumarji
  There is something strange about this KAMLESH name, anyone with this name has unik personality and they are allrounder, can do any job big or small, ( what is in name ? as people always comment , but there is lot more in this name!!! )

 2. Lalit lad
  July 2, 2018 at 9:41 pm

  વાહ રજનીભાઈ! વેબગુર્જરી પર પ્રગટ થતા તમારા દરેક લેખની લિન્ક અચૂક વાંચું છું. ક્યારેક નોસ્ટાલ્જિઆ થાય કે આહા… પેલો વરસો પહેલાં વાંચેલો લેખ ફરી વાંચવાની કેવી મઝા આવી. … ( જુનું ફેવરિટ ગાયન અચાનક રેડિયો પર સાંભળવા મળી જાય તેમ) કયારેક વાંચેલો લેખ વારંવાર મલાવી મલાવીને વાંચું છું. ( મોબાઈલમાં સેવ કરીને ગમતું ગાયન વારંવાર સાંભળ્યા કરીએ તેમ) પણ આ લેખ વાંચીને હલી ગયો… બિલકુલ એ રીતે કે વીસેક વરસ પહેલા સાવ ખોવાઈ ગયેલું ગાયન, આમ જ ક્યાંક ચા ની કીટલી પર બેઠા હોઈએ ને સાંભળવા મળી જાય. .. ખુબ ખુબ આભાર વેબગુર્જરી!

  • Rajnikumar Pandya
   July 8, 2018 at 4:40 pm

   આભાર,શેખ ચલ્લી,
   ખાતું સરભર થઈ ગયું.
   હું તો તારો ફેન!
   પણ આવા સરભર ફિટટ્સ નથી હોતા, એ સંબંધો ની મૂડી એકની ડબલ કરી આપે છે

 3. Bhavna Chudasma
  July 2, 2018 at 10:11 pm

  Dear Bhagwati Sir you are right “There is something strange about this KAMLESH name”
  Kindly check link. Aadhaytma vignani kamleshanandji.

  http://aadhyatmavignan.org/video-satsang/satsang-ahmedabad/

 4. Piyush Pandya
  July 2, 2018 at 10:22 pm

  છાતી ઉપર કેવો બોજો લઈને ફર્યા કર્યો હશે આ માણસ! વધારે વિગત મળે તો/ત્યારે અચૂક વહેંચજો.

 5. પ્રફુલ્લ ઘોરેચા
  July 3, 2018 at 1:56 pm

  રાહ જોઈએ છીએ આગળના હપ્તાની.
  સાચુ કહું તો હકીકત કરતા તેની રજૂઆત કરવાની અનોખી રીત, એ દેશી એલીઝાબેથ જેવા અનોખા શબ્દ પ્રયોગ, બસ વાંચવાની મજા આવે એવી લેખન શૈલી !
  રાહ જોવી જ રહી.

  • Rajnikant Pandya
   July 4, 2018 at 5:31 am

   જી, આભાર.
   પણ આનો બીજો હપ્તો નથી.હા, અતુલ રાવની કમેન્ટ ઇ મેલવાળા પીસસા જોઈ લેજો

 6. ઈશાન ભાવસાર
  July 4, 2018 at 1:13 pm

  પ્રિય રજની કાકા,

  આપનો ‘સરકતી લીફ્ટમાંથી સત્યજિત રે’ મને ખુબ ગમેલો. આ લેખની જેમ જ વારંવાર વાંચવો ગમે એવો. એની લિંક અહીં મળતી નથી તો આપ એને મારા ઇમેઇલ પર મોકલી આપશો? મારુ ઈમેલ એડ્રેસ છે: ishanabhavsar@gmail.com

  આપનો વાચક,

  ઈશાન

 7. Dr. Varsha Das
  July 4, 2018 at 4:46 pm

  Very interesting story. Did all this really happen? It sounds more of a fiction than fact!
  Thank you Rajnibhai

 8. Ishwarbhai Parekh
  July 5, 2018 at 6:02 pm

  રજનીભાઇ ગજબ છો તમે ખૂણે ખાંચરેથી એવું સરસ શોધી લાવો છો ,કે વાંચનાર ને એલિઝાબેથ ટેલર ને બદલે હસુમતિ દેખાવા માંડે ! પતિ બદલાય ,બૈરું બદલાય પણ છોકરા બદલાય એવું મેં પહેલીવાર વાંચ્યું ,કમલેશને પણ ધન્ય કે શાંતિલાલ જાની ને પકડી રાખ્યા બસ લખતા રહો ભગવાન આપને શતાયુ બક્ષે .જયશ્રી કૃષ્ણ .

 9. Niranjan Mehta
  July 6, 2018 at 12:46 pm

  બહુ જ રોચક અને સુંદર શૈલીમાં લખાયેલ લેખ બદલ અભિનંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *