પરિસરનો પડકાર : ૧૨ : કોસ્ટલ અને મરીન વિસ્તાર (મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ)

Facebooktwitterredditpinterestlinkedinmail

ચંદ્રશેખર પંડ્યા

આપણે જુદી જુદી પર્યાવરણ પ્રણાલીઓ (ઇકોસિસ્ટમ)થી પરિચિત થયાં છીએ. જે પૈકી ગુજરાત અને અન્ય રાજ્યો જેવાં કે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરાલા, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ તેમ જ આંદામાન અને નિકોબાર ટાપુઓ, પોંડીચેરી, લક્ષદ્વીપ વિગેરેને ધ્યાનમાં રાખતા દરિયા કાંઠાના વિસ્તારો એક આગવું મહત્વ ધરાવે છે. આ તમામ રાજ્યો/સંઘ પ્રદેશોને સ્પર્શતો વિશાળ દરિયા કિનારો આવેલો છે. દરિયાકાંઠા વિસ્તારોની પોતાની જ લાક્ષણિકતાઓ હોય છે. લોકોના સામાજિક અને આર્થિક જીવન પર વિસ્તાર-લક્ષી અસરો જોવામાં આવતી હોય છે. દરિયા કિનારાની કલ્પના માત્રથી આપણા મનમાં પ્રવાસનને લગતા વિચારોનાં મોજાં હિલોળા લેવા માંડે છે. મુખ્યત્વે ત્રણ પ્રકારના કાંઠાળ વિસ્તારો જોવામાં આવે છે. ૧. રેતાળ ૨. ખડકાળ અને ૩. કાદવ/કીચડથી ભરપુર. ત્રણેય પ્રકારના વિસ્તારોનું સ્વતંત્ર પર્યાવરણીય મહત્વ છે જે પૈકી કાદવ/કીચડ ધરાવતા દરિયાકાંઠાના પર્યાવરણનું વિશિષ્ઠ સ્થાન રહ્યું છે.

દરિયામાં ભરતી (High tide) અને ઓટ (Low tide)પ્રક્રિયાથી આપણે પરિચિત છીએ. ભરતી દરમ્યાન પાણી છેક કિનારા સુધી આવી જાય છે જે કુદરતી રેખાની ઉપર માનવ વસતી અને રહેણાકો જોવા મળતા હોય છે. ઓટ દરમ્યાન દરિયાના પાણી કિનારાથી ખાસા એવા દુર જતા રહે છે. આ કુદરતી રીતે ચાલી આવતી ભરતી-ઓટની સ્થિતિ રોજબરોજ આપમેળે ચાલ્યા જ કરે છે જેનો સીધો સંબંધ ચંદ્રની વધતી અને ઘટતી કળાઓ સાથેનો રહ્યો છે. આ મુજબ ભરતી અને ઓટ વચ્ચેના વિસ્તારને ‘ઇન્ટરટાઈડલ ઝોન’ (Intertidal zone) અથવા આંતર્જ્વારીય વિસ્તાર કહી શકાય. આ વિસ્તારમાં કેટલાંક વિરલ પ્રકારના સજીવો વસવાટ કરતા હોય છે જેમાં ‘મેન્ગ્રોવ’ પ્રકારની વનસ્પતિ અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

(ઇન્ટરટાઈડલ વિસ્તાર)

(ઓટ દરમ્યાન કાદવ/કીચડવાળો કિનારો)

મેન્ગ્રોવ વનસ્પતિ એક સમુહને દર્શાવે છે જેની ખાસિયતોથી પરિચિત થવું રસપ્રદ બની રહેશે.

 • તટીય વિસ્તારમાં અત્યંત ખારાશ હોવાથી અન્ય વનસ્પતિ ઉગી શકતી નથી પરંતુ મેન્ગ્રોવ પ્રકારની વનસ્પતિમાં દરિયાઈ ખારાશ સામે ટકી શકવાની અદભૂત ક્ષમતા રહેલી છે. ખરેખર તો આ વનસ્પતિ કીચડવાળા વિસ્તારને જ પસંદ કરે છે અને જે વિસ્તારમાં ભરતી અને ઓટના પાણી ફરી વળતા હોય ત્યાં જ ઉગે છે.
 • ગુજરાતમાં આ વનસ્પતિ સારા એવા પ્રમાણમાં મળી આવે છે. કચ્છ અને ખંભાતના અખાત વિસ્તારમાં બહોળા પ્રમાણમાં મેન્ગ્રોવના જંગલ જોવા મળે છે. કચ્છમાં મેન્ગ્રોવને ‘ચેરીયાં’ તરીકે ઓળખવામાં આવે છે જયારે ખંભાતના અખાતની આસપાસના વિસ્તારો જેવાં કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘તંવર’ કે ‘તમ્મર’ નામ પ્રચલિત છે.
 • ચેરનું લાકડું અને પાન ઇંધણ અને ચારા તરીકે ઉપયોગી છે. કચ્છમાં છાશવારે પડતા દુષ્કાળના વરસોમાં જયારે ઘાસની કારમી અછત વરતાય ત્યારે ઢોર-ઢાંખર ચેરના વૃક્ષના પાન પર નભતા હોય છે. ખાસ કરીને ઊંટ માટે ચેરનો પાલો આશીર્વાદ રૂપ સાબિત થાય છે.
 • દરિયાઈ ખારાશને શોષીને પાનમાં રહેલી ખાસ પ્રકારની ગ્રંથીઓ વાટે ખારાશને દુર કરવાની ક્ષમતા ચેરમાં અલ્પાંશે જોવા મળે છે.
 • ચેરના (શ્વસન)મૂળ જમીનની બહાર ઉગી નીકળતા જોવામાં આવે છે. આ મૂળિયાં વનસ્પતિ માટે જરૂરી શ્વસન પ્રક્રિયામાં મદદ કરે છે તેમ જ થડના નીચેના ભાગમાંથી ફૂટી નીકળતા મૂળ ચેરના વૃક્ષને ટેકો આપવા જેવી અગત્યની ભૂમિકા પણ નિભાવે છે.

(ચેરના જંગલ)


 • ખાસ પ્રકારના ચેરીયાંના વૃક્ષ ઉપર જયારે ફળ લાગે ત્યારે તે પાકટ થયા બાદ ખરી પડતાં નથી પરંતુ તેના બીજ વૃક્ષ ઉપર જ અંકુરિત થાય છે અને વૃદ્ધિ પામે છે. આમ ચેરનો નવો છોડ વૃક્ષ ઉપર જ તૈયાર થતો જોવા મળે છે. છોડનો જેમ જેમ વિકાસ થાય અને વજન વધે પછી માતૃ-વૃક્ષથી વિખુટો થઇ જમીન પર સીધો જ પડે છે અને તેમાંથી નવું વૃક્ષ તૈયાર થાય છે. આ વિરલ પ્રકારના બીજાંકુરણ અને છોડ બનવાની પ્રક્રિયાને વૈજ્ઞાનિક પરિભાષામાં ‘વિવીપેરી’ અથવા ‘વિવીપેરસ જર્મીનેશન’ કહેવામાં આવે છે. જાણે કે માતાએ પોતાની કુખમાં બાળક પેદા ન કર્યું હોય!!
 • ·ચેરના જંગલો સંખ્યાબંધ નાના દરિયાઈ સજીવો માટે આદર્શ નિવાસસ્થાન પૂરું પાડે છે.

(ચેરના શ્વસન-મૂળ)

[ચેરના (સ્ટીલ્ટ) ટેકો આપતાં મૂળ]

બાળ-તરુ

(‘વિવીપેરસ’ પદ્ધતિથી ચેરની વૃદ્ધિ અને સંવર્ધન)

(ચેર વનસ્પતિ અસંખ્ય જાતની નાની માછલીઓ અને દરિયાઈ જીવોને નિવાસસ્થાન પૂરું પડે છે)

પ્રતિ વર્ષ ૨૬ જુલાઈના રોજ મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ અને સંવર્ધન માટેની યાદ અપાવતો ‘ઇન્ટરનેશનલ મેન્ગ્રોવ ડે’ મનાવવામાં આવે છે. આવી વિરલ પ્રકારની વનસ્પતિનું જતન કરવું અને તેનો વિનાશ રોકવો તે બાબતે મોટા પાયે જન-જાગૃતિ પેદા કરવાની તાતી જરૂરિયાત છે. તટીય વિસ્તારો ધરાવતા દરેક રાજ્યના કાંઠાળ વિસ્તારોને સમુદ્રના મોજાંઓથી થતો ઘસારો, દરિયાઈ સપાટીમાં વૃદ્ધિ, સાયક્લોન અને સુનામી જેવાં વિનાશકારી પરિબળોથી બચાવવા માટે ચેરના જંગલોની ભૂમિકા ખુબ જ મહત્વપૂર્ણ છે. ૨૬ ડીસેમ્બર ૨૦૦૪ના રોજ તામિલનાડુ રાજ્યના તટીય વિસ્તારમાં ત્રાટકેલાં સુનામી તોફાન વખતે અનુભવાયું હતું કે જે કિનારા પર ચેરના જંગલ હતા ત્યાં લોકોના જાનમાલનું નહિવત પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું હતું.

આગામી ૨૬ જુલાઈના રોજ મોકો મળે તો ભરૂચથી વલસાડ સુધીનો અથવા તો કચ્છના મુન્દ્રાથી નલિયા સુધી ફેલાયેલા ચેરના જંગલોની મુલાકાત લેશો. જામનગરથી દ્વારિકાના કાંઠાળ વિસ્તારમાં પણ મેન્ગ્રોવ અને પરવાળા જોઈ શકાય છે. ભારતમાં આવેલાં દરિયાકાંઠો ધરાવતા તમામ રાજ્યો/સંઘ પ્રદેશોમાં પશ્ચિમ બંગાળ ચેર-વિસ્તારની દ્રષ્ટીએ મોખરાનું સ્થાન ધરાવે છે જયારે બીજો નંબર આપણા ગુજરાત રાજ્યનો છે જે એક ગૌરવ લેવા જેવી વાત છે.


નોંધ: પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ માહિતી તેમ જ પિક્ચર્સ ફક્ત વાચકના અભ્યાસ અને જાગૃતિ માટે ઈન્ટરનેટ પરથી લેવામાં આવેલ છે. કોઇપણ પ્રકારનો વ્યવસાયિક ઉદ્દેશ રાખવામાં આવ્યો નથી.


શ્રી ચંદ્રશેખર પંડ્યાનાં સંપર્કસૂત્રો:

ઈ-મેઇલ : chp4491@gmail.com

મોબાઈલ નંબર: +૯૧ ૯૮૨૫૦ ૩૦૬૯૮

1 comment for “પરિસરનો પડકાર : ૧૨ : કોસ્ટલ અને મરીન વિસ્તાર (મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ)

 1. June 30, 2018 at 12:17 am

  તમારા એકે એક લેખ બહુ જ રસથી વાંચું છું . ગુજરાતનાં કિશોર/ કિશોરીઓ સાથે આ લેખ શ્રેણી અહીં વહેંચી —

  https://e-vidyalay.blogspot.com/2018/06/blog-post_46.html

  જો તમને આ હરકત ગમી હોય તો તમારા સમ્પર્કોને ‘ઈ-વિદ્યાલય’ વિશે જાણ કરવા વિનંતી. બાળકો અને કિશોરો સુધી આ પ્રયત્નની ખબર પહોંચાડશો તો અમને તો ગમશે જ, પણ એક સારું કામ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *