સાયન્સ ફેર : એક્ઝોપ્લેનેટ્સ : સૃષ્ટિના ‘સર્જનહાર’ કયા ગ્રહ પર રહેતા હશે?

Facebooktwitterredditpinterestlinkedinmail

જ્વલંત નાયક

હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોતરી
રોજ રોજ બદલે મુકામ, ક્યા ઠામે લખવી કંકોતરી

પ્રભુ સૃષ્ટિના કણ-કણમાં વસેલો છે, તેમ છતાં તમારે એને ટપાલ મોકલવી હોય તો તમે ક્યાં મોકલો? પ્રભુનું કોઈ ચોક્કસ સરનામું ખરું? ઘણા તો ઈશ્વરના અસ્તિત્વને માનવાનો જ ઇનકાર કરે છે. તેઓ માને છે કે ઈશ્વર જેવું કશું છે જ નહિ, જે કંઈ છે એ ‘કુદરત-ઇકો સિસ્ટમ’ છે. અને આ સિસ્ટમ પ્રમાણે આખી પૃથ્વી-બ્રહ્માંડનો કારભાર ચાલે છે. આપણે આવા લોકોને નાસ્તિક કહીએ છીએ. જે ઈશ્વરના અસ્તિત્વમાં આસ્થા ધરાવે છે એ આસ્તિક ગણાય. આ બન્ને જાણીતા વર્ગો સિવાય એક ત્રીજો વર્ગ એવો ય છે, જે માને છે કે આપણે જેને ‘ઈશ્વર’-‘ગોડ’ કહીએ છીએ, એ બધા વાસ્તવમાં પરગ્રહ ઉપર વસતાં અત્યંત શક્તિશાળી સજીવો છે. ઉત્ક્રાંતિની બાબતમાં તેઓ આપણા કરતાં હજારો-લાખો વર્ષો આગળ હોવા જોઈએ! આ જ પરગ્રહવાસીઓએ પૃથ્વી ઉપર જીવસૃષ્ટિનું સર્જન કર્યું હશે! આજ કારણોસર તમામ મુખ્ય ધર્મોમાં સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને ‘દેવ’ ગણવામાં આવ્યા છે!

વિચારપ્રેરક લાગતી આ બધી વાતો ખરેખર તાર્કિક હશે કે તરંગી કલ્પના હશે, એ કહેવાનું આ તબક્કે અશક્ય જ લાગે છે. પરંતુ મગજ કસવા ખાતર માની લઈએ, કે પરગ્રહવાસીઓ વાળી થિયરી સાચી છે, તો નવો પ્રશ્ન એ ઉદભવે કે આ ‘પરગ્રહ’ એટલે પૃથ્વી સિવાયનો કયો ગ્રહ? અખિલ બ્રહ્માંડમાં એવો કયો ગ્રહ હોઈ શકે જ્યાં આપણા ‘ભગવાન લોકો’ રહેતા હોય?! હવે આજના સમયબિંદુએ આ પ્રશ્નનો જવાબ આપવો અશક્ય છે, કેમકે સૌરમંડળની બહારના ગ્રહો વિષે આપણને બહુ ઓછી માહિતી છે. અને જ્યારે માહિતી ઓછી-અધૂરી હોય, ત્યારે ઉંચી ઉંચી વાતો-ડંફાસો-તરંગોમાં સમય બગાડ્યા વિના માહિતી મેળવવામાં લાગવું જોઈએ. તો ચાલો આજે સૌરમંડળ સિવાયના કેટલાક ગ્રહો વિષે માહિતી મેળવીએ. આમેય પરગ્રહવાસી પ્રભુને શોધવા કરતાં હાલના તબક્કે વધુ જરૂરી વાત માનવ માટે ભવિષ્યનું રહેઠાણ શોધવાની છે.

સૌરમંડળના કેન્દ્રમાં સૂર્ય છે. અને તેની આજુબાજુ ભ્રમણ કરતાં ગ્રહોમાં પૃથ્વી, મર્ક્યુરી, વિનસ, માર્સ, જ્યુપિટર (બૃહસ્પતિ), સેટર્ન (શનિ), યુરેનસ, નેપ્ચ્યુન વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ સૌરમંડળને એક ‘સિસ્ટમ’ તરીકે ગણીએ તો બ્રહ્માંડમાં આવી અનેક સિસ્ટમ્સ છે, જેમાં હજારો ગ્રહો- લઘુગ્રહો આવેલા છે. સૌરમંડળ સિવાયના આ ગ્રહો ‘એક્ઝોપ્લેનેટ‘ તરીકે ઓળખાય છે. પ્રથમ વખત ઇસ ૧૯૧૭માં આ રકારના એક્ઝોપ્લેનેટ વિષે માહિતી મળી, પરંતુ કોઈક કારણોસર એમની ઓળખ ન થઇ શકી. ત્યાર બાદ છેક ઇસ ૧૯૮૮ અને ઇસ ૧૯૯૨માં એક્ઝોપ્લેનેટ્સ વિષે આધારભૂત માહિતી મળવાની શરૂઆત થઇ. જેમ પૃથ્વી સૌરમંડળનો હિસ્સો છે, એમ આ તમામ પ્લેનેટ્સ પણ કોઈકને કોઈક સિસ્ટમનો હિસ્સો છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ ૧ મે ૨૦૧૮ સુધીમાં ૩,૭૬૭ જેટલા એક્ઝોપ્લેનેટ્સની માહિતી મળી ચૂકી છે જે ૨,૮૧૬ જેટલી જુદી જુદી ‘સિસ્ટમ’નો હિસ્સો છે. એનો અર્થ એ કે આપણા સૌરમંડળ જેટલી બીજી અઢી હજારથી ય વધુ સિસ્ટમ્સ બ્રહ્માંડમાં મોજૂદ છે! જો કે આ બધી સિસ્ટમ્સ સૌરમંડળ જેવી-જેવડી નથી. આ પૈકી માત્ર ૬૨૮ જેટલી સિસ્ટમ્સમાં જ એક થી વધુ ગ્રહો મોજૂદ છે![i]

A diagram showing the relative sizes of the new alien planets discovered by Kepler, compared to Earth and Jupiter.

Credit: NASA/Tim Pyle

આ પૈકી પૃથ્વીની સૌથી નજીક આવેલો ગ્રહ છે ‘એપ્સીલન એરીદની’ છે. (સૌરમંડળ સિવાયના ગ્રહોના નામ કોણ જાણે કેમ અતિશય અઘરા, જીભ-કલમનો લોચો વાળી નાખે એવા હોય છે!) આ ગ્રહ આપણી પૃથ્વીથી “માત્ર” ૧૦ પ્રકાશવર્ષ દૂર છે! જો કે આ ગ્રહ વિષે બહુ આશાઓ રાખવાની જરૂર નથી, કેમકે તે આપણા શનિ અને બૃહસ્પતિ જેવો જ ‘ગેસ જાયન્ટ’ છે. વળી એની ભ્રમણ કક્ષા પૃથ્વી જેવી ગોળ નથી. પરિણામે આ ગ્રહ ઉપરના તાપમાનમાં ઓચિંતો વધારો ઘટાડો થયા કરે છે. જો કે કેટલાક વિજ્ઞાનીઓ એપ્સીલનની ભ્રમણકક્ષા પૃથ્વી જેવી જ હોવાનો દાવો કરી રહ્યા છે. ‘ગ્લીઝ ૮૭૬ડી’ પૃથ્વી જેવી જ ખડકાળ સપાટી ધરાવતો એક એક્ઝોપ્લેનેટ છે. પરંતુ પૃથ્વી અને સૌરમંડળના કેન્દ્ર એવા સૂર્ય વચ્ચે જેટલું અંતર છે, એના કરતા ગ્લીઝ ૮૭૬ડી ગ્રહ અને એની સિસ્ટમના કેન્દ્ર વચ્ચેનું અંતર ૫૦માં ભાગનું જ છે! પરિણામ? ગ્લીઝ ૮૭૬ડી ગ્રહ પર ૩૬૯ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન જોવા મળે છે! આપણને તો આટલી ઉંચી ડિગ્રી લખતા ય પરસેવો વળી જાય!! હા, આવા જ એક “ગ્લીઝ ૫૮૧સી” નામના ગ્રહે ઇસ ૨૦૦૭માં ખાસ્સી આશાઓ જન્માવેલી. એ ય આપણી પૃથ્વીની જેમ ખડકાળ સપાટી ધરાવે છે, અને પ્રારંભિક શોધખોળમાં માલમ પડ્યું કે એની ભ્રમણકક્ષા પણ યોગ્ય છે, જેથી અહીં પાણીનું અસ્તિત્વ હોઈ શકે છે. પરંતુ આ આશા ય ઠગારી નીવડી. જરા ઊંડી ખણખોદ કરતાં માલૂમ પડ્યું કે આ ગ્લીઝ ૫૮૧સી તો સાવ ‘આઉટ લાઈન’નો છે! એની ભ્રમણકક્ષા એવી છે કે જેના કારણે આ ગ્રહ ઉપર માત્ર ૧૩ જ દિવસનું એક વર્ષ થાય! અને તાપમાને ય એટલું તો ખરું જ કે પાણીનું બાષ્પીભવન થઇ જાય.

બીજી તરફ ગુજરાતના કોઈ ટેમ્પોની નમ્બર પ્લેટ જેવું નામ ધરાવતો ‘જીજે ૬૬૭સીસી’ નામક એક્ઝોપ્લેનેટ એની ભ્રમણકક્ષાને આધારે સાવ ‘સીધી લાઈન’નો ગણી શકાય. વસવાટ યોગ્ય ગણાય એવા ગ્રહો-એક્ઝોપ્લેનેટને અવકાશવિજ્ઞાનીઓ ‘ગોલ્ડીલોક’ શ્રેણીમાં મૂકે છે. આ શ્રેણીમાં ગણના પામતા એક્ઝોપ્લેનેટના ગુણધર્મો પૃથ્વીને મળતા આવે એવા હોય છે. જીજે ૬૬૭સીસી પણ ગોલ્ડીલોકમાં ગણના પામે છે. અહીં પાણીને ઠારી કે ઉકાળી નાખે એવું વિચિત્ર તાપમાને ય નથી. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે તે પૃથ્વી કરતાં ૨૨ પ્રકાશવર્ષ દૂર છે!

હવે આ બધી મગજમારી જાણીને એમ થાય કે જો કોઈ પરગ્રહવાસીઓએ પૃથ્વી બનાવી હોય, તો વસવાટ યોગ્ય નવો ગ્રહ બનાવી કે શોધી આપવા માટે આપણે એમને જ કન્સલ્ટ કરવા જોઈએ! પરંતુ એમને ટપાલ લખવી કયા સરનામે?!


[i]
https://www.space.com/17738-exoplanets.html


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

2 comments for “સાયન્સ ફેર : એક્ઝોપ્લેનેટ્સ : સૃષ્ટિના ‘સર્જનહાર’ કયા ગ્રહ પર રહેતા હશે?

 1. June 29, 2018 at 12:15 pm

  પોસ્ટમાં ઘણું સમજાવેલ છે. પણ…

  … જ્યારે માહિતી ઓછી-અધૂરી હોય, ત્યારે ઉંચી ઉંચી વાતો-ડંફાસો-તરંગોમાં સમય બગાડ્યા વિના માહિતી મેળવવામાં લાગવું જોઈએ. …

  … પૃથ્વીથી “માત્ર” ૧૦ પ્રકાશવર્ષ દૂર છે ! …

  … બીજી તરફ ગુજરાતના કોઈ ટેમ્પોની નમ્બર પ્લેટ જેવું નામ ધરાવતો ‘જીજે ૬૬૭સીસી’ નામક એક્ઝોપ્લેનેટ એની ભ્રમણકક્ષાને આધારે સાવ ‘સીધી લાઈન’નો ગણી શકાય. વસવાટ યોગ્ય ગણાય એવા ગ્રહો-એક્ઝોપ્લેનેટને અવકાશવિજ્ઞાનીઓ ‘ગોલ્ડીલોક’ શ્રેણીમાં મૂકે છે. …

  … ખાટલે મોટી ખોડ એ છે કે તે પૃથ્વી કરતાં ૨૨ પ્રકાશવર્ષ દૂર છે ! …

  આમાં સ્વર્ગ, મોક્ષ કે સાતમી નારકી શોધવી કેવી રીતે ?

 2. June 30, 2018 at 12:52 am

  પરંતુ એમને ટપાલ લખવી કયા સરનામે?!
  જવા દો ને યાર! કાંઈક ‘કામની વાત’ કરો ને?
  લો … અહીં બાળકો/ કિશોરો માટે કશુંક પ્રદાન કરશો તો આનંદ થશે અને ‘કામની વાત’ થશે.

  https://e-vidyalay.blogspot.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *