ફિર દેખો યારોં : અગાઉના વરસોમાં દેશમાં જે નથી થયું એ હવે થાય ?

Facebooktwitterredditpinterestlinkedinmail

– બીરેન કોઠારી

માનવીય વર્તન, માનવતા, શ્રમની ગરિમા જેવા શબ્દો લખવા, બોલવા કે વાંચવામાં બહુ રૂપાળા લાગે છે. ખરેખરા શ્રમિકોને મળતું મહેનતાણું તેમજ તેમની સાથે આપણામાંના મોટા ભાગનાઓનો વહેવાર કેવો હોય છે એ લખવાની ભાગ્યે જ જરૂર હોય! શ્રમિકોનો અવતાર આકરા શારિરીક શ્રમ માટે જ હોય એમ સૌને લાગે છે. તેની સામે પોતાની સગવડે, પોતાના લાભ માટે, નામ માત્રનો શ્રમ કરતા સાધનસંપન્ન લોકો જાણે કે એમ કરીને સમાજ પર ઊપકાર કરતા હોય એમ જતાવે છે. શ્રમિકોની આ સ્થિતિ હોય તો સફાઈ કામદારોની સ્થિતિની કલ્પના કરવી અઘરી નથી. હવે સામાજિક નેટવર્કિંગ માધ્યમોના યુગમાં તો હાથમાં ઝાડુ પકડેલી તસવીર મૂકવાની ફેશન છે. આવા માહોલમાં તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણનો અહેવાલ જાણવા જેવો છે.

આ અહેવાલ સરકારી એજન્સી દ્વારા તૈયાર કરાયો છે. એ મુજબ સમગ્ર દેશમાં માનવમળના વહનના કામમાં જોતરાયેલા હોય એવા અત્યારે કુલ 53, 236 લોકો છે. અગાઉ ઓક્ટોબર, 2017 સુધીના સર્વેક્ષણમાં આ સંખ્યા 13,384 હતી, જે પછીના વર્ષે લગભગ ચાર ગણી થઈ ગઈ છે. વક્રતા એ છે કે કેન્‍દ્ર સરકાર દ્વારા ‘ધ પ્રોહીબીશન ઑફ એમ્પ્લોયમેન્‍ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્‍જર્સ એન્ડ ધેર રિહેબીલીટેશન એક્ટ, 2013’ નામનો કાયદો અમલમાં છે, જે માનવમળના વહન માટે માણસો રોકવા તેમજ બિનઆરોગ્યપ્રદ શૌચાલય બાંધવા પર પ્રતિબંધ ફરમાવે છે. તેમાં માનવમળનું વહન કરનારાના પુનર્વસન માટે એક વખતની રોકડ સહાય, તેમનાં બાળકો માટે શિષ્યવૃત્તિ તેમજ મકાનના બાંધકામ માટે જમીનની ફાળવણી તથા તેની ખરીદી માટે નાણાંકીય સહાયનો પણ સમાવેશ થાય છે. આ કાયદાનો મુખ્ય ઘટક સર્વેક્ષણ દ્વારા દેશભરમાંથી આ કાર્યમાં જોતરાયેલા લોકોને તારવવાનો હોય એ સ્વાભાવિક છે.

દરેક કાયદામાં હોય છે એમ કાગળ પર તે સુંદર જણાય છે. ખરો સવાલ તેના અમલનો, અને એથી વધુ અમલ કરવાની દાનતનો હોય છે. કોઈ પણ સમસ્યાના ઊકેલ તરફનું પહેલું કદમ છે એ સમસ્યાનો સ્વીકાર કરવો. મોટા ભાગનાં રાજ્યો સ્વીકારતાં જ નથી કે તેમને ત્યાં આ પ્રથા હજી ચલણમાં છે. એક તરફ રાજ્યોનો સતત ઈન્‍કાર, જોરશોરથી થઈ રહેલો સ્વચ્છતા અભિયાનનો ખર્ચાળ પ્રચાર અને બીજી તરફ સરકારની જ એક એજન્‍સી દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં પ્રાપ્ત થતા આ આંકડા પ્રચંડ વિરોધાભાસ સર્જે છે. અહીં દર્શાવાયેલા આંકડા હજી ઘણા વધારે હશે, કેમ કે, દેશના છસો કરતાં વધુ જિલ્લાઓમાંથી હજી કેવળ 121 જિલ્લાના જ આ આંકડા છે. હજી તેમાં ગટર તેમજ સેપ્ટિક ટેન્‍કની સફાઈ સાથે સંકળાયેલા કર્મચારીઓનો સમાવેશ કરાયો નથી. તેમ આ કામમાં સૌથી વધુ માણસોને જોતરતા રેલ્વે વિભાગના આંકડાને સમાવવાનું પણ બાકી છે. બીજી વિચિત્રતા એ છે કે કુલ 53 હજારમાંથી રાજ્યોએ અધિકૃતપણે સ્વીકાર કર્યો હોય એવા કર્મચારીઓની સંખ્યા માત્ર 6,650 છે. એ દર્શાવે છે કે પોતાના રાજ્યમાં આ અમાનવીય પ્રથાનો અંત લાવવાનાં પગલાં લેવાને બદલે તે ચલણમાં હોવાનું પણ તેઓ છુપાવે છે. આ ટેકનોલોજીનો યુગ છે અને આ ક્ષેત્રમાં ટેકનોલોજીનો પ્રવેશ ક્યારનો થઈ ચૂક્યો છે. આમ છતાં, તેમાં નાણાં રોકવાને બદલે એ જ યુગોજૂની પ્રણાલિ ચાલુ રાખવામાં આવે છે.

આનું કારણ શું? દેખીતું કારણ ટેકનોલોજીને અપનાવવા બાબતની ઉદાસીનતા કહી શકાય, પણ મૂળભૂત કારણ માનસમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી વર્ણવ્યવસ્થા છે. વર્ણવ્યવસ્થાનાં મૂળિયાં આપણે ધારીએ છીએ એથી વધુ ઊંડા છે. ગટરમાં ઊતરેલા કોઈ કામદારને જોઈને રાહદારી સૂગથી પોતાનું નાક ઢાંકી દેશે કે નજર ફેરવી લેશે. એ થોડો જાગ્રત હશે તો સત્તાતંત્રની બેદરકારીને ભાંડશે. પણ તેને ભાગ્યે જ એ વિચાર આવશે કે તેની નજર સામે એક અમાનવીય કૃત્ય થઈ રહ્યું છે. એ કામદાર પોતાની ફરજના ભાગરૂપે ભલે અંદર ઊતર્યો હોય, પણ ખરેખર તો તે વર્ણવ્યવસ્થામાં સૌથી નીચલા સ્તરે છે એટલા માટે તેણે ઊતરવું પડ્યું છે.

અગાઉ જણાવેલા કાયદામાં પણ જોગવાઈ એવી કરવામાં આવી છે કે સફાઈ કામદારોને સુયોગ્ય સુરક્ષા ઊપકરણો પૂરાં પાડવામાં આવે તો જ ગટર અને સેપ્ટિક ટેન્‍કની સફાઈ તેઓ કરશે. આને જોગવાઈ ગણવી કે છટકબારી? આ પ્રકારનું કામ કરતા કામદારો મોટે ભાગે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા જ નીમાયેલા હોય છે. આ સંસ્થાઓના સંબંધિત વિભાગના અધિકારીઓના ભાગે આ જવાબદારી હોય છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે તેનો અમલ શી રીતે થાય છે. કોઈ સુરક્ષા ઉપકરણો વિના, માત્ર ખુલ્લા શરીરે ગટરમાં ઊતરતા સફાઈ કામદારોનાં દૃશ્યો આપણે ત્યાં સામાન્ય છે. એક બિનઅધિકૃત અહેવાલ અનુસાર 2017 માં ગટર અને તેની લાઈન સાફ કરતી વખતે 90 કામદારો મૃત્યુ પામ્યા હતા. આવા સફાઈ કામદારો મોટે ભાગે પોતાના હક બાબતે જાગ્રત હોય એ અપેક્ષા રાખવી વધુ પડતી છે. હક બાબતે જાગ્રત એવા એકલદોકલ કામદારની ગણના માથાભારેમાં થઈ શકે છે. આ કામદારો પોતાની આર્થિક જરૂરિયાત કરતાં વધુ તો જ્ઞાતિગત વ્યવસાયને કારણે આ ક્ષેત્રમાં હોય છે. સત્તાધીશોને તેમની સુરક્ષાનું ધ્યાન રાખવાનો સુવિચાર આવે એ શુભ ઘડી બંધારણ અમલી બન્યાના સાડા છ દાયકાથી વધુ સમય વીત્યા પછી પણ આવી નથી.

‘સ્વચ્છ ભારત’ યોજનાની સફળતાના દાવા જોરશોરથી કરવામાં આવે છે, પણ આપણે એવી સુસંસ્કૃત પ્રજા છીએ કે ખોટા દાવાથી કદી ભરમાઈએ નહીં. મોટાં શહેરોમાં જાહેરસ્થળોએ કે ઈમારતોમાં કચરાને કચરાપેટીમાં નાખવાની, જ્યાં ત્યાં નહીં થૂંકવાની સૂચના લખેલી જોવા મળે છે, જે સરકારી દાવાની પોકળતા પ્રત્યેની આપણી જાગૃતિ સૂચવે છે.

પ્રચારના તદ્દન નવા તિકડમ અનુસાર છેલ્લા વરસોમાં દેશમાં જે નથી થયું એ કેવળ 48 મહિનાઓમાં થયું છે. આશા રાખીએ કે વિકાસ કે પ્રગતિ બાબતે હકીકત જે હોય એ, કમ સે કમ માનવમળના વહનમાં માણસોને જોતરવાનું બંધ કરવા બાબતે આ દાવો સાચો ઠરે. એમ કરવા માટે હજી બાર મહિના બાકી રહ્યા છે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૬-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : અગાઉના વરસોમાં દેશમાં જે નથી થયું એ હવે થાય ?

 1. June 28, 2018 at 7:38 am

  શહેરોમાં ગટર જેવું હોય અને એ ગટર સાફ કરવા અંદર માનવ ઉતરે અને આપણે જોતા હોઈએ. મળવહન કે સફાઈ એ તો ગામડામાં પણ થાય.

  આ બધું વર્ણવ્યવસ્થાને આભારી છે અને વર્ણવ્યવસ્થાના મુળ વેદ અને ઉપનીષદની રચના અને એમાં વારંવાર ઉલ્લેખ થયેલ બ્રાહ્મણ અને ક્ષત્રીય સાથે છે.

  હાલની સરકારને વેદ યુનીવર્સીટી અને રામ મંદીરમાં રસ છે અને પ્રજા એમને મત આપી ચુંટે છે. એવા મતદાન દ્વારા સરકાર બને એટલે ગરીબ મળવહન કરનારને મોત સીવાય બીજું શું મળી શકે?

  બાળ મરણ, મહીલા કે દલીત અત્યાચારનું આબેહુબ વર્ણન રામાયણ મહાભારતમાં ઠેર ઠેર છે. આ દેશમાં રામ કૃષ્ણ કે યુધિષ્ઠિરને હજી સજા થવી જોઈએ. વર્ણવ્યવસ્થા, સફાઈ કામદાર, મળવહનના આ લેખમાં જે મથાળું છે એ જ જણાંવે છે 
  અગાઉના વરસોમાં દેશમાં જે નથી થયું એ હવે થાય છે.

Leave a Reply to vkvora2001 Atheist Rationalist Cancel reply

Your email address will not be published. Required fields are marked *