યૂં કિ સોચનેવાલી બાત : ચાલો યોગ કરીએ ! પરંતુ કરીએ શા માટે?

આરતી નાયર

મારો જન્મ ૧૯૯૧માં થયો હતો. આ એ સમય હતો જે સમયે જન્મેલ પેઢીનાં બાળકોને રમવાનું ઓછું મળતું, અને તેમાંય ઘરની બહાર રમવાનું તો વળી સાવ ઓછું મળતું. મારા માટે રમતગમતથી દૂર થતાં જવાનું શાળાએ જવાનું શરૂ થયું ત્યારથી થવા લાગ્યું. અમારા પીટી શિક્ષક ૪૫ વર્ષના હતા. તેઓ બહુ ચીડિયા હતા. તેમને તેમનું કામ તો સાવ જ પસંદ ન હતું. એટલે તેમને અમે પણ પસંદ ન આવતાં. પીટીના વર્ગની શરૂઆતમાં જ વૉર્મ અપ માટે તેઓ અમને મેદાનનાં દસ ચક્કર દોડાવતા. અમે જ્યારે થાકીને ઠૂસ થઈ જઈ એ ત્યારે જ અમને ખો ખો કે કબડ્ડી જેવી રમતો રમવા મળતી.ત્યારે બહુ મજા પડતી. મને યાદ છે કે જ્યારે હું છઠ્ઠા ધોરણમાં હતી ત્યારે પહેલવહેલી વાર અમારી શાળામાં બાસ્કૅટબૉલ માટેના થાંભલા અને નેટ લગાવાયાં હતાં. મને તો લાગ્યું કે મારી તો ઉંચાઈ ઓછી છે એટલે મેં કદી બાસ્કેટબોલ રમવાની કોશીશ પણ ન કરી.

યોગ અમારી પરીક્ષાનો એક ભાગ હતો. જ્યાં અમારી સભા થતી કે રીસેસમાં અમે રમતાં એ સીમેન્ટનાં મેદાનમાં પરીક્ષાના થોડા દિવસો પહેલાં અમે યોગની તૈયારીઓ કરતાં એ મેદાન તો બહુ ધુળીયું અને ગંદુ રહેતું. મને યાદ છે કે મને તે સમયે યોગ કરવાનું જરા પણ પસંદ એટલે ન પડતું કે, વર્ષમાં એક જ વાર એ બધાં આસનો અમારે બહુ ઝડપથી અને ઉપરાઉપરી કરવાં પડતાં. પરિણામે પછી કેટલાય દિવસો સુધી મને સ્નાયુઓ તણાવાની અને વાસો દુખવાની ફરિયાદ રહ્યા કરતી. મને યાદ છે કે પદ્માસન કરતી વખતે એ મુદ્રા હું, ખાસ સંભાળપૂર્વક, મારા સ્કર્ટ નીચે છૂપાવી દેતી કેમકે ત્યાં કોઈ તે જોવા માગી શકવાનું ન હતું.એ પછી મેં સ્વેચ્છાથી યોગાભ્યાસ ત્યારે કર્યો જ્યારે હું મારી શ્રેષ્ઠ મિત્રને કેન્સર સામે લડવામાં મદદ કરી રહી હતી. પ્રાણાયમને કારણે તેને વધારે સારી રીતે રહેવામાં જેટલો પણ ફાયદો થયો તેમાં શારીરીક કરતાં માનસીક અસર વધારે હતી.

આજે હવે જ્યારે લોકોને યોગ દિવસ માટે મચી પડીને તૈયારી કરતાં જોઉં છું ત્યારે એ દિવસો મને યાદ આવી રહ્યા છે. મારાં મૉમ વીસ વર્ષથી યોગાભ્યાસ કરે છે. યોગની આ સીઝનમાં તેમના વર્ગને, બીજાં પચાસ લોકો સાથે મંચ પર યોગ પ્રદર્શન કરવા માટે વ્યક્તિ દીઠ ૫૦૦ રૂપિયા મળે છે. આજકાલ છાપામાં હિજાબ પહેરેલી છાત્રાઓ યોગ કરતી હોય એવા ફોટોગ્રાફ્સ પણ જોવા મળે છે. વર્તમાન વિચારસરણીની સમસ્યા એ છે કે આવા વાર્ષિક અભ્યાસને કારણે થતા શારીરીક દુખાવા તો થોડા દિવસમં ભૂલી જવાશે, પણ આવનારી પેઢીને તો તેનું મહત્ત્વ જ નહીં સમજાયું હોય. યોગ સાથે ગર્વ જોડવામાં કંઈ ખોટું નથી.પરંતુ દેશદાઝની સાથે, મનોવૈજ્ઞાનિક અને શારીરીક ક્રિયાઓને થતા તેના ફાયદાઓની સમગ્રતયા સમજ પણ પ્રસારવી જોઈએ. આજના સમય માટે આ બન્ને બાબતો આપણા સમાજ અને દેશને માટે બહુ જરૂરી પણ છે. યોગાભ્યાસ દુનિયાને દેખાડવા માટે વર્ષમાં એકવાર નહીં પણ નિયમિતપણે થવો જોઈએ. જાહેરમાં, મોટા સમૂહમાં થતાં પ્રદર્શનોથી એવું જણાય કે યોગાભ્યાસ તો સામુહિક પ્રવૃત્તિ જ છે. એવું જરૂરી નથી. તમે બહુ મોટાં ગ્રૂપમાં યોગ ન કરવા માગતાં હો તો તમારા રૂમમાં બહુ સરસ સંગીત સાથે કે કોઈ પ્રશિક્ષકનાં માર્ગદર્શન હેઠળ અભ્યાસવર્ગમાં પણ તે કરી શકો છો.

આ બધાં ઉપરાંત શાળાઓએ સમજવાની ખાસ જરૂર છે કે રમતગમત, યોગ અને બીજી શારીરીક પ્રવૃત્તિઓ પણ, વર્ગમાં અપાતાં વ્યાખ્યાનો, પ્રયોગશાળામાં કરાતા પ્રયોગો અને પુસ્તકોના અભ્યાસ દ્વારા થતાં શિક્ષણ જેટલો જ ભણતરનો મહત્ત્વનો હિસ્સો છે. ખેલકૂદમાં ભાગ લીધા સિવાય હારની ગમગીની અને વિજયનો ઉન્માદ પચાવી શકવાની ખેલદીલી નથી આવડી શકવાની. યોગ્ય રીતે કરાયેલ યોગાભ્યાસ સિવાય આપણાં મનને શાંત કરી શકવાની અને સંતુલિત શારીરીક વિકાસની કળામાં ક્યારે પણ નિપુણ ન થઈ શકાય.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે.


નોંધ :

અહીં મૂકેલ તસ્વીરો, લેખની રજૂઆતને સાંદર્ભિક સ્પષ્ટતા કરવા માટે, નેટ પરથી લીધેલ છે. તેના પ્રકાશાનાધિકારો મૂળ રચયિતાના અબાધિત રહે છે.

Facebooktwitterredditpinterestlinkedinmail

2 comments for “યૂં કિ સોચનેવાલી બાત : ચાલો યોગ કરીએ ! પરંતુ કરીએ શા માટે?

Leave a Reply

You have to agree to the comment policy.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.