‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર

Facebooktwitterredditpinterestlinkedinmail

ડૉ.દર્શના ધોળકિયા

‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે ? શ્રી હેલન કેલરની આત્મકથા ‘અપંગની પ્રતિભા’નું પ્રાસ્તાવિક નોંધતાં પૂછાયેલો આચાર્ય કાકાસાહેબ કાલેલકરનો આ વેધક પ્રશ્ન હેલન પ્રત્યેની સમગ્ર માનવજાતની સમસંવેદનનો પરિચાયક બની રહે છે.

હેલનની મનોસ્થિતિનો ચિતાર આપતાં ભાવુક થઈને કાકાસાહેબે નોંધ્યું છે : ‘આંખો જવાથી આખી દુનિયા અને આખી જિંદગી, સ્થળ અને કાળ જ્યારે અંધકારમય થઈ જાય છે ત્યારે માણસને આમ જ થતું હશે. ખાણમાં દટાયેલા માણસો બહાર નીકળવા માટે અંદરથી ખોદવા માંડે છે. કઈ દિશાએ ખોદવું એવો એમને ખ્યાલ હોતો નથી. અદૃષ્ટ ઉપર વિશ્વાસ રાખી તેઓ ખોદતા જાય છે; બીજું કશું કરી ન શકે એટલા માટે ખોદતા જાય છે, અને બહારના લોકો પણ અંદર દટાયેલા લોકને બચાવવા માટે ખોદતા જાય છે. ક્યાં ખોદવું તેનો એમને પણ ખ્યાલ નથી હોતો, પણ ખોદવું તો જોઈએ જ; આશા કેમ મૂકી દેવાય ? કોદાળી ચલાવે છે, ખાડો ઊંડો થતો જાય છે, પણ આશા વધતી નથી. એટલામાં જ્યારે અંદરના લોકોને બહારનો કોદાળીનો અવાજ સંભળાય છે અને બહારના લોકોને અંદરથી કંઈ પ્રવૃત્તિ ચાલતી હોય એવી શંકા જાય છે ત્યારે બંનેનાં હૃદય કેવાં ઊલટતાં હશે ? કોલંબસને અમેરિકા જડે, પેલીસીને એનેમલ કરવાની કળા હાથ આવે અથવા કોઈ ઉપનિષદકાલીન ઋષિને આત્મા અને બ્રહ્મના ઐક્યનો યોગ સાધે, ત્યારે જે આનંદ થાય તે જ આનંદ ખાણમાં દટાઇ ગયેલાને બહાર કાઢતાં બંને પક્ષને થતો હશે. વળી, જેઓ આંધળા અને બહેરા છે અને પરિણામે જેઓ, કોઈ કાળે અવાજ નહીં સાંભળવાને કારણે, મનુષ્યવાણી જાણતા નથી મૂંગા છે, તેમને ઇન્દ્રિયગોચર દુનિયાનું જ્ઞાન કરી આપવાની કળા જો કોઈને હસ્તગત થઈ જાય તો એવો જ આનંદ-વિજયાનંદ થવો જોઈએ.”

શ્રી હેલન કેલર કાકાસાહેબના સમસંવેદનનાં સમર્થ અધિકારી છે. અમેરિકાના મશહૂર હાસ્યલેખક શ્રી માર્ક ટ્વેને હેલન કેલર વિશે પોતાનો અભિપ્રાય જણાવતાં એમને ઓગણીસમી સદીનાં મહાન આશ્ચર્ય તરીકે ઓળખાવ્યાં છે.

શ્રી માર્ક ટ્વેનની વાત, જરા જુદી રીતે જોવા જેવી છે. મૂક, બધિર અને અંધ એવાં હેલને આ ત્રણે ઇન્દ્રિયો વિના પણ આશ્ચર્ય જગવે એ રીતનું કામ અન્ય બે ઇન્દ્રિયો ઘ્રાણ અને સ્પર્શ પાસેથી લીધું એ તો ખરું જ; પણ આ ત્રણ ઇન્દ્રિયોના અભાવ છતાં તેમને જીવનના શિષ્ય થવાનું સૂઝ્યું; વિશાળ ચેતનાને જગવીને તેમણે પોતામાં રહેલા ઇન્દ્રિયાતીત તત્વને પારખ્યું; ધર્મ, સમાજ, કેળવણી, વિદ્યા ને અધ્યાત્મ જેવાં તત્વને બાથમાં લઈને ઇન્દ્રિયોને ગૌણ ગણવાની જે ક્ષમતા સિદ્ધ કરી એ ઘટના એમને એક પુરુષાર્થી સ્ત્રી કહેવા કરતાં અધ્યાત્મ કે ચેતનાજગતનાં યાત્રી ઠેરવે છે.

અમેરિકાના ઉત્તર આલાબામામાં આવેલા ટ્સ્કુમ્બિયા નામના એક નાનકડા ગામમાં ઈ.સ.૧૮૮૦ના જૂન માસની વીસમી તારીખે જન્મેલાં હેલનને જેવનના પ્રથમ ૧૯ માસ દરમિયાન જ દુનિયાને નિહાળવાની તક મળી. ૧૯ માસની હેલનમાં એક સામાન્ય બાળકમાં હોવી જોઈતી તરલતા હતી જ. એક વર્ષની બાલિકા હેલન પાંદડાના પડછાયાથી આકર્ષાઈને તેને પકડવા દોડે છે; કોઈને પણ ‘હાઉ ડીપી’ (કેમ છો ?) પૂછે છે’ ‘વોટર શબ્દ ઉચ્ચારી શકે છે; જિદ્ કરે છે ને સૌનું વહાલ મેળવે છે.

જીવનની રંગભૂમિ પર હેલનનો રોલ હજુ તો ભજવવાનો શરૂ જ થયો છે ને વિધિની નજર આ ઓગણીસ માસની બાળકી પર મંડાય છે. જીવનની વિષમતા હેલનને ભરખે છે ને તેની મધુર ક્ષણો છિન્નભિન્ન થઈ જાય છે. આ પરિસ્થિતિને પોતાની આત્મકથાના પ્રથમ ખંડ ‘Story of My Life’ માં, વીસ વર્ષીય હેલન કંઈક કાવાત્મક ઢંગથી આ રીતે મૂકી આપે છે : ‘આ મારા સુખી દહાડા બહુ લાંબા ન પહોંચ્યા. રૉબિન તથા બીજાં પક્ષીઓથી સંગીતમય એક ટૂંકડી વસંત; ગુલાબ અને ફૂલોથી ભરચક એક ઉનાળો’ નારંગી ને સુવર્ણરંગી એક પાનખર ઋતુ : આ ત્રણે આવતાંક ને ઝડપથી પસાર થઈ ગયાં. આતુર, આનંદી બાળક આગળ એમની વિભૂતિઓ મૂકતાં ગયાં. પછી અણગમતો ફેબ્રુઆરી માસ આવ્યો ને સાથે મને અંધાપો ને બહેરાશ આપનારી માંદગી આવી, જેણે પાછી મની નવા જન્મેલા બાળકના જેવી અજ્ઞાન અંધારામાં પટકી દીધી…’ હેલનને આવેલો તાવ તો ઊતરી ગયો પન સાથોસાથ એની ત્રણ ત્રણ ઇન્દ્રિયો આંખ-કાન ને જીભ લેતો ગયો !

જિંદગીએ આપેલી આ થકવી નાખે એવી ક્ષણને લંબાવીને, મલાવીને કહેવાનો હેલનને પૂરો અધિકાર હતો. આ પ્રકારની વ્યથા અજાણતં પર તાર સ્વરે પ્રગટે એવી તીવ્ર હતી. પણ હેલનનો ભરપૂર જીવનપ્રેમ આ વ્યથાને અતિક્રમી શક્યો છે. જીવનના સાતમા વર્ષથી જ હેલનને પ્રજ્ઞાની નજર ફૂટી છે. જેમ જેમ જીવન પાસેથી તેમને કશુંક મળતું ગયું છે તેમ તેમ પોતા પર આવી પડેલી આ વિપત્તિનો ઉલ્લેખ કરવાનું પણ તેમને જરૂરી માન્યું નથી. કપડાંની ગડી વાળતાં હોય એટલી સહજતાથી આ મુશ્કેલીની ગડી વાળીને હેલને તેના પર પાલાંઠી લગાવી છે. એટલું જ નહીં, જીવનના પાછલા ભાગમાં તો આ ઘટના તેમને સ્વપ્નવત્ ભાસે છે. પોતાને મળેલા અંધકાર ને નીરવતાને તેમણે ઇન્દ્રિયોની જેમ જ સ્વીકારી લીધાં છે. અલબત્ત, હેલનના જીવનનો પાઠક આ સ્થિતિને એટલી હળવાશથી લઈ શકતો નથી. બલકે, હેલનની હળવાશ તેને વધારે ગ્લાનિમય બનાવે છે.

ત્રણ ઇન્દ્રિયોના અભાવની સ્થિતિને હેલન હકારાત્મક દ્રષ્ટિએ કેમ જોઈ શક્યાં હશે એવો પ્રશ્ન સહેજે થાય. એના ઉત્તરમાં તેઓ જાતે જ કહે છે તેમ, એમનાં શિક્ષક શ્રી એન. સુલીવાને તેમનામાં રેડેલો જીવનપ્રેમ છે. ગુરુ પાસેથી તેમને ‘પ્રજ્ઞાચક્ષુ’ની પ્રાપ્તિ થઈ તે પહેલાંની પોતાની સ્થિતિને હેલન ‘ફેન્ટમ’ તરીકે ઓળખાવે છે. સુલીવાનના આગમન પહેલાંની હેલન જિદ્દી છે, કડવાશથી ભરેલી છે, જીવનથી હારેલી છે ને મૃત્યુને ઇચ્છતી છે. પ્રકૃતિના બંધનમાં કેદ થયેલી હેલનને માનવતાની મધુરતાનું જરા પણ ભાન નથી. જીવન, મૃત્યુ, પ્રકાશ વગેરે શબ્દો કે ભાવોનો તેના માટે કોઈ જ અર્થ નથી. તેનું જગત શૂન્યવત્ બની ગયેલું છે. આ સ્થિતિને હેલન ગાઢ ધુમ્મસમાં અટવાઈ ગયેલા વહાણની સાથે સરખાવતાં વહાણની સ્થિતિને બહેતર સમજે છે કેમ કે તેના પાસે હોકાયંત્રની તો સગવડ હોય છે !

કુદરતે આપેલા આવા વાવંટોળની વચ્ચે ૧૮૮૭ની ત્રીજી માર્ચ હેલનની પ્રથમ સાચી ઉષા બનીને ઊગે છે ને તેમના જીવનમાં એકવીસ વર્ષીય યુવતી કુ.મેન્સિફલ્ડ સુલીવાનનો પ્રવેશ થાય છે. સુલીવાનનો પ્રવેશ સમગ્ર માનવજાતિને પર્યુત્સક બનાવી દે એવો રોમાંચક છે. ત્રીજી માર્ચની આ ક્ષણથી માંડીને બરાબર પચાસ વર્ષ સુધી હેલનને એકધારો સાથ આપનાર સુલીવના પ્રત્યે આચાર્ય કાકાસાહેબે એક કેળવણીકાર તરીકે એમનું મૂલ્યાંકન કરતાં સમગ્ર માનવજાતને તેમની ઋણી ગણાવી છે એ વાતમાં ઔચિત્ય જણાય છે. ટેલિફોનના શોધક ડૉ.ગ્રેહામ બેલના સૂચનથી હેલનનાં માતા-પિતાએ બૉસ્ટનની પર્કિન્સ સંસ્થાના નિયામક શ્રી એમેગ્રોસને પત્ર લખેલો જેના ઉત્તરરૂપે કુ.સુલીવાનની ભેટ હેલનને, કહો કે સમગ્ર મનુષ્યજાતિને મળી શકી.

તદ્દન જડ સ્થિતિમાં જેમણે પ્રથમ સાત વર્ષ ગાળેલાં એવાં હેલન4 સુલીવાનની મદદથી બોલતાં થયાં, ભણ્યાં, જર્મન, ફ્રેન્ચ, અંગ્રેજી જેવી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું; રેડ ક્લિફની સામન્ય કૉલેજમાં ભણીને ઉચ્ચ શિક્ષણ લીધું; ઈ.સ. ૧૯૦૪માં સ્નાતકની પદવી મેળવી. તેમને મેળવેલી જુદી જુદી ઉપાધિઓ આ પ્રમાણે હતી; બી.એ.; ડી.લિટ. (ટેમ્પલ યુનિ.); એલ.એલ.ડી. (ગ્લાસગો); એલ.એલ.ડી. (વીટવૉકર્સ યુનિ.).

દુનિયાના વિશાળ ને વિભિન્ન પ્રકારના અનુભવો મેળવતાં મેળવતાં હેલને સમાજ, ધર્મ, કેળવણી, માનસશાસ્ત્ર, ઇતિહાસ, ભાષાઓ વગેરેનું જે જ્ઞાન મેળવ્યું તે અસાધારણ મૌલિક હતું કેમ કે હેલનનો અનુભવ આમ મનુષ્ય કરતાં તદ્દન જુદો હત્પ. તેમના વિચારો નવું જ અર્થઘટન કરનારા બની રહ્યા, જેમ કે, તેમનો કેળવણી વિશેનો ખ્યાલ કોઈ પણ શિક્ષકે કે વિદ્યાર્થીએ વિચારેલી કેળવણીની પદ્ધતિ કરતાં હેલનનો કેળવણીવિચાર જુદો પડે છે. તેમને મતે, કોઈ પણ શિક્ષક બાળકને નિશાળમાં ગોંધી શકે પણ દરેક જણ તેને ભણાવી ન શકે. બાળકને જ્યાં સુધી સ્વતંત્રતાનો અનુભવ કરાવવામાં ન આવે ત્યાં સુધી તે આનંદથી કામ નહીં કરે. અપ્રિય લાગતા પાઠો તે ઇચ્છાપૂર્વક ગ્રહણ કરે અને પાઠ્યપુસ્તકોના અરસિક અભ્યાસક્રમમાંથી બાઅદુરીભેર અને ઉલ્લાસપૂર્વક પસાર થયાનો ઠરાવ કરે તે પહેલાં, એણે વિજયજન્ય પ્રફુલ્લતા અને વિષાદજન્ય ખેદ અનુભવેલાં હોવાં જોઈએ. એક બાળકની શિક્ષણ પ્રત્યેની રુચિ કેમ જાગી શકે તેની હેલને આપેલી આ ચાવી તેમના પોતાના અનુભવમાંથી જ આવેલી છે.

કૉલેજનાં વિદ્યાર્થી તરીકે હેલનમાં એક પ્રકારની પ્રૌઢિ આવી છે. કૉલેજ વિશેના રમ્ય ખ્યાલો કૉલેજજીવનની વાસ્તવિકતા જોતાં તેઓ ખોઈ બેઠાં પણ એ અનુભવોએ જ હેલનને ધર્યનું શસ્ત્ર શીખવ્યું. કેળવણી લેવાનું કાર્ય આરામથી, ખુલ્લું ને સ્વાગતશીલ મન રાખીને, દેશમાં વિચરવા નીકળ્યા હોઈએ એવા ભાવથી કરવું જોઈએ એવું તેમને શિક્ષણ પ્રાપ્ત કરતાં સમજાયું. હેલન માને છે કે આ પ્રકારના ભાવથી કરેલી જ્ઞાનપ્રાપ્તિ અણદીઠ રીતે આત્મામાં ઘેરા વિચારની નિ:શબ્દ ભરતી રેલાવે છે. આવું જ્ઞાન એક પ્રકારનું સુખ છે કેમ કે એના દ્વારા અસત્યમાંથી સત્ય ભણી ને ક્ષુદ્રમાંથી ઉદાત્ત ભણી માનવી આગળ ધપે છે. આથીય આગળ વધીને હેલનને જણાયું છે તેમ જો કોઈ મનુષ્યાઅ સ્પંદો અનુભવી ન શકે તો એ ચોક્કસપણે ‘બહેરો’ હોવો જોઈએ.

પ્રજ્ઞાવાન એવા કોઈ પણ મનુષ્યને ભાગે જીવનના વિષમ અનુભવોનો ઘૂંટ પીવાનો આવતો જ હોય છે. એ તે,અની નિયતિ છે. હેલન માટે નિર્માયેલી વિષમતા વધારે તીવ્ર હતી. ત્રણ ત્રણ ઇન્દ્રિયોના અભાવે હેલનને અનેક ચિત્ર-વિચિત્ર ઘટનાઓનો સામનો કરવાનું આવ્યું. આવો એક વિચિત્ર બનાવ, હેલનના જીવનમાં પ્રથમ વાર હેલને પોતે લખેલી પહેલી વાર્તા ‘હિમરાજ’ના સમયે બન્યો. આ વાર્તા લખીને હેલને પોતાના મિત્ર ઍનેગ્નોસને મોકલી. ઍનેગ્નોસે પર્કિન્સ સંસ્થાના એક હેવાલમાં તેને પ્રસિદ્ધ પન કરી. પરંતુ પાછળથી તેમને જાણવા મળ્યું કે ‘હિમરાઅ’ને મળતી ‘હિમની પરીઓ’ નામની વાર્તા કુ.માર્ગારેટ કેન્બીએ લખેલી જે હેલનના જન્મ પહેલાં જ એક પુસ્તકમાં પ્રગટ પણ થઈ ગયેલી. આ ઘટનાને લઈને બાર વર્ષની હેલન પર ઉપેક્ષાનાં તીર વરસ્યાં ને બાળા હેલન ભાંગી પડી. પાછળથી તેને એ પણ સમજાયું કે તેનાં ગુરુ સુલીવાનની ગેરહાજરીમાં બીજાં મિત્ર પાસેથી તેણે આ વાર્તા સાંભળેલી. પાછળથી એ ભુલાઈ પણ ગયેલી, ને જાણે પોતાને જ સૂઝી હોય તેમ અચાનક જ મગજમાં સળવળીને તંતોતંત એ રીતે જ લખાઈ. નાનકડી હેલનને આ આઘાતમાંથી બહાર આવતાં ખૂબ શ્રમ પડ્યો. જીવનભર તેઓ આ બનાવને ભૂલી ન શક્યાં એ વાત પણ આખરે તો તેમનો સત્યપ્રેમ સૂચવે છે.

આવો જ એક બીજો અગત્યનો બનાવ તેમના જીવનમાં જાગેલા વિજાતીય પ્રેમ અંગેનો છે. આમ તો હેલનના જીવનમાં અનેક પુરુષમિત્રો આવ્યા છે. ક્યાંક આ મિત્રોએ પિતૃત્વ દાખવ્યું છે, ક્યાંક મૈત્રી પણ દાખવી છે તો એક પુરુષ મિત્રે પ્રેમ પણ પ્રગટ કર્યો છે. અનેક પ્રવૃત્તિઓથી ઘેરાયલાં ને સમજથી ઘડાયેલાં હેલન માટે લગ્નની ઇચ્છા એક કામના તરીકે ક્યાંય જાગી હોય એવું જણાતું નથી. એનું કારણ કદાચ તેમને ગુરુ સુલીવાન, ડૉ. ગ્રેહામ બેલ, માતા-પિતા ને અન્ય મિત્રો પાસેથી મળેલો ભરપૂર પ્રેમ પણ હોઈ શકે. આ પ્રેમે ઇન્દ્રિયોની અનુપસ્થિતિથી જાગતા શૂન્યાવકાશથી હેલનને ખાસ્સાં દૂર રાખ્યા છે. હેલનના પોતાના વ્યક્તિત્વમાં પણ એક પ્રકારની સભરતા છે. આ બધાં કારણોથી તેમનું સ્ત્રીત્વ ખાસ સળવળ્યું જણાતું નથી. પોતાની મર્યાદાઓને સારી રીતે જાણતાં ને તેનું પ્રથક્કરણ કરી શકતાં હેલન, પોતાને લગ્નનો આગ્રહ કરતા ડૉ.બેલને જણાવે છે : ‘તે મહાન સાહસ ખેડવાની મને પહેલાં કરતાં ઓછી ઇચ્છા છે. મને ચોક્કસ લાગે છે કે જીવનના તડકા-છાંયડાનો સામનો કરવા માટે સ્ત્રી-પુરુષ બંને સરખાં હોવાં જોઈએ. કોઈ પણ પુરુષ ઉપર મારી ખોડખાંપણનો બોજો લાદવો એ તેના માટે ભારે બોજારૂપ થાય. આવો અસ્વાભાવિક બોજો તેના ઉપર લાદવાના બદલામાં તેને આપવા જેવું મારી પાસે કંઈ નથી.’ જીવનમાં અનિવાર્ય કહી શકાય તેવી લગ્નજીવન અંગેની બાબતમાં હેલન કેટલી તટસ્થતાથી વિચારી શક્યા છે તે જોવા જેવું છે. પોતાની મર્યાદાઓને આટલી નિખાલસતાથી જોવી ને સ્વીકારવી હેલન માટે સહજ છે. ને તેનું કારણ તેમણે મેળવેલી વિદ્યા, કેળવેલી સમજ ને ગુરુ સુલીવાનનો સાથ છે. આવી કેટલીક ક્ષણોમાં હેલન સાધિકા ઉપર ઊઠ્યાં છે.

આ વસ્તુ બતાવે છે કે હેલનને લગ્ન માટેની ઉત્સુકતા ખાસ જણાતી નથી; ને તેમ છતાં, તેમને ચાહનારો એક યુવાન તેમને મળે છે એ વાત એક સાથે આપણામાં આનંદ, વિસ્મય ને પાછળથી દુ:ખ, એમ ત્રિવિધ ભાવો પ્રેરે છે. એક પ્રવાસ દરમિયાન ઈન નામનો એક યુવાન, હેલનની સાથે રહેતાં રહેતાં તેમને ચાહવા લાગે છે. તેમની સાથે લગ્ન કરવા આતુરતા દર્શાવી ને એ રીતે તેમને ટેકા રૂપ બનવા ઇચ્છે છે. તેને ખાતરી છે કે હેલનનાં ગુરુ સુલીવાન જેટલું નહીં તોયે પોતાથી બનતું એ હેલન માટે કરી શકશે. સ્વાભાવિક રીતે જ, હેલનને આ પ્રસ્તાવથી સુખદ આશ્ચર્ય જન્મે છે. પોતા ઉપર કોઈ પ્રેમ કરે એ ખ્યાલ જ તેમને મધુર ભાવોમાં જકડી લે છે. પોતાના જીવનની આ અદ્દભુત ઘટના માતા અને ગુરુને કહેવા માટે હેલન અધીરી બને છે પણ હેલનની માતાના વર્તન વિશે આશંકા સેવતો ઈવ હેલનને થોડી ધીરજ રાખવા સમજાવે છે. તેમ છતાં માતાને આ વાત કહેવાની ઇચ્છા ધરાવતી હેલનની માતા જ સામેથી વાત છેડીને આ સંબંધો પ્રત્યે નારાજગી દર્શાવે છે. આથી ગભરાઈ જઈને હેલન આખીય વાતથી અજાણ હોવાનો ડોળ કરીને પોતાના સંબંધો અંગે નકાર દર્શાવી બેસે છે ! આ કારણે માતા પેલા યુવાનને કાઢી મૂકે છે ને હેલનના પ્રણય્સંબંધનો કરુણ અંત આવે છે.

બીજી અનેક વિષમતાઓની વચ્ચે, હેલનના જીવનમાં જાગેલી પ્રસન્નતાની આ પળો જે રીતે વિખેરાઈ ગઈ તેથી હેલને ભારે વ્યાકુળતા અનુભવી છે. આ ‘અણદીઠ્યા ને વણનોતર્યા’ પ્રેમનું વાવાઝોડાંની માફક ચાલ્યા જવું હેલનને માટે વ્યથાકર બને છે. પાછળથી કંઈક દુ:ખદ તાટસ્થ્યથી હેલન આ અંગે નોંધે છે : ‘આ ટૂંકો પ્રેમનો પ્રસંગ મારા જીવનમાં ઘેરા પાણીથી ઘેરાયેલા નાના સરખા આનંદદ્વીપ જેવો રહેશે. મને કોઈ ઇચ્છે અને ચાહે એવો અનુભવ થઈ ગયો તેથી મને ખુશી થાય છે. તેમા સોષ પ્રેમનો નહોતો પણ ઘણા સંજોગોનો હતો. કદાચ નિષ્ફળતા એના હેતુની સુંદરતા વધારે સારી રીતે બહાર લાવે છે. હવે હું એ બધું વધારે ડાહી થઈને પણ દુ:ખી થઈને જોઉં છું.’ હેલનનાં વિશાળ ને સ્વાગતશીલ ચિત્તનો અહીં વધુ એક વાર પરિચય થાય છે. ઇન્દ્રિયોની ગેરહાજરીની સાથોસાથ આવા કેટલાક અસહ્ય અનુભવોમાંથી પણ હેલનને પસાર થવું પડ્યું અને પાછળ કુટુંબજીવન ને સમાજજીવનના અણઘડ ખ્યાલો પડેલા દેખાય છે.

જીવનના વહેણને તરતાં તરતાં હેલનની ચેતનાએ ચડતી તેમ જ પડતેનો અનુભવ કર્યો છે. આ બંને તત્વોને પસાર કરતાં કરતાં પોતાની મર્યાદાઓને સમજવાનો ને તેમાંથી બહાર નીકળવાનો તેમણે પૂરી પ્રામાણિકતાથી પ્રયત્ન કર્યો છે ને તેમાં તેઓ સફળ પણ નીવડ્યાં છે. જીવનને કુશળતાથી પાર કરવાનું બળ તેમને ગુરુ સુલીવાન પાસેથી તો પ્રાપ્ત થયું જ છે પણ તેમાં હેલનનો પુરુષાર્થ પણ ઓછો નથી. તેઓ પોતે એક શ્રદ્ધાળુ વ્યક્તિ છે. જીવન ઉપર તેમને અપાર શ્રદ્ધા છે; ઈશ્વર ઉપર તેના કરતાંય વધુ શ્રદ્ધા છે. બીજી બાજુ, સુલીવાને તેમનામાં પુરુષાર્થ પરની શ્રદ્ધા પણ રેડીને તેમને ક્ષત્રિયત્વ બક્ષ્યું છે. આથી હેલનના વ્યક્તિત્વમાં શ્રદ્ધાની સાથે પુરુષાર્થ ઉમેરાતાં તેમની શ્રદ્ધા લાચાર વ્યક્તિને શ્રદ્ધા બની રહેતી નથી. શ્રદ્ધા એમની પ્રકૃતિ છે ને પુરુષાર્થ એમની નિયતિ છે. આથી જ પોતા વિશે તેઓ સ્પષ્ટ છે. પોતાને થયેલા અનુભવોની કડવાશને પણ વ્યક્ત કરતાં તેમણે નોંધ્યું છે : “મારી શારીરિક મર્યાદાઓને લીધે મને જે કડવા અનુભવો થયા છે તે હું જ વધારે જાણું છું. બીજાને તેની ખબર પણ ન હોય. મારી આજુબાજુની પરિસ્થિતિ વિશે હું ભ્રમમાં નથી. મને કદીય દિલગીરી થતી નથી કે બળવો કરવાનું મન થતું નથી એમ કહેવું એ સાચું નથી. પણ ઘણા સમયથી મેં મન સાથે નક્કી કર્યું છે કે મારે જીવન વિશે ફરિયાદ કરવી નહીં. મરણતોલ ઘવાયેલાએ પણ બીજાની ખાતર આનંદપૂર્વક જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધર્મ એટલા જ માટે છે. માણસ હસતે મુખે જીવનના અંત સુધી જીવનકલહ પાર કરવા હૃદય મજબૂત રાખતાં શીખે એ જ ધર્મ છે. આ આદર્શ બહુ ઊંચો ન લાગે તોયે વિધાતાને શરણે જવા કરતાં એ બહુ મોટી વાત છે. અને એટલું કરવા માટે પણ માણસ પાસે કામ અને મિત્રોનું આશ્વાસન ઉપરાંત ઈશ્વરની સુકૃતિ માટે શ્રદ્ધા જોઈએ.’ વિધાતાને હેલન અહીં ઈશ્વરથી જુદાં પાડીને જુએ છે. નસીબના અર્થમાં વિધાતા ઈશ્વરથી ભિન્ન છે. ત્રણ ઇન્દ્રિયોની ખોટ સાથે દુનિયાએ આપેલા અનેક પ્રકારના અન્યાયો જેવી બાબતોનો સામનો કરવાનું હેલનને ભાગે આવ્યું છે. એ તેમની નિયતિ છે. આ નિયતિના વિરોધમાં ઈશ્વર નથી. આ ખ્યાલને લઈને જ હેલન ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખી શક્યાં છે ને ટકાવી પણ શક્યાં છે. જે મનુષ્ય નિયતિ ને ઈશ્વરને આ રીતે જુદાં જોઈ શકે છે તે જ ગીતાકાર કહેવા મુજબ ‘પ્રજ્ઞા’ચક્ષુ છે.

જીવન વિશેનું હેલનનું નિરીક્ષણ-પરીક્ષણ સતત તેમને વિકાસનાં યાત્રી ઠેરવતું રહ્યું છે. પોતાનામાં આવેલાં ને આવતાં પરિવર્તનોને હેલને દૃષ્ટાભાવે નોંધ્યાં છે. જીવનના પ્રારંભકાળમાં તેમને ઇન્દ્રિયો સર્વોપરિ ભાસતી અને સ્થળકાળની દિવાલો અભેદ્ય જણાતી. આવી ક્ષણોમાં કોઈની રાહ જોઈને બેસવું તેમને માટે મુશ્કેલ થઈ પડતું. પણ અનુભવને આધારે હેલનને સમજાયું કે સ્થળ-કાળની પાર પણ જઈ શકાય છે, વરસોની સ્મૃતિને એક કલાકમાં સમાવી શકાય છે. અથવા તો કલાકને અનંતકાળ લગી લંબાવી શકાય છે. અનુભવની કહો કે અનુભૂતિની જ્જ ક્ષણે હેલને પોતાના શરીરને બંધનો ફેંકી દેનાર તત્વ તરીકે પેખ્યું અને એક પ્રકારના આત્મ સાક્ષાત્કારનો અનુભવ કર્યો છે. હેલનની આ અનુભૂતિ તેમને એક પુરુષાર્થી અને વિદ્યાસંપન્ન સન્નારીની સાથોસાથ એક મહાન તત્વજ્ઞાની પણ ઠેરવે છે. આથી જ પંડિત સુખલાલજી હેલનની પ્રજ્ઞાને મહાવીર, બુદ્ધ, ક્રાઇસ્ટ અને ગાંધીજીની પ્રજ્ઞા સાથે મૂકી આપીને પોતા કરતાંય હેલનની પ્રજ્ઞાને વધુ ઉન્નત ગણાવે છે. તેનું કારણ આપતાં પંડિતજી હેલનની “એવી ક્ષણ હોય છે જ્યારે મને એમ લાગે છે કે, શાયલૉક તથા જયૂડા જેવા લોક અને સેતાન પણ વિશ્વમાં પ્રવર્તમાન સાધુતાના મહાચક્રના ભાંગી ગયેલા આરા છે અને તેઓને યોગ્ય સમયે પાછા સમવી લેવાશે.” એ ઊક્તિ સંભારીને, શારીરિક તેમ જ કદાચ માનસિક રીતે હેલનને પોતાના સમાનધર્મા ગણવા છતાં તેમની પ્રજ્ઞા ઇન્દ્રિયને ઊંચી માને છે.

હેલને પોતાના જીવનમાં સ્થૂળ અને સૂક્ષ્મ એવા બે પ્રકારના પુરુષાર્થ ખેડ્યા છે. તેમણે કરેલી વિદ્યાપ્રાપ્તિ, મેળવેલું ભાષાજ્ઞાન વગેરે પહેલા પ્રકારનો પુરુષાર્થ છે. આમ કરતાં કરતાં તેમને જે સમજ કેળવી તે બીજા પ્રકારનો પુરુષાર્થ ગણાય. તેમની આ આખીયે વિકાસયાત્રાને તેમના જ શબ્દોમાં જોવા જેવી છે : “વસંત ઋતુના વરસાદથી જેમ ખેતરો લીલાંછમ થાય છે તેમ, તત્વચિંતકોના જાદુઈ શબ્દોમાંથી મળતા નૂતન વિચારોની વર્ષાથી મારું અંતર સુશોભિત થતું. મારામાં શ્રદ્ધા અને કલ્પના હતાં પણ તત્વજ્ઞાને મને શીખવ્યું કે આંખ-કાન વગરના માણસને આ દુનિયામાં જે મર્યાદિત અનુભવો થાય છે અને તેને લીધે જે ભ્રમણા જાગે છે તેની સામે શી રીતે ચેતીને ચાલવું. આ વિચારકો પોતાની ઇન્દ્રિયો પાસેથી કામ લેતા હતા છતાં પૂરેપૂરી ઇન્દ્રિયોવાળા ચેતીને ચાલવું. આ વિચારકો પોતાની ઇન્દ્રિયો પાસેથી કામ લેતા હતા છતાં પૂરેપૂરી ઇન્દ્રિયોવાળા માણસની ઇન્દ્રિયો પણ કેટલી અવિશ્વસનીય છે તેનું તેમને દર્શન થયું હતું…મને મારા વિશ્વાસની પ્રતીતિ થવાથી આનંદ થયો કે હું મારી ખંડિત ઇન્દ્રિયોની મર્યાદાની પાર જઈ શકું છું અને અદૃશ્યને પૂર્ણ પ્રકાશમાં જોઈ શકું છું. નિ:શબ્દ વાતાવરણમાં દિવ્ય સંગીતને સાંભળી શકું છું. મને આનંદમય ખાતરી થઈ હતી કે બહેરાપણું અને અંધાપો એ મારા જીવનનાં આવશ્યક અંગો નહોતાં, કારણ કે તે કોઈ રીતે મારા અમર માનસનાં અંગો નહોતાં.” કાન્ટ, આમર્સન, દેકાર્ત જેવા વિચારકોને વાંચ્યા પછી હેલનની સમજની ક્ષિતિજ વિસ્તરી ને તેમનું જીવન પ્રત્યેનું વિધાયક વલણ વધારે પુષ્ટ બન્યું. આ આખીય યાત્રામાં સમજને કેળવવાનો યશ હેલનના ભાગે જ વધારે તો જાય. તેમણે પોતાને મળેલાં જીવન સાથે સતત હાથ મેળવવાની જ ખેવના રાખી છે. તેમનું વિસ્મય આ કારણે હંમેશાં ધબકતું રહ્યું. આથી જ તેમના જીવનનું ઘડતર કરવામાં જેટલો ફાળો દાર્શનિકોનાં ચિંતને આપ્યો છે તેના કરતાંયે વધારે તો હેલને એને જે રીતે ઝીલ્યો તેનો મહિમા છે.

પોતાની વાત કહેતાં કહેતાં હેલને પોતાની અંગતમાં અંગત કહેવાય તેવી ક્ષણને નિર્વિકાર ભાવે ઉઘાડી આપી છે. આત્મકથાકારનાં અપૅક્ષિત નિખાલસતા તેમની પંક્તિએ પંક્તિમાંથી ઊઠે છે. તેમની આત્મકથામાં ક્યાંય ગૂંચ કે ઘમંડ નથી. દેખાય છે નરી સરળતા ને પ્રસન્નતા. આત્મકથાના આરંભે ૨૧ વર્ષીય હેલન કંઈક સંકોચથી પોતાના માળામાંથી બહાર આવેલી દેખાય છે. આત્મકથન કરવું એ તેને મન બાલ્યાવસ્થા પર પડેલા સુવર્ણમય ધુમ્મસ ખસેડવા જેવું કામ જણાય છે. ઘણી ઘટનાઓ હવે તેને બાલિશ લાગે છે. આથી જ, પોતાની સંપૂર્ણ વાત કહેવાને બદલે સ્મરણોની એક માળા રજૂ કરવાનું તેમણે મુનાસિબ માન્યું છે.

જીવનના દુર્ગમ અનુભવોએ અનેક વાર હેલનને અસ્વસ્થ કર્યાં છે. પણ આ અસ્વસ્થતામાંથી તેઓ ઝડપથી બહાર નીકળી શક્યાં છે. આમ કરીને તેમણે સમાધાન શોધ્યું છે એવું જણાતું નથી. જો એમ બન્યું હોત તો તેઓ એની પણ કબૂલાત કરી શકત. ક્યારેક વ્યાપી વળતા વિષાદને એના પૂર્ણ રૂપમાં હેલન જુએ છે, એને જીવે પણ છે ને બને એટલાં તાટસ્થ્યથી એમાંથી પસાર થાય છે. આ તાટસ્થ્ય પૌર્વાત્ય ઋષિને શોભે એવું વિરલ છે. જીવનની આરપાર જોતાં હેલન એક યોગિનીની અદાથી નોંધે છે : “એ સાચું છે કે, કેટલીક વાર હું એકલી બેઠી જીવનનાં બંધ બારણા ઊઘડવાની રાહ જોતી હોઉં છું ત્યારે, એક પ્રકારની એકલતા, શીત ધુમ્મસની જેમ, મને આવરી લે છે. પેલે પાર પ્રકાશ, સંગીત અને સુમધુર સોબત છે, પણ મને ત્યાં પ્રવેશ નથી. મૂંગું, નિર્દય દૈવ રસ્તો રોકે છે. હું તો એના એ અતૂટ મનાઈહુકમ સામે જરૂર સવાલ કરું, કેમ કે મારું હૃદય હજી આવેગશીલ અને અસ્તિત્વવાળું છે. પરંતુ હોઠે આવતા કડવા, નકામા શબ્દો મારી જીભ નહિ કાઢે અને અણસાર્યા આંસુની જેમ તે હૃદયમાં પેસે છે ને મારા આત્મામાં બિલકુલ નીરવતા વ્યાપે છે. પછી ત્યાં હસમુખી આશા આવે છે ને મારા કાનમાં કહે છે, ‘આત્મવિલોપનમાં આનંદ છે.’ એટલે, બીજાની આંખોના તેજને મારો સૂર્ય, તેમના કર્ણોમાંના સંગીતને ,આરી સંગીતિ અને એમનાં વદનનાં હાસ્યને મારું સુખ બનાવવા હું પ્રયત્ન કરું છું.” હેલનની આ વિષાદયાત્રામાં જ તેમની વિકાસયાત્રાનું પ્રારંભબિંદુ પડેલું જોઈ શકાય છે. સહૃદય ભાવકને આથી જ, તેમની પરિસ્થિતિ પર સહાનુભૂતિ જાગવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. એ તો હેલનનાં અનન્ય પૌરુષત્વને જ જોઈ રહે છે.

હેલનની વિકાસયાત્રા એટલું સ્પષ્ટ કહે છે કે હેલને નથી તો પરિસ્થિતિને સ્વીકારવા ધાર્યું કે નથી એની સામે લડવા ધાર્યું કે નથી સમાધાનવૃત્તિ કેળવવા ધાર્યું. પરંતુ જાણે બધું જ બરોબર છે એમ સમજીને, ગુરુની સહાય ને મળેલાં સાધનોને સથવારે હવે શું કરવાનું છે એની ચોક્કસ ગણતરી કરીને જીવન પ્રતિ તેમણે ડગ ભર્યાં છે. જેમ આમ માનવીના જીવનમાં સામાન્ય પ્રકારની ચડતી-પડતી આવ્યા કરે ને મનુષ્ય તેમાંથી માર્ગ કરતો આગળ વધ્યે જાય એ જ પ્રકારે હેલને પોતાનાં અસામાન્ય મંથનને નીહાળ્યું છે ને ખાળ્યું પણ છે. તેમની આ સરળ પ્રવાહિતા જગતના મહાપુરુષો માટે પણ દુષ્કર બને તેવી અકથ્ય છે.

જીવન પ્રત્યેની પોતાની જ આવી નિષ્ઠાભરી પ્રીતિ હોવા છતાં પોતાને જે મળ્યું છે તેનો યશ હેલને મિત્રોને આપ્યો છે. જીવનમાં મિત્રોના મળવાથી તેમને કોઈ મધુર કાવ્ય વાંચ્યાનો, દિવ્ય શાતા પ્રાપ્ત થયાનો અનુભવ થયો છે. આ મિત્રોએ હેલનનાં જીવનને ભરી કાઢતા ગંભીર શૂન્યાર્થો (nothings)ને એકદમ ઉજ્જ્વળ સંભવાર્થો (possibilities)માં ફેરવી નાખ્યા છે એવું કાવ્યાત્મક વિધાન હેલને કર્યું છે. મૈત્રીમાંથી મુદિતા પ્રાપ્ત કરીને ઉપર ઊઠેલાં હેલન પોતે પ્રાપ્ત કરેલાં ને મહાન સત્યો : ઈશ્વરનું પિતૃત્વ ને મનુષ્યનાં ભાતૃત્વને ગણાવે છે તેમ જ આ બંને તત્વોને બધા ધર્મસંપ્રદાયો અને પૂજન-અર્ચનવિધિનાં મૂળમાં રહેલાં માને છે. તેમને મન, પ્રેમ જ ઈશ્વર છે. આથી જ અસત્યનો જય કદી શક્ય નથી. જે મિત્રોએ તેમને આ ભાતૃત્વ બક્ષ્યું છે તેમાંના ઘણાના મૃત્યુથી હેલનને પોતાનો પણ એક ખંડ મૃત ભાસ્યો છે. આ મિત્રોએ તેમને સ્વાધિકાર આપ્યો હોઈ, તેઓને હેલને પોતાના મુક્તિદાતા માન્યા છે. આ પ્રકારના મિત્રોમાં તેઓ ડૉ. ગ્રેહામ બેલ, ઑલિવર હોમ્સ, બિશપ બ્રુક્સ વગેરેનું સાદર સ્મરણ કરે છે.

અગત્યની ઇન્દ્રિયો વિના પોતે જીવતાં શીખીને બીજાને પણ માર્ગદર્શન આપવાનું કામ હેલને ઉપાડી લીધું છે. જુદી જુદી સંસ્થાઓમાં કાર્યરત રહીને હેલને પોતાનું જીવન અંધજનો પાછળ સમર્પિત કર્યું છે. અમેરિકા, જપાન જેવા દેશોમાં જઈને, ત્યાં રહીને તેમણે અંધજનો પ્રત્યેના પ્રેમને કારણે તેમજ સુલીવાનનાં સૂચને માથે ચઢાવીને તેમને હૂંફ ને પ્રેમ આપ્યાં છે.

જીવનને અંતે પાછું ફરીને જોતાં પોતાની જીવનયાત્રા સરળ રીતે પસાર કરી શક્યાનાં મૂળમાં તેમને પોતાનાં ગુરુ સુલીવાન જણાયાં છે. સુલીવાનને તેઓ પોતાના પાલક દેવ માને છે. ગુરુની મનાઈ છતાં તેમની જીવનકથા લખીને તેમને પોતાનું ગુરુઋણ અદા કર્યું છે. જીવનમાં લોકોએ જ્યારે જ્યારે તેમને યશકલગી અર્પી છે ત્યારે ત્યારે હેલને તેમાં ગુરુનો વિજય જોયો છે. અનેક બાબતોમાં સુલીવાનની વિચારસરણીથી હેલન જુદાં પડતાં હોવા છતાં પોતાની જાતને તેમણે ગુરુથી અભિન્ન માનીને પોતાની જીવનયાત્રાને સુલીવાનની જીવનયાત્રા ગણાવીને શિષ્યત્વનું ગૌરવ સાચવ્યું છે.

મુશ્કેલીઓની ગિરિમાળાઓને વટાવ્યા પછીનું, જીવનના અંતિમ તબક્કે તેમને લાધેલું દર્શન ભારે ગહન છે. તેમને મતે ‘આત્માને ઉન્મત કરતા જીવનના અનુભવો પાસે શબ્દો તો રંગીન દેવતા જેવા છે. જીવનના ઊંડા અનુભવોની આપ-લે શબ્દો દ્વારા થઈ શકતી નથી. જેઓ આધ્યાત્મિક તરંગોને ઝીલી શકતા હોય તેઓ જ ઝાડીમાં અસ્વસ્થ થઈને ફફડતા પક્ષીની માફક ફફડતા આત્માનો અવાજ સાંભળી શકે છે.’ આ અવાજ હેલને તો આંતર્ કર્ણ દ્વારા સાંભળ્યો જ છે. પોતે જીવનના પૂર્ણત્વને શોધ્યું છે, તેને પામવા મથ્યાં છે ને પામ્યા પણ છે તેનો આનંદ વ્યક્ત કરતાં નિખાલસભાવે તેઓ જણાવે છે કે, “મને જીવન સુખમય અને રસમય લાગ્યું છે એટૅલે મને લાગે છે કે મને જીવવાનું સત્ય પ્રાપ્ત થયું છે. તેમજ ઈશ્વરની સુકૃતિમાં શ્રદ્ધા રાખતાં યત્કિંચિત્ આવડ્યું છે.”

જીવનના અંધકારને પૂરેપૂરો પ્રમાણ્યો હોવા છતાં નિરાશાના અંધારથી તેઓ દૂર રહ્યાં છે તેનો તેમને સંતોષ છે. આ નિરાશાએ જો તેમના પર આક્રમણ કર્યું હોત તો તેમનો સર્વનાશ થઈ જાત એવી તેમને ખાતરી છે. એ સર્વનાશમાંથી પોતે બચી શક્યાં તેનો એકરાર તેમણે આ રીતે કર્યો છે : “મારા જીવનમાં હું દરેક દિવસે ત્રણ બાબતો માટે ઈશ્વરને ધન્યવાદ આપું છું : એક તો એણે પોતાના કાર્યોને જાણવાનું સામર્થ્ય મને પ્રદાન કર્યું, બીજું, મારા અંધકારમાં મારામાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવ્યો અને મને એવા જીવનની કલ્પના કરતાં શીખવ્યું જે પ્રકાશ, ફૂલો ને દિવ્ય સંગીતને કારણે આનંદગ્રહ હશે.

૧૯૧૮ની પહેલી જૂને, બરાબર અઠ્યાશી વર્ષનું ભરપૂર આયુષ્ય ભોગવીને આ દુનિયાની મુલાકાત પૂરી કરતાં હેલન કેલર જતાં જતાં પોતાના ભાવકોને જે દિવ્ય સંદેશ આપી ગયાં છે તે જિસસની શિષ્યાને શોભે તેવો છે : “સુખનું એક દ્વાર બંધ થયા પછી બીજું ખૂલી જાય છે પણ કેટલીય વાર આપણે બંધ દરવાજા તરફ એટલી વાર તાકી રહેતા હોઈએ છીએ કે દ્વાર આપણે માટે ખોલવામાં આવ્યું છે તેને જોઈ શકતાં નથી.” હેલનને જ ‘નજર’ ફૂટી છે તે આ છે. આ નજર તેમને ત્રિનેત્ર સિદ્ધ કરે તેવી સમર્થ છે. આ નજરે જ તેમને માનવજાતના સદગુરુ ઠેરવ્યાં છે.

*****

ડૉ. દર્શના ધોળકિયાનાં સંપર્કસૂત્રઃ
• પત્રવ્યવહારનું સરનામું: ન્યૂ મિન્ટ રોડ, ભુજ (કચ્છ), ભારત ૩૭૦૦૦૧

• ઇ-પત્રવ્યવહારનું સરનામું: dr_dholakia@rediffmail.com

3 comments for “‘પ્રજ્ઞા’ ચક્ષુ : હેલન કેલર

 1. June 26, 2018 at 2:43 am

  બહુ જ સરસ પરિચય.
  હેલન કેલરની સંવેદના-
  https://gadyasoor.wordpress.com/2008/11/08/sensations/

  • Parmar Vasant kumar Khemabhai
   December 17, 2019 at 8:45 pm

   ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવી હેલનની સંવેદના વ્યક્ત કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *