





– ઈશાન કોઠારી
આ વર્ષે મે મહિનામાં અમને બદ્રીનાથ જવાનો મોકો મળ્યો. અમારા એક સગા (ગૌરાંગ અને ભાવિની શાહ) દ્વારા ત્યાં ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલું. અમે તેમાં જોડાયા, પણ અમારો મુખ્ય હેતુ ફરવાનો હતો. બદ્રીનાથ નજીક પહોંચ્યા એવી જ જોરદાર ઠંડી ચાલુ થઈ ગઈ હતી. ત્યાં બે-ત્રણ દિવસ પહેલાં જ બરફવર્ષા થઈ હતી. એ બરફ હજી પણ પીગળ્યો ન હતો.
અમે ત્યાં ત્રણેક દિવસ રોકાયા અને આસપાસનાં સ્થળોએ ફર્યાં. એમાંના અમુક ફોટા અહીં મૂક્યા છે.
****
એક સાંજે અમે બજારની બીજી તરફ, શહેરની બહારની બાજુએ જવાનું વિચાર્યું. રસ્તા ભીના હતા. વાદળ ઘેરાયેલાં હતા. એટલે ચાલવાની મજા પડી. વળાંકવાળા રસ્તાનો ફોટો મસ્ત આવે એવો હતો. અમે ઘણા ફોટા પાડ્યા. એમાં થોડો વળાંક ફોટામાં દેખાતો, પણ પાછળના પહાડ ન આવતા. પછી એક જગ્યા દેખાઈ. ત્યાં પહાડ અને આખો વળાંક દેખાતો હતો, જે ફોટો નીચે છે.
*****
એક દિવસ અમે બજારમાં આંટો મારવા નીકળ્યા ત્યારે એક કાકા દુકાનમાં ઘરાકી ઓછી હતી તેથી શાંતિથી બેઠા હતા. તેમનો ફોટો પાડવાની ઈચ્છા થઈ ગઈ. કારણ કે તેઓ જ્યાં બેઠા હતા એની પાછળની દીવાલ ફ્રેમમાં સરસ લાગતી હતી. પહેલાં કાકા એકલા બેઠા હતા. પણ જેવો તેમનો ફોટો પાડ્યો કે તરત તેમની સાથેના ભાઈ પણ ફોટો પડાવવા આવી ગયા. આથી ફ્રેમમાં ખાલી લાગતી જગ્યા સરસ રીતે ભરાઈ ગઈ.
****
અમે જે દિવસે પહોંચ્યા એ જ દિવસે આ ફોટો પાડ્યો હતો. અમારા ઉતારાની બહાર જ આ સાધુ બેઠા હતા. હું ખચકાતાં ખચકાતાં તેમનો ફોટો પાડવા ગયો. જેવો તેમણે કેમેરા જોયો કે તરત તેમણે પોઝ આપ્યો॰ પછી તેમણે થોડી-ઘણી વાતો કરી અને પૂછ્યું, ‘કહાં સે આયે હો આપ?’ પછી તેઓ મુદ્દા પર આવ્યા અને કહ્યું, ‘હમારી થોડી સેવા કર દો.’ મેં કહ્યું, ‘મૈં આપ કો આપ કી તસવીર દિખા સકતા હૂં.’ આમ કહીને મેં તેમણે કેમેરામાં તેમનો ફોટો બતાવ્યો.
****
જરૂર પડે તો સાધુઓ શ્રમ પણ કરી લેતા હોય છે.
****
અમારા ઉતારાની બહાર રોજ સવારે પીઠ્ઠુઓ ટોળે વળતા. પીઠ્ઠુ એટલે પોતાની પીઠ પર લોકોને બેસાડીને સવારી કરાવે એ લોકો. ખાસ કરીને જે લોકોને ચાલવાની તકલીફ પડે એ લોકો તેમનો લાભ લેતા હોય છે. સવારે ટોળું બેઠું હતું ત્યાં હું ગયો. તેમના ફોટા પાડ્યા. પછી તો તેઓ બધા ભાઈબંધ જેવા બની ગયા. તેમની સાથેની વાતોમાં ઘણી રસપ્રદ વિગત જાણવા મળી. તેઓ નેપાળથી આવે છે. અહીં છ મહિના એ લોકો રહે અને રોજીરોટી મેળવે. તેમનું ફક્ત આ જ કામ. કોઈ સવારી મળે તો ઠીક, બાકી તેઓ રાહ જોતા બેસી રહે. સવારી કરનારનું વજન 50 કિલો કે તેથી ઓછું હોય તો મંદીર સુધી લઈ જવાનું 300 રૂપિયા ભાડું. અને 60 કિલોથી વધારે હોય તો 600 રૂપિયા ભાડું હોય છે.
આવી રીતે પીઠ પર તેઓ લઈ જાય.
****
બદ્રીનાથમાં બજાર જતી વખતે રસ્તાની બાજુએ બેસીને બે સાધુઓ વાદ્યો વગાડતા હતા. એક જણ ખોલ નામનું વાદ્ય અને બીજા સાધુ વાંસળી વગાડતા હતા. તેમની જોડે પોતાનું માઇક અને સ્પીકર હતું. તેઓ બંને પોતાની ધૂનમાં વગાડતા હતા. વાતાવરણ સંગીતમય બની ગયું હતું.
****
બદ્રીનાથના મંદિરમાં જવા માટે ઘણી ભીડ હતી. લાંબી લાઇન જોઈને અમને દર્શન કરવા જવાની ઈચ્છા ન થઈ. છતાં ઊભા રહ્યા. ત્યાં અલગ-અલગ પ્રવૃત્તિ જોવાની મજા આવી. એક ભાઈ બદ્રીનાથ લખેલા બીબા વડે બધાને કપાળે ‘બદ્રીનાથ’ છાપી આપતા. કોઈ પ્રસાદ વેચવા ઊભા હોય, કોઈ ચંપલ સાચવવાનું કામ કરતા. લાઈનમાં ઘૂસ મારવા માટે બહાર ઉભેલાઓના નાટકો જોવાની પણ મજા આવતી. ઘણા બધા ગુજરાતીઓ પણ મળી જતા. આ બધું જોતાં લાઇન કયારે પતી ગઈ તેની ખબર ન પડી.
*****
મંદિરમાં લાઇનમાં ઊભા રહેવાની જગ્યા હતી તેની પાળીની બહાર થોડીક જગ્યા હતી, ત્યાં બાંકડા મૂક્યા હતા. તેની પર એક સાધુ બેઠા-બેઠા વાંચતા હતા. તેમની જટા પણ ઘણી હતી. સવારનું લાઇટ સરસ હતું અને એ જ્યાં બેઠા હતા તેની પાછળ સરસ નજારો દેખાતો હતો.
****
બદ્રીનાથથી ત્રણ કિ.મી દૂર માણા નામનું ગામ છે. માણાથી 7 કિ.મી ઉપર વસુધારા ફોલ્સ છે. જ્યાં ટ્રેક કરીને જ જવું પડે. ત્યાં જતાં રસ્તામાં એક ગુફા છે, જ્યાં ભભૂતિવાળા બાવા બેઠા હતા. જોઈને બીક લાગે એવા. હું તેમના ફોટા પાડવા ગયો તો તેમણે સામેથી પોઝ આપ્યો. તેઓ ચલમ ફૂંકતા હોય એવા ફોટા પાડવા ગયો તો તેમણે ના પાડી.
*****
બદ્રીનાથથી નજીક ચરણપાદુકા નામના સ્થળે અમે જઈ રહ્યા હતા. ભર બપોર હતી. રસ્તામાં એક લાઇનમાં સાધવીઓ જઈ રહ્યાં હતાં. લાઇનમાં ચાલતાં હતાં એટલે ફોટો સરસ આવે એવો હતો. પણ તાપ ખૂબ હતો. તેથી તેમનો લાલ પહેરવેશ બરાબર ન દેખાતો હતો. એટલે ફોટો મેન્યુઅલ મોડ પર પાડ્યો. શટર સ્પીડ 1/800 રાખી હતી. જેથી પાછળ અંધારું લાગે અને ફક્ત સાધવીઓના કપડાંનો રંગ જ દેખાતો હોય.
*****
માણાથી ઉપર વસુધારા ફોલ્સ તરફ અમે ટ્રેક કરીને જઇ રહ્યા હતા. આ જ રસ્તે આગળ સ્વર્ગારોહણ નામના શિખર પર જવા માટેનો ટ્રેક હતો. અમારી સાથે જે ગાઇડ હતા તેમના કહેવા પ્રમાણે સ્વર્ગારોહણ પર તમને ચઢવાના પગથિયાં દેખાય તો જ તમે ત્યાં જઇ શકો. જેને ત્રણથી વધારે પગથિયાં દેખાય તે એટલું ઉપર જઈ શકે. એ ટ્રેક ઘણો અઘરો હોય છે. ત્યાં સાધુઓ વધારે જતા હોય છે. અમે ચઢતા હતા ત્યારે એક સાધુ નીચે ઉતરતા હતા. મને બે ઘડી થયું કે આ સ્વર્ગારોહણ જઈને તો નથી આવી રહ્યા ને?
****
આ ફોટો અમે વસુધારા ફોલ્સ જતાં પાડ્યો હતો. અમે ઘણું બધુ ટ્રેક કરી લીધું હતું. હવે થોડુંક જ બાકી હતું. રસ્તામાં ઘણા લોકો આવતા-જતા મળે. અમુક લોકો અમારી જેમ થોડું-થોડું બેસીને ટ્રેક કરતા. અમને રસ્તામાં ત્રણ બહેનો મળ્યાં. તે અમારી જેમ જ થાકી ગયા હતાં. અને હવે આગળ ચાલવા તૈયાર ન હતા. એ વખતે ત્યાંના અમુક સ્થાનિક લોકો પણ આવ્યા અને સૌને તેમણે પ્રોત્સાહન આપ્યું કે હવે થોડું જ બાકી છે. આ ત્રણ બહેનો પણ પ્રોત્સાહિત થઈ ગઈ. તેઓ એટલા ઝડપથી આગળ વધી ગયા કે અમે હજી બેઠા હતા ને એટલામા તો તેઓ જઈને પાછા આવતા દેખાયા.
****
બદ્રીનાથના રોકાણની પૂરેપૂરી મઝા લઈને અમે શ્રીનગર-ઋષીકેશ થઈને હરિદ્વાર આવી ગયાં, જેની તસવીરો હવે પછી.
ફોટોગ્રાફી દ્વારા બદ્રીવિશાલની યાત્રા !
… ત્યાં ત્રણેક દિવસ રોકાયા અને આસપાસનાં સ્થળોએ ફર્યાં. એમાંના અમુક ફોટા અહીં મૂક્યા છે.
ફોટા તથા લખાંણ બરોબર વાંચેલ છે. ફોટા જોઈ મજા આવી….
sundar photographs, sundar vivran
બહુ જ સરસ ફોટા પાડ્યા છે. દરેકમાં એક અભ્યાસુની કાળજી દેખાઈ આવે છે. અંગત રીતે મને કતારમાં ચાલતી લાલ વસ્ત્રધારિણી સાધ્વીઓ વાળો ફોટો સૌથી વધુ ગમ્યો.
Sachi vaat che. Maney gamyo
બદરીનાથ વિશે થોડું વધારે વિવરણ કરવા જેવું હતું.ફોટા ખુબજ સરસ.
ફોટા જોવાની ખરેખર મજા પડી ગઈ.
યાત્રા કરાવવા બદલ ખુબ ખુબ આભાર !