





– ચિરાગ પટેલ
पू. ३.१६.४ (२६६) इन्द्र त्रिधातु शरणं त्रिवरुथंस्वस्तये। छर्दिर्यच्छ मघवभ्द्यश्च मह्यं च यावया दिद्युमेभ्यः ॥
હે ઈન્દ્ર ! ધનવાન યાજક અને અમને, ત્રણે ઋતુઓમાં સુખદાયી, આનંદદાયક અને ઉત્તમ ત્રણમાળવાળું રહેઠાણ આપો, અને એ માટે શસ્ત્રોનો ઉપયોગ ના કરશો!
આ વેદૠચામાં ત્રણ ઋતુઓનો ઉલ્લેખ મહત્વનો છે. આર્યોના મૂળ સ્થાન માટે ઘણી વિવાદાસ્પદ ચર્ચાઓ છે. અમુક વિદ્વાનો મધ્ય એશિયાના ઘાસના પ્રદેશો એમનું મૂળ વતન માને છે. અમુક વિદ્વાનો આર્યોને ભારતની મૂળ પ્રજા જ ગણે છે. જે કાળમાં સામવેદની રચના થઈ હશે એ સમયમાં એના રચનાકારો ચોક્કસપણે ભારતમાં રહેતા હશે એનું આ શ્લોક સમર્થન કરે છે. મધ્ય એશિયાના પ્રદેશોમાં મુખ્ય બે ઋતુઓ જ હોય છે અને વરસાદ સમગ્ર વર્ષ દરમ્યાન ગમે ત્યારે આવતો હોય છે. જયારે, ભરતખંડમાં જ ત્રણ ઋતુઓનું ચક્ર અનેક વર્ષોથી છે. એ દ્રષ્ટિએ આ શ્લોક એમના રચનાકારોનું રહેણાંક ભારત નિર્દેશ કરે છે.
વળી, આ શ્લોકમાં ઋષિ ત્રણ માળ હોય એવું રહેઠાણ હોવાની ઈચ્છા રાખે છે. એટલે, એ સમયે ત્રણ માળના મકાનો હશે અને એ પણ સમાજના અમુક ઉચ્ચ વર્ગના લોકો એમાં રહેતા હોય એમ લાગે છે! જો સામવેદનો રચનાકાળ 7500 વર્ષ પહેલાનો સ્વીકારીએ તો એ સમયમાં ત્રણ માળનું મકાન હોવું એ આશ્ચર્યજનક છે! આપણે એ સમયના લોકોને ચોક્કસપણે સ્થાપત્યકળામાં આગળ વધેલા માનવા જ જોઈએ.
पू. ३.१७.९ (२८१) इन्द्राग्नी अपादियं पूर्वागात्पद्वतीभ्यः। हित्वा शिरो जिह्वया रारपच्चरत् त्रिंशत्पदा न्यक्रमीत् ॥
હે ઈન્દ્ર અને અગ્નિદેવ! પગ વિનાની ઉષા, પગવાળી પ્રજા પહેલાં આવે છે. અને મસ્તક ન હોવા છતાં, જીભથી પ્રેરણા આપતી એક દિવસમાં ત્રીસ પગલાં ચાલે છે.
આ શ્લોકમાં ઈન્દ્ર સાથે અગ્નિનો ઉલ્લેખ છે, જે આ પ્રકારનો પહેલો શ્લોક છે. આ શ્લોકમાં એક દિવસના 30 ભાગ હોવાનો ઉલ્લેખ છે. એ કાળખંડમાં આજની જેમ દિવસને નાના એકમમાં વહેંચવાની એક ચોક્કસ પદ્ધતિ હશે જ. એ સમયમાં નાનો એકમ આજના 48 મિનિટ જેટલો હશે. આ પ્રકારનું વિભાજન કરનારી પ્રજા ચોક્કસપણે વિજ્ઞાન અને ગણિતમાં વિકસિત હશે. સમયના વિભાજન કરવા ઉપરાંત એને માપવા માટેની પણ કોઈ પદ્ધતિ અસ્તિત્વમાં હોવી જોઈએ એવું આ શ્લોક પરથી લાગે છે.
पू. ३.१८.८ (२९०) उभयंश्रूणवच्च न इन्द्रो अर्वागिदं वचः। सत्राच्या मघवान्त्सोमपीतये धिया शविष्ठ आ गमत्॥
અમારા શબ્દ અને ભાવથી કરાયેલી બંને પ્રકારની પ્રાર્થનાને નજીક આવીને સાંભળો અને સામુહિક ઉપાસનાથી પ્રસન્ન થાવ. બળવાન અને ધનવાન ઈન્દ્ર, સોમપાન માટે અહીં આવો.
ઋષિએ યજ્ઞ ઉપરાંતની ઉપાસનાની રીત આ શ્લોકમાં બતાવી છે. ઈન્દ્રને પ્રસન્ન કરવા પ્રાર્થના જેવી ઉપાસનાની પદ્ધતિ પણ હશે. વળી, એમાં શબ્દની સાથે ભાવનું પણ મહત્વ છે. આજના સમયમાં આપણે પ્રાર્થના વિષે જે જાણીએ-માનીએ છીએ એ મુજબ એમાં ભાવનું અત્યંત મહત્વ રહેલું છે. સામવેદના સમયથી આ વિભાવના ચાલી આવે છે. વળી, અહીં સામુહિક પ્રાર્થનાનો ઉલ્લેખ છે. એટલે, આપણા મંદિરોમાં પ્રાર્થના-ભજન-કીર્તન જેવી ઉપાસનાની જે રીત છે એના મૂળ સામવેદ કાળમાં છે એવું માની શકાય!
पू. ३.२१.९ (३२१) ब्रह्म जज्ञानं प्रथमं पुरस्ताद्वि सीमतः सुरुचो वेन आवः। स बुध्न्या उपमा विष्ठाः सतश्च योनिमसतश्च विवः॥
સહુપ્રથમ બ્રહ્મ ઉત્પન્ન થયું. વેને એનો ઉપદેશ કરતાં, એની ઉપમાને અનુરૂપ, એના તેજને વિશેષરૂપે આકાશમાં સ્થાપિત કર્યું. જે ઉત્પન્ન થયું છે એનું અને જે ઉત્પન્ન થયું નથી એનું કારણ પણ એ જ છે!
આ એવો પ્રથમ શ્લોક છે જેમાં ઈન્દ્ર કે બીજા પ્રકૃતિગત દેવોથી ઉપર બ્રહ્મની વિભાવનાનો ઉલ્લેખ છે. આપણે એવું માનીએ છીએ કે વેદોમાં પ્રકૃતિના તત્વોની ઉપાસના છે. પરંતુ,આ શ્લોકમાં સ્પષ્ટપણે બ્રહ્મ તત્વનો ઉલ્લેખ છે અને સ્થાવર-જંગમ ઉત્પન્ન થયેલું કે હજુ ઉત્પન્ન ન થયું હોય એવું સર્વનું મૂળ કારણ બ્રહ્મ છે. અને, આ સત્યનો ઉપદેશ કરાવનાર ઋષિ વેન છે. બ્રહ્મનું સવિસ્તાર વર્ણન ઉપનિષદોમાં થયેલું છે. સામવેદનો આ શ્લોક એ વાતનું સમર્થન કરે છે કે, ઉપનિષદો વેદોની સમજૂતી રૂપે રચવામાં આવ્યા હતા.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com
ઋગ્વેદની રચના પણ ભારતમાં જ થઈ એટલે સામવેદની રચના ભારતમાં જ થઈ હોય. આ બાબતમાં કંઈ વિવાદ નથી.
તમારી પાસે જે ટેક્સ્ટ છે તે જ મારી પાસે છે એટલે ત્રણ માળવાળા મકાનનો ખુલાસો શોધવા મેં બીજા સ્રોતો શોધ્યા. ગ્રિફિથના બે ભાગ છે પણ એની ગોઠવણ કંઈક જુદી છે એટલે આ મંત્ર હું શોધી શક્યો નથી.
સામવેદનો કાળ સાડાસાત હજાર વર્ષ પહેલાંનો હોય તો ઋગ્વેદ એના કરતાં બે હજાર વર્ષ જૂનો હોય! એ વખતે ખરેખર ત્રણ માળનાં મકાનો હોય તો એનો જવાબ પુરાતત્ત્વ વિજ્ઞાન આપી શકે.
એના કરતાં એમ માનીએ કે સામવેદની રચના લગભગ ઉપનિષદોની સાથે થઈ. ઋગ્વેદના અંતિમ ભાગોની રચના થતી હતી ત્યારે સમાજ બહુ વિકસિત થઈ ગયો હતો. મગધનું સામ્રાજ્ય બની ચૂક્યું હતું એટલે ત્રણ માળનો ઉલ્લેખ સામવેદને દૂરના અભૂતકાળને બદલે વધારે નજીકના ભૂતકાળમાં લઈ આવે છે, એમ મને લાગે છે. આ બાબાતમાં હજી વધારે શોધું છું તમને કોઈ અન્ય સ્રોત મળે તો કહેશો.
https://www.dkfindout.com/us/history/indus-valley-civilization/houses-in-indus-cities/
This might be called 3-story building
આ કલાકારની એક સારી કલ્પના છે. પરંતુ પુરાત્ત્વીય ખોદકામમાં ત્રણ માળ ન મળી શકે. છેક ભોંયતળિયા પર બધું ધસી પાદ્યું હોય એટલે ભોંયતળિયાની દીવાલો મળી શકે. ગ્રિફિથના અંગ્રેજી અનુવાદમાં ત્રણ માળને બદલે ત્રણ ધાતુ કે ત્રણ પદાર્થ છે. જો કે મને આનાથી પણ સંતોષ નથી.
હું એમ નથી કહેવા માગતો કે ત્રણ માળ એ વખતે હતા જ નહીં. મારું કહેવાનું એટલું જ છે કે આને મળતા બીજા કોઈ સાહિત્યિક પુરાવા હોય તો બધી જગ્યાએ બહુમાળી મકાનો હોવાનું માની શકાય. ઉપનિષદોના ઋષિઓ તો જંગલમાં રહેતા હતા અને એમની માગણી ત્રણ માળવાળાં મકાનોની ન જ હોય. બૌદ્ધ સાહિત્યમાં કે રામાયણ, મહાભારતમાં પણ આવા ઉલ્લેખો નથી, એવો મારો ખ્યાલ છે.
પરંતુ આ ‘માળ’ના કે ગ્રિફિથના ‘ધાતુ/પદાર્થના ઉલ્લેખનું મહત્ત્વ એ છે કે સામવેદની રચનાનો કાળ નક્કી કરવામાં એ ઉપયોગી થશે. તમે જાણો જ છો કે વૈદિક આર્યો આધ્યાત્મિક ઓછા હતા અને એમની દુનિયાની સુખસમૃદ્ધિની એમની મુખ્ય માગણી રહી છે. એટલે ત્રણ માળવાળું મકાન ઇચ્છવું એ આશ્ચર્યની વાત નથી.સવાલ એટલો જ છે કે આપણે બરાબર સમજ્યા છીએ કે નહીં.
મારી એક ભૂલ છે. મેં ઉપર ગ્રિફિથનું નામ લખ્યું છે પણ તે ખોટું છે. ડૉ. તુલસીરામના અંગેજી અનુવાદમાં three metals or materials છે.