ફિર દેખો યારોં : મહિલાઉત્કર્ષની દિશા સાચી કે આભાસી?

Facebooktwitterredditpinterestlinkedinmail

-બીરેન કોઠારી

ટેકનોલોજીના યુગમાં આધુનિકતા કેવળ વિવિધ ઊપકરણોના ઊપયોગથી જ આવે છે એમ માનવામાં આવે છે. વાસ્તવમાં આધુનિકતાનો સંબંધ કોઈ બાહ્ય બાબત સાથે નહીં, આંતરિક હોય છે, એટલે કે મન યા વિચાર સાથે હોય છે. લિંગભેદ મિટાવવાની વાતો હવે ચાલી રહી છે, એ દિશામાં છૂટાછવાયાં પગલાં પણ લેવાઈ રહ્યાં હશે, પણ લોકોના મનમાંથી એ ક્યારે મટશે એ સવાલ સૌથી મોટો છે. બહુ લાંબું વિચારવાની જરૂર નથી. ઘરના કોઈ મહિલાસભ્યની સાથે ઘરની બહાર નીકળવાનું બને ત્યારે ઊપલબ્ધ જાહેર સવલતોની જોગવાઈમાં મહિલાઓને ધ્યાનમાં રાખવામાં આવે છે કે કેમ એ સવાલનો જવાબ જાતે મેળવી લેવો. આધુનિકતાનો માપદંડ એ રીતે જાતે નક્કી કરી શકાય.

આ વરસે વિશ્વખ્યાત ‘મિસ અમેરિકા’ સૌંદર્યસ્પર્ધામાં એક ‘ક્રાંતિકારી’ પગલું ભરવામાં આવ્યું. 97 વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં ‘સ્વીમસ્યૂટ રાઉન્‍ડ’ (તરણહોજ પરિધાન) ની બાદબાકી કરવામાં આવી. આ સ્પર્ધાનાં અનેક રાઉન્‍ડ પૈકીનું આ એક રાઉન્‍ડ હતું, જેમાં ભાગ લેનારી યુવતીઓએ બીકીની ધારણ કરીને મંચ પર ઉપસ્થિત રહેવું પડતું અને એ રીતે નિર્ણાયકો તેમની દેહયષ્ટિ મુજબ ગુણ આપતા. અલબત્ત, સ્પર્ધકોને કે નિર્ણાયકોને આમાં કશું અજુગતું લાગતું નહોતું, કેમ કે, આ એક સ્વીકૃત પ્રણાલિ હતી. આમ જોઈએ તો આ સ્પર્ધા તેના નામ મુજબ ‘સૌંદર્ય સ્પર્ધા’ છે અને તેમાં મુખ્ય માપદંડ બાહ્ય સૌંદર્યનો છે. કરવા ખાતર તેમાં ‘આંતરિક સૌંદર્ય’ની એટલે કે સ્પર્ધકની હાજરજવાબીની ચકાસણી થાય ખરી. આ રાઉન્ડમાં પણ સ્પર્ધકો બીબાંઢાળ જવાબો આપે અને પોતે પોતાના સૌંદર્ય થકી વિશ્વભરનાં દીનદુ:ખિયાં માટે કંઈક કરી છૂટવા માંગે છે એમ જતાવે. દારૂના પીઠામાં બેસીને, દારૂ પીતાં પીતાં દારૂ ન પીવાના ફાયદા પર વક્તવ્ય આપવા જેવું આ નાટક લાગે. પણ આ નાટક પૂરી ગંભીરતાથી ભજવાય અને સ્પર્ધકના આંતરિક સૌંદર્યનું પણ મૂલ્યાંકન થતું હોવાનો દેખાવ થાય. અમેરિકા જેવા પ્રગતિશીલ ગણાતા દેશમાં આવી પ્રથા હોય તો તેની નકલ જેવી ભારતમાં યોજાતી સ્પર્ધાઓમાં આનાથી જુદો માહોલ શી રીતે હોઈ શકે? આ આખા ઊપક્રમમાં સૌથી હાસ્યાસ્પદ બાબત હોય તો તે એ કે પુરુષોની આદિમ વૃત્તિને અધિકૃતતા બક્ષતી આ સ્પર્ધામાં ભાગ લેનારી યુવતીઓ ‘આધુનિક’ ગણાય. તેના નિર્ણાયકો અને અન્ય દર્શકો પણ પ્રગતિશીલ ગણાય. ‘સ્વીમસ્યૂટ’નો ઊપયોગ તરણ વેળા કરવાનો હોય એ સામાન્ય જ્ઞાનની વાત છે. મંચ પર તે પહેરીને બોલાવવા પાછળ શો તર્ક હોય એ સમજવું પણ સામાન્ય જ્ઞાનની વાત છે. પણ ખેર! મહિલાઓની જાતીય સતામણી અટકાવવાને નામે આટલી ‘ક્રાંતિ’ થઈ એ પણ મોટી વાત ગણાય. અમેરિકા જેવા દેશની વાત હોય ત્યારે ખાસ.

ઘરઆંગણે ભારતમાં શી સ્થિતિ છે એ આપણે સૌ જાણીએ છીએ, છતાં અમુક બાબત જાહેર માધ્યમમાં મૂકાય ત્યારે તેને વધુ ગંભીરતાથી લેવી ઘટે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડાની ગ્રામ પંચાયતનાં સરપંચ શિવાંગી પટેલ નામનાં મહિલા છે. આ ગ્રામ પંચાયતનાં અડધાઅડધ સભ્યો મહિલા છે. આમ છતાં, ગ્રામ પંચાયતના મકાનમાં મહિલાઓ માટે શૌચાલયની અલાયદી સુવિધા નથી. બાજુમાં શૌચાલયનું મકાન અડધું બનેલું છે. 2016માં શિવાંગી પટેલ સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યાં ત્યાર પછી મહિલાઓ માટે આ સુવિધાની અલાયદી જોગવાઈ કરવાનું વિચારાયેલું. એ વાતને આજે દોઢેક વરસ વીતી ગયું. તેના કારણમાં રાજકારણ છે. શિવાંગી પટેલ વતી જિલ્લા પંચાયતના સભ્ય એવા તેમના પિતા ચેતન પટેલ કારોબાર સંભાળતા હોવાનો અન્ય સભ્યોનો આક્ષેપ છે. તેમની સામે અવિશ્વાસનો મત પસાર કરવામાં આવેલો, જેને અદાલતે નકારી કાઢ્યો હતો. પણ એ રાજકારણનો મામલો થયો. અલાયદા શૌચાલયની જરૂરિયાત રાજકારણથી પર હોવી જોઈએ એટલી સાદી સમજણનો સુદ્ધાં અભાવ હોય ત્યાં બીજી વાત શી કરવી?

મહિલા સભ્ય કે સરપંચ હોવાના કિસ્સામાં મોટે ભાગે એવું જોવા મળે છે કે તે કેવળ મહોરું હોય અને ખરેખરી સત્તા ઘરના કોઈ અન્ય પુરુષસભ્યની હોય. આ પણ એક સ્વીકૃત બાબત છે. મહિલાઉત્કર્ષ અને સમાનતાની વાત કરવી એક બાબત છે, અમલ બીજી બાબત છે અને તે માટેની માનસિકતા કેળવવી સાવ અલગ જ બાબત છે. આપણી ફિલ્મોમાં આજકાલ આધુનિક નારીઓના ચિત્રણનું પ્રમાણ વધ્યું છે, જેનું પાત્રાલેખન મોટે ભાગે પુરુષલેખક દ્વારા કરવામાં આવ્યું હોય છે. પડદા પરની આવી આધુનિકાઓને આધુનિકતાના નામે આખરે પુરુષો જેવી જ હરકતો કરતી બતાવાય છે. તે પુરુષની જેમ ધુમ્રપાન કે મદ્યપાન કરે છે. તે ગાળો પણ પુરુષની જેમ બોલે છે, પછી ભલે ને તે આખરે નારીકેન્‍દ્રી હોય! તેમને વસ્ત્રો પણ ઓછાં પહેરીને પરંપરાનો ધ્વંસ કરતી ચીતરાય છે, જે પણ પુરુષની મૂળભૂત આંતરિક વૃત્તિનું પ્રતિબિંબ છે.

આખી પરિસ્થિતિ બહુ વિચિત્ર છે. નારીમુક્તિની વાત પણ પુરુષ નક્કી કરે અને એ પણ પોતે ઈચ્છે એ મુજબ-એવો કશો ધ્વનિ સરવાળે નીકળતો લાગે. ચાહે એ દેશ કોઈ પણ હોય. આધુનિક દેશમાં કદાચ એનું સ્વરૂપ જુદું હોય એમ બને, જે ભારત જેવા વિકાસશીલ દેશમાં ભદ્દા સ્વરૂપે જોવા મળે.

ધર્મગ્રંથોને ટાંકીને નારીગૌરવની વાતો કરવી બહુ સહેલી છે. એમ કરવાથી નારીગૌરવ સ્થાપિત થઈ જતું નથી. આપણા જેવા દેશમાં જ્યારે જાહેર સ્થળોએ મહિલાઓ માટે અનિવાર્ય ગણાય એવી દેહધાર્મિક જરૂરિયાતો સાવ સહજપણે, પ્રચારના ઢોલનગારા પીટ્યા વિના ઊભી કરવામાં આવશે ત્યારે જ એ દિશામાં પહેલું કદમ ભર્યું ગણાશે. યાદ રહે કે એ સુવિધા નથી, જરૂરિયાત છે. એમ ન થાય તો પછી ‘મિસ અમેરિકા’ સૌંદર્યસ્પર્ધામાં ‘બીકીની રાઉન્ડ’ ન યોજાય કે સંખેડામાં મહિલા સરપંચ ચૂંટાઈ આવે એ બન્ને સ્થિતિ ભલે સાવ અલગ, છતાં મહિલાસન્માનની દિશામાં દોરી જતું કદમ લાગે, એ દિશાની લાંબી મજલનો એ આરંભ પણ માંડ ગણાશે.


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૬-૨૦૧૮ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:

ઈ-મેલ: bakothari@gmail.com

બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

1 comment for “ફિર દેખો યારોં : મહિલાઉત્કર્ષની દિશા સાચી કે આભાસી?

  1. June 27, 2018 at 8:34 am

    બીરેન ભાઈએ ધર્મગ્રન્થો અને મહીલાઓનો ઉલ્લેખ કરેલ છે.

    રામાયણમાં સીતાનો જન્મ, જીવન અને મરણ જુઓ. લગ્ન પછી અજ્ઞી પરીક્ષા કરવી પડેલ અને જંગલમાં પુત્ર જન્મ થયો. છેવટે ધરતીમાં સ્માઈ ગઈ.

    મહાભારતમાં ગાંધારીએ આખી જીંદગી આંખે પાટા બાંધેલ અને દ્રૌપદીને પાંચ પતી હતા અને ભીષ્મની હાજરીમાં વસ્ત્રો ઉતારવાની ક્રીયા ભરી રાજસભામાં થયેલ.

    રામ અને યુધીષ્ઠીર સામે હજી કાનુની કાર્યવાહી કરવી જોઈએ અને નજીકની બતીના થાંભલે લટકાવવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *