ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ === મ ણ કો ૧૯ ===

Facebooktwitterredditpinterestlinkedinmail

ભગવાન થાવરાણી

‘ હલફનામા ‘ શબ્દ પ્રથમ દ્રષ્ટિએ ઉર્દૂ ભાષાનો ભલે લાગે , ઉત્તર અને મધ્ય ભારતમાં કોર્ટ – કચેરીના કામોમાં આ શબ્દ રોજીંદા ઉપયોગમાં લેવાય છે. એ ઉર્દૂ ભાષાનો મટીને ગંગા- જમુની તહઝીબનો, હિંદુસ્તાની ભાષાનો શબ્દ બની ચૂક્યો છે. આપણા લોકો માટે એનો અંગ્રેજી પર્યાય  એફીડેવીટ  ( Affidavit ) અથવા સોગંધનામુ વધુ પ્રચલિત પ્રયોગ છે.

ભગવત રાવતે એકાધિક કવિતાઓ આ વિષય પર આપી છે. ખરેખર તો ગુજરાતી સહિત અનેક ભાષાઓના લબ્ધપ્રતિષ્ઠિત કવિઓએ આ વિષયને અલગ- અલગ રીતે બહેલાવ્યો છે જેનો પ્રધાન સૂર એવો હોય કે જગતમાં આવ્યા’તા તો સાવ નોખા જ હેતુસર અને લાગી પડ્યા સાવ નોખા જ કામોમાં ! ભગવતની આ મતલબની બે કવિતાઓ આ શ્રેણીના પ્રારંભે જ આપણે મણકા – ૧ અને મણકા – ૪ માં ચર્ચી ચૂક્યા છીએ, सच पूछो तो અને इस होल से શીર્ષક હેઠળ. આ જ વાત પણ લહેજો સાવ જુદો, જૂઓ આ કવિતામાં :

                                                         :   ह ल फ ना मा   :

जानता हुँ हलफ उठाने से कोई फ़ायदा नहीं

लोग केवल शब्दों को पकड़कर बैठ जाते हैं

सुनता नहीं अब कोई

उनके भीतर की आवाज़

फिर भी एक कोशिश और

भले, हो आख़िरी बार

 

सच मानिये

मैं सच पाने को निकला था घर से

सच बोलने वालों से ही मिलना चाहा था

उन्हीं के साथ ही जीना – मरना चाहा था

 

नफ़रत करना आता ही नहीं था

इर्ष्या करना तो जानता ही नहीं था

सुंदरता पर मुग्ध हो जाना पैदाईशी गुण था

 

ग़रीबी की फटी और मैली चादर मैंने ओढ़ी थी

दुख का दारूण चेहरा बचपन से देखा था

फूलों का यकबयक झुलस जाना देखा था

आदमकद हिंमत का पल भर में

बिखर जाना देखा था

 

सच मानें,  मैं सब के साथ

एक पत्तल में खा – पीकर सुखी हो जाता था

किसी भी पेड़ के नीचे

किसी भी पत्थर का सिरहाना बनाकर

थककर बेफ़िक्री से सो जाता था

 

सच तो यह है

मैं तो पेड़ों – पहाड़ों, नदियों – झरनों

पोखरों – तालाबों के हाल – चाल

पूछने निकला था घर से

कब से मौन पड़ी चट्टानों से बात करनी थी मुझे

पशुओं – पक्षियों में

उनका अपना होकर रहना चाहता था

 

क्या करने निकला था घर से

और बीच में कहाँ – कहाँ रह गया अटक के

बुरा हुआ है मेरे साथ

सच बहुत बुरा हुआ है

मुझसे कहा और गया था

और किया कुछ और गया है

 

मैं तो सारी की सारी माँओं का बेटा होना चाहता था

सारी की सारी बेटियों का पिता होना चाहता था

सारी की सारी भाषाओं में

बोलना – बतियाना चाहता था

ताल और लय के सारे के सारे वाद्यों की धुन पर

थिरकना – नाचना चाहता था

 

सच मानें

मैं अपने लिए कोई एक धर्म

कोई एक भाषा या कोई एक जाति ही

तो क़तई – क़तई नहीं चाहता था

 

मुझे पहले से पता होता

मैं आता ही नहीं इस पृथ्वी पर

सच मेरे साथ बहुत बुरा हुआ है

बताया कुछ और गया था

किया कुछ और गया है ….

                                                             – भगवत रावत

                    ગુજરાતી ભાવાનુવાદ :

                                                       :   સોગંધનામુ   :

જાણું છું સોગંધ લેવાનો કોઈ અર્થ નથી

લોકો કેવળ શબ્દોને પકડશે

કોઈ સાંભળતું નથી

એમની પાછળનો મર્મ

છતાં એક વધુ પ્રયત્ન

ભલેને છેલ્લીવાર

 

સાચું કહું છું

હું સત્ય શોધવા નીકળ્યો’તો ઘરેથી

સત્યવક્તાઓને જ મળવા માંગતો હતો

એમની સાથે જ જીવવા – મરવા ઇચ્છતો હતો

 

નફરત આવડતી જ નહોતી

ઈર્ષ્યા એટલે શું એ ખબર જ નહોતી

સુંદરતા પર ઓળઘોળ થવું જન્મજાત ગુણ હતો

 

મેં ઓઢી’તી ગરીબીની ફાટેલી અને મેલી ચાદર

દુખનો દારુણ ચહેરો બચપણથી જોયેલો

ફૂલોને પલકવારમાં ખાખ થતાં જોયેલાં

ભરપૂર હિંમતને પળવારમાં

છિન્નભિન્ન થતાં જોયેલી

 

ખરું કહું છું, હું તો બધા સાથે

એક પાતરમાં ખાઈ – પીને રાજી- રાજી થઈ જતો

કોઈ પણ ઝાડ નીચે

ગમે તે પત્થરનું ઓશીકું બનાવી

થાકીને નિશ્ચિંતતાથી સુઈ જતો

 

સત્ય તો એ પણ

કે હું તો વૃક્ષો – પહાડો, નદી – ઝરણા

તળાવ – સરોવરોના ખબર – અંતર પૂછવા

નીકળ્યો’તો ઘરેથી

ક્યારની મૌન સૂતેલી શિલાઓ સાથે વાતો કરવી હતી મારે

પશુ – પક્ષીઓ વચ્ચે

એમના જેવું થઈને રહેવું હતું

 

શું કરવા નીકળ્યો’તો ઘરેથી

અને વચ્ચે ક્યાં – ક્યાં અટવાઈ ગયો

બહુ ખોટું થયું મારી સાથે

ખરેખર બહુ જ ખોટું

મને કહેવામાં આવ્યું કંઈક

અને મારી સાથે કરવામાં આવ્યું સાવ જુદું

 

હું તો બધી જ માઓનો દીકરો થવા ઇચ્છતો હતો

બધી જ દીકરીઓના પિતા થવાની હોંશ હતી મને

બધી જ ભાષાઓમાં

બોલવા, ગપાટા મારવા માંગતો હતો હું

તાલ અને લયના બધા જ વાદ્યોની ધુન પર

ઝૂમવું – નાચવું હતું મારે

 

સાચું કહું છું

પોતાના માટે કોઈ એક જ ધર્મ

એક ભાષા કે એક જાતિ

તો હરગીઝ જોઈતી નહોતી મને

 

મને પહેલેથી ખબર હોત

તો આવત જ નહીં પૃથ્વી પર

ખરેખર બહુ ખોટું થયું મારી સાથે

બહુ જ ખરાબ

કહેવામાં આવ્યું કશુંક

કરવામાં આવ્યું સાવ અલગ …..!

                                                                  – ભગવત રાવત

વાત બસ આટલી કે કવિ કોઈક જૂદા જ હેતુ થી ‘અહીં’ આવ્યા હતા અને એમની સાથે એક પ્રકારની છેતરપિંડી થઈ છે અને આ વાત એ ‘આપણને ‘ કહેવા માંગે છે અને આ વાત આપણે આસાનીથી માનીશું નહીં એટલે સોગંધનામુ કરીને કહેવા માંગે છે. આ હલફનામા – એફીડેવીટ પણ એક અજબ પ્રક્રિયા છે જેમાં ; તમારી પાસે તમારી વાત સાબિત કરવાના દસ્તાવેજી આધાર – પુરાવા ન હોય એ સંજોગોમાં, સરકારશ્રીએ નીમેલા  ‘ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તુલ્ય ‘ એક અધિકારી સમક્ષ તમારે તે પૂરવાર કરવા નિવેદન કરવાનું હોય છે અને તમે એ વાત  ‘ સોગંધપૂર્વક ‘ એટલે કે  ‘ હલફ ઉઠાકર ‘ કહી હોવાથી બધા વહેવારિક હેતુઓ માટે એને આધિકારિક માનવામાં આવે છે ! 

શરૂઆતથી જ આપણા ઝેહનમાં પેલું મીના કપૂર – શૈલેન્દ્રવાળું ગીત ઘૂમરાયા કરે  ‘ કુછ ઔર ઝમાના કરતાં હૈ, કુછ ઔર હૈ ઝિદ મેરે મન કી ‘ અને શરૂઆતમાં જ કવિ ચોખવટ કરી દે છે કે સોગંધનામાનો પણ કોઈ ફાયદો નથી કારણકે લોકો એ શબ્દોનો કેવળ વાચ્યાર્થ પકડશે, નિહિતાર્થ નહીં !  રાજેન્દ્ર શુકલની એક ગઝલનો ઉપાડ આમ છે :

લો કરું કોશિશ ને ફાવે તો કહું

શબ્દ  જો  એને સમાવે તો કહું

કોઈને કહેવું નથી, એવું નથી

સ્હેજ તૈયારી બતાવે તો કહું !

એક પછી એક, કવિ ‘અહીં’ આવવાના એમના ઇરાદાઓનું બયાન કરતા જાય છે. આપણી સાંસારિક ભાષામાં કહીએ તો કવિ  ‘ વેદિયા ‘ છે અને વેદિયાની જેમ જ પોતાને સત્ય પામવું હતું, નફરત કરવી નહોતી, સૌંદર્યને ઉપાસવું હતું, સમગ્ર પ્રકૃતિ સાથે હળી- મળીને રહેવું હતું ઇત્યાદિ  ‘ બેમતલબની ‘ વાતો કરે છે. આપણને એકબાજૂ દુષ્યંત કુમાર યાદ આવે : 

कहीं पे धूप की चादर बिछा के बैठ गए

कहीं  पे छांव सिरहाना लगा के बैठ गए

તો બીજી બાજુ શૈલેન્દ્ર :

मैं आशिक  हुँ  बहारों का, नज़ारों का, फ़िज़ाओं का, इशारों का

मैं  मस्ताना  मुसाफ़िर  हुँ  जवाँ  धरती  के  अनजाने  किनारों का

જ્યાં ગીતના અંતે પણ શૈલેન્દ્ર અદ્દલોઅદલ ભગવતવાળી જ વાત કહે છે :

चला गर  सफ़र को कोई बेसहारा

तो मैं हो लिया संग लिये एकतारा

गाता हुआ, दुख भुलाता हुआ ….

વાતના મૂળ સૂધી જઈએ તો માત્ર ભગવત જ નહીં પણ દરેક માણસ ; જ્યાં સૂધી એના પર દુનિયાદારીના સંકૂલ પડળ ન ચડે ત્યાં સૂધી આવો જ હોય છે. માણસ પ્રકૃતિનો જ અંશ છે એટલે પ્રકૃતિમય થવું એની સ્વાભાવિક ગતિ અને પરિણતિ હોય છે પરંતુ પછી સમય અને સંજોગોનો માર એનો માર્ગ છેક જ ફંટાવી દે છે. કવિને પ્રકૃતિમય અને પારદર્શક બનવું હતું એના મૂળમાં વધારાની હકીકતો એ પણ છે કે એમણે સમજણો થયા પછી અકિંચનતા અને દારિદ્રયને નજરોનજર જોયા – અનુભવ્યા અને ભલભલા ભડવીર લોકોને સંજોગો આગળ લાચાર થતાં જોયા !

કવિનો વસવસો જોઈને આપણને સાહિર પણ યાદ આવે જેમણે એમના એક પ્રખ્યાત ગીતમાં લખ્યું :

भूल गई  सब वचन विदा के

खो गई मैं ससुराल मे आ के

કવિની ભાવુકતાની સરહદો ત્યાં ચરમને સ્પર્શે છે જ્યાં એ લગભગ સ્વયંભૂ ઉચ્ચારી બેસે છે કે મારે તો દુનિયાભરની માતાઓનો દીકરો અને દુનિયાભરની દીકરીઓના બાપ બનવું હતું ! આવી ઉદાત્ત વાત વિચારીને લખી શકાય નહીં ! પ્રેમ વિષે એવું કહેવાય છે કે પ્રેમ પામવો એ માનવીની જેટલી મોટી જરુરિયાત છે એ કરતાં પણ એની મોટી જરુરિયાત પ્રેમ આપવાની છે ! અહીં પણ કવિને સકળ સૃષ્ટિની માઓનો પ્રેમ પામવો છે અને સમગ્ર જગતની દીકરીઓને એ પ્રેમ આપવો પણ છે !

કવિ હોઈ,  એ ભાષા અને ભાષા જ્યાં અસમર્થ બને તો એના પરમ વિકલ્પ એવા સંગીતને કેમ ભૂલે ? કવિને એમની અભિવ્યક્તિ માટે કેવળ એક ભાષા મંજૂર નથી અને નર્તન – થિરકન માટે ચોક્કસ વાધ્યો પણ નહીં ! અને આ બધા ભાવોને હૃદયની ઊર્મિથી એ જ અનુભવી શકે જે કોઈ એક જાતિ કે ધર્મનો ન બની રહેતાં વિશ્વ – નાગરિક બને !

સાવ જ અલગ ભાષા અને પરિવેશના બે સમર્થ કવિઓ કેવી રીતે વર્ષોના અંતરાલને અતિક્રમીને સરખેસરખું વિચારી – લખી શકે એ જોવા આપણા પોતાના ઉમાશંકર જોશીના પ્રખ્યાત ગીતના બે બંધનું પઠન કરીને વિરમીએ :

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા

જંગલની કુંજ – કુંજ જોવી હતી

જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા

રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી

 

સૂના સરવરિયાની સોનેરી પાળે

હંસોની હાર મારે ગણવી હતી

જાળે ઝૂલંત કોક કોકિલાને માળે

અંતરની વેદના વણવી હતી ….


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

1 comment for “ભગવત રાવત : માણસ અને માણસાઈના કવિ === મ ણ કો ૧૯ ===

 1. mahesh joshi
  June 22, 2018 at 5:57 pm

  Great one. There are only few of mankind, who be what they wanted to be. But here he conveys thru HALAFNAMA. Also conveys his hurt feelings, but so he is a great poet. Like Sri Umashanker joshi , he also prefers to be with Nature only.

  ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા
  જંગલની કુંજ – કુંજ જોવી હતી
  જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા
  રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી
  Thanks for nice presentation.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *