





રવિવાર તો દર અઠવાડિયે આવે છે, પણ આ રવિવાર ખાસ રહ્યો. કારણ કે આજે મારી મમ્મીએ મને મારે બટાકાનું શાક બનાવતાં શીખવાડ્યું અને તેની સાથે મે “મારી પહેલી રસોઈનો અનુભવ” લીધો.
સૌ પ્રથમ મે કૂકર મૂક્યું. તેમાં થોડું તેલ નાખ્યું. તેલ થોડું ગરમ થયું ત્યારે તેમાં મેં રાઈ, જીરું, બે લાલ સૂકા મરચા, થોડી હિંગ નાખી વઘાર કર્યો. પછી એમાં બે ટમેટાની ગ્રેવી, સમારેલા બટેટા, ૧ ગ્લાસ પાણી નાખ્યું. પછી મસાલામાં મીઠું, ગરમ મસાલો, ધાણાજીરું, લાલ મરચાનો પાવડર, હળદર અને લીલી કોથમરી જીણી જીણી સુધારીને નાખી. પછી આખું શાક ચમચાથી મિક્સ કરી તે કુકર પર ઢાંકણું ફીટ કરી દીધું ને તેને મીડિયમ તાપે થવા દીધું. કૂકરની ત્રણ સીટી થયાં પછી ગેસ બંધ કર્યો ને કૂકરને ઠંડુ થવા દીધું. કૂકર સાવ ઠંડુ થઈ ગયું પછી પહેલાં મે એની સીટી કાઢી નાખી ને પછી કૂકર ખોલ્યું. મે જેવુ કૂકર ખોલ્યું તો શાકની સરસ સુગંધ આવી. એ સુગંધથી મારી દાદી રસોડામાં આવી ને પૂછવા લાગી “બિરજુ સરસ સુગંધ આવે છે. શેનું શાક બનાવ્યું છે?” આ સાંભળી મારી મમ્મી મારી સામે જોવા લાગી ને પછી હસીને કહે, મમ્મી આજનું શાક તો તમારી આ ઢીંગલીએ બનાવ્યું છે. આ સાંભળી મારી દાદીએ મારા માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો ને પછી કીધું “ લે મારી મહેકડી ક્યારે મોટી થઈ ગઈ? એ સાંભળીને હું યે ખુશ ખુશ થઈ ગઈ. પછી હું, મારી મમ્મી -પપ્પા ને દાદા -દાદી અમે બધાં જમવા બેઠા ત્યારે દાદા -દાદી કહે; મહેક તારું શાક તો તારા જેવુ જ ટેસ્ટી ટેસ્ટી બન્યું છે હોં.
તમે સાંભળ્યું ? મારા જેવું ટેસ્ટી ટેસ્ટી ….હા…હા…હા
– મહેક બિરજુબેન ગાંધી : ઉંમર ૧૨ વર્ષ : ઉત્કર્ષ સ્કૂલ રાજકોટ
મહેક ગાંધીનું વિજાણુ સંપર્ક સરનામું : mahekgandhi01@gmail.com
મહેંકના બધા અનુભવોમાંથી ‘મહેંક’ આવે છે. એ ઈ-વિદ્યાલય પર પણ છે !
http://e-vidyalay.blogspot.com/2018/05/blog-post_5.html
મીઠું, મરચી, ધાણા, જીરુ, હલદી, શાક તૈયાર…. વાહ વાહ…..
બહુ સરસ
મહેંક, રસોઇ ચાલુ રાખજે. દરેક સમાજમાં જે સ્ત્રી રસોઇ સારી જાણતી હોય એનું માન થાય છે. કારણ ભુખ બધાને લાગે છે.ભણેલ,અભણ ગરીબ ,શ્રીમંત. સારી રસોઇ કરનાર ગૃહીણીનો સંસાર પણ સુખી હોય છે.
Beta, Mahek made ghee aavi me shak banavi jaa ne. Tara jevi dikri na bathe rasoi Jamvi mane bahu gamshe.